સંજીવ ભટ્ટને જનમટીપ : અડવાણીની રથયાત્રા, ટાડાનો કાયદો અને જામજોધપુરનો એ કેસ

બરતરફ કરાયેલા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જે કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે તે કેસ ત્રણ દાયકા જૂનો છે.

કસ્ટૉડિયલ ડેથનો આ કેસ 1990નો છે. એ વખતે સંજીવ ભટ્ટ જામનગરમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

આ અંગે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર પ્રભુદાસ માધવજી વૈષ્ણાણીના ભાઈ અને ફરિયાદી એવા અમૃતભાઈએ બીબીસીને કહ્યું કે એ 30 ઑક્ટોબરની રાત હતી અને તેઓ અને મૃત્યુ પામનાર પ્રભુદાસ ઘરે જ હતા.

પ્રભુદાસના પરિવારમાં પત્ની અને ત્રણ નાના બાળકો જેમની ઉંમર ચાર, છ અને આઠ વર્ષ હતી તે પણ હતાં.

અમૃતભાઈ કહ્યું કે, મારા બેઉ ભાઈઓને પોલીસવાળાઓ ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા. મને આજ સુધી એ નથી સમજાયું કે તેઓ કેમ ઉઠાવીને લઈ ગયા હતા.

એ વખતે અમે કાયદો-કાનૂન કંઈ જાણતા નહોતા. પોલીસ સામે શું કરવું એ ખબર નહોતી પડતી. લોકો પોલીસથી ખૂબ ડરતાં. કેવી રીતે લઈ ગયા, કેમ લઈ ગયા એ પણ પુછવાનો સમય ન મળ્યો. પોલીસે પણ એ ન કહ્યું.

પ્રભુદાસ માધવજી વૈષ્ણાણી સહિત 133 લોકોને ટાડા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પાછળથી એમને પરથી ટાડા હઠાવી દેવામાં આવ્યો.

ટાડાનો કાયદો ખૂબ જ સખત ગણાતો હતો અને અનેક લોકો તેને માનવાધિકાર વિરુદ્ધનો ગણતા હતા.

ઉલ્લેખનીય છે કે અમૃતભાઈ જે વાત કરે છે એ સમય 1990નો હતો અને બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા રોકવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આને પગલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અનેક સ્થળોએ તોફાનો થયા હતા.

અમૃતભાઈનું કહેવું છે કે એમના ભાઈઓને ઘરેથી જે પોલીસની ટીમ ઉપાડી ગઈ તેમાં સંજીવ ભટ્ટ પણ હતા. પ્રભુદાસની સાથે જે ભાઈને ઉઠાવી જવામાં આવ્યા હતા તેમનું નામ રમેશ હતું.

અમૃતભાઈ કહે છે કે પોલીસે લોકને ડંડા વડે માર્યા અને એમની પાસે ઉઠક-બેઠક કરાવવામાં આવી.

લાકડીઓના માર અને ઉઠક-બેઠકને લીધે એમની કિડની પર અસર પહોંચી. બંને ભાઈઓને કિડનીનો પ્રૉબ્લેમ ઉભો થયો.

આને કારણે પ્રભુદાસનું 18 નવેમ્બરના રોજ અવસાન થયું જ્યારે અન્ય ભાઈ રમેશને 15-20 દિવસના ઇલાજ પછી સારું થઈ ગયું.

આના બાદ અમૃતભાઈએ પીએમની અરજી કરી અને ત્યાંથી આ કેસ શરૂ થયો.

સુપ્રીમના ચુકાદા સુધી

આ કેસમાં સરકારી વકીલ તુષાર ગોકાણીએ કહ્યું કે 1990માં જ સીઆઈડીએ કેસી તપાસ શરૂ કરી દીધી હતી પંરતુ ચાર્જશીટ ફાઇલ કરવાની સરકારી સહમતી ન મળવાને લીધે મામલો લંબાતો ગયો.

આ કેસમાં 2017 સુધી પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે કામગીરી કરનાર બિમલ ચોટાઈએ બીબીસીને કહ્યું શરૂઆતમાં તપાસ અધિકારીએ સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો.

સરકારે પોલીસ પર કામ ચલાવવાની મંજૂરી આપી નહોતી.

તુષાર ગોકાણી કહે છે 1995માં ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી મળી, પંરતુ તેને આરોપીએ અદાલતમાં પડકારી.

વકીલ બિમલ ચોટોઈ કહે છે કે એમનું કહેવું છે કે 2011 પછી આ બધું શરૂ થયું.

કેસના પ્રાથમિક ઘટનાક્રમ વિશે એમણે કહ્યું કે સરકારે મંજૂરી ન આપતા ફરિયાદીએ જે તે સમયે વાંધો લીધો હતો અને અદાલતે તેની નોંધ લીધી હતી.

અદાલતે સંજ્ઞાન લીધા બાદ સરકારે તેને રિવિઝન અરજી કરી પડકાર્યું હતું.

સરકારે 2011માં રિવિઝન અરજી પાછી ખેંચી લીધી એ પછી આ કેસમાં પ્રગતિ થઈ.

સરકારે રિવિઝન પાછી ખેંચી લેતા તેની સામે સંજીવ ભટ્ટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી પણ અને એ પછી સુપ્રીમમાં પણ અરજી થઈ હતી.

જોકે, હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટને રાહત આપી નહોતી.

તુષાર ગોકાણી કહે છે કે અનેક કાનૂની વિવાદો પછી 2012માં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો અને 2015માં આની સુનાવણી શરૂ થઈ.

એ પછી પણ સાક્ષીઓને તપાસવાને લઈને સંજીવ ભટ્ટ દ્વારા હાઈ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ.

આખરે સુપ્રીમના આદેશ પછી કેસ ચલાવને પૂર્ણ કરવામાં આવ્યો છે.

કેસની શરૂઆતં અંગે તેઓ કહે છે કે ઘટના બની ત્યારે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને એ રીતે મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યુ હતું.

આની તપાસ સીઆઈડી (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) ક્રાઇમને સોંપવામાં આવી હતી અને આ ઘટનામાં મૃતકના ભાઈએ ફરિયાદ કરી હતી.

આ કેસમાં સ્પશેયિલ પબ્લિક તુષ।ર ગોકાણીએ કહ્યું કે આ કેસમાં આરોપીઓ એક પૂર્વ આઈપીએસ, બે પીએસઆઈ અને 4 કૉન્સ્ટેબલ આરોપી હતા.

સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહને આજીવન કેદની સજા કરવામાં આવી છે અને તેમને પોલીસ કસ્ટડીમાં લેવાનો આદેશ છે.

આ ઉપરાંત અન્ય આરોપીઓમાં શૈલેષ પંડયા, દિપક શાહ, પ્રવીણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા તેમજ કેશુભા જાડેજાને વધુમાં વધુ બે વર્ષની સજા કરવામાં આવી છે. આ તમામના જામીન અદાલતે મંજૂર રાખ્યા છે.

હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડત

આ કેસમાં વધારે 40 સાક્ષીઓને તપાસવામાં આવે તે માટે સંજીવ ભટ્ટે નીચલી અદાલતને અરજી કરી હતી.

નીચલી અદાલતે અરજી નકારી દેતા આ અંગે પહેલાં ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

હાઈ કોર્ટેમાં સંજીવ ભટ્ટના વકીલે જે તે સમયે કહ્યું હતું કે 5 સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ છે.

આ મામલે ગુજરાત હાઈ કોર્ટે સંજીવ ભટ્ટ પાસેથી સાક્ષીઓની યાદી માગી હતી અને ભટ્ટને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.

આ જ મુદ્દે કેસમાં સત્ય સ્થાપિત કરવા માટે વધારાના 11 સાક્ષીઓને તપાસવાનો આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી.

જોકે, આની સામે ગુજરાત સરકારે કહ્યું હતું કે આ કેસમાં દલીલો પૂરી થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે ત્રણ જજની બૅન્ચે આપેલા આદેશને ફેરવવાની ના પાડી હતી અને સંજીવ ભટ્ટને રાહત નહોતી આપી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો