ગુજરાતની એ ચૂંટણીએ કેવી રીતે અશોક ગહેલોતને મુખ્ય મંત્રી પદ સુધી પહોચાડ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી બાદ કૉંગ્રેસ માટે મુખ્ય મંત્રી નક્કી કોને બનાવવા તે એક મોટો પ્રશ્ન બની ગયો હતો.

રાજસ્થાનના મુખ્ય મંત્રી પદના બે દાવેદાર હતા, એક સચિન પાઇલટ અને બીજા અશોક ગહેલોત.

બંને નેતાઓએ રાજસ્થાનમાં સાથે મળીને મહેનત કરી હતી અને બંને સાથે મળીને કૉંગ્રેસને જીત સુધી લઈ ગયા.

અંતે રાહુલ ગાંધીએ વરિષ્ઠ એવા અશોક ગહેલોત પર પસંદગી ઉતારી અને તેમને રાજસ્થાનના મુખ્ય મંત્રી બનાવ્યા.

તેમની સાથે સાથે સચિન પાઇલટને ઉપમુખ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું.

જોકે, એક સમયે એવો હતો જ્યારે અશોક ગહેલોત કૉંગ્રેસમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

પરંતુ હવે જાણો કે કેવી રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા ગહેલોતને ગુજરાતની વિધાનસભા ચૂંટણીએ રાજસ્થાનના મુખ્ય મંત્રી સુધી પહોંચાડી દીધા.

ગુજરાતમાં આગમન પૂર્વે

ડિસેમ્બર 2014માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ બે-તૃતીયાંશ બહુમતી સાથે ભાજપ સત્તા પર આવ્યો.

વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ ડૉ. ચંદ્રભાણે રાજીનામું આપી દીધું.

અશોક ગહેલોત જેવા અનુભવી નેતા મુખ્ય મંત્રીપદે હોવા છતાંય કૉંગ્રેસનો પરાજય થયો હતો.

આ સંજોગોમાં ટીમ રાહુલના સભ્ય એવા સચિન પાઇલટને રાજસ્થાન કૉંગ્રેસની કમાન સોંપવામાં આવી.

એપ્રિલ-2017માં કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષા સોનિયા ગાંધીએ અશોક ગહેલોતને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી તરીકે નિમ્યા.

આપને આ પણ વાંચવું ગમશે

ગુજરાતથી આવ્યા કેન્દ્રમાં

સમગ્ર ઘટનાક્રમને કારણે રાજસ્થાન કૉંગ્રેસમાં ગહેલોત સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ.

તેમને લાગ્યું કે આ રીતે ગહેલોતને હાંસિયામાં ધકેલી દેવાયા અને પાઇલટને મોકળું મેદાન મળી ગયું છે.

ગહેલોત રાજસ્થાનની પ્રભાવશાળી જ્ઞાતિના ન હોવાને કારણે સમર્થકોની આ હતાશા અસ્થાને ન હતી.

એ સમયને યાદ કરતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજય ઉમટ જણાવે છે, "નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને દિલ્હી ગયા હોવા છતાંય ગુજરાત એ 'મોદી-શાહનું ગુજરાત' અને 'હિંદુત્વની લેબોરેટરી' હતું. એટલે ભાજપ માટે તેને 'અજય' માનવામાં આવતું હતું."

જોકે, અશોક ગહેલોતના નેતૃત્વમાં કૉંગ્રેસે તેને 'વાયકા' સાબિત કરી દીધી. ચૂંટણી પહેલાં 151 બેઠકો જીતવાનો દાવો કરનારો ભાજપ ચૂંટણી પરિણામો બાદ ત્રણ આંકડા પર પણ ન પહોંચી શક્યો.

ગુજરાત કૉંગ્રેસને મજબૂત બનાવી

અશોક ગહેલોતને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા, ત્યારબાદ તેઓ રાજ્યભરમાં ફર્યા.

તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ કાર્યકરોનો સંપર્ક સાધીને સીધું જ તેમનું મન જાણ્યું.

આ ગાળા દરમિયાન ગહેલોતે આર્થિક અને સામાજિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ બીબીસી ગુજરાતીના હરિતા કાંડપાલ સાથે વાત કરતા જણાવ્યું, "નાનામાં નાનો કાર્યકર પણ ગહેલોત સાથે સીધી વાત કરી શકે છે અને ક્યારેય કોઈ પર ગુસ્સે થતા નથી જોયા."

ગુજરાત કૉંગ્રેસ સામેની સમસ્યાઓ

ગુજરાતમાં પણ અનેક સમસ્યાઓ સંગઠન સામે જડબું ખોલીને ઊભી હતી.

પ્રભાર સંભાળ્યાના બે મહિનામાં જ ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પાર્ટી છોડી ગયા.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજય નાયકના કહેવા પ્રમાણે, "શંકરસિંહ વાઘેલાને પાર્ટીમાં રોકી રાખવા માટે ગહેલોતે શક્ય તમામ પ્રયાસ કર્યા, પરંતુ જ્યારે લાગ્યું કે તેમને રાખવાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે, ત્યારે તેમણે વાઘેલાને જવા દીધા."

નાયક ઉમેરે છે 'ગહેલોત માટે વ્યક્તિ કરતાં પક્ષ' હંમેશાં મોટો રહ્યો છે. આવી જ સમસ્યા ટિકિટની ફાળવણી બાદ થઈ.

એ સમયે ગહેલોત સાથે કામ કરનારા ડૉ. દોશી કહે છે, "ગહેલોત એક વખત જે નિર્ણય લે છે, તે પછી તેની ઉપર મક્કમ રહે છે."

"ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ટિકિટોની ફાળવણીને મુદ્દે અનેક નેતાઓમાં નારાજગી હતી."

"ગુજરાત કૉંગ્રેસના પ્રભારી તરીકે તેઓ દરેક અસંતુષ્ટ નેતાઓને મળ્યા અને તેમને પાર્ટી માટે કામ કરવા તૈયાર કર્યા."

ધ્રુવીકરણનો તોડ ધ્રુવીકરણ

ઉમટના કહેવા પ્રમાણે, "ગહેલોતે જોયું કે ભાજપ દ્વારા હિંદુ વિરુદ્ધ મુસ્લિમનું કાર્ડ ઊતરે છે."

"તેના તોડ સ્વરૂપે KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો અને રિવર્સ ધ્રુવીકરણ કર્યું."

"હાર્દિક પટેલના સ્વરૂપમાં ભાજપના સમર્થક પાટીદાર સમુદાયના એક વર્ગને દૂર કર્યો."

"અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં સામેલ કરીને કોળી તથા ઠાકોર સમુદાયનું સમર્થન મેળવ્યું."

ઉમટ ઉમેરે છે, "જિગ્નેશ મેવાણીના સ્વરૂપમાં દલિત તથા મુસ્લિમ સમુદાયને ભાજપથી અળગો કર્યો."

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જિગ્નેશ મેવાણી વડગામની બેઠક પરથી અપક્ષ મેદાનમાં ઊતર્યા હતા અને કૉંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો.

નાયકના કહેવા પ્રમાણે, "અશોક ગહેલોતે ગુજરાતી સમાજની નસ પારખી હતી."

"તેમણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા ઠાકોર સમુદાયના અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં લેવાની હિમાયત કરી હતી."

"પાર્ટી પાટીદાર અનામત આંદોલન સમિતિની પડખે તો રહી, પરંતુ હાર્દિક પટેલથી અંતર જાળવ્યું."

ગહેલોત કે પાઇલટ?

અજય નાયકના મતે, "મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાતમાં કૉંગ્રેસનું સંગઠન મજબૂત થયું છે."

"તે જોતાં આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તેમની ક્ષમતાનો ઉપયોગ કરી શકાય તે માટે રાહુલ ગાંધી સંગઠનના માણસ એવા ગહેલોતને કેન્દ્રમાં લઈ જશે અને સચિન પાઇલટને રાજસ્થાનની કમાન સોંપશે."

અજય ઉમટ આથી અલગ અભિપ્રાય ધરાવે છે. તેમના કહેવા પ્રમાણે, "થોડ઼ા સમય માટે તો થોડા સમય માટે અશોક ગહેલોતને મુખ્ય મંત્રી બનાવીને જાતિગત સમીકરણોને સાધવાનો પ્રયાસ કરવામાં આવશે.

જ્યારે રાહુલ ગાંધીની કોર ટીમના સભ્ય એવા સચિન પાઇલટને સંગઠન મજબૂત કરવાની કામગીરી સોંપાશે, જેથી કરીને આગામી લોકસભા ચૂંટણીમાં તેમનો મહત્તમ ઉપયોગ કરી શકાય."

સાદગીપસંદ ગહેલોત

અશોક ગહેલોતની સાદગી અંગે કટ્ટર વિરોધી પણ કંઈ કહી શકે તેમ નથી.

તેઓ હંમેશાં ખાદીનાં સાદા કપડાં પહેરે છે અને તેઓ રેલમાર્ગે મુસાફરી ખેડવાનું પસંદ કરે છે.

1971માં પૂર્વ બંગાળથી આવેલાં શરણાર્થીઓ માટે ઊભા કરવામાં આવેલી રાહત છાવણીઓમાં સેવાકાર્ય કરતા.

ત્યારબાદ તેઓ છાત્ર સંગઠનના અધ્યક્ષ બન્યા અને પ્રગતિ કરતા રહ્યા.

વર્ષ 1982માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લેવા માટે અશોક ગહેલોત રીક્ષામાં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, ત્યારે સુરક્ષાબળોએ તેમને અટકાવી લીધા હતા.

એ સમયે કોઈને અંદાજ પણ નહીં હોય કે જોધપુરથી પહેલી વખત સાંસદ બનીને આવેલ આ યુવા નેતા રાજકારણમાં આટલી લાંબી અને પ્રભાવશાલી ઇનિંગ્સ રમશે.

ગહેલોતની સાથે કામ કરી ચૂકેલા એક નેતાના મતે ગહેલોત 'કાર્યકર્તાઓના નેતા તથા નેતાઓમાં કાર્યકર્તા' છે. જોકે, વિરોધીઓના મતે તેઓ 'સરેરાશ નેતા' છે.

કૉંગ્રેસમાં તેમની ઓળખ 'સંગઠનના માણસ' તરીકેની છે. તેઓ દર વર્ષે નજીકના લોકોને ગાંધી ડાયરી મોકલવાનું નથી ચૂકતા.

ગુજરાત સાથે જૂનો સંબંધ

જોકે, ગુજરાત સાથે ગહેલોતનો સંબંધ છેક 2001 સુધી લંબાય છે. એ સમયે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો.

ગહેલોત રાજસ્થાનના મુખ્ય મંત્રી હતા. તેમણે તત્કાળ એક ટીમનું ગઠન કર્યું અને રાહત સામગ્રી સાથે અધિકારીઓને ગુજરાત મોકલ્યા.

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં હુલ્લડ ફાટી નીકળ્યાં, ત્યારે રાજસ્થાની પીડિતોને મદદ કરવા માટે તેમણે રાહત છાવણીઓ ઊભી કરી હતી.

2005માં દાંડી કૂચની ડાયમંડ જ્યુબલી સમયે તેમને સમગ્ર યાત્રાના સંયોજક નિમવામાં આવ્યા હતા. તેમણે રાહુલ ગાંધી સાથે અમુક કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો