આ હૃદયદ્રાવક તસવીરે થોડા દિવસોમાં લાખો રૂપિયા એકઠા કર્યા

    • લેેખક, મીના કોટવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં ફરી એકવાર ગટરની સફાઈ માટે ઊતરેલા સફાઈકર્મીનું મૃત્યુ થયું છે.

મૃતક અનિલ(ઉ.વ.37) દિલ્હીના પશ્ચિમ ડાબરી વિસ્તારમાં પત્ની રાની અને ત્રણ બાળકો સાથે ભાડાના મકાનામાં રહેતા હતા.

14 સપ્ટેમ્બરના રોજ પાડોશમાં રહેતી એક વ્યક્તિએ તેમને ગટરની સફાઈ માટે બોલાવ્યા હતા. જ્યારે અનિલ ગટરમાં ઊતરી રહ્યા હતા, ત્યારે તેમની કમર ફરતે બાંધેલું દોરડું તૂટી જતા તેઓ 20 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયા હતા.

ત્યારબાદ અનિલને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

ડાબરી પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય પાલે જણાવ્યું, "અનિલ ખાનગી કામ કરતા હતો. મકાન માલિકે તેને ગટરની સફાઈ માટે બોલાવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થયું."

તેઓ આગળ ઉમેરતા કહે છે કે સફાઈ માટે બોલાવનારા સતબીર કલા વિરુદ્ધ ગેરઇરાદાપૂર્વક હત્યા, લાપરવાહીને કારણે મૃત્યુ અને એસસી-એસટી ઍક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

જોકે, હાલમાં અપરાધી ફરાર હોવાને કારણે તેમની ધરપકડ થઈ નથી.

મૃત્યુ માટે કોણ જવાબદાર?

આ પહેલાં પણ આ મહિનાની નવમી તારીખના રોજ ગટરમાં ઊતરવાને કારણે પાંચ વ્યક્તિના જીવ ગયા હતાં. તેમાં પણ આ રીતે જ સુરક્ષા વિના ગટરમાં ઊતરવાને કારણે ઘટના ઘટી હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં 11 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારે જિંદગી ગુમાવનારાઓ માટે સરકાર અને ખાનગી કંપનીઓ પોતાની જવાબદારી નક્કી નથી કરી રહ્યા.

આ સંદર્ભે અમુક લોકો છે જેઓ સોશિયલ મીડિયા પર અનિલના પરિવારની મદદ કરી રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેમની પાસે અનિલના અંતિમસંસ્કારના પૈસા પણ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

સોશિયલ મીડિયા પર અનિલના અંતિમસંસ્કાર માટે 'ક્રાઉડફન્ડિંગ' મારફતે પૈસા એકઠા કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 50 લાખ રૂપિયા એકઠા કરી લેવાયા છે.

મુંબઈ સ્થિત 'કેટ્ટો ઑર્ગેનાઇઝેશન' છે જે સોશિયલ મીડિયા પર 'ક્રાઉડ ફન્ડિંગ' મારફતે પૈસા એકઠા કરવાનું કાર્ય કરે છે. આ વેબસાઇટ મારફતે અનિલના પરિવાર માટે પૈસા એકઠા કરવામાં આવ્યા છે.

કેટ્ટો 'દિલ્હીની ગટરમાં સફાઈ કર્મચારીનાં મૃત્યુ, પરિવાર અંતિમસંસ્કાર કરવા માટે અસમર્થ છે. મેહરબાની કરીને મદદ કરો' નામે પૈસા એકઠું કરી રહ્યું છે.

આ પેજ પર અનિલના પરિવારના સભ્યોની તસવીર અને અનિલનાં મૃત્યુની ઘટના અંગે માહિતી અપાઈ છે.

અંતમાં લખ્યું છે કે આ પૈસા બાળકોના અભ્યાસ અને પરિવારના કલ્યાણ માટે ખર્ચાશે. અમુક રકમ ભવિષ્ય માટે જમા કરવામાં આવશે.

આ અભિયાન હેઠળ 2337 લોકોએ પૈસા આપી મદદ કરી છે. લોકો પેટીએમ, ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ વગેરે મારફતે સહયોગ કરી રહ્યાં છે.

કેટ્ટોના સિનિયર ઍક્ઝિક્યૂટિવ કંવલજીત સિંહે બીબીસીને જણાવ્યું, "જો નિર્ધારિત રકમ કરતાં વધુ પૈસા એકઠા થઈ જશે, તો જરૂરિયાત ધરાવતા લોકોને મદદ કરવામાં આવશે."

તેમણે એવું જણાવ્યું કે જે દિવસે પૈસા એકઠા કરવાનું બંધ થશે તેના 24થી 72 કલાકમાં જમા રકમ લાભાર્થીઓનાં ખાતામાં પહોંચી જશે.

આ પૈસાનું શું કરશે પરિવાર?

આ સવાલનો જવાબ આપતા મૃતક અનિલનાં પત્ની રાની કહે છે, "જો મને આ પૈસા મળશે, તો હું મારા બાળકોને સારું શિક્ષણ અપાવીશ. જેથી કરીને તેઓ આ કામ ના કરે."

તેઓ આગળ કહે છે, "અનિલ બાળકોને ડૉક્ટર અને પોલીસ અધિકારી બનાવવા માગતા હતા. હવે તેઓ નથી રહ્યા પરંતુ હું ઇચ્છું છું કે મને એટલા પૈસા મળી જાય કે બાળકોને આ કામ ન કરવું પડે. હું પૈસાથી ઘર લેવા માગું છું જેથી અમારે ભટકવું ના પડે."

અનિલનો મામલો આટલો કેમ ચર્ચાયો?

અનિલનાં મૃત્યુ અને તેમના પરિવારની ખરાબ હાલત ત્યારે ચર્ચામાં આવી જ્યારે શિવ સન્ની નામના પત્રકારે અનિલના શબ પાસે રડી રહેલા તેમના પુત્રની તસવીર ટ્વિટર પર મૂકી.

થોડી જ વારમાં આ તસવીરને હજારો લોકોએ રિટ્વીટ કરી હતી. ત્યારબાદ અનિલના પરિવારની મદદ માટે અભિયાન ચાલ્યું હતું. જાણીતા પત્રકારો, સમાજસેવકો અને ફિલ્મ અભિનેતાઓએ પણ આ તસવીરને રિટ્વીટ કરી અને અનિલના પરિવારને મદદ કરવા માટેના અભિયાનને આગળ વધાર્યું.

કેટ્ટોના કંવલજીત સિંહ કહે છે કે અનિલની સ્થિતિ વિશે તેમને સ્વાસ્થ્ય અને હોનારત સમયે મદદ કરતા 'ઉદય ફાઉન્ડેશન' પાસેથી ખબર પડી અને આ અંગે કામ શરૂ કરી દીધું.

તેઓ કહે છે, "ઉદય ફાઉન્ડેશને મને ટૅગ કરીને ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ અમે તેમનો સંપર્ક કર્યો અને તેમના પરિવારની સ્થિતિ સમજીને અમે લાઇવ કૅમ્પેન શરૂ કરી દીધું."

ગાર્ગી રાવત, યશવંત દેશમુખ અને શિવ સૈની પત્રકાર છે જેમણે અનિલ દ્વારા શરૂ કરાયેલા કૅમ્પેન અંગે ટ્વીટ કર્યું છે. એ સાથે જ મનોજ વાજપેયી અને અન્ય અભિનેતાઓએ અનિલ માટે ટ્વીટ કર્યું હતું.

સોશિયલ મીડિયાથી આટલો પૈસો કેમ આવ્યો?

આ પ્રકારની ઘટનાઓ આપણી આસપાસ છાશવારે થતી જ રહે છે, પણ ક્યારેક આપણું ધ્યાન જાય છે તો ક્યારેક આપણે નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ જોવા મળે છે કે જો કોઈ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમ થકી બહાર આવે ત્યારે લોકો એના પર વિશ્વાસ કરે છે.

કઠુઆ ગૅંગરેપ, કેરળની હોનારત અને હવે અનિલના પરિવારની મદદ માટે ચલાવેલું અભિયાન અંગે પણ એવું જ જોવા મળ્યું છે.

'ક્રાઉડ ન્યૂઝિંગ'ના સંસ્થાપક અને કઠુઆ ગૅંગરેપ અને મૉબ લિંચિંગ પર અભિયાનની શરૂઆત કરનાર બિલાલ ઝૈદી કહે છે કે સોશિયલ મીડિયા જ્યારે શરૂ થયું તો લોકોને લાગ્યું કે લોકો સાથે જે થઈ રહ્યું છે, તેને અન્ય લોકો સુધી પહોંચાડવાનું આ માધ્યમ છે.

પછીથી કેટલાક લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલાક એવા પરિવારોની મદદ માટે કર્યો કે જેમણે મદદની જરૂર હતી.

તેઓ કહે છે, "આ પ્રકારે જ આ કૅમ્પેનમાં પણ જોવા મળ્યું કે જ્યારે સોશિયલ મીડિયા પર મૃત પિતા અને તેમના રડી રહેલા પુત્રની તસવીર વાઇરલ થઈ ત્યારે લોકો ભાવુક થઈ રહ્યા હતા. એટલે વિચાર આવ્યો કે આ લોકોની મદદ માટે ક્રાઉડફન્ડિંગ જેવું કંઇક કરવું જોઈએ."

સોશિયલ મીડિયા પર આટલી રકમ એકઠી થઈ એના કારણો અંગે ઝૈદી કહે છે કે લોકોને ભરોસો છે કે જે પૈસા તેઓ મદદ કરવા માટે આપી રહ્યા છે, તેનો યોગ્ય ઉપયોગ થશે.

તેઓ કહે છે, "આજના સમયમાં કોઈ વ્યક્તિ પર પૈસાને લઈને વિશ્વાસ મૂકવો મુશ્કેલ છે. પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારના અભિયાનો સાબિતી આપે છે કે લોકોના પૈસા ક્યા જઈ રહ્યા છે. લોકોને પોતાના પૈસા યોગ્ય જગ્યાએ જાય એની ગૅરંટી જોઈએ છે અને આ પ્રકારનાં અભિયાનમાં તમામ જાણકારી તેમને સ્ક્રીન પર મળી જતી હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો