You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રસોઈના કારણે વિશ્વ ફલક પર છવાઈ જનારી એક છોકરી
એમ માનવામાં આવે છે કે ભારતની મોટાભાગની મહિલાઓ પોતાના જીવનનો મોટાભાગનો સમય રસોડામાં જ પસાર કરી દે છે.
એ જ રસોડામાં ઊભા રહીને જ આખા વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરી શકાય છે એ સાબિત કરી આપ્યું છે ગરિમા અરોરાએ.
મુંબઈમાં જ ઉછરેલાં ગરિમાનો વ્યવસાય શેફનો છે. જે થાઇલૅન્ડના બેંગકૉકમાં 'ગા' નામનું એક રેસ્ટોરાં ચલાવે છે.
30 વર્ષનાં ગરિમા પોતાનાં રેસ્ટોરાં માટે મિશેલિન સ્ટાર મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેસ્ટોરાંને મિશેલિન સ્ટાર મળવું એ ખૂબ સન્માનજનક બાબત છે.
જે રેસ્ટોરાં પાસે મિશેલિન સ્ટાર હોય છે તેને અવ્વલ દરજ્જાનું રેસ્ટોરાં ગણવામાં આવે છે.
પણ અહીં સુધી પહોંચનારાં ગરિમાની કહાણી ખૂબ જ રસપ્રદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બટર ચિકન અને પરાઠાનાં શોખીન પંજાબી પરિવારમાંથી આવતાં ગરિમા અરોરાને બાળપણથી જ ભોજન પ્રત્યે પ્રેમ હતો.
ઘરમાં તે પોતાના પિતાને જાત -જાતનાં વ્યંજન બનાવતા જોતા હતાં. ત્યારથી જ તેમને આ ક્ષેત્રમાં રસ જાગ્યો.
ગરિમા જણાવે છે કે 90ના દાયકામાં મારા પિતા ઇટલી અને મિડલ ઇસ્ટની એવી ખાસ વાનગીઓ બનાવતા હતા કે જે અંગે ભારતમાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હોય.
ગરિમાએ મુંબઈમાં જયહિંદ કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે.
ત્યારબાદ તેમણે થોડો સમય મુંબઈમાં પત્રકાર તરીકે કામ કર્યું પરંતુ થોડા જ સમયમાં તેમને લાગ્યું કે તેઓ પોતાના ઝનૂનને જ અનુસરવા માંગે છે.
સપનાનો પીછો કરતાં પેરિસ પહોંચ્યાં
21 વર્ષનાં ગરિમા પોતાના સપનાનો પીછો કરતાં કરતાં પેરિસ પહોંચી ગયાં અને ત્યાં જઈ તેમણે જાણીતા કૉર્ડન-બ્લૂ કલિનરી સ્કૂલમાં શેફનું ભણતર મેળવ્યું.
ત્યારબાદ તેમણે દુબઈ, ડેનમાર્ક અને કૉપનહેગનનાં મોટાં રેસ્ટોરાંમાં કામ કર્યું.
ગરિમા જાણીતા શેફ ગગન આનંદ સાથે પણ કામ કરી ચૂક્યાં છે. 1 એપ્રિલ 2017ના રોજ તેમણે પોતાનું રેસ્ટોરાં 'ગા' ખોલ્યું.
તેઓ જણાવે છે, ''મારા રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ તમને એવું લાગશે કે જાણે તમે કોઈના ઘરમાં જ ભોજન લઈ રહ્યાં છો."
"અમારો હેતુ મહેમાનોને ઉમદા અનુભવ અને ખુશી આપવાનો છે.''
ગરિમા જણાવે છે કે રસોઈ બનાવવામાં ક્રિએટિવિટી એમને ઘણી સંતુષ્ટિ પૂરી પાડે છે.
ગરિમા પોતાના રેસ્ટોરાંમાં આવતા લોકોને ભાત ભાતની સ્વાદિષ્ટ વાનગી પીરસે છે. એમનાં વ્યંજનમાં ભારત સહિત ઘણાં દેશોનો સ્વાદ સામેલ હોય છે.
ગરિમા જણાવે છે કે તેઓ હંમેશાં ભારત અને આંતરરાષ્ટ્રીય સ્વાદને ભેળવીને કંઈક નવું જ બનાવવાનો પ્રયાસ કરે છે.
'ગા' રેસ્ટોરાંમાં જેકફ્રૂટ, કોળું, ક્રે-ફિશ અને જામફળ જેવી વસ્તુઓમાંથી વાનગી તૈયાર કરવામાં આવે છે.
મિશેલિન ગાઇડ અને તેનું મહત્ત્તવ
કોઈ પણ રેસ્ટોરન્ટને મિશેલિન સ્ટાર મળવો મોટી બાબત છે.
આ સ્ટાર કોઈ પણ રેસ્ટોરાંની ઉત્કૃષ્ટતાની ઓળખ છે અને આ મળવાની સાથે જ રેસ્ટોરાંની કમાણી રાતોરાત વધી જાય છે.
મિશેલિન દર વર્ષે પોતાની એક ગાઈડ પણ બહાર પાડે છે. 2019ની ગાઇડમાં ગરિમાના રેસ્ટોરાંને સ્ટાર મળ્યા છે.
મિશેલિન ગાઇડના નામથી જાણીતા આ પુસ્તક અંગેની વાતો પણ રસપ્રદ છે.
આ વાતની શરૂઆત વર્ષ 1889માં ફ્રાંસના ક્લેરમૉન્ટ-ફેરન્ડમાં શરૂ થઈ હતી.
બે ભાઈઓ આંન્દ્રે અને ઇદુઆર મિશેલિને પોતાની ટાયર કંપની શરૂ કરી હતી. એ સમયે ફ્રાંસમાં માત્ર 3000 જ કાર હતી.
પોતાનો વ્યવસાય વધારવા માટે તેમણે એક ગાઇડ બનાવી, જેમાં ટ્રાવેલર્સ માટે જાણકારી હતી.
આ ગાઇડમાં નકશા હતા, ટાયર કેવી રીતે બદલવાં, પ્રેટ્રોલ ક્યાં ભરાવવું વગેરે જેવી જાણકારી હતી.
આ ઉપરાંત ખાવા-પીવાનાં અને રોકાવાનાં સ્થળો અંગેની પણ જાણકારી હતી.
વાસ્તવમાં મિશેલિન ભાઈઓ એવું ઇચ્છતા હતા કે લોકો આ ગાઈડ વાંચીને હરવા-ફરવા નીકળે જેથી કારો વધારે ફરે, ટાયર વધારે ઘસાય અને એમનાં ટાયરનું વધારે વેચાણ થાય.
દર વર્ષે છપાનારી આ ગાઇડ પ્રથમ વીસ વર્ષ સુધી તો લોકોને મફત આપવામાં આવી હતી.
પણ એક વખત જ્યારે આંદ્રે મિશેલિન કોઈ ટાયરની દુકાન પર ગયા ત્યારે તેમણે જોયું કે દુકાનના ટેબલ પર એમની ગાઇડ નિરુપયોગી પડી હતી.
ત્યારે એમને ખ્યાલ આવ્યો કે જે વસ્તુ મફતમાં મળે છે તેની લોકોને કોઈ કદર જ હોતી નથી.
ત્યારબાદ તેમણે વર્ષ 1920માં નવી મિશેલિન ગાઇડ લૉન્ચ કરી અને એને પ્રતિ કૉપી સાત ફ્રેંકમાં વેચવામાં આવી.
આ વખતે સૌપ્રથમ વખત ગાઇડમાં પેરિસની હોટલ અને રેસ્ટોરાંની યાદી મૂકવામાં આવી હતી.
આ સાથે સાથે એમાં જાહેરાત માટે પણ જગ્યા છોડવામાં આવી હતી.
'રેસ્ટોરાં ઇન્સ્પેક્ટર'
ગાઇડના રેસ્ટોરાં વિભાગને લોકો તરફથી સારી પ્રતિક્રિયા સાંપડી હતી. ત્યારબાદ મિશેલિન ભાઈઓએ કેટલાક લોકોની ટીમ બનાવી.
આ લોકો પોતાની ઓળખ છુપાવી રેસ્ટોરન્ટમાં જતા હતા અને ભોજન લેતા અને એ પરથી રેસ્ટોરાંનું રેટિંગ નક્કી કરતા હતા.
આ ગુપ્ત ગ્રાહકોને એ વખતે 'રેસ્ટોરાં ઇન્સ્પેક્ટર' તરીકે ઓળખવામાં આવતા હતા.
વર્ષ 1926માં આ ગાઇડ ભોજન પીરસનારા રેસ્ટોરાંને સ્ટાર રેટિંગ આપવા માંડ્યાં.
શરૂઆતમાં તેઓ એક જ સ્ટાર આપતા હતા. પાંચ વર્ષ બાદ ઝીરો, એક ,બે, ત્રણ સ્ટાર અપાવા માંડ્યા.
વર્ષ 1936માં સ્ટાર આપવા માટે નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા.
હવે પછીની 20મી સદીમાં તો મિશેલિન ગાઈડ બેસ્ટ સૅલર રહી.
વર્તમાન સમયમાં આ ગાઇડ ત્રણ મહાદ્વીપોમાં 30 કરતાં વધારે પ્રદેશોના 3000 રેસ્ટોરાં અને હોટલોને રેટિંગ આપે છે.
આમાં બેંગકૉક, વૉશિંગ્ટન ડીસી, હંગેરી, પોલૅન્ડ, સ્વીડન,સિંગાપોર, નોર્વેનો સમાવેશ થાય છે.
જોકે, મિશેલિન ભારતના રેસ્ટોરાંને રેટિંગ આપતું નથી.
દુનિયાભરમાં અત્યાર સુધી 30 મીલિયન કરતાં વધારે મિશેલિન ગાઈડ વેચાઈ ચૂકી છે.
ગરિમા અરોરા જણાવે છે કે એમણે એમની ટીમ અને એમના રેસ્ટોરાં પર ગર્વ છે.
તેઓ 'ગા' ને અહીંથી ખૂબ આગળ લઈ જવા માંગે છે.
એક શેફ તરીકે એમની કાયમ એક જ લાલસા રહે છે કે એમના હાથનું ભોજન લીધા બાદ દરેક વ્યક્તિ એ જ બોલી ઊઠે ,
''આવું ભોજન તો આજ દિન સુધી મેં ક્યાંય ખાધું નથી.''
દુનિયાના ટોચના શેફની યાદી પર નજર નાંખો તો તમને ત્યાં પુરુષોના નામ જ વધારે જોવા મળે છે.
ઘર ઘરમાં પોતાની મનમોહક રસોઈથી છવાઈ જનારી મહિલાઓ આ સ્તર પર તો ભાગ્યે જ જોવા મળે છે. પણ ગરિમા અરોડાએ સાબિત કરી આપ્યું છે કે મહિલાઓ ઇચ્છે તો કંઈ પણ કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો