'વણઝારાએ આપી હતી ગુજરાતના ગૃહ મંત્રી હરેન પંડ્યાની સોપારી'

સોહરાબુદ્દીન શેખના કથિત ઍન્કાઉન્ટર મામલે કેસના એક સાક્ષીએ ગુજરાત પોલીસના પૂર્વ અધિકારી ડી. જી. વણઝારા વિરુદ્ધ મુંબઈની કોર્ટમાં નિવેદન આપ્યા બાદ સોશિયલ મીડિયામાં આ મામલો ફરીથી ગરમાયો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબાર મુજબ સોહરાબુદ્દીન શેખના કથિત ફેક ઍન્કાઉન્ટર મામલાના સાક્ષી આઝમ ખાને દાવો કર્યો, "ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકાર ડી. જી. વણઝારાએ સોહરાબુદ્દીન અને ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યાની સોપારી આપી હતી."

પંડ્યાની હત્યા વર્ષ 2003માં અમદાવાદના લૉ ગાર્ડન નજીક કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આઝમ ખાન સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના સહયોગી હતા.

ખાનના કહેવા અનુસાર, હરેન પંડ્યાની હત્યાની સોપારીની વાત ખુદ સોહરાબુદ્દીને તેમને કરી હતી.

આ રીપોર્ટ્સ બાદ ટીવી9 ચેનલ સાથે વાતચીત કરતા વણઝારાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

વણઝારાએ કહ્યું, "મને સુપ્રીમ કોર્ટે આ મામલે મુક્ત કરી દીધો છે હતો, પરંતુ આ નવા વિવાદ પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે."

સોહરાબુદ્દીનની હત્યા પાછળ રાજસ્થાનની માર્બલ લૉબી

'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, આઝમ ખાને દાવો કર્યો છે કે વર્ષ 2010માં તેમણે આ વાત સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ને કરી હતી, પરંતુ 'અધિકારીઓએ એ સમયે આ વાતને તેમના નિવેદનમાં નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.'

ખાન કહે છે, "જ્યાર મેં સીબીઆઈ અધિકારી એન. એસ. રાજુને હરેન પંડ્યા અંગે જણાવ્યું તો તેમણે કહ્યું કે નવો વિવાદ ઊભો ના કર."

વર્ષ 2005માં સોહરાબુદ્દીન અને 2006માં તુલસીરામ પ્રજાપતિનું ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

આ મામલે ગુજરાત અને રાજસ્થાન પોલીસ પર નકલી કાર્યવાહીનો આરોપ લાગ્યો અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સીઆઈડી (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

સુપ્રીમ કોર્ટે આ મામલે વર્ષ 2010માં કહ્યું હતું કે સીઆઈડી (ક્રાઇમ)ની તપાસ અધૂરી છે. હત્યાનો હેતુ સિદ્ધ ન થતા તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી.

સીબીઆઈની તપાસમાં માલૂમ પડ્યું કે સોહરાબુદ્દીનની હત્યા રાજસ્થાનની માર્બલ લૉબીના નિર્દેશ પર કરવામાં આવી હતી. સાથે જ તેમનાં પત્ની કૌસર બીની પણ હત્યા કરવામાં આવી હતી.

આ મામલે તુલસીરામ પ્રજાપતિ સાક્ષી હતા, પરંતુ બાદમાં તેમની પણ હત્યા કરી નાખવામાં આવી હતી.

સાક્ષીઓ ઉપર દબાણ ના પડે અને કેસની તપાસ સાચી રીતે થાયે એ હેતુથી સુપ્રીમ કોર્ટે આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરી દીધો હતો.

મોદીની નજીકના ગણાતા વણઝારા

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આઝમ ખાને દાવો કર્યો, "સોહરાબુદ્દીન સાથેની વાતચીતમાં તેણે મને કહ્યું કે નઇમ ખાન અને શાહિદ રામપુર સાથે ગુજરાતના ગૃહ મંત્રી હરેન પંડ્યાને પર મારવાની સોપારી મળી છે."

"આ સોપારી મળ્યા બાદ તેમની હત્યા કરી નાખવામાં આવી. આ વાત સાંભળી મને દુખ થયું અને મેં સોહરાબુદ્દીનને કહ્યું કે તે એક સાચા માણસની હત્યા કરી નાખી છે."

"સોહરાબુદ્દીને મને જણાવ્યું કે તેને આ સોપારી વણઝારાએ આપી હતી."

અખબાર અનુસાર, આઝમ ખાને દાવો કર્યો કે સોહરાબુદ્દીને તેમને જણાવ્યું હતું કે તેમને 'ઉપરથી આ કામ સોંપવામાં આવ્યું હતું.'

પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાની છબી ગુજરાતી પોલીસમાં ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે વણઝારા તેમના નજીકના અધિકારીઓમાં સામેલ હતા.

વણઝારા વર્ષ 2002થી 2005 સુધી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસ હતા. તેમના કાર્યકાળમાં 20 લોકોનાં ઍન્કાઉન્ટર થયાં હતાં. ત્યારબાદ આ અંગે સવાલો પણ ઊઠ્યા હતા.

વર્ષ 2007માં ગુજરાત સીઆઈડીએ વણઝારાની ધરપકડ કરી હતી.

મુંબઈમાં સીબીઆઈની એક અદાલતે ઑગસ્ટ 2017માં વણઝારાને સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટરમાં મુક્ત કરી દીધા હતા. સીબીઆઈએ આ કેસને ઉચ્ચ કોર્ટમાં પડકાર્યો નહોતો.

આઝમ ખાનને ઉદયપુરની સેન્ટ્રલ જેલથી નિવેદન આપવા માટે મુંબઈ લવાયા હતા.

ઉદયપુર પોલીસે તેમને ગત મહિને ધરપકડ કરી હતી. આઝમ ખાને કોર્ટને એવું પણ જણાવ્યું કે કેવી રીતે તેઓ સોહરાબુદ્દીનના સંપર્કમાં આવ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ, "આઝમ ખાને સીબીઆઈની વિશેષ અદાલતને જણાવ્યું કે તેમને વર્ષ 2005માં અખબારમાંથી માહિતી મળી કે સોહરાબુદ્દીનનું પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં મોત થયું છે."

"જ્યારે પ્રજાપતિ, આઝમ ખાનને ઉદયપુર સેન્ટ્રલ જેલમાં મળ્યા, ત્યારે તેણે જણાવ્યું કે સોહરાબુદ્દીન અને કૌસર બીનાં મોત તેમની (પ્રજાપતિ) ભૂલને કારણે થયા છે."

અખબાર મુજબ, "આઝમ ખાને આગળ જણાવ્યું કે પ્રજાપતિએ કથિત રીતે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે સોહરાબુદ્દીન 4-6 મહિનામાં જામીન પર બહાર આવી જશે."

"પ્રજાપતિએ જણાવ્યું કે બસમાંથી ઝડપાયા બાદ સોહરાબુદ્દીન, કૌસર બી અને તેમને અમદાવાદના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. કૌસર બી એ પોતાના પતિ પર હુમલાનો વિરોધ કર્યો તો તેમને અલગ સ્થળે લઈ જવામાં આવ્યા."

"ત્યાં તેમણે(પ્રજાપતિ) ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને કૌસર બીનો અવાજ શાંત થઈ ગયો. તેમણે (પ્રજાપતિ)એ અવાજ પણ સાંભળ્યો, જેમાં સોહરાબુદ્દીનનું મોત થયું હતું. "

સીબીઆઈ કોર્ટમાં આઝમ ખાને આપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા ઊઠી છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સમાચારને ટ્વીટ કરીને લખ્યું, "હવે સવાલ એ છે કે હરેન પંડ્યાની હત્યા માટે વણઝારાને કોણે આદેશ આપ્યા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો