You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિમાન મુસાફરી દરમિયાન આવું થાય તો શું કરવું?
જૅટ ઍરવેઝની ફ્લાઇટમાં પાઇલટની ભૂલના લીધે 30 મુસાફરોનાં કાનમાંથી લોહી નીકળ્યું હતું અને નસકોરી ફૂટી ગઈ હતી. પાઇલટ કૅબિન પ્રેશરની સ્વિચ ચાલુ કરવાનું ભૂલી જતાં આ દુર્ધટના સર્જાઈ હતી.
મુંબઈથી જયપુર જઈ રહેલી 9ડબલ્યૂ 697 ફ્લાઇટ ટેક ઑફ થયાની થોડી જ ક્ષણોમાં પરત ફરી હતી.
પેસેન્જર દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં અંદર બેસેલા મુસાફરો ઓક્સિજનના માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
166 મુસાફરો સાથેના બૉઇંગ 737 વિમાને સલામત ઉતરાણ કર્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી કૉકપીટ ક્રૂને ફરજ પરથી દૂર રાખવામાં આવશે.
પેસેન્જર દર્શક હાથીએ વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં પ્લેનમાં શું સ્થિતિ સર્જાઈ હતી તે જાણવા મળે છે.
એક અન્ય પેસેન્જર સતિષ નાયરે તેમના નાકમાંથી લોહી નીકળતું હોય તેવો ફોટોગ્રાફ ટ્વીટ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાગરિક ઉડ્ડયન વિભાગના ડિરેક્ટર જનરલ લલિત ગુપ્તાએ 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને કહ્યું કે પ્લેન ક્રૂ કૅબિન પ્રેશરની સ્વિચ ઑન કરતા ભૂલી ગયા હતા.''
જૅટ ઍરવેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે સવારે કૅબિન પ્રેશર ઘટી જવાના કારણે પ્લેનને પરત લાવવું પડ્યું હતું. મુસારફરોને નડેલી તકલીફ માટે અમે દિલગીર છીએ.
જૅટ ઍરવેઝે નિવેદનમાં જણાવ્યું હતું, "166 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સાથેના બી737 વિમાનનું મુંબઈમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.''
''તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલમાં લઈ જવામાં આવ્યા હતા. કાનમાં દુ:ખાવાની ફરિયાદ કરતા અને નસકોરી ફૂટી હોય તેવા મુસાફરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી."
અહીં એ પણ નોંધવું જોઈએ કે જૅટ ઍરવેઝના લંડનથી મુંબઈ જઈ રહેલા પ્લેનની કૉકપીટમાં બે પાઇલટ વચ્ચે લડાઈ થતાં જાન્યુઆરીમાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, એ વખતે 324 મુસાફરોને લઈને જતાં પ્લેને સુરક્ષિત ઉતરાણ કર્યું હતું.
આવી સ્થિતિ સર્જાય ત્યારે શું થાય?
પ્લેનના નિયમિત મુસાફરોને આ સૂચના યાદ જ હશે, જેમાં જણાવવામાં આવે છે કે ઓક્સિજનનું માસ્ક તમારી નજીક જ છે. બીજાની મદદ કરતા પહેલા તમારું માસ્ક પહેરી લેવું જરૂરી છે.
આ સૂચના શા માટે અગત્યની છે તેનું ઉદાહરણ જૅટ ઍરવેઝની ઘટના છે.
મુસાફરોને લઈને ઉડાણ ભરતું પ્લેન 40,000 ફૂટની ઊંચાઈએથી પસાર થાય છે.
આ ઊંચાઈએ હવામાં ઓક્સિજન ઘટી જતો હોય છે.
ઓક્સિજન ઘટે એની અસર 12 સેકન્ડ બાદ અનુભવાય છે.
આ સ્થિતિમાં ગભરામણ ઉપરાંત અસ્વસ્થતાનો અનુભવ થાય અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે.
પ્લેન ટેક ઑફ કરે કે લૅન્ડ થાય ત્યારે હવાના દબાણને કારણે ઘણી વાર કાનમાં ધાક પણ પડી શકે છે.
પ્લેનમાં ઓક્સિજન માસ્ક દ્વારા માત્ર 12 મિનિટ પૂરતો જ ઓક્સિજન મળી શકે છે.
કૅબિન ક્રૂએ શું કરવું જોઈએ?
આ સ્થિતિમાં ક્રૂ દ્વારા તાત્કાલિક ધોરણે પ્લેનને 8,000 ફૂટ સુધી લઈ આવવું જોઈએ, જ્યાં હવાનું સ્તર સામાન્ય હોય.
પ્લેનના કૅબિન ક્રૂએ ઇમર્જન્સી ચૅકલિસ્ટ તપાસતું રહેવું જોઈએ.
તાત્કાલિક ઍર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરવી જોઈએ, જેથી પ્લેનની નીચેની એરસ્પેસ જલદી ખુલ્લી કરાવી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો