You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈજ્ઞાનિકનો ખુલાસો, 'છ મહિનાથી 'મિશન મોડ'માં કામ ચાલી રહ્યું હતું', જાન્યુઆરીમાં છોડાયો ઉપગ્રહ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા જાહેરાત કરી હતી કે ભારતે 'ઍન્ટિ-સેટેલાઇટ' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.
ભારતે 300 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડ્યો હતો.
ભારત હવે ઉપગ્રહ 'છોડી શકે અને તોડી શકે' તેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા રાષ્ટ્રોની ક્લબમાં સામેલ થઈ ગયું છે.
DRDOના કહેવા પ્રમાણે, બે વર્ષ પૂર્વે આ મિશનને લીલીઝંડી મળી અને છેલ્લા છ માસથી તે 'મિશન મોડ' ઉપર હતું.
ભારત સિવાય અમેરિકા (2008માં), રશિયા (2013માં) અને ચીન (2007માં) આ પ્રકારની ક્ષમતા ધરાવે છે.
મોદીએ સંબોધનમાં કહ્યું, 'આ ક્ષમતા આક્રમણ માટે નહીં, સુરક્ષા માટે' વિકસાવવામાં આવી છે, જેની ઉપર દરેક ભારતીયને ગર્વ થવો જોઈએ.
સમાચાર સંસ્થા એએનઆઈએ સેટેલાઇટ વિરોધી મિસાઇલનો વીડિયો ટ્ટીટ કર્યો હતો.
છ મહિના પહેલાં મિશન મોડ
DRDOના વડા જી. સતીશ રેડ્ડીના કહેવા પ્રમાણે, "મિશન ઉપર આગળ વધવા માટે બે વર્ષ પહેલાં લીલીઝંડી મળી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.""
સમાચાર સંસ્થા એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ને આપેલાં ઇન્ટરવ્યૂમાં સતીશે જણાવ્યું કે 'ગત છ માસથી લગભગ 100 વૈજ્ઞાનિકો 'મિશન મોડ'માં રાઉન્ડ-ધ-ક્લોક કામ કરી રહ્યાં હતાં.'
બુધવારે સવારે 11 વાગ્યા અને 16 મિનિટે ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ ઉપરથી મિસાઇલ છોડવામાં આવી હતી, જેણે ત્રણ મિનિટની અંદર મિશન પાર પાડ્યું હતું.
'અમુક સેન્ટિમીટર'ની ચોક્કસાઈ સાથે સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યો હતો.
સ્પેસ સુપર પાવર ભારત
ભારતે મેળવેલી સિદ્ધિને સરળ શબ્દોમાં સમજવા માટે કલ્પના કરો કે, 'અમદાવાદમાંથી તમે રાયફલની મદદથી નિશાન તાંકો અને રાજકોટમાં ઝડપભેર ગતિ કરી રહેલી કોઈ ચીજને અચૂકપણે તોડી પાડો.'
ભારત દ્વારા સંરક્ષણ, નેવિગેશન, હવામાનની આગાહી, સંચાર, મનોરંજન સહિત અલગ-અલગ હેતુઓ માટે 47 મોટા સેટેલાઇટ છોડવામાં આવ્યા છે.
આ સિવાય ભારતે પ્રયોગ, નિરીક્ષણ અને અભ્યાસ માટે સેંકડો માઇક્રો અને નેનો સેટેલાઇટ્સ છોડ્યા છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત સેટેલાઇટ્સ પણ સમાવિષ્ટ છે.
'મિશન શક્તિ' બાદ આ ઉપગ્રહોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.
આ વિશે વધુ વાંચો
જાન્યુઆરીમાં નખાયો પાયો
સાયન્સ જર્નાલિસ્ટ પલ્લવ બાગલાના કહેવા પ્રમાણે :
"24મી જાન્યુઆરી 2019ના દિવસે માઇક્રોસેટ-આર લૉન્ચ કરવામાં આવ્યો હતો. એ સમયે ઈસરોના વડા કે. સિવને મને જણાવ્યું હતું કે 'આ ઉપગ્રહને DRDO માટે' છોડવામાં આવ્યો છે."
"આ માઇક્રો સેટેલાઇટને 277 કિલોમીટરની ઊંચાઈએ તરતો મૂકવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે ભારત ક્યારેય આટલી નીચી ઊંચાઈએ ઉપગ્રહ તરતો નથી મૂકતું, એટલે આ ઉપગ્રહને તોડી પાડવામાં આવ્યો હોય તેવી શક્યતા છે."
DRDO (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન)એ સંરક્ષણક્ષેત્રે સંશોધન કરતી ભારતની સર્વોચ્ચ સંસ્થા છે.
પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થયો?
બાગલાના કહેવા પ્રમાણે, "મિશન દરમિયાન જે માઇક્રો સેટેલાઇટ તોડી પાડવામાં આવ્યો તે ઈસરો દ્વારા આપવામાં આવ્યો હતો."
"જે તકનીકથી ઉપગ્રહને તોડી પાડવામાં આવ્યો તે તકનીક ડીઆરડીઓએ વિકસાવી હતી."
"આમ આ એક સંકલિક અવકાશ કાર્યક્રમ હતો, જેમાં આ બંને સિવાય પણ અલગ-અલગ મંત્રાલય સંકળાયેલા હોય હશે."
"વળી, આ પ્રકારના પ્રોજેક્ટ્સનો ખર્ચ ક્લાસિફાઇડ હોય છે, એટલે 'મિશન શક્તિ' પાછળ કુલ કેટલો ખર્ચ થયો, તે ક્યારેય બહાર નહીં આવે."
2013થી હતી ક્ષમતા
બાગલાના કહેવા પ્રમાણે, કદાચિત્ જ ટેકનૉલૉજીનો ઉપયોગ થશે અથવા તો તેના માટેની જરૂર ઊભી થશે.
આ એક સંરક્ષણ ક્ષમતા છે, જેની મદદથી જો દુશ્મન દેશ ભારતના સેટેલાઇટને નિશાન બનાવવાનો પ્રયાસ કરે તો વળતી કાર્યવાહી કરવાના ભાગરૂપે તેનો પ્રયોગ કરી શકે છે.
જો દુશ્મન દેશનો સૈન્ય સેટેલાઇટ ભારતની ઉપર નજર રાખતો હોય ત્યારે તેને તોડી પાડવા માટે આ ક્ષમતાનો ઉપયોગ થઈ શકે છે.
બાગલા ઉમેરે છે કે ભારત પાસે વર્ષ 2013થી આ ક્ષમતા છે.
અગ્નિ-5નું પહેલું સફળ પરીક્ષણ કર્યું, ત્યારથી વૈજ્ઞાનિકો આ વાત કરી રહ્યા છે, પરંતુ તેનું સફળ નિદર્શન ભારતે પ્રથમ વખત કર્યું છે.
DRDOના પૂર્વ વડા વી. કે. સારસ્વતના કહેવા પ્રમાણે:
'યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારના કાર્યકાળ દરમિયાન પણ આવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ લીલીઝંડી મળી ન હતી.'
''જો 2012-13માં લીલીઝંડી મળી ગઈ હોત તો 2014-15માં જ ભારતે સફળ પરીક્ષણ કરી લીધું હોત.'
અવકાશમાં કાટમાળ
આવી રીતે સેટેલાઇટને તોડી પાડવામાં આવે એટલે લગભગ 2500 થી ત્રણ હજાર ટુકડાનો કાટમાળ પેદા થાય છે.
જ્યારે નવો કોઈ સેટેલાઇટ લૉન્ચ કરવામાં આવે ત્યારે અવકાશમાં તરતા કાટમાળનો અંદાજ મૂકવામાં આવે છે, જેથી કરીને બંનેની અથડામણ ન થઈ જાય.
ઈસરોના પૂર્વ ચૅરમૅન આર. માધવનના કહેવા પ્રમાણે :
'આ કાટમાળ થોડો સમય માટે અવકાશમાં તરતો રહેશે અને અમુક અઠવાડિયા બાદ તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે અને નાશ પામશે.'
મોટાપાયે કરચો પદા થાય છે એટલે જ્યારે કોઈ નવો સેટેલાઇટ લોન્ચ કરવાનો હોય ત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય અવકાશ સંસ્થા ઈસરો (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) પહેલી એપ્રિલે PSLVC45 મારફત EMISAT (ઇલેક્ટ્રો મૅગ્નેટિક સેટેલાઇટ) ઉપરાંત 28 વિદેશી ઉપગ્રહ અવકાશમાં છોડશે.
અવકાશમાં સૈન્યકરણ તરફ દોટ
બીબીસી ડિફેન્સ કૉરસ્પૉન્ડન્ટ જોનાન્થન માર્કસના કહેવા પ્રમાણે, "સૈન્ય અને નાગરિક ઉપયોગ માટે સેટેલાઇટ્સ ઉપર નિર્ભરતા વધી રહી છે. આથી ઉપગ્રહો ઉપરનું જોખમ પણ વધી જાય છે."
"ભારતે સેટેલાઇટ તોડી પાડવાની તેની ક્ષમતાનું નિદર્શન કર્યું છે, તેનાથી વિશ્વના બહુ થોડા રાષ્ટ્રોની ક્લબમાં ભારતને સ્થાન મળ્યું છે."
"જે અવકાશમાં શસ્ત્રીકરણની ચિંતાને ફરી ચર્ચામાં લાવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર સશસ્ત્ર દળોની સાથે 'સ્પેસ ફોર્સ'ના નામે અવકાશમાં શસ્ત્રીકરણની દિશામાં આગળ વધવા ચાહે છે."
"ફરી એક વખત અવકાશના સૈન્યકરણની સામે અવાજ ઉઠશે, પરંતુ જીન બોટલમાંથી નીકળી ગયો છે."
મિશન વિશે જાણવા જેવું
પરીક્ષણ બાદ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું અને આ સંદર્ભે લોકોના સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- ઓડિશાના ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ટાપુ પરથી ડીઆરડીઓ દ્વારા આ ટેકનૉલૉજિકલ મિશન હાથ ધરવામાં આવ્યું હતું.
- DRDOના બૅલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસૅપ્ટરે ભારતના જ ઉપગ્રહને તોડી પાડ્યો હતો.
- આ પરીક્ષણ પૃથ્વીથી નજીકના વાતાવરણમાં કરવામાં આવ્યું હતું, જેથી કરીને 'મોટાપાયે કાટમાળ' ઊભો ન થાય, જે કાટમાળ પેદા થયો છે, તે અમુક સપ્તાહમાં પૃથ્વીમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે અને નાશ પામશે.
- વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે, સફળતા માટે જરૂરી આત્મવિશ્વાસ હવે આવ્યો હોવાથી હાલમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું.
- ભારત અવકાશમાં શસ્ત્રીકરણની વિરુદ્ધ છે. ભારત અવકાશમાં 'સૌ પહેલાં' હથિયારો તહેનાત નહીં કરે અને હાલમાં જે પરીક્ષણ કરવામાં આવ્યું છે, તે પૃથ્વી પરથી કરવામાં આવ્યું છે.
- ભારત શાંતિપૂર્ણ હેતુ માટે અવકાશના ઉપયોગમાં માને છે, પરંતુ અવકાશમાં રહેલાં ઉપગ્રહોની સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
- 1967 (અને પછી 1982)ના આંતરરાષ્ટ્રીય કરાર પ્રમાણે, અવકાશમાં સામૂહિક નરસંહારના હથિયાર ન મોકલી શકાય, સામાન્ય હથિયાર સંદર્ભે આવો કોઈ નિયમ નથી. ભારતનું આ પગલું 'વચગાળાની વ્યવસ્થા' છે.
- આ પરીક્ષણ કોઈ દેશ વિરુદ્ધ નથી અને તેનાથી કોઈ આંતરરાષ્ટ્રીય કરાર, કાયદા કે સંધિનો ભંગ નથી થતો. ભારત માને છે કે અવકાશમાં શસ્ત્રીકરણની દોટ સામે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવું જોઈએ અને આ માટે જરૂરી કાયદા ઘડાવા જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો