બ્લૉગ: મીડિયા મુસ્લિમોને એક જ રીતે શા માટે જુએ છે?

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

બોલિવુડ ફિલ્મો ઘણીવાર એક મુસલમાન કુટુંબ અથવા મુસલમાન વ્યક્તિને એક ખાસ પ્રકારની શૈલીમાં જ દર્શાવે છે.

દાઢી, પડદા, મસ્જિદ, આઝાન અને નમાઝ આ પ્રકારની નિશાનીઓ દ્વારા જ મુસલમાનોને ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે.

મેં આવી ફિલ્મો જોયા બાદ મારી જાતને પૂછ્યું છે, શું હું મુસ્લિમ નથી?

શા માટે બોલિવુડ મારા જેવા આધુનિક મુસ્લિમોને તેમની વાર્તાઓમાં જગ્યા નથી આપતું?

તમને આ પણ વાંચવું ગમશે

ટ્રિપલ તલાક વિષે છાપામાં છપાતા અને ટીવી પર દર્શાવવામાં આવતા સમાચારો વાંચી અને જોઈને આવી જ કાંઈક અનુભૂતિ થઈ રહી છે.

ટ્રિપલ તલાક વિષેના સમાચારો ટીવી પર જોવું કે સમાચારપત્રોમાં વાંચું ત્યારે તે સમાચારોમાં મને બુરખાધારી મુસલમાન સ્ત્રીઓ જ નજરે ચડે છે.

સમાચારોમાં છપાતી તસવીરોમાં પણ એકાદ-બે મહિલાઓને દેખાડવામાં આવે છે, જે માથાથી લઈને પગ સુધી બુરખામાં ઢંકાયેલી હોય છે. માત્ર એમની આંખો જ દેખાય છે.

જો વધુ તસવીરો દર્શાવવાની હોય તો તેવી તસ્વીરોમાં નમાઝ પઢી રહેલા પુરુષોને દેખાડવામાં આવે છે.

અથવા તો મદરેસામાં જમીન પર બેસીને કુરાનનું વાંચન કરી રહેલા બાળકો દર્શાવવામાં આવે છે.

ટીવી અને ઑનલાઇન માધ્યમો પર દર્શાવવામાં આવતી ખબરોની પણ આ જ પરિસ્થિતિ છે.

અન્ય પાસાઓ પર પ્રકાશ પાડવો જરૂરી

આ એક એવી મૂર્ખતા છે કે જેનો આપણે વારંવાર ભોગ બનીએ છીએ.

કદાચ આપણે ધ્યાન નથી આપતાં આ બાબતે અથવા તો આપણે આળસમાં આવું કરીએ છીએ.

હવે આ બ્લૉગને જુઓ અને વાંચો શું અમે પણ એમાં બુરખા અને દાઢીનો ઉપયોગ કરીએ છીએ? માધ્યમોમાં વપરાતી તસ્વીરો ખોટી નથી.

પરંતુ જો આવા ચિત્રો જ હંમેશા બતાવવામાં આવે અને મુસ્લિમ સમુદાયના અન્ય પાસાંઓને રજૂ ન કરવામાં આવે તો માધ્યમો પણ બોલિવુડની સમકક્ષ થઈને રહી જશે,

એટલે કે, મુસલમાનો ને જોવાનો અને તેમને સામાજિક રીતે રજૂ કરવાનો કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણ ધરાવવા માટે આપણે સૌથી મોટા ગુનેગાર સાબિત થઇશું.

મુસલમાનોમાં પણ ઘણી ભિન્નતા

કદાચ પત્રકારો જેઓ માધ્યમોના ન્યૂઝરૂમમાં કામ કરે છે તેઓ ઇરાદાપૂર્વક આવું નથી કરી રહ્યા.

પરંતુ મારા જેવા મુસલમાનો આ પરિસ્થિતિને કેવી અન્યાયની ભાવના સાથે અનુભવતા હોય છે, તે આપ સમજી અથવા અનુભવી નહીં શકો.

ભારત જેવા મહાન રાષ્ટ્રમાં માત્ર વિવિધ સમુદાયો જ નથી વસતા, પરંતુ આ દેશમાં વસતા દરેક સમુદાયમાં વિવિધતા પણ જોવા મળે છે.

ભારતનો મુસલમાન સમુદાય એકાધિકાર ધરાવતો સમાજ અથવા અખંડ સમાજ નથી.

ભારતમાં વસતા મુસલમાનોમાં ટ્રિપલ તલાક જેવા સંવેદનશીલ મુદ્દા માટે જેટલા સમર્થકો મળશે તેટલાજ વિરોધીઓ પણ મળશે.

મુસલમાન યુવકોમાં જેટલા દાઢી રાખવાવાળા નજરે પડશે એનાથી વધારે દાઢી કરેલા યુવાનો દેખાશે.

જેટલી મુસલમાન સ્ત્રીઓ હિજાબ કે બુરખામાં નજરે પડશે, તેનાથી વધારે સ્ત્રીઓ પરદા કે બુરખો પહેર્યા વગર પોતાની જિંદગી વિતાવી રહી છે.

અંતમાં મર્હૂમ ગાયક મોહમ્મદ રફીને તમે કઈ શ્રેણીમાં રાખશો? જેઓ અલ્લાહ માટેની હમ્દ જે ખૂબીથી ગાતા તેજ ગર્વ સાથે તેઓ ભગવાન રામના ભજન પણ ગાતા.

તે અને તેમના પરિવારમાં કોઈ દાઢી નહોતું રાખતું અને ન તેમની સ્ત્રીઓ બુરખો પહેરતી છતાં તેઓ મુસ્લિમ હતા.

શા માટે રફીના પરિવારની તસવીર મુસ્લિમ સમુદાય પર લખાયેલા લેખમાં ક્યાંયે ઉપયોગમાં લેવામાં આવતી નથી?

ચિત્રો ખુબજ મહત્વપૂર્ણ છે

મારા જેવા લાખો મુસ્લિમો અને તેમના પરિવારના સભ્યો ન્યૂઝરૂમમાં કામ કરવાવાળા બિન-મુસ્લિમ લોકોની જેમ રહે છે અને જીવે છે.

લગ્ન અને છૂટાછેડા તો મુસ્લિમ સમાજના આ વિભાગમાં પણ જોવા મળે છે (જે સાંકેતિક રીતે બિન-મુસ્લિમ જેવું જીવન પસાર કરી રહ્યા છે).

તો શા માટે આધુનિક વિચારશૈલી અને જીવનશૈલી ધરાવતા મુસ્લિમોની તસ્વીરો નથી છપાતી?

આજના વાણિજ્ય, પેકેજિંગ અને માર્કેટિંગ સમયમાં ઇમેજ અથવા તસવીર ખૂબ મહત્ત્વની છે.

એક અભ્યાસ મુજબ, ફોટોગ્રાફ્સ અને વીડિયો સાથે ઉપયોગમાં લેવાતા લેખો 94 ટકા વધુ વંચાય છે.

સોશિઅલ મીડિયા પર દર્શાવવામાં આવતા મુસ્લિમોના ચિત્રોને જોઈને સોશિઅલ મીડિયા સાથે જોડાયેલી નવી પેઢી શું સમજશે અને આ પરિસ્થિતિનું શું પરિણામ આવશે?

આપણાથી જાણે-અજાણે જે ભૂલ થઈ રહી છે તે સરળતાથી દૂર કરી શકાય છે.

માત્ર અમારા સમુદાય માટે થોડું સંવેદનશીલ બનવાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો