આ દલિતોને કોણે માર્યા? રિંગટોન પણ બની હત્યાનું કારણ

SC/ST (પ્રિવેન્શન ઑફ એટ્રૉસિટીઝ) ઍક્ટના દુરુપયોગ બાબતે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમજ કોર્ટે આ કાયદા હેઠળ આરોપીની તરત ધરપકડ કરવાને બદલે પહેલા તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

SC/ST એક્ટની રચના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અત્યાચાર તથા ભેદભાવથી બચાવવા માટે કરવામાં આવી છે.

મુંબઈમાં ફોટોગ્રાફર ઓલવેએ એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં તેઓ તસવીરોનાં માધ્યમથી દલિતોની વ્યથા વર્ણવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા અત્યાચારોને આ પ્રદર્શનમાં આવરી લેવાયા છે.

આંબેડકર જયંતીની ઉજવણી કરતાં થઈ હત્યા

આંબેડકર જયંતીની ઉજવણી કરવા બદલ ચિખલી ગામના રહેવાસી માણિકની ચાર લોકોએ મળીને હત્યા કરી હતી.

હાલ હત્યાના આરોપીઓ જેલમાં છે, પરંતુ માણિકના ભાઈ તેમની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છે. તેમને હજી પણ આ ઘટનાનો ડર સતાવી રહ્યો છે.

કૂવા ખોદવાની મળી સજા

મહારાષ્ટ્રનાં સતારાનાં કુલાકેઝાઈ ગામમાં રહેતા મધુકર ઘાઘડે પર 12 લોકોએ હુમલો કર્યો અને તેમની હત્યા કરી નાખી.

આરોપ છે કે કૂવો ખોદવાના મામલે મધુકરની હત્યા કરવામાં આવી હતી.

જોકે, પુરાવાના અભાવે સેશન કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા હતા.

રિંગટોનને કારણે કરાઈ હત્યા

24 વર્ષના સાગર શેઝવડની રિંગટોન બદલવાના મામલે હત્યા કરવામાં આવી હતી.

સાગર જ્યારે દારૂની દુકાને ખરીદી માટે ગયા ત્યારે તેમને ફોન કૉલ આવ્યો. તેમના ફોનની રિંગટોન ત્યાં હાજર કેટલાક પીધેલા લોકોને ન ગમી.

આ લોકોએ તેમને ફોનની રિંગટોન બદલવાનું કહ્યું. જોકે, સાગરે ના પાડતાં મામલો બિચક્યો અને બબાલ થતાં સાગરની હત્યા કરી નાખવામાં આવી હતી.

જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ તેઓ તરત જ જામીન પર છૂટી ગયા હતા.

પારધી સમુદાયની વ્યથા

મહારાષ્ટ્રનાં મરાઠાવાડાનાં ગેવરાઇટ ગામમાં પારધી સમુદાય વસતો હતો.

વર્ષ 2016માં તે જ ગામના ઉચ્ચ વર્ગના લોકોએ તેમના ઘરોમાં તોડફોડ કરી હતી.

આ ઘટનાનો ભોગ બનેલા લોકોનું કહેવું છે કે પોલીસે એફઆઈઆર પણ નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.

છોકરી સાથે વાત કરવા જતા હત્યા

મહારાષ્ટ્રના જ અહેમદનગરમાં એક છોકરી સાથે વાત કરવા જતા દલિત યુવકની હત્યાની ઘટના બની હતી.

12માં ધોરણમાં ભણતા નીતિન આગે નામનો દલિત યુવક જ્યારે એક ઉચ્ચ વર્ગની છોકરી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે છોકરીનો ભાઈ બંનેને જોઈ ગયો.

જે બાદ છોકરીના ભાઈએ તેમના મિત્રો સાથે મળીને નીતિનની હત્યા કરી હતી.

28 એપ્રિલ 2014ના રોજ બનેલી આ ઘટનામાં 2017માં ચુકાદો આવ્યો હતો. જેમાં 13 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

જન્મદિવસના એક દિવસ પહેલાં જ થઈ હત્યા

સતારામાં 19 વર્ષીય રોહને ઉચ્ચ જાતિની એક છોકરી સાથેના પ્રેમની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી.

રોહન કાકડેને તેના જ ગામની એક ઉચ્ચ વર્ગની છોકરી સાથે પ્રેમ થયો હતો.

આ જ કારણે તેમના જન્મ દિવસના એક દિવસ અગાઉ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાના આરોપીઓ અને રોહનના પરિવાર વચ્ચે સારા સંબંધો હતા. હાલ પાંચ આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો