ટ્રમ્પ અને કિમની લવસ્ટોરીમાં તિરાડ કેમ પડી?

    • લેેખક, લૉરા બિકર
    • પદ, બીબીસી સંવાદદાતા, દક્ષિણ કોરિયા

તમને યાદ હશે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન એકબીજાનાં પ્રેમમાં પડી ગયા હતા પણ હવે એવું લાગે છે કે તેઓ એકબીજા સાથે વાત પણ નથી કરતા.

અત્યારે એવું લાગે છે કે જાણે બન્ને દેશો એકબીજાની સામે તારી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે કોણ ઉતાવળું પગલું ભરે. બન્નેમાંથી એક પણ પક્ષ હાર માનવા તૈયાર નથી.

જેને પગલે બન્ને નેતાઓ વચ્ચે બીજી મુલાકાત માટેની ભૂમિકા તૈયાર કરવા માટે આ અઠવાડિયે જે ચર્ચા થવાની હતી તે થઈ શકી નથી.

કિમના સહયોગી અને અતિવાદી મનાતા કિમ-યોંગ-ચોલે ન્યૂયૉર્ક જઈને અમેરિકાનાં વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો સાથે મુલાકાત કરવાની હતી.

પરંતુ, બીબીસી સંવાદદાતાને એ જાણ થઈ છે કે હવે અમેરિકન વિદેશ મંત્રાલયને એ વાતની ખબર પડી છે કે ઉત્તર કોરિયાથી કોઈ રવાના જ નથી થયું અને એટલે જ એમણે બેઠક રદ કરી દીધી છે.

સત્તાવાર વિવરણ તો એ જ છે કે બેઠક માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિનું કહેવું છે કે જે રીતે ઘટનાઓ ઘટી રહી છે એનાથી તેઓ 'ખૂબ ખુશ' છે અને જયાં સુધી ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રતિબંધો લાગેલા છે, ત્યાં સુધી એમને કોઈ વાતની ઉતાવળ નથી.

દક્ષિણ કોરિયાના સિઓલમાં પણ પત્રકારોને કહેવામાં આવી રહ્યું છે કે બેઠક મુલતવી થઈ એ અંગે વધારાના અર્થ કાઢવામાં ના આવે, કેમ કે અગાઉ પણ કેટલીય બેઠકો મુલતવી રાખવી પડી હતી.

જોકે, દક્ષિણ કોરિયાના અધિકારીઓએ આ બાબતે નિરાશા ચોક્કસ વ્યકત કરી છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનને એક મુલાકાતમાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય જયારે ઉત્તર કોરિયાને નિશસ્ત્રીકરણ મામલે રાજી કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે એમને કંઈ આઘું-પાછું થવાની પણ આશંકા છે.

પરંતુ, એવું લાગી રહ્યું છે કે ઉત્તર કોરિયા સાથે વાતચીત અને સતત સંવાદની ગતિમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની પીછેહઠ થઈ રહી છે.

ત્યાં સુધી કે નીચલા સ્તરે પણ આવી જ પરિસ્થિતિ છે.

ઉત્તર કોરિયામાં અમેરિકાનાં નવા રાજદૂત સ્ટીફન બીગનને પોતાનું પદ સંભાળ્યે બે મહિના થઈ ગયા છતાં હજી સુધી તેમની પોતાની સમકક્ષ ઉત્તર કોરિયન ઉપવિદેશ મંત્રી ચોઈ સુન-હુઈ સાથે મુલાકાત થઈ નથી.

સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ

આ અવરોધનું મૂળ એ છે કે ઉત્તર કોરિયા અને અમેરિકા કયારેય પણ 'નિઃશસ્ત્રીકરણ' ના વિચાર પર પૂરી રીતે સહમત નથી થયા.

તો જયારે તેઓ નિઃશસ્ત્રીકરણની વાત કરે છે એનો અર્થ શો?

એ વાત સાચી છે કે બન્ને નેતાઓ વચ્ચે સિંગાપોરમાં એક સંધિકરાર પર હસ્તાક્ષર થયા હતાં પરંતુ એ સંધિકરાર અંગે પૂરી જાણકારી ઉપલબ્ધ નથી.

આ અધૂરી માહિતી હવે આ પૂરી પ્રક્રિયામાં અવરોધરૂપ બની રહી છે.

ઉત્તર કોરિયાનું વલણ શરૂઆતથી સ્પષ્ટ હતું કે તે એકતરફી નિઃશસ્ત્રીકરણ નહીં કરે અને એના બદલામાં ચોકક્સ કંઈક ઈચ્છશે.

આનો અર્થ એવો કરી શકાય કે એ વખતે એમને લાગ્યુ હશે કે પ્રતિબંધોથી તત્કાળ રાહત માટે એમનાં પગલાં પર્યાપ્ત છે.

અમેરિકા અને સંયુકત રાષ્ટ્ર બન્નેએ ઉત્તર કોરિયા પર કડક આર્થિક પ્રતિબંધો લાદેલા છે.

ઉત્તર કોરિયાની લગભગ 90 ટકા નિકાસ પર પ્રતિબંધ છે.

જેમાં, કોલસો, કાચુ લોખંડ, સી-ફૂડ અને કપડાં વગેરે પ્રતિબંધિત વસ્તુની યાદીમાં સામલે છે.

એની તેલ ખરીદીની પણ સીમા નિર્ધારિત કરવામાં આવેલી છે.

જો કિમ જોંગ પોતાના દેશવાસીઓને કરેલા વાયદાઓ મુજબ દેશની અર્થવ્યવસ્થા આગળ વધારવા માગે તો તેમણે પ્રતિબધોનો ઉકેલ કાઢવો પડશે.

જોકે, અમેરિકાનું માનવું છે કે 'સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ' વગર પ્રતિબંધોમાંથી કોઈ રાહત આપવામાં આવશે નહીં.

અમેરિકા સમાધાન કરશે?

રશિયાએ આ અઠવાડિયે ઉત્તર કોરિયાના દરિયા કાંઠે લદાયેલા પ્રતિબંધોની ચર્ચા માટે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી.

પરંતુ સંયુકત રાષ્ટ્રમાં એ વખતે અમેરિકન રાજદૂત નિકી હેલીનું વલણ સ્પષ્ટ હતું.

એમણે કહ્યું કે 'જોખમ હજું પણ તોળાયેલું જ છે. ઉત્તર કોરિયા પાસે હજુ પરમાણુ તકનિક અને યંત્રો છે અને એમણે હજી સુધી નિરીક્ષકોને તપાસ માટે આવવાની પરવાનગી આપી નથી. '

ઘણા જાણકારો માને છે કે આ પ્રક્રિયા અટકી જાય પહેલાં અમેરિકાએ પોતાનાં વલણમાં ફેરફાર કરવો જોઈએ અને સહેજ નમતું જોખવું જોઈએ.

પરંતુ હજુ સુધી આ બાબતે ટ્રમ્પ સરકાર તરફથી એવો કોઈ સંકેત મળ્યો નથી.

હવે જો અમેરિકા ઝૂકવા તૈયાર નથી તો ઉત્તર કોરિયા શું કરશે?

ગત અઠવાડિયે ઉત્તર કોરિયાનાં વિદેશ મંત્રાલયનાં 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકન સ્ટડિઝ' તરફથી રજુ થયેલાં એક નિવેદનમાં ધમકી આપવામાં આવી હતી.

આ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે 'સંબંધોમાં સુધારો અને પહેલાંથી જ ચાલુ પ્રતિબંધો વચ્ચે ખૂબ વિસંગતિ જણાઈ રહી છે. અમેરિકા અમારી અમારી માગણીઓને સમજયા વગર અને પોતાનું વલણ બદલ્યા વગર અહંકારમાં શેખી મારે છે.'

આ નિવેદન બાદ એ ધારણા બેસે છે કે જો અમેરિકા પ્રતિબંધો નહીં હટાવે તો ઉત્તર કોરિયા પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી શકે છે.

અહીં એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રનાં અનેક ગુપ્ત અભ્યાસોમાં દાવો કરાયો છે કે ઉત્તર કોરિયામાં હથિયારોનું નિર્માણ અને સંગ્રહ બન્ને ચાલી રહ્યું છે.

પરંતુ એમણે મિસાઈલ અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ બંધ કરી દીધું છે, જેને અમેરિકન રાષ્ટ્રપતિ પોતાની અંગત જીત માને છે.

તેઓ તો એવી ઘોષણા પણ કરી ચૂક્યા છે કે હવે ઉત્તર કોરિયા તરફથી કોઈ પરમાણુ ખતરો રહ્યો નથી.

ઉત્તર કોરિયા પાસે વિકલ્પ

હા ઉત્તર કોરિયા પાસે એક વિકલ્પ છે. તે અમેરિકન પ્રમુખને શરમજનક સ્થિતિમાં મૂકવા હાલ મિસાઈલ પરીક્ષણ કરી શકે છે.

પરંતુ એની સાથે અનેક મોટા જોખમ જોડાયેલાં છે.

આને લીધે ઉતાવળિયા કહેવાતા ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ભડકી શકે છે.

એમની સરકાર કમજોર દેખાય એ એમને પસંદ નથી. મિસાઈલ પરીક્ષણની ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નિંદા થશે અને પ્રતિબંધોથી રાહતનો અણસાર પણ જતો રહેશે.

આની સાથે ઉત્તર કોરિયાના પડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે સુધરી રહેલાં સંબંધો પણ બગડી જશે. અનેક કંપનીઓ ઉત્તર કોરિયામાં રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

કિમ જોંગ-ઉન પાસે બીજો એક વિકલ્પ છે કે તેઓ કેટલાંક વચનો પૂરા કરે.

તેઓ નિરીક્ષકોને પુંગેરીમાં પોતાનાં એકમાત્ર જાણીતા પરમાણુ પરીક્ષણ સ્થળ સુધી આવવા દે.

ઉત્તર કોરિયાએ મે મહિનામાં કેટલાક વિસ્ફોટો કરીને પરમાણુ પરીક્ષણ સ્થળ નષ્ટ કર્યાનો દાવો કર્યો હતો અને તેની તસવીરો કેમેરામાં કેદ કરી હતી.

દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂનનું કહેવું છે કે કિમ જોંગ-ઉને એમને કહ્યું હતું કે તેઓ નિરીક્ષકોને પ્રવેશ આપશે.

ખબર એ પણ છે કે દક્ષિણ કોરિયામાં આની તૈયારીઓ પણ ચાલી રહી છે. આને લીધે ઉત્તર કોરિયાને વાતચીતમાં ભાવતાલ કરવાની સરળતા રહેશે.

આ સિવાય કિમ યોંગબ્યોન અણુ સુવિધાને પણ બંધ કરી કરી દેવામાં આવી શકે.

ઉત્તર કોરિયાએ અગાઉ પણ અમેરિકા દ્વારા મોટા પગલાં લેવામાં આવે તે પછી તેને બંધ કરવાનો વાયદો કર્યો હતો.

અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે ઉત્તર કોરિયામાં મારી જે પણ લોકો સાથે વાત થાય છે તેઓ કહે છે કે એક નવયુવાન નેતા તરીકે કિમ જોંગ-ઉન અનેક પ્રકારનાં દબાણનો સામનો કરી રહ્યા છે.

એમની આસપાસ એવા અનેક લોકો છે કે જેઓ નિઃશસ્ત્રીકરણ થાય કે અમેરિકા સામે ઝૂકવું પડે એવા મતના નથી.

પ્યોંગયાંગની રમત

કદાચ બન્ને પક્ષો એમ વિચારી રહ્યાં છે આ મુદ્દે ટાઈમપાસ કરવા કરતાં એકબીજાની રાહ જોઈ શકાય એમ છે.

ઉત્તર કોરિયાનાં આગામી પગલા સુધી અમેરિકા પોતાનાં પ્રતિબંધ ચાલુ રાખી શકે છે.

ઉત્તર કોરિયા પોતાની ચેતવણીઓ ચાલુ રાખીને અન્ય કૂટનીતિક સંબંધો વિકસાવી શકે છે.

જોકે, અમેરિકા માટે આ એક મોટો જુગાર હશે. ઉત્તર કોરિયાનાં પરમાણુ જથ્થાને અમેરિકાની સંરક્ષણ અને ગુપ્તચર સંસ્થઆઓના પ્રમુખ ગંભીર કટોકટી માને છે.

આ ખતરો હજી પણ મંડરાયેલો છે. જયાં સુધી અવરોધ ચાલુ છે ત્યાં સુધી એવી શકયતા પણ છે કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયાર બનાવવાનું ચાલુ રાખે.

અમેરિકાનું કહેવું છે કે ટ્રમ્પ અને કિમ વચ્ચે આગામી મુલાકાત આવતા વર્ષે થશે પરંતુ સમાધાન માટે નીચેનાં સ્તરે બન્ને પક્ષોનાં અધિકારીઓ વચ્ચે સંવાદ થતો રહે એ જરૂરી છે.

કાગળ પર એ જરૂરી વિવરણો વિના આ મામલો કૂટનીતિના એક એવા ઘટનાક્રમમાં પલટાઈ જશે કે જેને ટ્રમ્પ પોતાની સફળગતા ગણાવી ચૂક્યા છે અને સામે છેડે નિષ્ફળતા હજુ પણ ઉંબરે ઊભી જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો