હૉંગકૉંગમાં લાખો લોકોના વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલી આ યુવતી કોણ છે?

આ યુવતી હૉંગકૉંગમાં વિવાદીત પ્રત્યર્પણ બિલ સામે ચાલી રહેલા વિરોધનો મુખ્ય ચહેરો બની ગયાં છે. આ યુવતીને લોકો હાલ 'શિલ્ડેડ ગર્લ' એટલે કે 'ઢાલ બનીને ઊભી રહેલી યુવતી' તરીકે ઓળખવા લાગ્યાં છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે બિલને અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરી દેવામાં આવશે તો પણ તેઓ આ કાયદાની વિરુદ્ધમાં લડતાં રહેશે.

અંધારું ધીમે-ધીમે ઢળી રહ્યું છે, લોકોનું ટોળું વિખેરાઈ રહ્યું છે, એક એકલી યુવતી ધ્યાનની મુદ્રામાં રાયટ પોલીસની સામે બેઠી છે.

આ તસવીર હૉંગકૉંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું પ્રતીક બની ગઈ છે. હાલ હૉંગકૉંગમાં એક વિવાદીત પ્રત્યર્પણ બિલને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે.

આ બિલને અટકાવી દેવામાં આવ્યું છે, હવે વિરોધીઓ કેરી લેમના રાજીનામાંની માંગ કરી છે.

વિરોધનો ચહેરો બનેલી આ યુવતી કોણ છે?

આ યુવતીનું નામ લામ કા લો છે. 26 વર્ષીય આ યુવતી સિવિલ હ્યુમન રાઇટ્સ ગ્રૂપે યોજેલા પ્રદર્શનમાં મંગળવારે રાત્રે આવ્યાં હતાં.

તેઓ એ જિલ્લામાંથી આવે છે જ્યાં હૉંગકૉંગની સરકારનું મુખ્યાલય આવેલું છે.

વિરોધ પ્રદર્શનના સ્થળે તેમની સાથે સેંકડો પ્રદર્શનકારીઓ હતા, પરંતુ બાદમાં રાયટ પોલીસના જવાનો આવવા લાગ્યા.

તેમણે કહ્યું, "પોલીસ ઓફિસરોની સામે કોઈએ પણ ઊભા રહેવાની હિંમત કરી ન હતી."

લામે કહ્યું કે તેઓ પોલીસથી ડરતાં નથી પરંતુ બીજા પ્રદર્શનકારીઓને ઈજા પહોંચે એની તેમને ચિંતા છે.

જ્યારે ટેન્શન વધવાનું શરૂ થયું તો લામ કા લો ધ્યાનની મુદ્રામાં બેસી ગયાં અને ઓમ મંત્ર બોલવા લાગ્યાં.

તેમણે કહ્યું, "હું માત્ર મારી હકારાત્મક ઊર્જા મોકલવા માગતી હતી. જ્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારે હું ઇચ્છતી હતી કે મારી સાથે રહેલા પ્રદર્શનકારીઓ મારી પાછળ બેસે અને તે પોલીસ સાથે સંઘર્ષમાં ના ઊતરે."

જોકે, આ યુવતી વિરોધ પ્રદર્શનનો ચહેરો બનવા માગતાં નથી. તેઓ કહે છે, "હું લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા માગતી નથી."

તેમણે કહ્યું, "જો લોકોને મારાથી પોલીસ સામે ઊભા રહેવાની પ્રેરણા મળતી હોય તો હું આશા રાખું છું કે લોકો વધારે નિર્ભય બનશે."

પ્રવાસનો શોખ ધરાવનારી યુવતી

લામને પ્રવાસનો ખૂબ શોખ છે અને તે ડઝન જેટલા દેશો ફરી ચૂક્યાં છે. જેમાં એશિયા, લેટિન અમેરિકા, નોર્થ અમેરિકા અને યૂરોપના દેશોનો સમાવેશ થાય છે.

2014માં 79 દિવસો સુધી થયેલાં અમ્બ્રેલા પ્રદર્શનો દરમિયાન પણ તેઓ રસ્તા પર ઊતર્યાં હતાં.

જોકે, આ વખતે બુધવારે બપોર બાદ પોલીસ સામે થયેલા આ સંઘર્ષ માટે તેઓ પહેલાંથી તૈયાર ન હતાં.

તેમણે કહ્યું, "મને દુખ થયું કારણ કે પ્રદર્શનમાં પોલીસના હાથે કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા."

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે હિંસા થઈ ત્યારે તેઓ વિરોધ પ્રદર્શનના સ્થળે ન હતાં.

તેઓ ઇચ્છે છે કે બિલને પરત લઈ લેવામાં આવે. તેમણે પોતાના સાથીઓને વિનંતી કરી હતી કે તેઓ ભવિષ્યમાં પણ પ્રદર્શનમાં પણ ભાગ લે.

કેમ થઈ રહ્યો છે આટલો મોટો વિરોધ?

રવિવારે હૉંગકૉંગમાં મોટા પાયે પ્રદર્શનો થયાં હતાં જેમાં આશરે 20 લાખ લોકો જોડાયાં હતાં. જો આ આંકડો ખરેખર સાચો હોય તો તે હૉંગકૉંગના તાજેતરના ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન હશે.

1841થી હૉંગકૉંગ બ્રિટનના તાબામાં હતું એટલે કે તે બ્રિટીશ કૉલોની હતી, જેને 1997માં ચીનને સોંપી દેવામાં આવ્યું.

જે હાલ ચીનનો એક ભાગ છે પરંતુ 'એક દેશ, બે વ્યવસ્થા' નામના કરાર હેઠળ તે જોડાયેલું છે.

જેના હેઠળ હૉંગકૉંગમાં ન્યાયિક વ્યવસ્થા, સંસદ અને અર્થતંત્ર ચીન કરતાં સ્વતંત્ર છે, જેના પર ચીનની નીતિઓ લાગુ પડતી નથી.

હાલ લાવવામાં આવેલા વિવાદિત પ્રત્યર્પણ બિલ મામલે વિવાદ ચાલી રહ્યો છે.

ટીકાકારોનું માનવું છે કે આ બિલને કારણે હૉંગકૉંગ ચીનના વધુ પડતા કબજા હેઠળ આવી જશે અને અન્ય શહેરોની જેમ તે ચીનનું એક શહેર બની જશે.

જ્યારે અધિકારીઓનું કહેવું છે કે પ્રત્યર્પણની મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય કોર્ટ લેવાની છે એટલે આ ડરનું કોઈ કારણ નથી.

હૉંગકૉંગના મુખ્ય વહીવટી અધિકારી કેરી લામ હાલ આ વિરોધના કેન્દ્રમાં છે, જેમણે આ બિલને મંજૂરી આપવાની હતી.

ચીન તરફી વલણ ધરાવતાં મિસ. લામે હાલ પૂરતો બિલને મંજૂરી આપવાનો પ્લાન પડતો મૂક્યો છે.

2014માં થયેલા પ્રદર્શનના મુખ્ય ચહેરા તરીકે જાણીતા જોશુઆ વોંગ નામના વિદ્યાર્થી નેતાને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે.

22 વર્ષીએ વોંગે જેલની બહાર આવતાની સાથે જ કેરી લામના રાજીનામાની માગણી કરી છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વોંગ ફરીથી પ્રદર્શનોમાં જોડાશે અને કેરી લામ પર વધારે દબાણ ઊભું કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો