You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ: મુસ્લિમો ક્યાં સુધી લઘુમતીની આડમાં મહિલાઓને દબાવશે?
- લેેખક, ઝકિયા સોમન
- પદ, સામાજિક કાર્યકર્તા, બીબીસી ગુજરાતી માટે
છેલ્લાં થોડાં વર્ષોમાં મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલાક અથવા એક તરફી મૌખિક તલાકના વિરોધમાં ઝુંબેશ ચલાવી છે. આ ઐતિહાસિક ઝુંબેશનું મહત્ત્વ ભારતીય લોકતંત્ર અને દુનિયાભરના મુસ્લિમ સમાજ માટે પણ છે.
મહિલાઓની આ લોકતાંત્રિક ઝુંબેશને પગલે સુપ્રીમ કોર્ટ, સંસદ, સરકાર અને રાજકીય પક્ષોને કેટલાક પગલાં લેવા પડ્યા છે.
ત્રિપલ તલાકના વિરોધમાં લાવવામાં આવેલો કાયદો મુસ્લિમ વીમૅન (પ્રૉટેક્શન ઑફ રાઈટ્સ ઑન મૅરેજ) બિલ, 2017 આ જ ઝુંબેશનું પરિણામ છે.
મુસ્લિમ મહિલાઓનો અવાજ રૂંધવામાં આવ્યો
આ કાયદા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં પહેલાં આની પૃષ્ઠભૂમિ ઉપર એક નજર કરવી જરૂરી છે.
મહિલાઓ માટે ન્યાય અને સમાનતાના સવાલ ઉપર હંમેશાંથી દેશમાં રાજનીતિ થતી આવી છે. પછી તે હિંદુ મહિલાઓ હોય, ખ્રિસ્તી હોય કે પછી મુસલમાન મહિલાઓ હોય. ભૂતકાળમાં સતી અને વિધવા વિવાહને મુદ્દે રાજનીતિ થઈ જ છે..
સબરીમાલા અને અન્ય મંદિરોમાં મહિલાઓના પ્રવેશને મુદ્દે આજે પણ સંઘર્ષ ચાલુ છે. પરંતુ એમ કહેવું અતિશયોક્તિ નથી કે પિતૃસત્તાક રાજનીતિનો સૌથી મોટો શિકાર તો દેશની મુસ્લિમ મહિલાઓ જ થતી આવી છે.
ચુસ્ત રૂઢિવાદી ધાર્મિક જૂથોનાં સામાજિક અને રાજકીય વર્ચસ્વને લીધે મુસ્લિમ મહિલાઓના અવાજને હંમેશાં રૂંધવામાં આવ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં, પારિવારિક મુદ્દાઓમાં પણ મહિલાઓ મુસ્લિમોના ધાર્મિક ગ્રંથ કુરાન અને ભારતીય બંધારણમાં આપવામાં આવેલા અધિકારોથી પણ વંચિત રહી છે.
ઑલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડ જેવી પુરુષવાદી શક્તિઓએ મુસ્લિમ કાયદામાં સુધારાનો સતત વિરોધ કર્યો છે.
જેને લીધે દેશમાં મૌખિક ત્રિપલ તલાકનું કાયમી ધોરણે ચલણ રહ્યું છે. જોકે, આની પરવાનગી પવિત્ર કુરાનમાં ક્યાંય નથી.
મહિલાઓ અદાલતનો દરવાજો ખખડાવે તો પર્સનલ લૉ બોર્ડ કહે છે કે અમારા મઝહબમાં દખલ કરવાનો અધિકાર કોર્ટ કે સરકારને નથી.
સચ્ચાઈ એ છે કે મૌખિક ત્રિપલ તલાક પોતે જ મઝહબમાં સૌથી મોટી દખલ છે.
ઇસ્લામમાં વચેટીયાઓનું સ્થાન નથી
જ્યારે ત્રિપલ તલાક અને હલાલા જેવી અમાનવીય અને ગેર-ઇસ્લામી હરકતો થાય છે ત્યારે પર્સનલ લૉ બોર્ડ મૌન સેવે છે.
પણ મુસલમાન મહિલાઓ ન્યાય માટે ઊભી થાય છે ત્યારે પર્સનલ લૉ બોર્ડને મઝહબ યાદ આવે છે.
બીજો, સૌથી મોટો સવાલ એ છે કે પર્સનલ લૉ બોર્ડને મઝહબનો ઠેકો કોણે આપ્યો?
ઇસ્લામમાં અલ્લાહ અને ઇન્સાન વચ્ચે સીધો સંબંધ છે, અહીં વચેટિયાનું કોઈ સ્થાન નથી.
મુસ્લિમ મહિલા મુસ્લિમ હોવાની સાથેસાથે દેશની નાગરિક પણ છે. કુરાની હકોની સાથેસાથે ભારતીય નાગરિક હોવાને નાતે તેમના બંધારણીય અધિકારો પણ છે.
પરંતુ દેશમાં વિધિવત મુસ્લિમ કાયદાઓને અભાવે મૌખિક ત્રિપલ તલાક અને નિકાહ હલાલા જેવી ધૃણાસ્પદ હરકતો છડેચોક થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ મહિલાઓને મૌખિક ત્રિપલ તલાક અપાઈ રહ્યાં છે. એટલું જ નહીં, ત્રણ વાર તલાક બોલીને રાતોરાત મહિલાઓને ઘરમાંથી કાઢી મૂકાયાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
એનો મતલબ એ થયો કે ત્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની મુસ્લિમ મહિલાઓના જીવન ઉપર કોઈ અસર પડી નથી.
આ રીતે ઘરમાંથી કાઢી મુકાયેલી મહિલાની ફરિયાદ ક્યાંય નોંધાવી શકાતી નથી કારણકે પોલીસ કહે છે કે અમે કયા કાયદા અંતર્ગત કેસ નોંધીએ?
સ્વાભાવિકપણે દેશમાં મૌખિક ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદાની તાતી જરૂરિયાત છે.
સરકારે બુધવારે (19 સપ્ટેમ્બર,2018)ના દિવસે મુસ્લિમ વીમૅન (પ્રૉટેક્શન ઑફ રાઈટ્સ ઑન મૅરેજ) બિલ - 2017, વટહુકમ દ્વારા લાવવાની જાહેરાત કરી.
આ કાયદો તમામ પક્ષોની ભાગીદારીથી બની શક્યો હોત તો બહેતર હોત! આ કાયદો સંસદનાં બંને સદનોમાં સર્વસંમતિથી પસાર થયો હોત તો સારું થાત!
એ આપણા લોકતંત્ર માટે એ સુવર્ણ દિવસ બની રહેત.
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કેહરે કહ્યું હતું કે કાયદો બનાવવાનું કામ સંસદનું છે અને કોર્ટના આ ચુકાદાને આવી રીતે જ આગળ લઈ જવો યોગ્ય રહેશે.
કાયદા વિરુદ્ધ પ્રચાર શરૂ
બિલના મુદ્દા ઉપર સરકારે થોડા સારા અને મહત્ત્વના ફેરફારો કર્યા છે. જે અંતર્ગત જો કોઈ મહિલાનો મૌખિક ત્રિપલ તલાક થાય તો તે પોતે અથવા તેના પરિવારજન તેમના પતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકે છે.
જો સમાધાન થઈ જાય તો કેસ પાછો ખેંચવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય મહિલાને વળતર પણ મળશે. મૅજિસ્ટ્રેટ ઉચિત સમજે તો પતિને જામીન પર મુક્ત કરવાની પણ જોગવાઈ છે.
જો સમસ્યાનો ઉકેલ ના આવે તો પતિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.
કાયદો તો હજુ આવ્યો નથી ત્યાં તેની વિરુદ્ધ રૂઢીવાદી શક્તિઓ દ્વારા પ્રચાર શરૂ થઈ ગયો છે.
આ કાયદાને મુસ્લિમોને જેલમાં મોકલવાનું કાવતરું ગણવામાં આવે છે. પરંતુ જો જેલમાં જવાનો આટલો જ ડર છે તો ખોટું કામ કરો જ છો શા માટે?
તલાક આપવા જ હોય તો અલ્લાહના બતાવેલા રસ્તે તલાક આપો જ્યાં પત્નીને સંપૂર્ણ ન્યાય મળે.
એવું કરનારા મુસ્લિમ પુરુષો જો હજુ નહીં સુધરે તો તેમના પણ એ જ હાલ થશે જે હિંદુ કાયદામાં બહુવિવાહ કરનાર અથવા દહેજ લેનારાઓના થાય છે.
પ્રથમ પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરનાર હિંદુ પુરુષને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
દેશમાં સૌ કાયદાનું પાલન કરે એ જરૂરી છે. લઘુમતિની આડમાં મુસ્લિમ મહિલાઓના અધિકારોને ક્યાં સુધી દબાવી રાખવામાં આવશે?
આજે મુસ્લિમ મહિલા જાગી ગઈ છે અને જોરશોરથી પોતાના હક માગી રહી છે. આ કાયદો પારિવારિક મુદ્દાઓથી પીડિત મહિલાને ન્યાય અપાવવામાં મદદ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો