ઈસરોની સ્થાપના પાછળ નહેરુની કોઈ ભૂમિકા નથી? - ફૅક્ટ ચેક

સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ભારતની સ્પેસ એજન્સી ઈસરોના નિર્માણ પાછળ કોઈ ભૂમિકા નહોતી.

આ દાવો સોશિયલ મીડિયા પર ત્યારે વાઇરલ થવા લાગ્યો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેરાત કરી કે ભારતે સફળતાપૂર્વક ઍન્ટી-સેટેલાઇટ(ASAT) મિસાઇલ લૉન્ચ કરવા વાળા દેશોમાં સામેલ થઈ ગયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દેશજોગ સંદેશ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે 'ભારતે વૈશ્વિક સ્પેસ પાવરમાં પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.'

જમણેરી વિચારધારા ધરાવતાં ઘણાં સોશિયલ મીડિયા પૅજ પર આ સિદ્ધિના વખાણ થયા જ્યારે વિપક્ષ સમર્થિત પૅજ પર વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાતની ટીકા થઈ અને કહેવામાં આવ્યું કે તેમણે આવી જાહેરાત આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી છે.

વાઇરલ થયેલા દાવામાં કહેવામાં આવ્યું છે કે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન 27 મે 1964ના રોજ થયું હતું જ્યારે ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી.

પોસ્ટને હજારો લોકો દ્વારા જોવામાં આવી છે અને તેને શૅર કરવામાં આવી છે.

અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હકીકત

દાવો કરાયો છે કે જવાહરલાલ નહેરુની ઇસરોની સ્થાપનામાં કોઈ ભૂમિકા ન હતી. આ દાવો ખોટો છે.

નહેરુના મૃત્યુના 2 વર્ષ પહેલાં 1962માં INCOSPAR (ઇંડિયન નેશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ)ની સ્થાપના બાદ ઇસરોની શોધ 1969માં થઈ હતી.

ઇંડિયન નેશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચની સ્થાપના જવાહરલાલ નહેરુના શાસનકાળમાં થઈ હતી અને તેમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પણ વિશેષ ભૂમિકા હતી.

ઈસરોની અધિકૃત વેબસાઇટ પર પણ રિસર્ચ એજન્સીની સ્થાપનામાં જવાહરલાલ નહેરુના અને ડૉ. સારાભાઈના યોગદાનનો ઉલ્લેખ છે.

તેમાં કહેવામાં આવ્યું છે : "ભારતે ત્યારે સ્પેસમાં જવાનું નક્કી કર્યું હતું જ્યારે ઇંડિયન નેશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચની 1962માં ભારત સરકારે સ્થાપના કરી હતી. ડૉ. વિક્રમ સારાભાઈના સુકાન હેઠળ, INCOSPARએ તિરુવનંતપુરમમાં ઉપરના વાતાવરણના સંશોધન માટે થુંબા ઇક્વેટોરિયલ રૉકેટ લૉન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરી હતી. 1969માં INCOSPARની જગ્યા ઈસરોએ લીધી હતી અને ત્યારે તેની સ્થાપના થઈ હતી."

ઑગસ્ટ 1969માં પણ જ્યારે ઇસરોની સ્થાપના થઈ ત્યારે ઇંદિરા ગાંધીની સરકાર સત્તામાં હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો