You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોહરાબુદ્દીન શેખ બનાવટી ઍન્કાઉન્ટર : અમિત શાહ સહિત મોટાં માથાં કેવી રીતે છૂટી ગયાં?
- લેેખક, પ્રશાંત દયાળ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદમાં 2005માં રાજસ્થાનના ગૅંગ્સ્ટર સોહરાબુદ્દીન શેખનું રાજસ્થાન અને ગુજરાત પોલીસે જૉઈન્ટ ઑપરેશનમાં ઍન્કાઉન્ટર કર્યુ હતું.
2006માં આ કેસ આગળ વધ્યો અને સોહરાબુદ્દીન શેખના સાગરીત તુલસી પ્રજાપતિનું પણ ઍન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું.
આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તે પહેલાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ અને 2010માં સીબીઆઈ આ કેસમાં સામેલ થઈ હતી.
આ કેસમાં ગુજરાત ભાજપના તત્કાલીન ગૃહરાજયમંત્રી અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહરાજયમંત્રી ગુલાબચંદ કટારીયા પણ આરોપી બન્યા હતા.
ઘટનામાં નાટકીય વળાંક
જોકે, 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની અને આખી ઘટનામાં નાટકીય વળાંક આવ્યો.
સુપ્રીમ કોર્ટના આદેશથી આ કેસ સાંભળી રહેલી મુંબઈ સીબીઆઈ કોર્ટે અમિત શાહ સહિત આ કેસ સાથે સંકળાયેલા સિનિયર પોલીસ ઑફિસર્સ અને રાજનેતાઓ ટ્રાયલ પહેલાં ડિસચાર્જ કરી દિધા હતા.
મુંબઈ કોર્ટ દ્વારા ટ્રાયલ પહેલાં છોડવામાં આવેલા 16માં નેતાઓ, બૅન્કરો, ઉદ્યોગપતિ અને આઈપીએસ અધિકારીઓ હતા.
હવે માત્ર પોલીસ ઇન્સપેકટર, સબઇન્સપેકટર અને કૉન્સટેબલોને જ આ કેસનો સામનો કરવાનો રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં સીબીઆઈએ 2010માં દાખલ થઈ પછી કેસમાં રાજકીય નેતાઓનાં નામ આરોપી તરીકે આવવાં લાગ્યાં.
આ કેસની તપાસ કરનાર ગુજરાત સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સપેકટર વી. એલ. સોંલકીએ સીબીઆઈમાં આપેલી જુબાની પ્રમાણે ગૃહરાજય મંત્રી અમિત શાહ ઍન્કાઉન્ટરની તપાસ બંધ થઈ જાય તેવું ઇચ્છતા હતા.
સીબીઆઈની તપાસમાં બહાર આવેલાં તથ્યો પ્રમાણે રાજસ્થાનના માર્બલની ખાણના માલિક વિમલ પટનીએ સોહરાબુદ્દીન શેખની હત્યા માટે ગુલાબચંદ કટારીયાનો સંપર્ક કર્યો હતો અને રૂપિયા બે કરોડમાં આ કામ અમિત શાહ પાસે આવ્યું હતું.
તુલસી પ્રજાપતિ અને કૌસરબીની હત્યા
સોહરાબુદ્દીન શેખની સોપારી મળી હોવાને કારણે ગુજરાત રાજસ્થાન પોલીસે જૉઈન્ટ ઑપરેશન કરી બનાવટી ઍન્કાઉન્ટરના નામે સોહરાબુદ્દીનની હત્યા કરી હતી.
બાદ આ કેસનો મહત્ત્વના સાક્ષી અને સોહરાબના સાથી તુલસી પ્રજાપતિ સીઆઈડીને પોતાનું નિવેદન આપે તે પહેલાં રાજસ્થાન ગુજરાત પોલીસે અંબાજી પાસે ઍન્કાઉન્ટરના નામે તેની પણ હત્યા કરી નાખી હતી.
આ કેસમાં જેનો કોઈ જ સંબંધ નહતો તેવાં સોહરાબુદ્દીનનાં પત્ની કૌસરબીની પણ હત્યા કરી નાખવામાં આવી.
ગુજરાતના આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાના વતન ઈલોલ ખાતે તેમને સળગાવી દેવામાં આવ્યાં હતાં.
2014માં કેવી રીતે ચિત્ર બદલાયું?
2014માં કેન્દ્ર સરકાર બદલાઈ અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા પછી ચિત્ર બદલાયું અને અમિત શાહ, ગુલાબચંદ કટારીયા, માર્બલ કિંગ વિમલ પટની, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બૅન્કના ચેરમેન અજય પટેલ, અને ડીરેકટર યશપાલ ચુડાસમાને મુંબઈ કોર્ટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના ઓછા પુરાવા છે તેવું કારણ આપી તેમને કેસમાંથી ડિસચાર્જ કરી નાખ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
વાત અહીંયા અટકી નહીં, સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ગુજરાતના આઈપીએસ અધિકારી અભય ચુડાસમા, નરેન્દ્ર અમીન, ડી. જી. વણઝારા, વિપુલ અગ્રવાલ રાજસ્થાનના આઈપીએસ અધિકારી દિનેશ એમ. એન.ને પણ પુરાવાનો અભાવ હોવાનો લાભ આપી ડિસચાર્જ કરી દીધા હતા.
આ ઉપરાંત આ કેસમાં સીધી રીતે સંકળાયેલા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનને પુરાવાનો અભાવ અને તેમને આરોપી બનાવતા પહેલાં રાજય સરકારની મંજૂરી લીધી ન હતી તેવા કારણસર કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
કેસને કોણે નુકસાન કર્યું?
સીબીઆઈનો આરોપ હતો કે જયારે આ કેસ ગુજરાત સીઆઈડી ક્રાઇમ પાસે હતો ત્યારે ગુજરાતના તત્કાલીન ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડે અને તત્કાલીન તપાસની દેખરેખ કરનાર આઈપીએસ અધિકારી ગીથા જોહરી અને ઓ. પી. માથુરે કેસને નુકસાન કરવામાં મહત્ત્વનું કામ કર્યુ હતું.
જોકે, મુંબઈ કોર્ટે આ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરતાં પહેલાં સીઆરપીસી 197ની રાજય સરકારની પૂર્વ મંજૂરી વગર આરોપી બનાવ્યા હોવાનું કારણ માન્ય રાખી તેમને પણ છોડી મૂક્યા હતા.
આમ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં તમામ મોટાં માથાઓ છૂટી ગયાં હતાં.
બાકી રહ્યા ગુજરાત અને રાજસ્થાન પોલીસના નાના કર્મચારીઓ હવે કોર્ટ તેમને કસુરવાર ઠેરવે છે કે નહીં તેના પર નજર હશે.
આમ તેનો અર્થ તેવો કાઢી શકાય કે ત્રણ-ત્રણ વ્યકિતની હત્યા કરવાનો નિર્ણય અને તેનો અંજામ આપનાર ગુજરાત રાજસ્થાનના નાના અધિકારીઓ જ હતા.
સાક્ષીઓ જુબાનીથી ફરી ગયા
સોહરાબુદ્દીન કેસ સુપ્રીમ કોર્ટના હુકમથી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ પ્રમાણિકપણે ચાલે તે માટે કેસને ગુજરાત બહાર ચલાવવાની માગણી કરી હતી.
જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો.
આ કેસમાં કુલ 38 વ્યકિતઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
2014માં અમિત શાહ અને ગુલાબચંદ કટારીયા સહિત ગુજરાત અને રાજસ્થાનના સિનિયર આઈપીએસ મળી 15 વ્યકિતઓ સામે મુંબઈ સીબીઆઈ કોર્ટે પુરાવાના અભાવે તેમને કેસમાંથી હટાવી દીધા હતા.
સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈએ જયારે કેસ ટ્રાન્સફરની રજૂઆત કરી ત્યારે તેમની દલીલ હતી કે સાક્ષીઓ ઉપર દબાણ ના આવે અને સાક્ષી ફરી જાય નહીં તે માટે કેસ ગુજરાત બહાર ચલાવવો જોઈએ.
પરંતુ મુંબઈ સીબીઆઈ કોર્ટ સામે રજૂ થયેલા કુલ 45 સાક્ષીઓ પૈકી 38 સાક્ષીઓ ફરી ગયા હતા.
આ તમામ સાક્ષીઓએ કોર્ટેને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતું કે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા સાક્ષી નિવેદન અંગે તેઓ કઈ જાણતા જ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો