You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોહરાબુદ્દીન શેખ 'ઍન્કાઉન્ટર' કેસ : 13 વર્ષ બાદ ન્યાય મળશે?
13 વર્ષ થઈ ગયા એ વાતને જ્યારે ગુજરાત પોલીસે અમદાવાદ શહેરની પાસે મધ્ય પ્રદેશની એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી.
આગામી દિવસે ન્યૂઝપેપરની હેડલાઇન હતી, "આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને મારી નખાયો"
પરંતુ કોણ હતો એ શખ્સ સોહરાબુદ્દીન? આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે તમે પૂછી કોને રહ્યા છો?
ગુજરાત પોલીસની વાત માનવામાં આવે તો સોહરાબુદ્દીન 'એક ખૂંખાર આતંકવાદી' હતો કે જેમને મારી નાખવો જરુરી હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ગુજરાત સરકારની વાત માનીએ તો સોહરાબુદ્દીન એ 'આતંકવાદી હતો કે જે રાજ્યના એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મારવાની યોજના ઘડી રહ્યો હતો.'
ઘણા લોકો માટે તે વસૂલી કરતો એક શખ્સ હતો કે જે પોલીસ અને રાજનેતાઓ સાથે મળીને કામ કરતો હતો અને જ્યારે એ બધાના હાથમાંથી બહાર નીકળી ગયો તો એની હત્યા કરી દેવાઈ.
સોહરાબુદ્દીનનું નસીબ કહો કે એમનાં પત્ની કૌસરબીનું, આટલાં વર્ષો બાદ પણ એ પ્રશ્નનો કોઈને જવાબ નથી મળતો કે સોહરાબુદ્દીનનું મૃત્ય નકલી ઍન્કાઉન્ટરમાં થયું હતું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એ મામલો છે કે જેના વિશે સુપ્રીમ કોર્ટ, સીબીઆઈ, સીઆઈડી, મોટા રાજનેતા અને દેશવાસીઓ ખૂબ વાતો કરી ચૂક્યા છે.
આ મામલે દાખલ થયેલી સીબીઆઈની ચાર્જશીટના આધારે 23 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન અને કૌસર બી એક બસમાં હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા અને ત્યાં જ ગુજરાતની આતંકવાદ વિરોધી ટીમે તેમની બસ રોકી હતી.
પોલીસ માત્ર સોહરાબને બસમાંથી ઊતારવા માગતી હતી પરંતુ કૌસર બી પોતાના પતિને એકલા છોડવા માગતાં ન હતાં અને તેઓ પણ તેમની સાથે જ ઊતરી ગયાં.
ચાર્જશીટ પ્રમાણે ત્યારબાદ આ દંપતીને અમદાવાદ બહાર દિશા નામના એક ફાર્મહાઉસ લઈ જવામાં આવ્યું અને ત્રણ દિવસ બાદ એક નકલી ઍન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યું.
ત્રણ દિવસ બાદ સીબીઆઈએ કહ્યું કે કૌસર બીનું કથિત રૂપે ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને પોલીસ ડૅપ્યુટી કમિશનર ડી.જી. વણઝારાના પૈતૃક ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
આ કેસથી વણઝારાની ખૂબ બદનામી થઈ અને તેમણે આઠ વર્ષ જેલમાં વિતાવવા પડ્યા.
ફેબ્રુઆરી 2015માં ડી જી વણઝારા જ્યારે અમદાવાદની સાબરમતી જેલમાંથી બહાર નીકળ્યા, તો તેમનું સ્વાગત નાયકની જેમ કરાયું.
તેમને સોહરાબુદ્દીન અને કૌસર બીની હત્યાના આરોપસર સજા થઈ હતી.
તેમના પર વર્ષ 2002 અને 2006 વચ્ચે કરાયેલા અલગઅલગ નકલી ઍન્કાઉન્ટરમાં નવ લોકોની હત્યા કરવાનો આરોપ છે.
આ સમગગાળા દરમિયાન વણઝારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા હતા અને ક્રાઇબ બ્રાન્ચ એ સમયથી જ ભારે બદનામ રહી છે.
જેલમાં રહીને વણઝારાએ ત્રણ પુસ્તકો પણ લખ્યા જે મોટાભાગે તેમના ગુરુ આસારામને સમર્પિત છે.
તેમણે જેલમાં રહીને જ મોદીની ગુજરાત સરકાર પર 'ત્રણ લેટર બૉમ્બ' પણ ફેંક્યા.
પોતાને રાષ્ટ્રવાદી હિંદૂ ગણાવતા વણઝારાએ મોદીને કહ્યું કે 'તેમણે કરેલાં કામો થકી જ તેમને રાજકીય ફાયદો મળ્યો.'
પત્રોમાં તેમણે મોદીનો જમણો હાથ ગણાતા અમિત શાહને 'દુષ્ટ પ્રભાવ' પણ ગણાવ્યા.
અત્યારે શાહ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ છે. આ એ જ અમિત શાહ છે કે જેમની ઍન્કાઉન્ટર દરમિયાન વણઝારા અને અન્ય પોલીસકર્મીઓ સાથે 300 વખત ફોન પર વાત થઈ હતી.
ડિસેમ્બર 2014માં એક નાટકીય નિર્ણય લેતા મુંબઈની એક કોર્ટે કેસ શરૂ થતાં પહેલાં જ સોહરાબુદ્દીન મામલે અમિત શાહ વિરુદ્ધ બધાં જ આરોપ ફગાવી દીધા.
શાહ આ મામલે 37 આરોપીઓમાંથી એક હતા.
અન્ય આરોપીઓમાં રાજસ્થાન ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા અને ઓ.પી. માથુર સામેલ હતા.
શાહની વર્ષ 2010માં ધરપકડ કરાઈ અને રિમાન્ડ પર મોકલી દેવાયા.
સીબીઆઈએ તેમના પર ખડણી માગતી ગૅંગ ચલાવવા અને રાજસ્થાનની માર્બલ લૉબીના દબાણમાં સોહરાબુદ્દીનને મરાવી નાખવાના આરોપ લગાવ્યા.
શાહે પોતાનો કેસ લડવા માટે રામ જેઠમલાણી જેવા મોટા વકીલને પસંદ કર્યા.
ભાજપમાં ઘણા લોકો કહે છે કે શાહની રાજકીય કારકિર્દી માટે સોહરાબુદ્દીનને પોતાની બલિ આપવી પડી.
જેમજેમ આ મામલો સમાચારોમાં છવાયો, શાહનું કદ ભાજપમાં વધતું ગયું અને હાલ તેઓ ભાજપમાં મોદી બાદ બીજા શક્તિશાળી નેતા છે. .
સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને શાહ વિરુદ્ધ દાખલ પોતાની અરજી પણ પરત લઈ લીધી છે. રુબાબુદ્દીને વર્ષ 2007માં ભારતના ચીફ જસ્ટીસને પત્ર લખીને ગુજરાત પોલીસ પર પોતાના ભાઈ અને ભાભીને ખોટી રીતે મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો.
આ પત્ર બાદ સીઆઈડીએ પહેલા કેસની તપાસ કરી, જેને પછી સીબીઆઈને સોંપી દેવાઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે જે કારનામા માટે ગુજરાત પોલીસને સન્માનિત કરવામાં આવી, તે ખરેખર પૂર્વ આયોજિત હત્યા હતી.
બે લોકોની હત્યા, જેમાંથી એક ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતી હતી અને બીજી વ્યક્તિ એટલે તેની પત્ની કે જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના પતિનો સાથ છોડવા માગતી નહોતી.
ઉજ્જૈનમાં રહેતા રુબાબુદ્દીન કહે છે કે તેમના પર સતત દબાણ રહ્યું છે. તેમણે બીબીસીને જણાવ્યું કે જો તેમણે અરજી પરત ના લીધી હોત તો તેમને પણ મારી નાખવામાં આવ્યા હોત.
અગાઉ રુબાબુદ્દીને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું,
"હું લડતાલડતા થાકી ગયો છું. મારી અંદર કોઈ આશા બચી નથી. મારો ભાઈ અને તેમના પત્ની તો મરી ગયાં પણ મારી પત્ની અને બાળકો જીવીત છે. હવે હું ડરેલો છું અને આ કેસને છોડી રહ્યો છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો