સિંધથી અમદાવાદ આવેલા આસુમલની આસારામ બનવાની કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાકિસ્તાનથી અમદાવાદ આવેલા સિંધી પરિવારના આસુમલ વિશે સાધુ થયા પહેલાની અનેક દંતકથાઓ છે, પરંતુ પોલીસના ચોપડે એક પણ દંતકથા નોંધાઈ નથી. 1960 સુધી અમદાવાદના મણિનગરમાં રહેતા આસારામ વિશે અમદાવાદના જૂના લોકોમાં જેટલાં મોં એટલી વાતો છે.

આસુમલ માટે એવું કહેવાય છે કે, એક સંતે તેને દીક્ષા આપી પછી એ આબુની ગુફાઓમાં સાધના કરવા ગયો અને 1972માં પરત ફર્યો હતો. અમદાવાદ આવીને સાબરમતીના કિનારે આસારામે એક ઝૂંપડીમાં આશ્રમ શરૂ કર્યો હતો. આસારામ ભક્તોને પ્રવચનની સાથેસાથે જડીબુટ્ટી અને પ્રસાદ આપતો. હવે ધીરેધીરે તેમના ભક્તોની સંખ્યા વધવા લાગી હતી. કારણ કે ગરીબોને આસારામે પ્રસાદ સાથે ભોજન આપવાનું પણ શરૂ કરી દીધું હતું.

આસારામના ભક્તોમાં ગરીબો સાથે મધ્યમવર્ગના લોકો અને પછીથી ઉચ્ચ મધ્યમવર્ગના લોકો પણ જોડાતા ગયા. ઝૂંપડી ધીમેધીમે મોટા આશ્રમમાં ફેરવાઈ ગઈ.

દાન પેટે અઢળક રૂપિયા આવવા લાગ્યા અને આશ્રમનો વ્યાપ વધવા લાગ્યો. અમદાવાદના મોટેરામાં આશ્રમની સાથેસાથે આસારામે આસપાસની જમીન પર ગેરકગાયદે કબજો કરવા માંડ્યો હતો.

80ના દાયકામાં આસારામના ભક્તોની સંખ્યા વધવા લાગી અને તેણે ધીમેધીમે જમીનો પર ગેરકાયદે બાંધકામ કરવા માંડ્યું.

90ના દશકમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ પ્રબોધભાઈ રાવલનાં પત્ની દ્વારા ચલાવવામાં આવતા આશ્રમની જમીન પચાવી પાડવા પ્રયાસ કર્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આસારામની સાધુ તરીકેની છબી સાથે નવી ધાક ઊભી થઈ. આ અરસામાં ભક્તોની સંખ્યા જોઈ રાજકારણીઓ પગે લાગવા માંડ્યા. આસારામે એમના દીકરા અને પુત્રીને સાથે રાખીને દેશભરમાં કુલ 400 આશ્રમો ખોલ્યાં.

આસારામની કરમની કઠણાઈ 2008માં શરૂ થઈ. એમના આશ્રમમાં ભણતાં બે બાળકો દીપેશ અને અભિષેક મૃત્યુ પામ્યાં હતાં. જેના ગુજરાત બંધ રહ્યું અને અમદાવાદમાં ઊહાપોહ શરૂ થયો.

બાળકોનાં મોત પર સવાલો ઉઠ્યા. છેવટે બંને બાળકોના મૃત્યુની તપાસ શરૂ થઈ ગઈ. લોકોનો આક્રોશ શાંત પાડવા માટે દીપેશ અને અભિષેકના મૃત્યુની તપાસ કરવા માટે ડી. કે. ત્રિવેદી પંચની રચના કરવામાં આવી હતી.

ધીમેધીમે લોકોની હિંમત ખુલવા માંડી. આસારામના અત્યાચારનો શિકાર બનેલા લોકો તેની વિરુદ્ધ ખુલીને બહાર આવવા લાગ્યા.

એમના એક જમાનાના સાધક રાજુ ચંડોક અને અમૃત પ્રજાપતિ ખુલીને સામે આવ્યા અને 2009માં રાજુ ચંડોક પર હુમલો થયો.

એક તરફ દીપેશ અભિષેકનો કેસ થયો. ત્યારે બીજા સાક્ષી થોડા ડરી ગયા હતાં.

આસારામ આશ્રમમાં સંદિગ્ધાવસ્થામાં મૃત બે બાળકો દીપેશ-અભિષેકના મૃત્યુના કેસ સાથે જોડાયેલા વકીલ એસ. એમ. ઐયરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ આખો કેસ તાંત્રિકવિધિનો છે. એમની તાંત્રિક વિધિ માટે હત્યા કરવામાં આવી છે."

ઐયરનો આરોપ છે કે રાજકીય તાકાત ધરાવતા આસારામને છાવરવા પોલીસે બાળકોના મૃત્યુ પાણીમાં પડી જવાથી થયા હોવાની થિયરી ઘડી કાઢી છે, પણ આ થિયરી ખોટી છે.

ઐયરના કહેવા પ્રમાણે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ બાળકોમાંથી દીપેશની પાંસળીઓ કાપવામાં આવી છે.

આ બન્ને બાળકોના મૃતદેહ એકસાથે જ મળ્યા હોય તો કૂતરાં એક જ બાળકને કેમ ફાડી ખાય? બન્ને બાળકોને કેમ નહીં? કારણ કે અભિષેકના શરીર પર ઈજાનાં કોઈ નિશાન નથી. ત્યારબાદ આસારામ સામે ચાલેલા આ કેસમાં 250 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. 2013માં ત્રિવેદી પંચે તેનો અહેવાલ સુપ્રત કર્યો હતો, પરંતુ તેને જાહેર નથી કરાયો.

2012ની ચૂંટણી સમયે આસારામે કોઈ રાજકારણીઓને મદદ ન કરી.

વર્ષોથી નવસારી અને અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડનાર આસારામ દેશના અલગ અલગ આશ્રમોમાં પ્રવચનો આપતો રહ્યો.

2013માં જયપુરમાં સગીર છોકરી પર બળાત્કાર કર્યાનો કેસ થયો. 15 ઑગસ્ટ, 2013માં થયેલા બળાત્કારની ફરિયાદ દિલ્હીમાં ઝીરો નંબરથી 20 ઑગસ્ટ, 2013માં ફરિયાદ દાખલ થઈ.

31 ઑગસ્ટ સુધી આસારામે કાયદાને હાથતાળી આપી, છેવટે રાજસ્થાન પોલીસે 31 ઓગસ્ટ, 2013ના દિવસે મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી.

મંત્ર-તંત્રથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા આસારામના ગ્રહો એવા ફર્યા કે, 6 ઑક્ટોબર 2013ના દિવસે આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ સામે બે બહેનોએ સુરતમાં ઝીરો નંબરથી બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી.

અમદાવાદના ચાંદખેડામાં 7 ઑક્ટોબર 2013ના દિવસે કેસ નોંધાયો, આસારામને 16 ઑક્ટોબર2013ના દિવસે ટ્રાન્સફર વૉરંટથી 17મીએ ગાંધીનગર કોર્ટમાં લવાયો, પરંતુ એ પછી કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ પછી આસારામને ગુજરાત લવાયો નથી.

એજ અરસામાં બળાત્કારના કેસમાં નાસતા ફરતા નારાયણ સાંઈને પકડી લેવામાં આવ્યો. આશ્રમ સિવાય મોટેરામાં ખાસ મહિલા ભક્તોને જ્ઞાન આપવા બનાવાયેલા રંગમહેલની તપાસ થઈ. તો મોટેરા ખાતેના આશ્રમમાં ભેદી ભોંયરામાંથી મંત્રતંત્રનો સામાન મળી આવ્યો હતો.

નારાયણ સાંઈએ પૈસા આપીને સુરત રેપ કેસને દબાવી દેવાનો પ્રયાસ કર્યો. આ માટે 13 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. પરંતુ આસારામના અનુયાયીઓ રોકડ સાથે ઝડપાઈ ગયા.

આ ઘટનાને પગલે તત્કાલીન તપાસ અધિકારી શોભા ભૂતડાએ અમદાવાદ આશ્રમ તથા આસારામના ચેલાઓને ત્યાં દરોડા પાડીને 42 બૉક્સ ભરીને પ્રોપર્ટીના દસ્તાવેજ, શૅરબજારમાં રોકાયેલાં નાણાંના કાગળો, વ્યાજે ફેરવાતા પૈસાની ચિઠ્ઠીઓ જેવા દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

પોલીસે આ દસ્તાવેજો ઇન્કમટેક્સ વિભાગને સોંપ્યા. સળંગ આઠ દિવસ સુધી ચાલેલી આ તપાસ બાદ દસ્તાવેજોમાં 1500 કરોડની 100 પ્રોપર્ટીના દસ્તાવેજ હતા. 150 કરોડના શૅર ડિબેન્ચર્સ અને ફિક્સ ડિપોઝિટ્સ હતી અને બાકીનાં નાણાં વિદેશમાં રોકવામાં આવ્યાં હતાં.

આઈટીની કાર્યવાહી દરમિયાન ગુજરાત સરકારે સાબરમતી નદીના પટમાં 67099 સ્કવેર મીટર જમીન તથા નવસારી આશ્રમમાં છ વીઘા સરકારી જમીન ખાલી કરાવી.

આસારામના વકીલ સી. બી. ગુપ્તાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "હજુ કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાથી ટિપ્પણી ન કરી શકાય.”

"સરકારે 29 સાક્ષીઓને ચકાસી લીધા છે અને બાકીના સાક્ષી ચકાસી લીધા પછી વધુ દલીલો હાથ ધરાશે."

આ સમય ગાળા દરમિયાન આસારામની વિરુદ્ધના બે સાક્ષીઓ અમૃત પ્રજાપતિ અને અખિલેશ ગુપ્તાની હત્યા થઈ છે. તો સુરત કેસના સાક્ષી ઉપર એસિડથી હુમલો થયો.

આ સિવાય કુલ દસ સાક્ષી પર જીવલેણ હુમલા થયા છે. તો બીજી તરફ આસારામના સાધક કાર્તિકની 2015માં ધરપકડ થઈ હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આસારામના વિરોધી રાજુ ચંડોક, અમૃત પ્રજાપતિ અને પાણીપતમાં મહેન્દ્ર ચાવલા પર ફાયરિંગ કર્યાની કબુલાત કરી હતી.

આસારામ આશ્રમનાં પ્રવક્તા નીલમે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમે દેશભરના અમારા સાધકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આ માટે અમે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો છે.”

"આસારામ બાપુએ કરેલી શાંતિની અપીલને વૉટ્સઍપ, ટ્વિટર, ઈ-મેઇલ દ્વારા મોકલવામાં આવી છે. દરેક સાધકોને શાંતિ જાળવવા અને ક્યારેય તોફાન નહીં કરવાની અપીલ કરી છે."

ચુકાદાને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હતી. જોકે, સરકારના પ્રવક્તાએ આ અંગે કોઈ ઔપચારિક ટિપ્પણી કરી ન હતી.

આસુમલમાંથી વિવાદો બાદ આસારામ બનેલા આસારામની અધ્યાત્મથી ઐશ્વર્ય, બળાત્કાર અને આજીવન કેદની સજા સુધીની યાત્રા ફિલ્મી કથાથી કમ નથી.

(મૂળ લેખ 25 એપ્રિલ, 2018એ છપાયો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો