ન્યૂ કેલિડોનિયા જેણે ફ્રાંસથી સ્વતંત્ર થવાનો ઇનકાર કરી દીધો

ફ્રાંસથી સ્વતંત્ર થવા માટે ફ્રેન્ચ પૅસેફિક વિસ્તાર ન્યૂ કેલિડોનિયામાં જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે, આ જનમત સંગ્રહમાં પરિણામ ફ્રાંસ તરફી આવ્યું છે અને લોકોએ ફ્રાંસથી અલગ થવાની માગણીને નકારી દીધી છે.

અંતિમ પરિણામના આંકડા પ્રમાણે 56.4% લોકોએ ફ્રાંસના એક ભાગ તરીકે રહેવાની તરફેણમાં મતદાન કર્યું છે.

જ્યારે 43.6% લોકોએ ફ્રાંસથી અલગ થવા માટે મતદાન કર્યું હતું. આ જનમતમાં થયેલા મતદાનમાં કુલ 81% લોકોએ ભાગ લીધો હતો.

1988માં કેલિડોનિયામાં થયેલા આઝાદીના આંદોલન બાદ જનમત અંગે કરાર કરવામાં આવ્યા હતા.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોએ ફ્રેન્ચ રિપ્બલિક પર વિશ્વાસ મૂક્યો છે.

તેમણે કહ્યું, "મને એ કહેતાં ખૂબ જ ગર્વની લાગણી થાય છે કે આપણે સાથે મળીને આ ઐતિહાસિક પગલું પાર પાડ્યું છે."

ન્યૂ કેલિડોનિયામાં બહુ મોટા પ્રમાણમાં નિકલનો જથ્થો છે. ઉપરાંત અહીં ઇલેકટ્રોનિક્સના પાર્ટનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

ફ્રાંસ ન્યૂ કેલિડોનિયાને રાજકીય રણનીતિ અને આર્થિક દૃષ્ટિએ પણ મહત્ત્વનું ગણી રહ્યો છે.

કોણ છે મૂળ કેલિડોનિયન

ન્યૂ કેલિડોનિયા યૂએનની 'નોન-સેલ્ફ ગર્વનિંગ ટેરિટરીઝ'ની યાદીમાં છે. એટલે કે એવા પ્રદેશોમાં જેમાં હજી બીજા દેશનું શાસન છે અને પોતાની સરકાર નથી.

એવા પ્રદેશ જેમાં હજી સંસ્થાનવાદનો અંત આવ્યો નથી.

અહીં રવિવારે યોજાયેલા જનમતમાં 1,75,000 લોકો પાસે મતદાન કરવાનો હક્ક હતો.

જેમાં ન્યૂ કેલિડોનિયાના મૂળ વતની એવા કાનક્સ નામના લોકોની સંખ્યા 39.1 ટકા જેટલી છે.

ઉપરાંત 27.1 ટકા જેટલા મૂળ યૂરોપિયનો પણ અહીં રહે છે. જેમાં ફ્રાંસ સાથે જોડાઈ રહેવાની લાગણી વધારે પ્રબળ હતી.

જોકે, જનમતના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કેટલાક મૂળ કેલિડોનિયન લોકોએ પણ ફ્રાંસ સાથે જોડાઈ રહેવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

ફ્રાંસની સરકાર ન્યૂ કેલિડોનિયાને દર વર્ષે કરોડો રૂપિયાની નાણાકીય સહાય કરે છે.

જ્યારે આઝાદી માટે ખેલાયો જંગ

ફ્રાંસે સૌપ્રથમ 1853માં આ ટાપુ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો અને પોતાની કૉલોની તરીકે તેને રાખ્યો હતો.

1980માં ફ્રાંસની આર્મી અને મૂળ કાનક્સ લોકો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો.

જોકે, આ લડાઈમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે કાનક્સ લોકોએ ફ્રાંસના 4 પોલીસ અધિકારીઓને મારી નાખ્યા અને 23ને એક ગુફામાં બંધક બનાવીને રાખ્યા.

જે બાદની લડાઈમાં 19 કાનક્સ અને 2 સૈનિકોનાં મોત થયાં હતાં. 1988માં બંને પક્ષે જનમત લેવાના કરાર બાદ અહીં શાંતિ સ્થપાઈ.

આ જનમત બાદ પણ હજી ન્યૂ કેલિડોનિયાની આઝાદીનો રસ્તો બંધ નથી થયો. હજી પણ 2022 પહેલાં બે જનમત કરાવવાના બાકી છે.

ન્યૂ કેલિડોનિયાના બે ડેપ્યૂટી અને બે સેનેટર ફ્રાંસની સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો