You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : વિદેશથી લાવેલો દારૂ ઘરમાં રાખી શકાય કે નહીં
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે દારૂના સેવન પર પ્રતિબંધ લાગેલો છે.
જોકે, ખાસ કિસ્સામાં કેટલીક વ્યક્તિને છૂટ આપતા નિયમો પણ સરકારે બનાવેલા છે.
આ મામલાને ઉજાગર કરતી ઘટના તાજેતરમાં જ સુરત જિલ્લામાં બની હતી. પહેલાં જોઈએ કે શું હતો એ મામલો.
દારૂની પરમિટ મામલે સુરત જિલ્લાના બારડોલીમાં રહેતા અમેરિકાના નાગરિકને ત્યાં પોલીસે દરોડા પાડ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રકાશ પટેલ અને ફાલ્ગુની પટેલ છેલ્લાં 25 વર્ષથી અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.
તેઓ વિદેશથી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે મોટાભાગે ત્યાંથી પરમિટ સાથેનો વિદેશી બ્રાન્ડનો દારૂ સાથે લાવતા હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
30 ઑગસ્ટના રોજ તેમના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા. જોકે, આ દરોડાની ઘટના ચર્ચાનો વિષય બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૂળ ગુજરાતી એવા અમેરિકાના આ દંપતીએ દરોડા પાડનારી પોલીસ સામે ફરિયાદ કરી છે કે તેમની સાથે ગેરવર્તણૂક કરાઈ છે અને તેમની પાસે કાયદેસરનો દારૂ હતો.
આમ, ગુજરાતમાં દારૂ કોણ રાખી શકે? ખરીદી શકે અને કેટલો દારૂ રાખી કે ખરીદી શકે તે મહત્ત્વનો સવાલ છે.
'અમારી પાસે યુએસથી લાવેલો પરમિટવાળો દારૂ હતો'
બીબીસી સાથેની વાતચીતમાં પ્રકાશ પટેલે જણાવ્યું, "30 ઑગસ્ટની બપોરે હું અને મારી પત્ની બેઠાં હતાં, ત્યારે આઠ પોલીસકર્મી ઘરમાં ઘુસ્યા અને તમામ બારણાં બંધ કરીને અમારા મોબાઇલ ફોન છીનવી લીધા."
"હું અને મારી પત્ની એકદમ ગભરાઈ ગયાં. પોલીસ ઓફિસરે અમને અમારા ઘરમાં દારૂ છે કે નહીં એવું પૂછ્યું."
"અમે હા કહેતાં પોલીસે તમામ દારૂ પરમિટનો હોવા છતાં જપ્ત કરી લીધો."
"વિનંતી છતાં અમારી પરમિટ તપાસી નહીં અને અમારી સાથે ગેરવર્તણુક કરી."
"મને ડાયાબિટીસ હોવાથી તબિયત કથળતાં પત્નીએ ડૉક્ટરને ફોન કરવા મોબાઇલ માંગ્યો તો પણ આપ્યો નહીં."
પોલીસે 7 લાખ પડાવ્યોનો આક્ષેપ
સમગ્ર ઘટના વિશે વધુ જણાવતા તેમણે કહ્યું, "પોલીસે અમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દેવાની ધમકી પણ આપી. વળી મારી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા."
"આખરે ડરીને મજબૂરીમાં મેં 7 લાખ રૂપિયા આપ્યા. તેઓ અમારા પૈસા અને દારૂની બોટલો લઈને જતા રહ્યા."
"જોકે, જતાં જતાં તેઓ અમારા ઘરના સીસીટીવી ફૂટેજનું ડીવીઆર પણ લઈ ગયા."
"મેં ઉપરી અધિકારીને ફરિયાદ કરવાનો નિર્ણય કરતાં અમારા પૈસા પરત કરી દેવાયા."
"જોકે, તેઓ અમારી પાસેથી 21 બોટલો લઈ ગયા હતા તેમાંથી માત્ર પાંચ જ પરત કરી. જેમાંથી એક ખાલી હતી."
"અમારી સાથે ખૂબ જ વાહિયાત વર્તન કરવામાં આવ્યું અને અમારી વસ્તુઓ પણ ખોટી રીતે જપ્ત કરી લેવાઈ."
"સમગ્ર ઘટનાને પગલે અમે સમયસર યુએસ પરત નથી જઈ શક્યા. ત્યાં બાળકો ચિંતામાં છે."
દરોડા પાડનારી પોલીસ ટીમ સામે ફરિયાદ
ગુજરાતમાં દારૂની પરમિટ અને દારૂ રાખવા મામલેના પડકારો ઉપરોક્ત ઘટના પરથી સમજી શકાય છે.
બારડોલી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સબ- ઇન્સ્પેક્ટર વી. આર. ચૌધરીએ આ દરોડા પાડ્યા હતા.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે,"અમે વૉરન્ટ સાથે દરોડા પાડ્યા હતા. પછી પંચનામું કર્યું હતું અને કોઈ મુદ્દામાલ જપ્ત કર્યો નથી."
"અમે કોઈ નાણાં નથી લીધા. વળી કોઈ દુર્વ્યવહાર પણ નથી કર્યો."
"તેમની પાસેથી અમને પરમિટથી વધુની કોઈ વસ્તુ મળી નથી અને કશું જપ્ત કરવામાં આવ્યું નથી."
સમગ્ર ઘટનાને પગલે પ્રકાશ પટેલે સુરતના રેન્જ આઈજીપી રાજકુમાર પાંડિયનને ફરિયાદ કરી છે. જેમાં તેમણે સમગ્ર બાબત જણાવી છે.
ફરિયાદને પગલે આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયને ડીવાય. એસ. પી હેતલ પટેલને તપાસ સોંપી છે.
વડા પ્રધાન અને મુખ્ય મંત્રી કચેરીને રજૂઆત
દરોડાના કારણે આવી પરિસ્થિતિમાં મૂકાયેલા પ્રકાશ પટેલે ટ્વીટ કરીને વડા પ્રધાન કચેરી, વિદેશ મંત્રી અને ગુજરાતના મુખ્ય મંત્રીને પણ ટૅગ કર્યા છે.
જેમાં તેમણે ફરિયાદની નકલ સાથે પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગણી કરી છે.
આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારી ડીવાય. એસ. પી હેતલ પટેલે બીબીસીને જણાવ્યું કે, "હાલ તપાસ ચાલી રહી છે અને તમામના નિવેદન લેવામાં આવી રહ્યાં છે."
ગુજરાતમાં વિદેશમાંથી દારૂ લાવી શકાય? કોણ લાવી શકે?
બીબીસીએ જાણવાની કોશિશ કરી કે વિદેશમાંથી કોઈ ગુજરાતમાં દારૂ લાવી શકે?
જો લાવી શકે તો કેટલો લાવી શકે તથા ઘરમાં કેટલો દારૂ રાખી શકાય?
સુરતના પ્રોહિબિશન ઍન્ડ એક્સાઇઝ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ ટી. એન. ચરખાવાલાએ આ મામલે કહ્યું, "ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ વિદેશથી આવતા લોકો અને પ્રવાસીઓને ખાસ નિયમ હેઠળ કેટલીક છૂટ આપવામાં આવેલી છે."
"તેઓ વિદેશથી દારૂ લાવી શકે છે અને ઍરપૉર્ટ પરથી કે સંબંધિત એમ્બેસીમાંથી પરમિટ ઇસ્યૂ કરાવી શકે છે."
"તેમને પરમિટ દીઠ નિશ્ચિત યુનિટ (દારૂની બૉટલ) રાખવાની છૂટ હોય છે."
અન્ય રાજ્યની વ્યક્તિ દારૂ લાવી શકે?
શું કોઈ અન્ય રાજ્યની વ્યક્તિ ગુજરાતમાં દારૂ સાથે પ્રવેશી શકે? પછી પરમિટ લઈને તેનો ઉપયોગ કરી શકે?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, "ગુજરાતમાં આ રીતે કોઈ પણ પ્રકારના દારૂ સાથે પ્રવેશ ન મળી શકે."
"તે ગેરકાયદેસર છે. વળી અન્ય રાજ્યની પરમિટ ગુજરાતમાં પણ ચાલે એવું જરૂરી નથી."
"આથી અન્ય રાજ્યની વ્યક્તિ સંબંધિત પ્રમાણપત્રો સાથે ગુજરાતમાંથી પરમિટ કઢાવીને અહીંથી જ દારૂ ખરીદીને ઉપયોગ કરી શકે છે."
"વળી આ પરમિટ નિશ્ચિત સમય માટેની અને નિશ્ચિત (બૉટલ દીઠ) યુનિટ માટે હોય છે."
"આમ પરમિટ વગર ઘરમાં રાખેલો કોઈ પણ દારૂ ગેરકાયદેસર ગણવામાં આવે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો