Chandrayaan 2: જેના પર દુનિયાની નજર છે એ ભારતીય મિશનની કૅપ્ટન છે આ બે મહિલાઓ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ વધુ એક વખત ચંદ્ર પર પોતાનો ઉપગ્રહ મોકલ્યો છે. આ ઉપગ્રહ 15 જુલાઈ સવારે 2.51 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી મોકલવામાં આવ્યો.

અગાઉ ઑક્ટોબર 2008માં ઇસરોએ ચંદ્રયાન-1 ઉપગ્રહ ચંદ્ર પર મોકલ્યો હતો.

આ પહેલું એવું આંતરગ્રહીય મિશન છે, જેની કમાન બે મહિલાના હાથમાં છે. તેથી આ મિશન વધુ ખાસ છે. રીતુ કરીધલ તેનાં મિશન ડિરેક્ટર છે અને એમ. વનીતા પ્રોજેક્ટ ડિરેક્ટર છે.

ઇસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને ચંદ્રયાન-2ની પત્રકારપરિષદમાં કહ્યું હતું, "અમે મહિલાઓ અને પુરુષોનો કોઈ ભેદ રાખતા નથી. ઇસરોમાં લગભગ 30 ટકા મહિલાઓ કામ કરે છે."

આવું પહેલી વખત નથી કે ઇસરોના કોઈ મોટા અભિયાનમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા હોય. આ પહેલા મંગળ મિશનમાં પણ 8 મહિલાઓની ભૂમિકા અગત્યની હતી.

આ વખતે ચંદ્રયાન-2ની કમાન સંભાળનાર રીતુ કરિધલ અને એમ. વનીતા કોણ છે તે જાણીએ.

રૉકેટ વુમન ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાતાં રીતુ

ચંદ્રયાન-2નાં મિશન ડિરેક્ટર રીતુ કરિધલને રૉકેટ વુમન ઑફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. તેઓ માર્સ ઑર્બિટર મિશનમાં ડેપ્યુટી ઑપરેનશન્સ પણ રહી ચૂક્યાં છે. કરિધલ ઍરોસ્પેસમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેઓ લખનઉ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં છે.

વર્ષ 2007માં તેમને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે ઇસરો યંગ સાયન્ટિસ્ટનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

કરિધલને બાળપણથી જ વિજ્ઞાનમાં ખાસ રસ હતો. માર્સ ઑર્બિટર મિશન બાદ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "હું ચંદ્રનો આકાર વધવા અને ઘટવાની વાતથી બહુ આશ્ચર્ય પામતી અને અંતરિક્ષના અંધકારની પેલે પારની દુનિયા વિશે જાણવા મથતી."

ફિઝિક્સ અને મેથ્સ રીતુના ગમતા વિષયો હતા. તેઓ નાસા અને ઇસરોના પ્રોજેક્ટ્સ વિશે અખબારોનાં કટિંગ સાચવી રાખતાં. સ્પેસ સાયન્સ સાથે જોડાયેલી દરેક નાની વાત સમજવાની કોશિશ કરતાં.

વિજ્ઞાન અને અંતરિક્ષ બાબતે તેમનો જુસ્સો જ તેમને ઇસરો સુધી લઈ આવ્યો. તેઓ જણાવે છે, "પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિગ્રી પૂરી કર્યા પછી મેં ઇસરોમાં નોકરી માટે અરજી કરી હતી. આ રીતે હું સ્પેસ સાયન્ટિસ્ટ બની શકી."

તેઓ લગભગ 20-21 વર્ષથી ઇસરોમાં ઘણા પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યાં છે. તેમાં માર્સ ઑર્બિટર મિશન સૌથી મહત્ત્વનું છે.

મંગળની મહિલાઓ

રીતુ કરિધલ જણાવે છે કે સહયોગ વિના કોઈ જ કામ શક્ય નથી.

તેમને બે બાળકો છે, એક દીકરો અને એક દીકરી. તેઓ કહે છે, મા બન્યાં બાદ તેઓ ઘેર રહીને પણ ઑફિસનું કામ કરતાં, તેમના પતિ બંને બાળકોને સંભાળવામાં તેમની મદદ કરતા. જ્યારે તમારા પરિવારના સભ્યો તમારો જુસ્સો અને મહેનત જુએ છે તો તેઓ પણ આપણી સાથે જોડાઈ જાય છે.

તેમણે કહ્યું, "જ્યારે મારો દીકરો 11 વર્ષનો અને દીકરી 5 વર્ષની હતી ત્યારે સમય બચાવવા માટે અમે એક સાથે ઘણાં કામ કરતાં. ઑફિસમાંથી સખત થાકીને આવ્યા બાદ પણ હું ઘેર જઈને બાળકોની સંભાળ લેતી અને તેમની સાથે સમય વિતાવતી એ મને બહુ ગમતું."

તેઓ કહે છે કે, ઘણી વખત એવું કહેવાય છે કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવે છે અને સ્ત્રીઓ શુક્ર પરથી. પરંતુ મંગળયાનની સફળતા બાદ ઘણી લોકો મહિલા વૈજ્ઞાનિકોને 'મંગળની મહિલાઓ' કહેવા લાગ્યા.

તેમણે કહ્યું, "હું પૃથ્વી પર રહેતી મહિલા છું, એક ભારતીય મહિલા જેને ઉત્તમ તક મળી."

સ્ટાર પ્લસના એક કાર્યક્રમ 'ટેડ ટૉક'માં રીતુ કરિધલે કહ્યું કે, "મારાં માતા-પિતાએ વીસ વર્ષ પહેલાં મારામાં જે આત્મવિશ્વાસ દર્શાવેલો એ જ આજે માતા-પિતા તેમની દીકરીઓમાં દર્શાવી રહ્યાં છે. પરંતુ આપણે દેશનાં ગામ, કસબાઓમાં આ ભાવના પેદા કરવાની છે કે છોકરીઓ નાના શહેરની હોય કે કસબાની પણ જો માતા-પિતાનો સહયોગ હશે તો તેઓ ઘણી આગળ વધી શકશે."

પ્રોજેક્ટ ડિરેક્ટર એમ. વનીતા

એમ. વનીતા ચંદ્રયાન-2 પ્રોજેક્ટમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યાં છે. વનીતાએ ડિઝાઇન એન્જિનિયરની તાલીમ લીધી છે. તેમને એસ્ટ્રોનૉમિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા તરફથી 2006માં બેસ્ટ વુમન સાયન્ટિસ્ટનો ઍવૉર્ડ મળી ચૂક્યો છે. તેઓ ઘણાં વર્ષથી સેટેલાઇટ પર કામ કરી રહ્યાં છે.

વિજ્ઞાનના વિષયોના જાણકાર પલ્લવ બાગલા જણાવે છે કે પ્રોજેક્ટ ડિરેક્ટર પર કોઈ પણ અભિયાનની સંપૂર્ણ જવાબદારી હોય છે. એક મિશનના એક જ પ્રોજેક્ટ ડિરેક્ટર હોય છે. જ્યારે એક મિશન પર એકથી વધુ મિશન ડિરેક્ટર હોઈ શકે છે, જેમ કે ઑર્બિટ ડિરેક્ટર, સેટેલાઇટ કે રૉકેટ ડિરેક્ટર. રીતુ કરિધલ કયા મિશન ડિરેક્ટર છે એ સ્પષ્ટ નથી.

એમ. વનીતાને આમાં પ્રોજેક્ટનાં દરેક પાસાંઓનું ધ્યાન રાખવું પડશે. જેનાથી અભિયાન સફળ થઈ શકે. તેમની ઉપર પ્રોગ્રામ ડિરેક્ટર હોય છે.

શું છે ચંદ્રયાન-2 અભિયાન

ચંદ્રયાન-2 એક ખાસ ઉપગ્રહ છે, કારણ કે તેમાં એક ઑર્બિટર છે, એક 'વિક્રમ' નામનું લૅન્ડર છે અવે 'પ્રજ્ઞાન' નામનું રોવર છે.

પહેલી વખત ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લૅન્ડિંગ કરશે જે સૌથી મહત્ત્વનું કામ હોય છે.

તેનો કુલ ખર્ચ 600કરોડ રૂપિયાથી વધુ ગણાવવામાં આવે છે. 3.8 ટન વજનના ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-3 દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે.

ભારત પોતાના ઉપગ્રહની છાપ ચંગ્ર પર છોડશે, એ બહુ મહત્ત્વનું મિશન છે. ઇસરો માને છે કે મિશન સફળ થશે.

આ પહેલાં ચંદ્રયાન-1નું મિશન બે વર્ષનું હતું. જેમાં ખરાબી આવવાને કારણે એ મિશન એક વર્ષમાં પૂરું થઈ ગયું હતું. એ દૃષ્ટિએ જોતાં ઇસરો કહે છે કે ચંદ્રયાન-1માંના અનુભવમાંથી શીખીને ચંદ્રયાન-2 મિશનની ખામીઓને દૂર કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો