You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શેહલા રાશિદ પર આ ટ્વીટના કારણે રાજદ્રોહનો કેસ થયો
દિલ્હી પોલીસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)નાં પૂર્વ વિદ્યાર્થિની શેહલા રાશિદ વિરુદ્ધ સેડિશન એટલે કે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર રદ કરવાના વિરોધમાં શેહલા રાશિદે કરેલાં ટ્વીટ્સ મામલે તેમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.
શેહલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમની ફરિયાદને આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં શેહલા પર આરોપ છે કે તેમણે ભારતીય સેના સંદર્ભે ફેક ન્યૂઝ ફેલાવ્યા છે.
શેહલાએ જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર મામલે ટ્વીટ્સ કર્યાં હતાં. જે પૈકી એક ટ્વીટમાં ભારતીય સેનાની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
ટ્વીટ્સથી વિવાદની શરૂઆત
શેહલા રાશિદે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારની નાબૂદી અંગે 17 ઑગસ્ટથી ટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું.
5 ઑગસ્ટે રાજ્યસભામાં બિલ પસાર થયું એ સાથે આર્ટિકલ 370 હેઠળના કાશ્મીરના વિશેષાધિકારની નાબૂદીનો મામલો સ્પષ્ટ થઈ ચૂક્યો હતો.
શેહલાએ આ વિશેષાધિકારની નાબૂદી અંગે સરકારનો વિરોધ કર્યો હતો અને ટ્વીટ્સમાં લખ્યું હતું કે 'ભારત સરકાર કાશ્મીરીઓ પર તૂટી પડી છે. આ સ્ટેટ ટૅરરિઝમ છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
18 ઑગસ્ટે પણ શેહલાએ ટ્વીટ્સ કર્યાં. જે ટ્વીટ બદલ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ, એ ટ્વીટ પણ આમાં સામેલ છે.
શેહલાએ ટ્વીટ કર્યું, "સશસ્ત્રોદળો રાત્રે ઘરોમાં ઘૂસે છે, છોકરાઓને ઉઠાવી જાય છે, ઇરાદાપૂર્વક રૅશન ઢોળી દે છે, વગેરે."
શેહલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ એ પછી તેમણે આ ટ્વીટ્સના થ્રેડને 19 ઑગસ્ટે રિટ્વીટ કર્યું.
આ ટ્વીટમાં તેમણે લખ્યું કે જો મારી ધરપકડ થઈ જાય તો આ થ્રેડ વિશ્વભરમાં શૅર કરજો.
વિવાદ સર્જાયા બાદ તેમણે તેમના ટ્વીટ્સ અંગે સ્પષ્ટતા કરતું અન્ય એક ટ્વીટ કર્યું, "મારાં તમામ ટ્વીટ્સ લોકો સાથેની વાતચીતને આધારે છે. મારા થ્રેડમાં ઍડમિનિસ્ટ્રેશનના હકારાત્મક કાર્યો વિશે પણ લખ્યું છે."
'આધાર વગરના શેહલાના આરોપો'
વકીલ આલેખ આલોક શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે આ ટ્વીટ્સ જોયા બાદ ફરિયાદ કરી હતી.
શેહલાએ જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરવા સંદર્ભે 17 તથા 18 ઑગસ્ટે એક પછી એક ટ્વીટ્સ કર્યાં હતાં. જે ટ્વીટ્સ અંગે ફરિયાદીએ વાંધો ઉઠાવ્યો છે.
19 ઑગસ્ટે તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
ફરિયાદી અલખ આલોક શ્રીવાસ્તવે બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું, "દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં આ એફઆઈઆર દાખલ કરાઈ છે. તેમણે ભારતીય સેના પર જૂઠા આરોપ લગાવ્યા હતા. તેમણે આ આરોપોનો કોઈ આધાર આપ્યો ન હતો."
"તેમણે કોઈ પણ પુરાવા વગર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે તેમનાં ટ્વીટ્સ થકી દેશમાં રમખાણો અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો."
"તેમણે કેટલીક એવી ઘટનાઓ વિશે વાત કરી હતી કે જે ક્યારેય ઘટી જ નથી. જેના વિરુદ્ધમાં મેં ફરિયાદ નોંધાવી હતી."
તેમની સામે દાખલ કરાયેલી ફરિયાદમાં આઈપીસી સેક્શન 124એ (રાજદ્રોહ), 153એ, 153, 504, 505 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો