આસારામને આજીવન કેદ, પીડીતાના પિતાએ કહ્યું, “અમને ન્યાય મળ્યો.”

આસારામ રેપ કેસ: જોધપુરની એક વિશેષ કોર્ટે 2013ના રેપ કેસમાં ચુકાદો આપતા આસારામને સગીરા પર બળાત્કાર કરવાના મામલે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 77 વર્ષના આસારામને આજીવન કેદની સજા આપી છે. આ કેસમાં અન્ય આરોપીઓ શિલ્પી અને શરદચંદ્રને દોષિત જાહેર કરતા કોર્ટે 20-20 વર્ષની સજા સંભળાવી છે. જ્યારે આ કેસના અન્ય આરોપી શિવા અને પ્રકાશને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. બળાત્કાર પીડિતાના પિતાએ આ ચૂકાદાથી સંતોષ વ્યક્ત કર્યો છે.

જોધપુરની સેન્ટ્રલ જેલમાં બનાવવામાં આવેલી વિશેષ કોર્ટમાં જજ મધુસુદન શર્માએ આ ચુકાદો આપ્યો છે. આ જેલમાં જ આસારામ 2013થી બંધ છે. રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં આસારામના મોટી સંખ્યામાં અનુયાયીઓ હોવાથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

શું કહ્યું પીડિતાના પિતાએ?

તેમણે સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "મને ન્યાય મળ્યો તેનો આનંદ છે, હું આ માટે ન્યાયતંત્ર અને મીડિયાનો આભાર માનું છું. અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને અમને ન્યાય મળ્યો છે."

તેમણે વધુમાં કહ્યું, "છેલ્લાં ચાર વર્ષથી, અમારા પરિવારના સભ્યો અમારા ઘરની બહાર નથી નીકળી શક્યા. આ ચુકાદો તેની વિરુદ્ધમાં ગયો છે, જેનો સંતોષ છે. અમે સતત ભય હેઠળ જીવી રહ્યાં હતાં. અમારા વેપારને ખૂબ જ માઠી અસર થઈ છે."

કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમના પરિવારે ભોગવેલી વેદનાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું, "અમને લાલચ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી."

તેમણે ઉમેર્યું, "તેના (આસારામના) માણસોએ મને મીડિયા સમક્ષ જઈને એ નિર્દોષ છે તેવું નિવેદન આપવાનું કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તે હું ઇચ્છું એટલા રૂપિયા મને આપશે. અમારા ઘરે પોલીસનું રક્ષણ મળેલું હોવા છતાં અમારા સંબંધીઓ મારફતે અમને ધમકીઓ મોકલવામાં આવી હતી."

શું તમે આ વાંચ્યું?

પીડિતાના પિતાએ એમ પણ કહ્યું કે, જાતે બની બેઠેલો આ સંત એક કપટી અને ઢોંગી માણસ છે. આવા લોકો ભગવાનથી ડરતા લોકોને ભોળવીને ધીરેધીરે તેમની વફાદારી જીતી લે છે અને તેમના મગજમાં એવું ઠસાવી દે છે કે "ગુરુ જ સર્વોચ્ચ છે."

તેમણે જણાવ્યું, "અમારા જેવા લોકોને ભોળવીને અમારા મગજમાં એવું ઠસાવી દેવામાં આવે છે કે એ ભગવાનનો અવતાર છે. તેમની કહેવાતી ચમત્કારીક શક્તિઓના વારંવાર ગુણગાન ગાવામાં આવે છે, જેથી એ તેમના શિષ્યો માટે શ્રદ્ધાનું એકમાત્ર કેંદ્ર બની રહે."

તેમણે વધુમાં કહ્યું, "જ્યારે અમે સંપૂર્ણપણે તેમના શરણે જતા રહ્યા હતા, ત્યારે અમને કહેવામાં આવ્યું કે ત્યાં ગુરુકુળ છે, જ્યાં અમારા બાળકોનું ભવિષ્ય સારું થશે. જ્યારે મને મારી દીકરી સાથે જે થયું તેની જાણ થઈ, એ અમારા માટે આઘાતજનક હતું... તેના કરતૂતોની વિશે અમને ખબર પડી ત્યારે તેના પ્રત્યેની અમારી બધી જ શ્રદ્ધા અમે ગુમાવી દીધી."

14:30 16 વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના મામલે દોષિત જાહેર થયેલા આસારામને કોર્ટે આજીવન કેદની સજા આપી છે.

14:00 આસારામ રેપ કેસમાં હાલ વિશેષ કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ છે, હવે થોડીવારમાં કોર્ટ સજાનું એલાન કરશે.

13.20: નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના યશવંત જૈનના કહેવા પ્રમાણે, "જે લોકોને એમ લાગે છે કે બાળકો સાથે જાતીય દુષ્કર્મ કરીને છટકી જવાશે તેવા લોકો માટે આ ચુકાદો બોધરૂપ છે. "

તેમણે ઉમેર્યું, "ગુનેગારોને સજા અપાવવા માટે સંઘર્ષ કરનારી પીડિતા તથા તેમનો પરિવાર અભિનંદનને પાત્ર છે."

13:00 અમદાવાદના મોટેરા આસારામ આશ્રમમાં પૂર્વ આઈપીએસ ઓફિસર ડીજી વણઝારા પહોંચ્યા હતા. ચુકાદા મામલે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે ચુકાદાનું તેઓ સન્માન કરે છે, પરંતુ સાથે જ એક વાત સ્પષ્ટ કરવા માગે છે કે આ કેસ બળાત્કારનો ન હતો પરંતુ છેડતીનો હતો.

12:40 અમદાવાદમાં સૌપ્રથમ આશ્રમથી પોતાની અધ્યાત્મિક સફર શરૂ કરનારા આસારામ પહેલી વખત અમદાવાદમાંથી જ મુશ્કેલીમાં મુકાયા હતા. આસારામના મોટેરા આશ્રમમાં આવેલાં ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલા બે પિતરાઈ ભાઈઓ દીપેશ અને અભિષેક વાઘેલા 2008માં શંકાસ્પદ હાલતમાં ગુમ થયા હતા. ત્યારબાદ મોટેરા આશ્રમ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા.

12:30 ગુજરાતમાં આસારામના હજારો સમર્થકો હોવાથી ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા આસારામ આશ્રમમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવાવમાં આવ્યો હતો. અહીં રાજકોટમાં પણ આસારામ આશ્રમ બહાર પોલીસ જવાનો ચોકી પહેરો ભરતા જોવા મળી રહ્યા છે. અહીં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

12:00 રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, "સમય આવી ગયો છે કે લોકો સાચા સંત તથા ઠગો વચ્ચે ભેદ પારખે. આનાથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છાપ ખરાબ થાય છે."

11:45પીડિતના પિતા શું કહી રહ્યા છે?

શાહજહાંપુર પીડિતના પિતાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કહ્યું, "આસારામ દોષિત જાહેર થયા છે. અમને ન્યાય મળ્યો છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે અમને આ લડાઈમાં સાથ આપ્યો. મને આશા છે કે તેમને કડક સજા કરવામાં આવશે."

11:35 આસારામનું હવે શું થશે?

સગીરા પર બળાત્કાર મામલે આસારામની 2013માં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે એટલે કે 25 એપ્રિલના રોજ તેમને આ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા. કોર્ટે હજી આ મામલે સજા સંભળાવી નથી. જોકે, બાળકો સામે જાતિય શોષણના કાયદા હેઠળ આસારામને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધારેમાં વધારે આજીવન કેદની સજા થઈ શકે છે.

11.15: આ કેસનો એક આરોપી શરદચંદ્ર આસારામના છિંદવાડા આશ્રમનો ડાયરેક્ટર હતો, અહીં પીડિતા અભ્યાસ કરતી હતી. સહ-આરોપી શિલ્પી છિંદવાડાના આશ્રમની વોર્ડન હતી.

11:10 જોધપુરની વિશેષ કોર્ટે આસારામ દોષિત જાહેર કર્યા બાદ હાલ સજા પર સુનાવણી ચાલી રહી છે.

11:05 આ પહેલાં એવી માહિતી મળી હતી કે આસારામ સહિત તમામ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ અમારા સંવાદદાતા પ્રિયંકા દુબેએ આ વાતની પુષ્ટિ કરી નથી.

અત્યારે આસારામને જ દોષિત ઠેરવ્યા હોવાની પુષ્ટિ થઈ છે.

11:00 2013ના સગીરા પરના બળાત્કાર મામલે જજ મધુસુદન શર્માએ આસારામને દોષિત ઠેરવ્યો છે. આસારામ સિવાયના આરોપીઓમાં શરદ, શિલ્પી, પ્રકાશ અને શિવાનો સમાવેશ થાય છે.

પ્રકાશ આસારામ આશ્રમમાં રસોઈયા અને સેવાદાર તરીકે કામ કરતો હતો. શિવા પોતે આસારામનો ખાનગી સચિવ હતો.

10:52 આસારામને દોષિત ઠેરવતા ચુકાદા મામલે બોલતા આસારામના પ્રવક્તા નિલમ દુબેએ કહ્યું હતું કે તેઓ આ ચુકાદા અંગે તેમની લીગલ ટીમ સાથે ચર્ચા કરશે અને પછી તેઓ આગળની પ્રક્રિયા હાથ ધરશે. તેમણે કહ્યું કે ન્યાયતંત્રમાં તેમને વિશ્વાસ છે.

10:45 જોધપુર જેલની વિશેષ કોર્ટમાં જજ મધુસુદન શર્માએ ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યા.

10:40 હાલ વિશેષ કોર્ટમાં ચુકાદાની સુનાવણી ચાલી રહી છે. આસારામ બાપુ પણ કોર્ટમાં હાજર છે.

10:30 અમદાવાદમાં આવેલા મોટેરા આશ્રમમાં હાલ મોટાપ્રમાણમાં આસારામના ભક્તો જમા થયા છે અને આશ્રમમાં જ હાલ પ્રાર્થના કરી રહ્યા છે. ઉપરાંત પોલીસે પણ આશ્રમની બહાર અને અંદર સુરક્ષા કડક કરી દીધી છે.

10:15 જોધપુર જેલમાં આ ચુકાદો સંભળાવવામાં આવશે. તેને જોતાં હાલ જેલ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આ ચુકાદાને કવર કરવા માટે માત્ર પત્રકારોને જ અંદર જવા દેવામાં આવશે.

10:00 મુખ્ય સાક્ષી મહેન્દ્ર ચાવલાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે તેઓને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે આસારામને દોષિત જાહેર કરવામાં આવશે. ઉપરાંત તેમણે કહ્યું કે હું ન્યાયતંત્રને અપીલ કરું છું કે આવા બળાત્કારીઓને ફાંસીની સજા આપવી જોઈએ.

9:55 અસુમલમાંથી આસારામ બાપુ બનવાની સમગ્ર કહાણી અહીં વાંચો, અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે માત્ર એક નાની કુટિરથી તેમના આશ્રમની શરૂઆત કરી હતી. જે બાદ કેવી રીતે તેમનો ઉદય થયો? નીચેની લિંક પર ક્લિક કરીને વાંચો સમગ્ર કહાણી.

9:50 રેપ કેસમાં આસારામ સામે રહેલા ત્રણ સાક્ષીઓની આ પહેલાં હત્યા થઈ ચૂકી છે. તેમાં રાજકોટના અમૃત પ્રજાપતિ, જેમને પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારવામાં આવી હતી. ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરમાં બીજા એક સાક્ષી ક્રિપાલસિંહેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. અખિલ ગુપ્તા નામના શખ્સને મુઝફ્ફરનગરમાં ગોળી મારી હત્યા કરાઈ હતી.

9:45 ગુજરાતમાં પણ આસારામ રેપ કેસના ચુકાદાને જોતાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. મોટેરામાં આવેલા આસારામ આશ્રમ બહાર પોલીસ જવાનો ખડેપગે છે. આશ્રમની અંદર આસારામના અનુયાયીઓ પ્રાર્થના કરી રહ્યા છે.

9:35 ચુકાદાને જોતા કોર્ટની બહાર પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરી છે.

9:25 દેશભરમાં આવેલા આસારામના આશ્રમોમાં હાલ પૂજાપાઠ થઈ રહ્યા છે. તેમના અનુયાયીઓ આસારામ માટે પૂજા કરી રહ્યાં છે. વારણસી, ભોપાલ, ઉત્તર પ્રદેશના આશ્રમોમાં પૂજા થઈ રહી છે.

9:20 જોધપરુ સેન્ટ્રલ જેલમાં જજ પહોંચી ગયા છે. હાઈ કોર્ટના આદેશ મુજબ જોધપુર જેલના પરિસરમાં જ આ ચુકાદો આપવાનો છે. 2013થી આ જેલમાં આસારામ બાપુ બંધ છે.

9:15 દિલ્હી પોલીસને પણ આસારામ કેસના ચુકાદાને જોતાં હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. પોલીસને ચુકાદા બાદ આસારામના અનુયાયીઓ જો એકઠાં થાય તો તકેદારીનાં પગલાં લેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

9:10 આસારામના અનુયાયીઓ અને ભૂતકાળમાં આવા મામલામાં થયેલી હિંસાને જોતાં ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક સ્થળોએ પોલીસ કાફલો મોકલવામાં આવ્યો છે.

9:05 જોધપુર જેલમાં ચુકાદાને જોતાં સુરક્ષાનો કડક પ્રબંધ કરવામાં આવ્યો છે. શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સુરક્ષાદળોને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

9:00 આસારામ અને તેમના ચાર સાથીઓ સામે જોધપુર જેલમાં બનાવાયેલી વિશેષ કોર્ટ આજે ચુકાદો આપશે. 2013ના આ કેસમાં આસારામ અને તેમના સાથીઓ પર બળાત્કારનો આરોપ છે.

શું છે સમગ્ર મામલો?

શાહજહાંપુરમાં રહેલા પીડિતાના પરિવારે ઓગસ્ટ-2013માં આસારામ સામે રેપની ફરિયાદ દાખલ કરાવી હતી.

એ પહેલાં પીડિતાનો સમગ્ર પરિવાર આસારામનો કટ્ટર અનુયાયી હતો.

પીડિતાનાં પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ બંધાવ્યો હતો.

બાળકોને 'સંસ્કારવન શિક્ષણ' મળે તે માટે સાધક પરિવારે તેમના બે સંતાનોને છિંદવાડા ખાતેને આસારામના ગુરુકુળમાં ભણવા બેસાડ્યાં હતાં.

સાતમી ઓગસ્ટ-2013ના દિવસે છિંદવાડા ગુરુકુળમાંથી પીડિતાનાં પિતાને ફોન આવ્યો હતો.

ફોન ઉપર પિતાને જણાવાયું હતું કે તેમની 16 વર્ષની દીકરી બીમાર છે.

બીજા દિવસે પીડિતાનાં માતાપિતા છિંદવાડા ગુરુકુળ પહુંચ્યાં હતાં. જ્યાં તેમને જણાવાયું હતું કે તેમની દીકરીને વળગાડ છે. આસારામ તેને ઠીક કરી શકે છે.

15 ઓગસ્ટની એ રાત

14 ઓગસ્ટની રાત્રે પીડિતાનો પરિવાર આસારામને મળવા માટે જોધપુર પહોંચ્યો હતો.

કેસની ચાર્જશીટ પ્રમાણે, 15 ઓગસ્ટની સાંજે પીડિતાને 'ઠીક' કરવાના બહાને આસારામે તેણીને ઝૂંપડીમાં બોલાવીને તેની સાથે રેપ કર્યો હતો.

પીડિતાનાં પરિવારનાં કહેવા પ્રમાણે, 'અમારા તો ભગવાન જ ભક્ષક બની ગયા.'

સુનાવણીના પાંચ વર્ષ દરમિયાન પરિવારે તેમના જ ઘરમાં 'નજરકેદ'ની જેમ પસાર કર્યા હતા.

પરિવારનું કહેવું છે કે તેમને પૈસા લઈને કેસને દબાવી દેવાની લાલચ આપવામાં આવી હતી. ઉપરાંત તેમને હત્યાની ધમકીઓ પણ મળી હતી.

જોકે પીડિતાનો પરિવાર ડગ્યો ન હતો અને ન્યાય માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.

આસારામનો કેસ લડનારા વકીલો

પાંચ વર્ષની સુનાવણી દરમિયાન આસારામે પોતાનો કેસ લડવા માટે દેશના સૌથી મોંઘા અને ખ્યાતનામ વકીલોને રોક્યા હતા.

અલગઅલગ કોર્ટોમાં આસારામનો બચાવ કરનારા તથા તેમની જામીન માટે અરજી કરનારા વકીલોમાં રામ જેઠમલાણી, રાજુ રામચંદ્રન, સુબ્રમણ્યમ સ્વામી, સિદ્ધાર્થ લુથરા, સલમાન ખુર્શીદ, કે. ટી. એસ. તુલસી તથા યુ. યુ. લલિત જેવા વકીલોનો સમાવેશ થાય છે.

અત્યારસુધીમાં અલગઅલગ અદાલતોમાં 11 વખત આસારામની જામીન અરજી નકારાઈ ચૂકી છે.

હવે બુધવારે આ કેસમાં નિર્ણાયક વળાંક આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો