માથેથી જોડાયેલાં બાળકોને અલગ કરવામાં એમ્સને સફળતા

મેડિકલ સાયન્સની દુનિયામાં આ ઘટનાને ચમત્કાર જ ગણવી પડે. માથાંથી જોડાયેલાં ઓડિશાનાં બે બાળકો જગ્ગા અને કાલિયાનાં મસ્તક એમ્સના 40 ડૉક્ટર્સની ટીમે 16 કલાકની સર્જરી પછી સફળતાપૂર્વક અલગ કર્યાં હતાં.

દિલ્હી સ્થિત એમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્જરી સફળ થઈ છે અને બન્ને બાળકોની હાલત સ્થિર છે.

એમ્સના એક સીનિઅર ડૉક્ટરે જણાવ્યું હતું કે એ બન્ને બાળકો મસ્તકથી એકમેકની સાથે જોડાયેલાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે:

મેડિકલ સાયન્સમાં આવી ઘટનાઓ બહુ ઓછી જોવા કે સાંભળવા મળે છે.

મેરેથોન સર્જરી

એમ્સે આપેલી માહિતી મુજબ, આ ઓપરેશન 25 ઓક્ટોબરે સવારે છ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં 20 સર્જનો અને 10 એનેસ્થેસિયા નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

સર્જરી 16 કલાક ચાલી હતી અને 20 કલાક એનેસ્થેસિયા પાછળ ગયા હતા. બુધવારે રાતે પોણા નવ વાગ્યે બન્ને બાળકોનાં મસ્તક અલગ કરી શકાયાં હતાં.

બાળકો પર સર્જરી કરી ચૂકેલી ડૉક્ટર્સની ટીમમાં સામેલ ન્યૂરોસર્જન ડૉ. દીપક ગુપ્તાએ બીબીસી સંવાદદાતા મોહન લાલ શર્મા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, ''બાળકોને અલગ કરવા અમે અનેક તબક્કામાં સર્જરી કરી હતી. બન્ને બાળકોનાં મસ્તક ઉપરાંત તેમની નસો પણ એકમેકની સાથે જોડાયેલી હતી.”

તેમણે વધુમાં કહ્યું, “કોમન સર્ક્યુલેશન એટલે કે રક્તસંચારની વ્યવસ્થા એક હોવાને કારણે એક બાળકનું પ્રવાહી બીજા બાળકનાં શરીરમાં જતું હતું. તેથી સર્ક્યુલેશન અલગ કરવું જરૂરી હતું.”

તેમણે ઉમેર્યું, “રેશન દરમ્યાન એક બાળકનું હ્રદય ધબકતું બંધ થવાની સ્થિતી સર્જાઈ હતી. બીજા બાળકની કિડની પર અસર થતી હતી.''

ઓપરેશનનાં પડકાર

રક્તસંચારની વ્યવસ્થા એક હતી અને દિમાગની નસો પણ જોડાયેલી હતી તો સર્જરી કઈ રીતે કરવામાં આવી હતી? આ સવાલનો જવાબ પણ ડૉ. દીપક ગુપ્તાએ વિગતવાર આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે ''સર્જરી બે તબક્કામાં કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં બાળકોનું વીનસ બાયપાસ કરવામાં આવ્યું હતું.”

તેમણે ઉમેર્યું, “તેમાં બાળકોમાં રક્તસંચાર શરૂ થાય એ માટે સમય આપવામાં આવ્યો હતો. એક મહિના પછી બાળકોનું વીનસ બાયપાસ સફળ થયું તો તેમનું હૃદય નબળું પડતું હતું. તેથી તેમની યોજનાબદ્ધ રીતે સર્જરી કરવામાં આવી હતી.''

ડૉ. ગુપ્તાએ કહ્યું, ''બાળકોનાં મસ્તક અલગ કરવા માટે અલગ પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાર્ટની બાયપાસ સર્જરી કરવામાં આવે છે, એ રીતે બ્રેઈન બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.

તેને હિંદુસ્તાની જુગાડ઼ કે નવી ટેક્નિક કહી શકાય.''

બાળકોની તબીયતનું ભાવી

બાળકોની તબિયત ભવિષ્યમાં કેવી રહેશે તેનો ખ્યાલ ડૉ. દીપક ગુપ્તાએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ''ઓપરેશન સાથે જોડાયેલી આશંકા અને આશા બાબતે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.”

તેમણે ઉમેર્યું, “બાળકોની હાલત અત્યારે સારી છે. ઓપરેશન વખતે કોઈ તકલીફ નથી થઈ. આ લાંબી લડાઈ છે. તેમાં ઓછામાં ઓછો બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “આવાં બાળકોને હાર્ટ અટેક આવવાની, કીડની ફેઈલ થવાની, મેનેનજાઈટિસ થવાની, ચેપ લાગવાની સંભાવના હોય છે. ઓપરેશન સફળ થયું છે, પણ બાળકોની હાલત નાજુક છે અને તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.''

બધી આશા ગુમાવી

જગ્ગા અને કાલિયાની વય બે વર્ષ અને ચાર મહિનાની છે. ભુઈયા કંહરા અને તેમનાં પત્ની પુષ્પાંજલિ ઓડિશાના કંધમાલ જિલ્લાના રહેવાસી છે.

ખેતીનો વ્યવસાય કરતા કંહરા પરિવારે તેમના બાળકોનો ઈલાજ કટકની એસસીબી મેડિકલ કોલેજમાં કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

એ પ્રયાસ સફળ ન થયો ત્યારે ભુઈયા તેમના બાળકોને લઈને પોતાના ગામ પાછા ચાલ્યા ગયા હતા.

તેઓ કટકમાંના તેમના મિલિપાડા ગામે પહોંચ્યા ત્યારે બાળકો સાજા થવાની આશા ગૂમાવી ચૂક્યા હતા. એ પછી એક મીડિયા રિપોર્ટમાં તેમનાં બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એ પછી જિલ્લા વહીવટીતંત્રે જરૂરી પગલાં લઈને દિલ્હી સ્થિત એઇમ્સમાં બાળકોની સારવારની જરૂરી વ્યવસ્થા કરી આપી હતી.

ફરી આશા બંધાઈ

ભુઈયાએ તેમના અનુભવની વાત બીબીસી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ''અમે આશા ગૂમાવી ચૂક્યાં હતાં અને નિરાશ થઈ ગયાં હતાં. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રે અમને મદદ કરી હતી.”

તેમણે ઉમેર્યું, “રાજ્ય સરકારે બાળકોની સારવાર માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા હતા. અમારાં બાળકો સાજાં થઈ જશે એવી આશા હવે ફરી બંધાઈ છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો