You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાર પગ-એક માથું કે ચાર હાથ ધરાવતાં બાળકો કેમ જન્મે છે?
- લેેખક, મીના કોટવાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક બાળક ચાર પગ અને બે લિંગ સાથે જન્મ્યું હતું પણ જન્મના બે દિવસ પછી મૃત્યુ થઈ ગયું.
આ મામલો ગોરખપુરના સહજનવા ગામનો છે, જ્યાંની સરકારી હૉસ્પિટલમાં 15 સપ્ટેમ્બરે આ બાળકનો જન્મ થયો હતો.
બીબીસી સાથે વાત કરતા આ પરિવારના પાડોશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે બાળકના જન્મના બે દિવસ બાદ મૃત્યુ થયું હતું.
તેઓ કહે છે, "બાળકના ચાર પગની સાથે બે લિંગ હતાં, જેના કારણે બાળક પેશાબ જ નહોતો કરી શકતો. એ સિવાય મળત્યાગ કરવાની જગ્યા પણ નહોતી."
તેઓ કહે છે કે જ્યારે સૉનોગ્રાફી રિપોર્ટ આવ્યા ત્યારે ખબર પડીકે બધું જ નોર્મલ છે.
બીમારી કે અજાયબી?
ભારતમાં આ પ્રકારનાં બાળકોને અલગઅલગ દૃષ્ટિએ જોવામાં આવે છે.
કોઈ તેને શુભ માને છે તો કોઈ અશુભ માને છે, તો કોઈ અજાયબી માને છે. પણ આ પ્રકારના બાળકનો જન્મ અજાયબી છે કે બીમારી?
મૅક્સ હૉસ્પિટલમાં બાળરોગોના નિષ્ણાત ડૉક્ટર કપિલ વિદ્યાર્થી કહે છે કે આ પ્રકારે બાળકનો જન્મ થાય એ આશ્ચર્યની વાત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં આ મામલો જોડિયાં બાળકો સાથે જોડાયેલો છે. માના ગર્ભમાં અંડ બન્યા બાદ ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે ગર્ભમાં જોડિયાં બાળકો સંપૂર્ણ રીતે વિકસિત થઈ શકતાં નથી.
ડૉક્ટર વિદ્યાર્થીને આ મામલો કંઈક આ રીતે સમજાવે છે.
"આ પ્રકારના મામલાઓમાં અંડનો જેટલો ભાગ જોડાયેલો હોય, એટલો ભાગ વિકસિત નથી થતો અને બાકી ભાગ વિકસિત થઈ શરીરનું અંગ બની જાય છે."
"એટલે કે કોઈ અંડ સંપૂર્ણ રીતે બે ભાગોમાં વિભાજિત ન હોય તો જ્યારે બાળક જન્મે ત્યારે તેના શરીરના અંગ જોડાયેલા હોય એવું શક્ય છે."
તેઓ કહે છે, "જો માના ગર્ભમાં અંડ સંપૂર્ણ રીતે બે ભાગોમાં વિભાજીત થઈ જાય તો જોડિયાં બાળક જન્મ છે. જો સંપૂર્ણરીતે અંડ વિભાજીત ન થાય તો બે પ્રકારના જોડિયાં બાળકો જન્મી શકે છે."
બે પ્રકારનાં જોડિયાં બાળકો
મૅક્સ હૉસ્પિટલના બાળરોગોના નિષ્ણાત ડૉક્ટર પી ધર્મેન્દ્ર કહે છે કે ગોરખપુરમાં જન્મેલું બાળક 'પૅરાસિટિક ટ્વિન'નું એક ઉદાહરણ છે.
સરળ શબ્દોમાં સમજાવતા ડૉક્ટર ધર્મેન્દ્ર કહે છે, "આ કિસ્સામાં જોડિયાં બાળકોનો જન્મ થવાનો હતો પણ કોઈ કારણસર તે વિકસિત ન થઈ શક્યાં અને તેમનાં શરીરનાં કેટલાક અંગો વિકસિત થયાં. આ કારણથી પૂરી રીતે વિકસિત ન થઈ શકવાના કારણે એક જ બાળકના વધારે અંગ બની ગયાં."
આ રીતે જ 'કંઝૉઇન્ટ ટ્વિન' પણ હોય છે. આવા બાળકોનાં શરીરનો કેટલોક ભાગ અથવા કોઈ એક ભાગ જોડાયેલો હોય છે.
બન્ને પ્રકારના કિસ્સાઓમાં ઑપરેશન કરીને જોડાયેલા અંગ અલગ કરી શકાય છે.
ડૉક્ટર ધર્મેન્દ્રનું કહેવું છે કે જો બાળકોનાં શરીરનો નીચલો ભાગ જોડાયેલો હોય તો તેને અલગ કરવો મુશ્કેલ બનતો હોય છે. કારણ કે એવું કરવાથી બાળકનું લિંગ કામ કરવાનું બંધ કરી દે એવું પણ શક્ય છે.
ઇલાજ શું હોઈ શકે?
માના ગર્ભમાં જો આવું બાળક ઊછરી રહ્યું હોય તો આ અંગે જાણી શકાય છે અને જો માતાપિતા ઇચ્છે તો ગર્ભપાત કરાવી શકે છે.
ડૉક્ટર કહે છે કે ચાર કે પાંચ મહિનાનો ગર્ભ હોય ત્યારે સૉનોગ્રાફી દ્વારા બાળકની સ્થિતિ જાણી શકાય છે.
ડૉક્ટર ધર્મેન્દ્ર જણાવે છે કે આ પ્રકારના કેસોમાં એક અન્ય તરકીબ અપનાવાય છે.
તેઓ કહે છે, "જો મહિલાના ગર્ભમાં એકથી વધારે બાળકો છે અને એક બાળક યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું હોય અને બાકી બાળકો ન થતાં હોય તો તેમને 'ઇંજેક્ટ' કરીને ખતમ કરી શકાય છે."
"જેથી વિકસિત થઈ રહેલા બાળકને મા પાસેથી પૂરતું પોષણ મળી રહે. જો એવું ન કરીએ તો માનું પોષણ તમામ બાળકોમાં વિભાજીત થશે અને એક પણ બાળક યોગ્ય રીતે નહીં વિકસી શકે."
જોડિયાં બાળકોના જન્મનું કારણ
બાળરોગના નિષ્ણાત ડૉક્ટર પી ધર્મેન્દ્ર માને છે કે આઈવીએફના કારણે જોડિયાં બાળકો જન્મે એવા કિસ્સા વધારે સામે આવે છે.
તેઓ કહે છે, "આઈવીએફનો ઉપયોગ કરવાથી મહિલાના શરીરમાં એકથી વધારે અંડ પહોંચે છે, જેના કારણે જોડિયાં બાળકો જન્મવાની શક્યતા વધી જાય છે."
આઈવીએફ એવી તકનીક છે જેના દ્વારા અંડાકોશ અને શુક્રાણુઓને પ્રયોગશાળામાં ભેળવીને ભ્રૂણનું માના ગર્ભમાં નિરૂપણ કરવામાં આવે છે.
જોકે ડૉક્ટર ધર્મેન્દ્રનું કહેવું છે કે આ પ્રકારના કિસ્સા આઈવીએફની સાથેસાથે પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કરતી મહિલાઓમાં પણ જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો