You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ પોલીસ અધિકારી એવું શું કર્યું કે હીરો બની ગયા
ગર્ભવતી મહિલાને તેડીને એક પોલીસ અધિકારી હૉસ્પિટલ તરફ દોડી રહ્યા છે.
આ અધિકારી ન તો મહિલાના પતિ છે કે ન તો સંબંધી છે. તેઓ અજાણી વ્યક્તિ છે.
આ વ્યક્તિ જ નહીં પરંતુ હૉસ્પિટલ અને શહેર પણ મહિલા માટે અજાણ્યું છે.
હૉસ્પિટલ પહોચ્યાની થોડીવારમાં જ મહિલા એક સુંદર બાળકને જન્મ આપે છે. મહિલા અને બાળક બન્ને સ્વસ્થ છે.
આ મહિલા કોણ છે? ક્યાંથી આવ્યાં છે? આ પોલીસવાળા તેમને તેડીને હૉસ્પિટલ કેમ લઈ આવ્યા? આ તમામ સવાલોના જવાબ અહીંયા છે.
હકીકતે આ મહિલા હરિયાણાના વલ્લભગઢનાં રહેવાસી છે અને કેટલાક દિવસ પહેલાં પોતાના પિયર હાથરસમાં આવ્યાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
નવ મહિનાનાં ગર્ભવતી ભાવના શુક્રવારે ટ્રેનમાં વલ્લભગઢ પરત જઈ રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની સાથે પતિ મહેશ અને ત્રણ વર્ષની દીકરી પણ હતી.
ટ્રેન ચાલુ થઈ તેના થોડા સમય બાદ ભાવનાને પ્રસવની પીડા ઊપડી હતી.
ઍમ્બુલન્સ ઉપ્લબ્ધ ન હતી
20 વર્ષનાં ભાવના કહે છે, "હું દિવસો ભૂલી ગઈ હતી. મને લાગ્યું કે મારો ગર્ભ હજુ આઠ મહિનાનો છે."
પત્નીને પીડાથી તડપતાં જોઈને મહેશ ડરી ગયા અને પત્નીને લઈને આગળના સ્ટેશન મથુરા ઊતરી ગયા.
મહેશે સ્ટેશનથી પસાર થઈ રહેલા અનેક લોકોની મદદ માંગી ત્યારે જ પોલીસ અધિકારી સોનુ કુમાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
તેઓ હાથરસ સિટી પોલીસમાં એસ. ઓ. તરીકે ફરજ બજાવે છે. મહેશે તેમના પાસે મદદ માંગી.
સોનુ કહે છે, "ટ્રેનમાંથી ઊતર્યા બાદ જ્યારે હું સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે એક વ્યક્તિ લોકો પાસે મદદ માંગી રહી હતી."
"તેમના હાથમાં બેગ અને હાથમાં નાનકડી બાળકી હતી. નજીકમાં મહિલા દર્દથી કણસી રહ્યાં હતાં."
"તે લોકોને હૉસ્પિટલનો રસ્તો પૂછી રહ્યા હતા. વલ્લભગઢના હોવાના કારણે તેમના પાસે આ વિસ્તારની જાણકારી ન હતી."
"મહેશ કહી રહ્યા હતા કે પ્લીઝ મારી મદદ કરો... હૉસ્પિટલ સુધી લઈ જવામાં મદદ કરો. મે જોયું કે તેઓ ખૂબ જ મુશ્કેલીમા હતા."
"મહિલાની હાલત ખરાબ હતી. તેમને ખૂબ જ દુ:ખાવો થઈ રહ્યો હતો."
સોશિયલ મીડિયામાં પોલીસ અધિકારી હીરો બની ગયા
સોનુ કુમારે તાત્કાલિક ઍમ્બુલન્સ બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને જવાબ મળ્યો કે કોઈ પણ ઍમ્બુલન્સ ઉપલબ્ધ નથી.
તેમણે 102 નંબર પર ફોન કર્યો પરંતુ ત્યાંથી પણ કોઈ મદદ ન મળી.
ત્યારબાદ તેમણે ભાવનાને જાતે જ હૉસ્પિટલ લઈ જવાનો નિર્ણય લઈ લીધો.
રેલવે પ્રસાશનનો સંપર્ક કરી તેમણે વ્હીલ ચેર મંગાવી અને ભાવનાને સ્ટેશનની બહાર લઈ ગયા.
ત્યાંથી તેમણે ઈ-રિક્ષા કરી અને નજીકની હૉસ્પિટલમાં ઇમર્જન્સી વૉર્ડમાં પહોચી ગયા.
ઇમર્જન્સી વૉર્ડના તબીબે પ્રસવની પીડાથી કણસી રહેલા ભાવનાને મહિલા હૉસ્પિટલમાં જવાનું કહ્યું.
સોનુ કુમાર કહે છે, "ત્યાંથી મહિલા હૉસ્પિટલનું અંતર લગભગ 100 મીટર હતું."
"હૉસ્પિટલની બહાર કોઈ ઈ-રિક્ષા પણ ન હતી અને દર્દીને લઈ જવા માટે સ્ટ્રેચરની સુવિધા પણ ન હતી."
"ભાવનાના પતિ મહેશના એક હાથમાં બાળકી અને બીજા હાથમાં સામાન હતો."
"એટલે મેં ભાવનાને તેડી લીધાં અને હૉસ્પિટલની તરફ લઈને દોડ્યો."
"એ સમયે મારા મનમાં માત્ર એક જ વિચાર ચાલી રહ્યો હતો કે પ્રસવથી પીડાતી આ મહિલાને હૉસ્પિટલ સુધી પહોચાડી શકું."
શહેરમાં આખો દિવસ આ ઘટનાની ચર્ચા થઈ.
ગર્ભવતી મહિલાને તેડીને હૉસ્પિટલ પહોચેલા પોલીસ અધિકારીની તસવીર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ.
સોનુ કુમાર કહે છે, "હૉસ્પિટલ પહોચ્યાંની થોડી મિનિટોમાં જ મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો."
"ડૉક્ટરોએ મને કહ્યું કે તમે થોડું પણ મોડું કર્યું હોત તો મુશ્કેલી ઊભી થઈ ગઈ હોત."
સમાજ અને પ્રસાશનની ભૂમિકા પર સવાલ
સોનુ કુમારનો આભાર માનતા મહેશ કહે છે, "અમારા માટે તેઓ ભગવાન સમાન છે."
"તમામ લોકોને આવા ભલા માણસ મળે. સરકારી હૉસ્પિટલમાં જે કામ માટે આઠ કલાક લાગે છે તે તેમણે એક કલાકમાં કરાવી આપ્યું."
શનિવારે ભાવનાને હૉસ્પિટલમાંથી રજા મળી. તે પોતાના બાળકને લઈને ઘરે જતાં રહ્યાં.
સોનુ કુમારે કહ્યું, "મહિલાને સકુશળ હૉસ્પિટલ પહોંચાડ્યા બાદ મે સીએમઓ સાથે વાત કરી."
"તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને હૉસ્પિટલના દરવાજે તાત્કાલિક એક સ્ટ્રેચર મુકાવ્યું."
"સ્ટેશન પર અન્ય લોકો પણ હતા, તેઓ પણ મહેશની મદદ કરી શક્યા હોત પરંતુ લોકો આવા સમયે વીડિયો બનાવવા લાગે છે. એક માણસ રસ્તે પીડાય છે તેની મદદ કોઈ નથી કરતું."
પોલીસ અધિકારીએ ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ પહોંચાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
જોકે, આ ઘટના બાદ સમાજ અને પ્રસાશન સામે પણ સવાલો ઊભા થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો