મોદીકાળમાં થયેલાં એ ત્રણ ઍન્કાઉન્ટરની કહાણી, જે ફેક હતાં?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી જસ્ટિસ એચ. એસ. બેદી કમિટીએ વર્ષ 2002-2006 દરમિયાન થયેલાં ત્રણ ઍન્કાઉન્ટર્સને નકલી ઠેરવ્યાં.

જસ્ટિસ બેદીએ દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાવેલા અંતિમ રિપોર્ટ મુજબ, સમીર ખાન, કાસિમ જાફર તથા હાજી હાજી ઇસ્માઇલનાં ઍન્કાઉન્ટર પ્રથમ દૃષ્ટિએ બનાવટી જણાય છે અને તેની સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના નવ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા (પીટીઆઈ)ના રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ બેદીએ કોઈ ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) ઑફિસર સામે કાર્યવાહીની ભલામણ નથી કરી.

જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં સર્વોચ્ચ અદાલતમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે. જે દરમિયાન રિપોર્ટની સ્વિકાર્યતા અંગે પણ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

સમીર ખાન કેસ

કમિટીના રિપોર્ટ મુજબ, સમીર ખાન ઍન્કાઉન્ટર કેસમાં ઇન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા તથા તરૂણ બારોટ સામે હત્યા તથા અન્ય કલમો હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

પોલીસના દાવા પ્રમાણે, સમીર તથા તેના પિતરાઈ ભાઈએ મે-1996માં પોલીસ કૉન્સ્ટેબલને છરીના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી.

એ ઘટનામાં પિતરાઈ ભાઈની ધરપકડ થઈ હતી, પરંતુ સમીર ખાન ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સમીર પાકિસ્તાન જતા રહ્યા અને ત્યાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કૅમ્પમાં તાલીમ લીધી.

ત્યારબાદ સમીર ખાન નેપાળના રસ્તે ભારતમાં ફરી પ્રવેશ્યા હતા.

પોલીસ રિપોર્ટ મુજબ, વર્ષ 2002માં અક્ષરધામ હુમલા બાદ પાકિસ્તાન સ્થિત જૈશના ઑપરેટિવે સમીર ખાનને નિર્દેશ આપ્યો હતો કે અમદાવાદ જઈને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં આવે.

ક્રાઇમ બ્રાન્ચે દેશ સામે યુદ્ધ છેડવાના આરોપ સબબ સમીરની ધરપકડ કરી હતી.

1996ના કૉન્સ્ટેબલ હત્યા કેસનું ઘટનાસ્થળે નિદર્શન કરવા માટે સમીર ખાનને લઈ જવામાં આવ્યા, ત્યારે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલાની રિવૉલ્વર લઈને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અહેવાલ પ્રમાણે, અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં અન્ય બે ઇન્સ્પેક્ટર તરૂણ બારોટ તથા એ. એ. ચૌહાણ (હવે મૃત)એ સમીરની ઉપર ફાયરિંગ કર્યું હતું.

સમીર ખાનને સારવાર અર્થે હૉસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમને 'મૃત લવાયેલા' જાહેર કરવામાં આવ્યા હતા.

પેનલનું તારણ છે કે એ ઍન્કાઉન્ટર નકલી હતું. આ માટે કમિટીએ મેડિકલ તથા અન્ય રિપોર્ટ્સને આધાર બનાવ્યા છે.

ઇન્સ્પેક્ટર બારોટ તથા વાઘેલા સામે હત્યા તથા અન્ય કલમો હેઠળ કેસ ચલાવવાની ભલામણ કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર ચૌહાણનું મૃત્યુ થઈ ગયું હોવાથી તેમની સામે કાર્યવાહી થઈ શકે તેમ નથી.

કમિટીએ સમીર ખાનના પરિવારને રૂ. 10 લાખનું વળતર આપવાનું ઠેરવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાસિમ જાફરનો કેસ

તા. 13મી એપ્રિલ 2006ના દિવસે પોલીસે કાસિમ જાફર સહિત 17 શખ્સોને ઉઠાવ્યા હતા.

પોલીસના વર્ઝન પ્રમાણે, જાફરને પોલીસ સ્ટેશન લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેઓ ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે બ્રિજની નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

જસ્ટિસ બેદીના તારણ પ્રમાણે, "જાફર તથા તેમના સાથીઓને ક્રિમિનલ ઠેરવવાના પોલીસ દ્વારા પ્રયાસ થયા, પરંતુ તેમની સામે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા ન હતા."

બેદી કમિટીના તારણ પ્રમાણે, રૉયલ હોટલમાંથી તેમની અટકાયત પણ ગેરકાયદેસર હતી.

બેદીના તારણ પ્રમાણે સબ-ઇન્સ્પેક્ટર જે. એમ. ભરવાડ તથા કૉન્સ્ટેબલ ગણેશભાઈ પ્રથમ દૃષ્ટિએ હત્યામાં સંડોવાયેલા જણાય છે અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.

જાફર મુંબઈની પાસે મુંબ્રાના રહેવાસી હતા. પરિવારના કહેવા પ્રમાણે, મહેસાણા પાસેના એક ધાર્મિક સ્થળે જાત્રા માટે નીકળ્યા હતા, ત્યારે અમદાવાદ પાસેથી તેમને ઉઠાવી લેવાયા હતા.

પરિવારજનોએ તિસ્તા સેતલવાડની સંસ્થા સિટિઝન્સ ફૉર પીસ ઍન્ડ જસ્ટિસની મદદથી કાયદાકીય લડાઈ લડી હતી.

મુંબ્રાની જ મુસ્લિમ ટીનએજર ઈશરત જહાંને આતંકવાદી ઠેરવી, ત્રણ સાથીઓ સાથે તેનું ઍન્કાઉન્ટર કરી દેવાયું હતું. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.

કમિટીએ તા. 21મી નવેમ્બર 2013ના જાફરના વિધવા તથા સંતાનોને રૂ. 14 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.

હાજી હાજી ઇસ્માઇલ

તા. નવમી ઑક્ટોબર 2005ના દિવસે કુખ્યાત દાણચોર હાજી હાજી ઇસ્માઇલનું વલસાડ પાસે ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

પોલીસને બાતમી મળી હતી કે મૃતક તેની મારૂતિ ઝેન કારમાં આવવાનો છે, જેના આધારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કથિત રીતે ઇસ્લાઇલે ગાડીમાંથી બહાર આવીને પોલીસ ટુકડી ઉપર ફાયરિંગ શરૂ કર્યું હતું.

કથિત વળતી કાર્યવાહીમાં પોલીસે 20 રાઉન્ડ ફાયર કર્યું હતું, જેમાં હાજી હાજી ઇસ્માઇલનું મૃત્યુ થયું હતું.

સરકારી હૉસ્પિટલમા હાજી હાજી ઇસ્માઇલનું મૃત્યુ થયું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, મૃતકને છ ગોળી વાગી હતી.

જેમાંથી પાંચ ઘાવની ફરતે 'બ્લૅક રાઉન્ડ' હતા. જેનો મતલબ છે કે ખૂબ જ નજીકથી આ ગોળીઓ મારવામાં આવી હતી.

પોલીસના દાવા પ્રમાણે, ગોળીબાર સમયે આરોપી તથા તેમની વચ્ચે 15-20 ફૂટનું અંતર હતું.

સામાન્ય રીતે બે ફૂટ કે તેથી ઓછું અંતર હોય, ત્યારે જ 'બ્લૅક રાઉન્ડ' બને. આમ પોલીસની થિયરીનો છેદ ઉડી જાય છે.

મૃત્યુ સમયે મૂળ જામનગરના હાજી (હવે દેવભૂમિ દ્વારકા) ઉપર ગોસાબારામાં આરડીએક્સ લૅન્ડિંગ, ડ્રગ સ્મગલિંગ, હથિયારોની હેરફેર, સોના-ચાંદી, કાફેપાસા, ઇલેક્ટ્રોનિક સામાનની દાણચોરીના અનેક કેસ નોંધાયેલા હતા.

પેનલે ઇન્સ્પેક્ટર કે. જી. ઈરડા. સબ ઇન્સ્પેક્ટર્સ એલ. બી. મોણપરા, જે. એમ. યાદવ, એસ. કે. શાહ તથા પરાગ વ્યાસની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

પેનલે મીઠ્ઠુ ઉમર ડફેર, અનિલ બિપિન મિશ્રા, મહેશ રાજેશ્વર, કાશ્યમ હરપાલસિંહ ઠાકા, સલીમ ગગજી મિયાણા, ઝાલા પોપટ દેવીપૂજક, રફિકશા, ભીમા માંડા મેર, જોગીન્દરસિંહ ખટાણસિંહ, ગણેશ ખૂંટે, મહેન્દ્ર જાદવ, સુભાષ ભાસ્કર નૈયર તથ સંજયના કેસોની પણ તપાસ કરી હતી.

જસ્ટિસ બેદી કમિટીનો રિપોર્ટ

અરજકર્તા પત્રકાર બી. જી. વર્ગિસ (હવે મૃત) તથા ગીતકાર જાવેદ અખ્તરે વર્ષ 2007માં સુપ્રીમ કોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરી હતી, જેમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) કે અન્ય કોઈ સંસ્થા દ્વારા સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી હતી.

અરજદારોનું કહેવું હતું કે સમયાંતરે લઘુમતી સમુદાયના લોકોને આતંકવાદી ઠેરવીને તેમને મારી નાખવાની 'પેટર્ન' જણાય રહી છે, જેની તપાસ થવી જોઈએ.

જેના આધારે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશ બેદીને વર્ષ 2002થી 2006 દરમિયાન થયેલાં 24 ઍન્કાઉન્ટરની તપાસ સોંપવામાં આવી હતી, જેમાંથી બેની તપાસ હજુ બાકી છે.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જસ્ટિસ બેદીએ 221 પન્નાનો રિપોર્ટ બંધ કવરમાં સર્વોચ્ચ અદાલતને સોંપી દીધો હતો.

કોર્ટે અરજદાર જાવેદ અખ્તર તથા પીડિતોને રિપોર્ટની નકલ આપવાનો આદેશ કર્યો હતો.

આ અંગે જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે આ રિપોર્ટના સ્વીકાર કે અસ્વીકાર અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી કરી.

તા. 30મી ડિસેમ્બર 2014ના પત્રકાર બી. જી. વર્ગિસનું નિધન થયું હતું.

પીડિતોને અપાયો રિપોર્ટ

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જસ્ટિસ બેદી કમિટીનો રિપોર્ટ પીડિતોને સુપ્રત કરવા આદેશ આપ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા રિપોર્ટને ગુપ્ત રાખવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. સરકારનો તર્ક હતો કે તેનાથી સંભવિત આરોપીઓ તથા પીડિતોના હિત જોખમાશે.

પરંતુ દેશના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ તથા જસ્ટિસ સંજય કિશન કૌલની ત્રણ સભ્યોની બેન્ચે આ અરજીને કડક શબ્દોમાં ફગાવી દીધી હતી.

સુનાવણી દરમિયાન હાજર નહીં રહેનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાની સામે પણ બેન્ચે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી.

અન્ય પક્ષકારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ પણ માગ કરી હતી કે રિપોર્ટને સાર્વજનિક ન કરવામાં આવે અને માત્ર ટ્રાયલ કોર્ટને જ આ રિપોર્ટ મળવો જોઈ. પરંતુ સર્વોચ્ચ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી.

ગુજરાત સરકારનું કહેવું હતું કે રિપોર્ટ સાર્વજનિક થતાં જ 'મીડિયા ટ્રાયલ' શરૂ થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો