દૃષ્ટિકોણ : સરદારને સન્માનનો વિપક્ષ દ્વારા વિરોધ કેમ?

    • લેેખક, અપર્ણા
    • પદ, રાષ્ટ્ર સેવિકા સમિતિ

ત્રિપુરામાં સ્ટાલિનની પ્રતિમા ખંડિત થઈ તે પછી જે રીતે ડાબેરીઓએ કકળાટ કર્યો હતો તેવી રીતે આજે કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષો સરદાર પટેલની ભવ્ય પ્રતિમાના લોકાર્પણ પર કરી રહ્યા છે.

ત્રિપુરામાં કથિત 'રેડ ટેરર'ના જનકની પ્રતિમાને ધ્વસ્ત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે રાષ્ટ્રના નિર્માતાને સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ બંને ઘટનાઓનો વિરોધ અને પછી તેનું છીછરું વિશ્લેષણ એ વર્તમાન રાજકારણની બૌદ્ધિક ક્ષમતા કેટલી તળિયે ગઈ છે, તે દર્શાવે છે.

મોદીનો વિરોધ કરતા-કરતા આ લોકો ક્યારે દેશનો પણ વિરોધ કરવા માંડ્યા છે, તેનું કદાચ તેમને પણ ભાન નથી.

ડાબેરી તથા નહેરુવાદી ઇતિહાસકારોએ દેશના ઇતિહાસની ઉપર અસત્ય તથા અર્ધસત્યના જે પડ ચડાવ્યાં છે, તેને ધીમેધીમે મોદી સરકાર એક પછી એક ઉતારી રહી છે.

આથી કૉંગ્રેસને અસહજતા અનુભવાય તે સ્વાભાવિક છે, જેમ-જેમ પડ ઉતરતાં જશે, તેમ-તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાતી જશે.

પોતાના વારસાની સંપન્નતાથી વશીભૂત થઈને નહેરુ ખુદને એક રાષ્ટ્રના સ્વાભાવિક વારસદાર સમજતા હતા.

તેમની નજરમાં સરદારે પરુષાર્થ કરીને મેળવેલી દાવેદારીનું કોઈ સ્થાન ન હતું.

પાર્ટી તથા દેશની એકતાને ટકાવી રાખવા માટે સરદારે 1946માં પંદર રાજ્ય/પ્રાંતીય કૉંગ્રેસ કમિટી દ્વારા ભલામણ છતાંય નહીં ચૂંટાયેલા નહેરુ માટે પાર્ટીના અધ્યક્ષપદની દાવેદારી છોડી દીધી હતી.

સંઘ અને સરદારના સંબંધ

સંઘ તથા સરદારના સંબંધ અંગે વારંવાર સવાલ ઊભા કરવામાં આવે છે, પરંતુ સત્ય આથી અલગ છે.

પટેલે સલાહ સ્વરૂપે એક-બે વાતો કહી હતી, પરંતુ એ વાતોને જ તેમના સંબંધના આધારરૂપ માની લેવામાં આવે તે અયોગ્ય છે.

સરદાર સંઘ પ્રત્યે પ્રત્યે ઉદાર વલણ ધરાવતા તથા તેની દેશભક્તિ, પ્રતિબદ્ધતા તથા શિસ્તના પ્રશંસક પણ હતા.

એટલે જ તેમણે સંઘની ઉપર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કાશ્મીરમાં મહારાજાને મનાવવા માટે સંઘના તત્કાલીન સરસંઘસંચાલક ગોલવલકર (ગુરૂજી)ને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોકલ્યા હતા.

એટલે સુધી કે સંઘ પરનો પ્રતિબંધ અવાસ્તિવક સાબિત થતાં જુલાઈ 1949માં કોંગ્રેસ કાર્ય સમિતિમાં પ્રસ્તાવ પસાર કરાવીને સ્વયંસેવકોને આમંત્રિત કરવાની પહેલ પણ કરી હતી.

રાષ્ટ્રવાદ મુદ્દે સંઘ તથા પટેલના વિચારોમાં જેટલી સમાનતા હતી, તેનાથી વધુ વિરોધ સરદાર તથા નહેરુના દૃષ્ટિકોણમાં હતો.

રાજનીતિમાં વર્તમાન તથા આવનારી પેઢી માટે પટેલનો જે સંદેશ છે, તે નહેરુ તથા તેમના વારસદારોના રાજકારણમાં નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

પટેલે વંશવાદ, વ્યક્તિવાદ તથા છાપ આધારિત રાજકારણનો અસ્વીકાર કર્યો હતો.

બંધારણસભામા થયેલી ચર્ચા પણ નહેરુ અને પટેલના દૃષ્ટિકોણોના તફાવત પર પ્રકાશ પાડે છે.

પટેલે લઘુમતી રાજકારણના કટ્ટર વિરોધી હતા અને તેમણે ધર્મ આધારિત અનામતને સમાપ્ત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

આ મુદ્દે અજમેરમાં થયેલા હુલ્લડો અંગે નહેરુ તથા પેટલનો ટકરાવ ઉલ્લેખનીય છે.

એ સમયે શંકરી પ્રસાદ અજમેરના મુખ્ય કમિશનર હતા.

નહેરુએ પ્રસાદ તથા પટેલના અધિકારક્ષેત્રની ઉપરવટ જઈને તેમના અંગત સચિવ એચ. વીર. આર. અયંગરને અજમેરના હુલ્લડમાં મુસલમાનોની સ્થિતિ જાણવા માટે મોકલ્યા હતા.

નહેરુની આવી આપખુદશાહી સામે પટેલે અસહમતિ વ્યક્ત કરી હતી. પટેલ અને ગાંધી વચ્ચેના પત્રાચારમાં આ બાબત જોઈ શકાય છે.

હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે હાથ ધરવામાં આવેલી પોલીસ કાર્યવાહીનો નહેરુએ વિરોધ કર્યો હતો, પરંતુ પટેલે તેની પરવાહ કરી ન હતી.

પટેલ તથા ગોલવલકર વચ્ચે નિકટતા

પટેલનો રાષ્ટ્રવાદ પ્રત્યેનો આ દૃષ્ટિકોણ તેમને અને ગોલવલકરને નજીક લાવતો.

વાસ્તવમાં કૉંગ્રેસની નહેરુવાદી તથા પટેલવાદી સંસ્કૃતિઓ ટકરાતી, એટલે કૉંગ્રેસની અસહજતા સ્વાભાવિક છે.

નરેન્દ્ર મોદીએ પટેલને સન્માન આપીને ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સાર્થક ઇતિહાસના નવા યુગનો આરંભ કર્યો છે.

સાથે જ કૉંગ્રેસે આગામી પેઢીને એ વાતનો જવાબ આપવો પડશે કે શા માટે સિત્તેર વર્ષ સુધી પટેલની સામે નહેરુને નાના દેખાડવામાં આવ્યા.

ડાબેરી નેતાઓ પટેલને બિનસાંપ્રદાયિક નેતા માનતા જ નથી.

કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના તત્કાલીન મહાસચિવ પી. સુન્દરય્યાએ પટેલની ઉપર ગાંધીની હત્યામાં સામેલગીરીનો આરોપ મૂક્યો હતો.

રાષ્ટ્રપુરુષોને જાતિ, ક્ષેત્ર અને ભાષાના આધારે વિભાજીત કરવા એ તેમનું જ નહીં, સ્વાતંત્ર્ય આંદોલનના વારસાનું પણ અપમાન છે.

એટલે જ પટેલનો વિરોધ કરવા માટે જાત-જાતના બહાનાં અપાઈ રહ્યાં છે. ક્યારેક જમીન અધિગ્રહણ તો ક્યારેક પટેલ અને સંઘના સંબંધને આગળ કરીને.

પરંતુ એ લોકોને જણાવવું રહ્યું કે આ મોદીએ જ તેમના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ક્રાન્તિકારી શ્યમાજી કૃષ્ણ વર્માને પણ આવું જ સન્માન આપ્યું હતું.

વર્મા લંડનમાં રહેતા ક્રાન્તિકારી હતા અને સાવરકરના પ્રેરણા સ્રોત પણ હતા. તેઓ 'ઇંડિયન સોશિયોલૉજિસ્ટ'ના સંપાદક પણ હતા.

1930માં તેમનું મૃત્યુ થયું હતું. શ્યામજી કૃષ્ણવર્માની વસિયતના આધારે તેમના અસ્થિઓને લંડનથી લાવીને ભારતમાં પ્રવાહિત કરાયાં હતાં.

એવું કહેવાય છેકે મહાપુરુષોની પ્રતિમા તેમની ઉપર ફેંકવામાં આવેલા પથ્થરોમાંથી બને છે.

પરિવારવાદમાં કોૉંગ્રેસે આવા દરેક મહાન નેતાઓનું મૂલ્ય ઓછું કરીને જણાવ્યું છે.

ભારતની આઝાદી પૂર્વે તથા પછીની તમામ સિદ્ધિઓનો શ્રેય નહેરુ-ગાંધી પરિવારને જ આપવામાં આવે છે.

પણ મોદીએ ઇતિહાસમાં દફન થયેલી એવી હસ્તિને વિશ્વની સાંસ્કૃતિક સભ્યતાના પૃષ્ઠ પર અંકિત કરી દીધી છે.

એ વ્યક્તિ HULTON ARCHIVES/PHOTO DIVISION જેણે રાષ્ટ્રની સામે વ્યક્તિગત હિતને જરા પણ મહત્ત્વ નહોતું આપ્યું.

ખુદને ઓછા ઇચ્છનીય તથા અલ્પ યોગ્ય વ્યક્તિના નેતૃત્વના હવાલે કરવાનું પણ સ્વીકાર્યું.

કદાચ ગાંધીજી પણ એ વાતને જાણતા હશે કે પટેલ રાષ્ટ્રની અખંડતા માટે સ્વાર્થ ત્યજી દેશે, જ્યારે નહેરુ પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રને ખંડિત કરી દેશે.

એટલે જ તેમણે દેશને બચાવવા માટે કુંતીએ જેમ કર્ણની પાસેથી બલિદાન માગ્યું હતું, તેમ પટેલ પાસેથી બલિદાન માગ્યું હતું.

(લેખિકા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલાં છે. વિચાર તેમના અંગત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો