રાધા વ્યાસ : ડેટ દરમિયાન આઇડિયા આવ્યો અને આ યુવતી બની ગઈ કરોડપતિ

    • લેેખક, સારા ફિનલે
    • પદ, બીબીસી સંવાદદાતા

દુનિયા ફરવાના શોખીન રાધા વ્યાસની મુલાકાત જયારે થૉમસન લી સાથે થઈ તો એ બંનેને ખ્યાલ નહોતો કે એક દિવસ એ લોકો લગભગ એક અબજ રૂપિયાની કંપનીનાં માલિક બની જશે.

આ વાત થોડી જૂની છે. વર્ષ 2012માં જયારે રાધાની મુલાકાત લી સાથે થઈ, ત્યારે રાધા 32 વર્ષનાં સિંગલ મહિલા હતાં અને લીની ઉંમર 31 વર્ષની હશે.

રૂબરૂ મુલાકાત પહેલાં બંને ઈન્ટરનેટ પર મળ્યાં હતાં.

રાધા અને લીની પહેલી મુલાકાત એક ડિનર ડેટ પર થઈ, જ્યાં એમને ખ્યાલ પડ્યો કે એ બંને હરવા-ફરવાનાં શોખીન છે.

ત્યારબાદ એમનું મળવાનું ચાલુ રહ્યું અને એક દિવસ લંડનના એક બારમાં લી સાથે વાત કરતા-કરતા રાધા એ કહ્યું કે એવી કોઈ પણ કંપની નથી, જે એ લોકોની ઉંમરના લોકોને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પૅકેજ બનાવતી હોય.

રાધાનો મતલબ હતો કે 18 થી 30 વર્ષનાં લોકો માટે બજારમાં અલગ-અલગ સ્કીમો આવતી રહેતી હોય છે, જે એ વયજૂથનાં લોકોને અજાણ્યા લોકો સાથે હરવા-ફરવાનો મોકો આપે.

એટલે સુધી કે વૃદ્ધો માટે પણ આવી સ્કીમો ઉપલબ્ધ હોય છે, પરંતુ એમની ઉંમરના લોકો માટે આવી કોઈ સ્કીમ નથી.

આ પછી રાધા અને લી ખાસ્સી વાર સુધી આ વિષય પર વાતો કરતાં રહ્યાં.

રાધા કહે છે, ''બિઝનેસ વિષય પર વાત કરતાં-કરતાં અમને સમયની ખબર જ ના પડી, અમે ખાસ્સા ઉત્સાહિત થઈને વાત કરી રહ્યાં હતાં અને અમુક અઠવાડિયાઓની અંદર જ અમે એક પ્રેમી યુગલમાંથી બિઝનેસ પાર્ટનર બની ગયાં.''

હવે રાધા અને લીએ લગ્ન કરી લીધાં છે. એટલું જ નહીં, બંને સાથે મળીને 'ફ્લેશ પેક' નામની કંપની પણ સ્થાપિત કરી છે.

આ કંપની 30 થી 40 વર્ષની વયજૂથમાં આવતાં લોકોને વિયેતનામ, શ્રીલંકા અને જૉર્ડન જેવાં દેશોની યાત્રા પર લઈ જાય છે.

આ કંપની અત્યાર સુધી દસ હજાર લોકોને વિદેશપ્રવાસ કરાવી ચૂકી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ક્યાંથી આવ્યો કંપનીનો વિચાર?

રાધાના મનમાં આ પ્રકારની કંપની બનાવવાનો વિચાર 2012માં આવેલો.

એ રજાઓ ગાળવા વૅકેશન પર જવા માંગતાં હતાં, પરંતુ મોટાભાગના મિત્રોનાં લગ્ન થઈ ગયાં હોવાથી એ લોકો પાસે સમય નહોતો.

એવામાં એમણે એકલાં જ એક ગ્રૂપ ટ્રીપ પર કંબોડિયા જવાનું નક્કી કર્યું, પરંતુ આ ગ્રૂપમાં યુવાનોની સંખ્યા વધારે હતી.

રાધા કહે છે, ''આ ટ્રીપ પર મારાં સહપ્રવાસીઓ ખૂબ સારાં હતાં, પરંતુ એ બધા જ ઉંમરમાં ખૂબ નાનાં હતાં, એથી મારી અને એમની વિચારસરણીમાં ઘણો તફાવત હતો.''

''આ પછી મને વિચાર આવ્યો કે કોઈ કંપની મારી ઉંમરના લોકો માટે આ પ્રકારની કોઈ સ્કીમ કેમ નથી લઈને આવતી?''

શરુ થયું કંપની માટે રિસર્ચ

પહેલી મુલાકાત બાદ રાધા અને લી તેમના બિઝનેસ આઇડિયાને લઈને રિસર્ચ શરુ કરી ચૂક્યાં હતાં, જેથી આ રીતની કંપની બનાવવાનું એમનું સપનું પૂરું કરી શકે.

આ દરમિયાન રાધા પોતાની ફંડરાઇઝિંગ કંપનીમાં કામ કરતાં રહ્યાં અને લી એક ફોટો જર્નાલિસ્ટનું કામ કરતાં રહ્યાં, પરંતુ એ બંનેને જયારે પણ સમય મળતો, ત્યારે એ આ કંપનીના કામોમાં લાગી જતાં.

આવી જ રીતે એમને એક દિવસ પોતાની કંપનીનું નામ 'ફ્લેશ પેક' રાખ્યું, જે ફ્લેશ બેકપૅકિંગનું શોર્ટ ફોર્મ છે.

ફ્લેશ બેકપૅકિંગનો મતલબ ક્યાંય પણ ફરવા જવા માટે ફટાફટ પીઠ પર લાદી શકાય એવી બેગ તૈયાર કરવી.

આ પછી બંનેએ 15 લાખ રૂપિયા ભેગા કરી પોતાની કંપનીની શરૂઆત કરી જ દીધી.

પરંતુ, જયારે 2014માં એમણે પોતાની વેબસાઇટ લૉન્ચ કરી, ત્યારે સૌથી પહેલાં એમને સિએરા લિયોનની ટ્રીપ મળી.

તમે આ વાંચ્યું કે નહીં?

સહેલી નથી સફળતા

રાધા કહે છે, ''અમારું કામ શરુ થયું એના શરૂઆતના છ મહિના બહુ મહેનત માંગી લે એવાં હતાં. તમે એ સાંભળતા હશો કે અચાનક સફળતા મળી ગઈ, પરંતુ અમારા કેસમાં એવું નહોતું.''

''અમે સિએરા લિયોનને એક ઍડવેન્ચર ટ્રીપ વેચવામાં સફળ થયાં, પરંતુ અમારે આ વ્યક્તિના પૈસા પાછા આપવા પડ્યાં, કારણ કે અમને આ ટ્રીપ માટે કોઈ જ ના મળ્યું.''

''જોકે લીના એક માર્કેટિંગ આઇડિયા બાદ ફ્લેશ પેકનું કામ વધતું રહ્યું.''

વર્ષ 2014માં બ્રાઝિલમાં વર્લ્ડ કપ શરુ થવાનું હતું અને આ દરમિયાન એમને વિચાર આવ્યો એક એવો ફોટો ખેંચવાનો જેના વાઇરલ થવાની શક્યતાઓ ઘણી હતી.

લી કહે છે, ''મેં બ્રાઝિલના રિયો ડિ જિનેરિયો શહેરમાં ઇસુ ખ્રિસ્ત ધ રિડીમર મૂર્તિના ઉપર ઉભેલા અમૂક મજૂરોનો ફોટોગ્રાફ જોયેલો, ત્યાંથી આખા શહેરનો કંઈક અલગ જ નજારો જોવા મળેલો. મને ખબર હતી કે જો હું આ તસવીર લઈ શક્યો તો આ વાઇરલ થઈ જશે.''

લીએ બ્રાઝિલના ટુરિસ્ટ બોર્ડને એ પ્રતિમા પર ચડીને ફોટો ખેંચવા માટે માનવી લીધા.

વાઇરલ થયો ફોટો

એ પછી એવું જ થયું, જેની આશા લીએ રાખી હતી.

સોશિયલ મીડિયા પર આ ફોટોને પુષ્કળ સફળતા મળી, ત્યારબાદ દુનિયાભરની ન્યૂઝ ચેનલમાં એમનો ઇન્ટરવ્યૂ થયો, જેનાથી એમની વેબસાઇટ ફ્લેશ પૅક પર ખાસ્સો ટ્રાફિક મળ્યો.

રાધા અને લીની આ કંપનીનું ટર્નઓવર આ સમયે લગભગ ચાલીસ કરોડ રૂપિયા છે અને કંપનીની કુલ કિંમત લગભગ એક અબજ રૂપિયા છે.

હવે આ કંપનીમાં અમુક બાહ્ય રોકાણકારો પણ સામેલ થઈ ચૂક્યાં છે, પરંતુ હજુ પણ કંપનીમાં રાધા અને લીની નિર્ણાયક હિસ્સેદારી છે.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનાં જાણકાર અને ડીલ્સ દેવાવાળી કંપની ટ્રેનલઝૂના બૉસ જોએલ બ્રેન્ડન બ્રાવો કહે છે કે ફ્લેશ પેકે ખૂબ જ સફળતાપૂર્વક બજારના એ ભાગ પર નિશાન સાધ્યું, જ્યાં કોઈએ ધ્યાન નહોતું આપ્યું.

બ્રાવો કહે છે, ''ફ્લેશ પેક એ જૂજ કંપનીઓમાં સામેલ છે જે 30 થી 40 વર્ષની ઉંમરમાં એકલાં ફરવાવાળાં લોકો માટે કામ કરે છે. આ સીધે-સીધું એ વર્ગ પર ધ્યાન આપી રહી છે, જેમની પાસે સમય માર્યાદિત છે, છતાં પણ ફરવા જવાની ઇચ્છા ધરાવે છે.''

''આ વર્ગ પાસે પૈસાની કોઈ કમી નથી, પરંતુ એમની પાસે પોતાની ટ્રીપને ડિઝાઇન કરવાનો સમય નથી.''

તમે આ વાંચ્યું કે નહીં?

''આ સમયે જ્યાં ઘણા બ્લૉગર અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી એકલા ફરવાં જઈ રહ્યાં છે તો એનાથી ખ્યાલ પડે છે કે એકલું ફરવું શક્ય છે અને એ ખૂબ સકારાત્મક પણ છે.''

રાધા અને લી માને છે કે પોતાના પાર્ટનર સાથે બિઝનેસ શરૂ કરવાથી તમારા સંબંધો પર અસર પડી શકે છે, પણ એના પરિણામો સકારાત્મક હોય છે.

લી કહે છે, ''હું મારા દમ પર આની કલ્પના પણ નહોતો કરી શકતો. એક કંપનીને ઊભી કરવી એ એકલવાયા કરી દે એવું કામ છે.''

''પણ જો તમારા સારા અને ખરાબ સમયે તમને કોઈ સાથી મળી જાય તો એનાથી સારું બીજું શું હોઈ શકે?''

કંપનીની શરૂઆત વખતે રાધા અને લી વચ્ચેનાં કામો અલગ-અલગ નહોતા, પરંતુ હવે રાધા કંપનીની સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) છે અને લી કંપનીના બઝ મેકર છે.

ફ્લેશ પેકના ભવિષ્ય વિષે વાત કરીએ તો આ કંપની ઉત્તરી અમેરિકામાં પણ ઓફિસ ખોલવા જઈ રહી છે.

કંપનીની સફળતા પર રાધા કહે છે કે વધારે પડતા લોકો એમની વયજૂથનાં લોકો સાથે વાતો નથી કરતાં. એવામાં એમણે આ લોકોને સેવાઓ આપવાનું શરુ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો