રાહુલ ગાંધીએ વડોદરા ખાતે સંઘમાં મહિલાઓ અંગે ટિપ્પણી કરી હતી

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાહુલ ગાંધી હમણાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)માં મહિલાઓની ભાગીદારી બાબતે કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ મહિલાઓની હાજરીમાં જ સવાલ પૂછ્યો, “તમે આરએસએસની શાખામાં એક પણ મહિલાને ચડ્ડી પહેરેલી જોઈ છે? મેં તો ક્યારેય નથી જોઈ.”

તેમણે વધુમાં પૂછ્યું હતું, “મહિલાઓને આરએસએસમાં જોડાવાની છૂટ શા માટે નથી? બીજેપીમાં ઘણી મહિલાઓ છે, પણ મેં આરએસએસમાં કોઈ મહિલાને જોઈ નથી.”

તમને આ પણ વાંચવું ગમશે

રાહુલ ગાંધી આ નિવેદનને કારણે હેડલાઈન્સમાં ચમક્યા હતા.

રાહુલને જવાબ

રાહુલ ગાંધીના આ નિવેદનનો જવાબ આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે આપ્યો હતો.

'ઈન્ડિયન એક્સપ્રેસ' દૈનિકના અહેવાલ મુજબ, મનમોહન વૈદ્યે કહ્યું હતું કે રાહુલ ગાંધી પુરુષોની હોકીની મેચમાં મહિલાઓને રમતી જોવા ઈચ્છે છે. તેમણે મહિલા હોકીની મેચ જોવા જવું જોઈએ.

આરએસએસમાં મહિલા સભ્યો ખરેખર નથી? સંઘમાં મહિલાઓ માટે અલગ વિભાગ છે, જે રાષ્ટ્રીય સેવિકા સમિતિ તરીકે ઓળખાય છે.

દિલ્હીમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની 100થી વધુ અને આખા દેશમાં 3500થી વધુ શાખાઓ છે. દક્ષિણ દિલ્હીની આવી એક સમિતિમાં રોજ હાજરી આપતી સુષ્મિતા સાન્યાલ સાથે બીબીસીએ વાત કરી.

સુષ્મિતા હાલ 40 વર્ષનાં છે અને છેલ્લાં 16 વર્ષથી રાષ્ટ્રીય સેવિકા સમિતિ સાથે જોડાયેલાં છે.

રાષ્ટ્રીય મહિલા સમિતિનો યુનિફોર્મ

તે 2001માં બ્રિટિશ રેડક્રોસ માટે લંડનમાં કામ કરતાં હતાં, ત્યારે તેમને આ શાખા વિશે માહિતી મળી હતી. સુષ્મિતા ત્યારથી રાષ્ટ્રીય સેવિકા સમિતિ સાથે જોડાયેલાં છે.

તેમણે કહ્યું, “અમે સફેદ સલવાર-કમીઝ પહેરીએ છીએ. તેની સાથે ગુલાબી બોર્ડરવાળો સફેદ દુપટ્ટો ઓઢીએ છીએ. મહિલાઓ ઈચ્છે તો ગુલાબી બોર્ડરવાળી સફેદ સાડી પણ પહેરી શકે છે.”

રાહુલ ગાંધીના નિવેદન વિશે પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું, ''કોઈ એક વ્યક્તિની ઈચ્છા પ્રમાણે અમે અમારો પોશાક બદલી ન શકીએ.”

તેમણે ઉમેર્યુ, “અમારી પરંપરા 80 વર્ષથી ચાલી આવે છે, પણ આરએસએસમાં મહિલાઓ છે એ વાત રાહુલ ગાંધી નથી જાણતા?”

મહિલાઓનો સંઘ સાથેજૂનો સંબંધ

સુષ્મિતા કહે છે, “કોઈ પણ છોકરો કે છોકરી બાળપણથી જ બાલક કે બાલિકા શાખામાં જોડાઈ શકે છે. તરુણ શાખામાં કોઈ પણ ટીનેજર છોકરી જોડાઈ શકે છે.”

તેમણે કહ્યું, “મોટી વયની મહિલાઓ પણ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં ભાગ લઈ શકે છે. ઉંમરના એ તબક્કામાં તમને ભજન-કિર્તન પસંદ હોય તો તમે ધર્મ શાખામાં ભાગ લઈ શકો છો.”

દેશમાં વહેલી સવારે યોજાતી આરએસએસની શાખામાં મહિલાઓ ભલે ન જોવા મળતી હોય, પણ સુષ્મિતા જણાવે છે કે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આરએસએસ સાથે સંબંધ ધરાવતું સંગઠન છે.

એની શાખા દિવસમાં એકવાર જરૂર યોજવામાં આવે છે. તેનો સમય સ્થાનિક સભ્યોની સહમતીથી નક્કી કરવામાં આવે છે.

સેવિકા સમિતિ સાથે જોડાયેલાં મહિલા નેતા

રાષ્ટ્રીય સેવિકા સમિતિની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યા અનુસાર, સમિતિનું સૂત્ર છેઃ સ્ત્રી રાષ્ટ્રની આધારશિલા છે.

સમિતિની સ્થાપના 1936માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. લક્ષ્મીબાઈ કેલકરે મહારાષ્ટ્રના વર્ધામાં સમિતિની સ્થાપના કરી હતી.

નાગપુરમાં રહેતાં શાંતાક્કા હાલ સમિતિના પ્રમુખ સંચાલિકા છે. તેઓ 1995થી સમિતિ સાથે જોડાયેલાં છે.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન પણ જે તે સમયે રાષ્ટ્રીય સેવિકા સમિતિ સાથે જોડાયેલાં રહ્યાં છે.

દિલ્હી યુનિવર્સિટીના આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસર રાકેશ સિંહા કહે છે કે રાષ્ટ્રીય સેવિકા સમિતિ અને આરએસએસ એકમેકનાં પૂરક છે.

બન્નેનું સંગઠનાત્મક માળખું સમાન છે. બન્નેમાં એક મુખ્ય સંચાલક અને મુખ્ય સંચાલિકા હોય છે. બન્નેમાં પ્રચારક અને પ્રાન્ત પ્રચારક હોય છે.

રાહુલ ગાંધીના નિવેદન બાબતે રાકેશ સિંહાએ કહ્યું હતું કે ''એ નિવેદન રાહુલ ગાંધીનું અજ્ઞાન દર્શાવે છે. એટલે જ તેમણે 80 વર્ષ જૂના સંગઠન વિશે આવો સવાલ પૂછ્યો.''

તેમણે આગળ ઉમેર્યું, ''શું રાણી લક્ષ્મીબાઈ કે કમલા નહેરુ ચડ્ડી પહેરીને આઝાદીની લડાઈ લડ્યાં હતાં? અમે મહિલાઓને પુરુષો પર આધારિત નહીં, આત્મનિર્ભર ગણીએ છીએ. તેથી તેમનું અલગ સંગઠન છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો