You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની એ વ્યક્તિ જેણે પોતાના ઘરના પ્રિન્ટર પર છાપી નકલી નોટો
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી
દેશમાં નોટબંધી બાદ પણ નકલી નોટો છાપવાના કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાં બન્યો છે.
શનિવારે રાજકોટમાં એક શખ્સની નકલી નોટો છાપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
અરવિંદ અકબરી નામના એક વેપારીએ સામાન્ય પ્રિન્ટરથી A4 સાઇઝના કાગળ પર આ નકલી નોટો છાપી હોવાની માહિતી સામે આવી છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે અરવિંદ એક ફેક્ટરીના માલિક હતા અને ધંધામાં ખોટ જવાના કારણે તેમણે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું.
ગાંઠિયા લેવા જતા થઈ ધરપકડ
અરવિંદ અકબરી પાસે રહેલી અન્ય નોટો પોલીસે હાલ કબ્જે કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
અકબરીએ સામાન્ય પ્રિન્ટર પર છાપેલી નકલી નોટો સુધી પોલીસ એક ગાંઠિયાના વેપારી દ્વારા પહોંચી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનર જે. એચ. સરવૈયાના કહેવા મુજબ, "અકબરીએ થોડા સમય પહેલાં જ રૂપિયા 200ની એક નકલી નોટ બજારમાં મૂકી હતી."
"તેમણે જસદણના એક વિસ્તારમાં 200ની નકલી નોટ દ્વારા ગાંઠિયા ખરીદ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ પોલીસ સુધી આ વાત પહોંચી અને તેની તપાસ કરતા અરવિંદ અકબરી ઝડપાઈ ગયા હતા.
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં અકબરીએ એક જ નકલી નોટ બજારમાં વહેતી કરી છે. આ મામલે પોલીસ હજી તપાસ કરી રહી છે.
તપાસ અધિકારીઓનું માનવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં હજી 200 રૂપિયાની નોટો વધારે પ્રમાણમાં જોવા મળતી નથી. જેથી અકબરીએ આ નોટ છાપી હોવી જોઈએ.
A4 કાગળ પર નોટો છાપી
A4 સાઇઝના પેપર, એક સામાન્ય કલર પ્રિન્ટર, પેપર-કટર અને ફૂટપટ્ટીની મદદથી અરવિંદ અકબરીએ 2000, 500 અને 100 રૂપિયાની નોટો છાપી રહ્યા હતા.
રાજકોટ પોલીસનું કહેવું છે કે તેઓ માર્કેટમાં આ નકલી નોટો ફરતી કરે તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવાઈ હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અકબરીએ મે 31ના રોજ રાજકોટમાંથી એક કલર પ્રિન્ટર ખરીદ્યું હતું. સ્કેનિંગ અને પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી તેઓ નોટ છાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ છપાયેલી નોટો જોતા પોલીસને લાગે છે કે આ નોટોના રંગ અને ડાઇમેન્શનમાં ફરક હતો.
પોલીસ માને છે કે જો નોટો બંડલમાં હોય તો કદાચ આ નોટ ઉપર કોઈ સામાન્ય વ્યક્તિનું ધ્યાન ન જાય, પરંતુ જો એ નોટ એકલી હાથમાં આવે તો તુરંત જ ઓળખાઈ જાય.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તપાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલ કહે છે કે અકબરીએ બધી વસ્તુઓ તો ખરીદી લીધી હતી, પરંતુ તેમને કાગળ ઉપર નોટ છાપવા બાદ તેનો પાછળનો ભાગ છાપવામાં ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા.
તેમણે કહ્યું, "પાછળનો ભાગ છાપવામાં વાર લાગી કદાચ એથી જ તેઓ આ નોટોને મોટા પ્રમાણમાં છાપી ન શક્યા."
કોણ છે અરવિંદ અકબરી?
અરવિંદ અકબરી રાજકોટના લક્ષ્મણ ઝૂલા પાર્કમાં રહેનાર એક બિઝનેસમૅન છે.
તેઓ છેલ્લાં 7 થી 8 વર્ષથી તેલનો વેપાર કરે છે અને તેમની ઑઇલમિલ પણ હતી.
પોલીસને મળેલી માહિતી પ્રમાણે તેમણે થોડા સમય પહેલાં પોતાની ખેતીની જમીન વેચીને વેપારની શરૂઆત કરી હતી, પરંતુ વેપારમાં નુકસાન જતા તેમના પર આશરે 30 લાખ રુપિયાનું દેવું થઈ ગયું હતું.
પોતાનું દેવું જલદીથી ચૂકવી દેવા માટે તેમણે નકલી ચલણી નોટો છાપવાનું ગેરકાયદેસર કામ શરૂ કર્યું હતું.
આશરે 4 દિવસ સુધી એ કામ કર્યા બાદ પોલીસને મળેલી બાતમીને આધારે તેમની ધરપકડ થઈ હતી.
પોલીસને જાણવા મળ્યું છે કે અકબરી માત્ર રાત્રે જ નોટો છાપવાનું કામ કરતા હતા, જેથી તેમના પરિવારજનોને પણ ખબર ન પડે.
પોલીસને તેમની પાસેથી 2000ની 33,500ની 12 તેમજ 200ની 15 નકલી નોટો મળી આવી છે.
શું બંધ થતા નાના ઉદ્યોગો, વેપારીઓને દેવાદાર બનાવી રહ્યા છે?
અરવિંદ અકબરીની ઑઇલ-મિલમાં પાંચથી વધુ વર્ષ સુધી સારો ધંધો ચાલ્યો હતો. બાદમાં નુકસાન જતાં તેમને ધંધો બંધ કરવાની નોબત આવી હતી.
ગુજરાતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની હાલત વિશે વાત કરતા, સંશોધક અને લેખક ઇંદિરા હિરવે કહે છે, "દેશભરમાં ખેતીની હાલત ખરાબ થતાં લોકોની ખરીદશક્તિ ઘટી છે અને તેની સાથે માર્કેટમાં ડિમાન્ડ પણ ઘટી ગઈ છે."
"આ ઓછી ડિમાન્ડને કારણે ઘણાં નાનાં એકમોની હાલત ખરાબ છે અને તે બંધ થઈ ચૂક્યાં છે અથવા બંધ થવાને આરે છે."
તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી દેશમાં ખેતી માટે અને ખેતપેદાશો થકી ચાલતા એકમોને ચાલુ રાખવા માટે નવું ઇન્વૅસ્ટમેન્ટ ન થાય ત્યાં સુધી એકમો પર ખતરો ચાલુ રહેશે.
ગયા વર્ષે 5,22,783ની નકલી નોટ જમા થઈ
ભારતની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 2017-18ના વાર્ષિક અહેવાલમાં નોંધ્યું છે કે દેશભરમાં વર્ષ દરમિયાન નકલી ચલણી નોટોના સીઝરમાં 36.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આરબીઆઈ પાસે 2017-18માં રૂપિયા 5,22,783ની નકલી નોટ જમા થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો