અનુચ્છેદ 370 નાબૂદી પછી કાશ્મીરની સમસ્યા ઉકેલ તરફ કે વધુ ગૂંચવાડો વધ્યો?

    • લેેખક, ઝુબેર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના લોકોમાં એવી ધારણા છે કે કલમ 370 નાબૂદ થવાથી કાશ્મીરની સમસ્યા હલ થઈ ગઈ છે.

આ ધારણા ભારત સરકારના એવા દાવા સાથે મેળ પણ ખાય છે કે 5 ઑગસ્ટે જાહેરાત પછી કાશ્મીર ખીણમાં મોટા પાયે હિંસા થઈ નથી.

તેનો એવો અર્થ કરવામાં આવી રહ્યો છે કે અહીંની જનતાએ ભારત સરકારના નિર્ણયનો આકરો વિરોધ કર્યો નથી.

કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે એવી ભારતની વાતનો પાકિસ્તાને હંમેશાં વિરોધ કરે છે.

કાશ્મીર ખીણના અલગતાવાદી તત્ત્વો આત્મનિર્ણયનો અધિકાર માગે છે. છેલ્લાં 30 વર્ષથી ખીણમાં ઉગ્રવાદીઓનું જોર રહ્યું છે.

કાશ્મીરમાં ભારતનું સમર્થન કરનારા લોકો પણ છે, પણ રાજ્યનો વિશેષ દરજ્જો હોવો જોઈએ એવું પણ તેઓ માને છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જમ્મુ અને કાશ્મીર એક વિવાદાસ્પદ મુદ્દો છે.

ભારતને સ્વતંત્રતા મળી ત્યારે વિભાજનની યોજના પ્રમાણે ભારત સાથે કે પાકિસ્તાન પૈકી કોની સાથે જોડાણ કરવું તેનો નિર્ણય કરવા માટે કાશ્મીર સ્વતંત્ર હતું.

370 અને કાશ્મીર

મહારાજા હરિસિંહની ઇચ્છા બંનેથી અલગ રહી સ્વતંત્ર કાશ્મીર બનાવવાની હતી.

જોકે ઑક્ટોબર 1947માં તેણે પાકિસ્તાનના કબીલાઓએ આક્રમણ કર્યું તે પછી તેમની સામે મદદના બદલામાં ભારતમાં સામેલ થઈ જવાનો નિર્ણય કર્યો હતો.

તે પછી યુદ્ધ થયું અને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારત કે પાકિસ્તાન કોની સાથે જોડાવું તેનો નિર્ણય કરવા માટે કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવાનું સૂચન કર્યું હતું.

જુલાઈ 1949માં ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘની દરમિયાનગીરી પછી યુદ્ધવિરામ કરવાનું નક્કી કર્યું હતું.

એક કરાર કરવામાં આવ્યો અને તે પ્રમાણે વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી - એક્યુઅલ લાઇન ઑફ કન્ટ્રોલ) સ્વીકારવામાં આવી.

ભારતે 1956માં કલમ 370ને અપનાવી, જે મુજબ હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

ભારતે હવે આ કલમની જોગવાઈઓ હઠાવી દીધી છે. ભારતે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.

આ વિશે શાસક, વિપક્ષ અને જનતા બધાનો એકસમાન અભિપ્રાય છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે કાશ્મીર અંગે ભારત શું નિર્ણય કરે છે તેની સાથે પાકિસ્તાનને કશું લાગેવળગતું નથી.

એ વાત પણ સાચી છે કે જમ્મુ વિસ્તારમાં મહદઅંશે ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.

લદ્દાખના લેહમાં પણ આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.

કારગિલના લોકો હંમેશા ભારત સાથે જ રહેવા માગતા હતા, પણ તેઓ કલમ 370 હેઠળ મળેલા વિશેષ અધિકારો યથાવત રહે તમે ઇચ્છતા હતા.

શું આ સાથે કાશ્મીર ખીણની 70 લાખની વસતિ માટે કાશ્મીર સમસ્યાનો અંત આવી ગયો છે?

સુધારા તરફનું પ્રથમ કદમ

કાશ્મીર ખીણની મુલાકાતેથી હાલમાં જ પરત ફરેલા કાશ્મીર પત્રકાર રાહુલ પંડિતાનું માનવું છે કે ભારત સરકારનો નિર્ણય કાશ્મીર સમસ્યાના ઉકેલ તરફનું પ્રથમ મક્કમ પગલું છે.

તેઓ કહે છે, "જુઓ આ કાશ્મીર સમસ્યાનો ઉકેલ તો નથી, પરંતુ તેના અંત માટે ભારત સરકારે લીધેલું પ્રથમ મક્કમ કદમ છે."

રાહુલ પંડિતાનો તર્ક એવો છે કે 70 વર્ષો દરમિયાન ઘણી સરકારોએ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે પગલાં લીધાં, પણ "તેનાથી કશું હાંસલ થયું નહોતું".

તેઓ કહે છે, "કાશ્મીરની સમસ્યાનો ઉકેલ એટલા માટે ન આવ્યો કે કાશ્મીરમાં ભારતનો પાયો નબળો રાખવામાં આવ્યો હતો."

"70 વર્ષોથી કાશ્મીરના નેતાઓ ખીણમાં જુદી વાત કરતા હતા અને બહાર આવીને ભારતમાં જુદી વાત કરતા હતા."

"લોકોના મનમાં મૂંઝવણ પાકિસ્તાને નહિ, ભારત સરકારે ઊભી કરી હતી. હવે એ મૂંઝવણ કાયમ માટે ખતમ થઈ ગઈ છે."

આ વિશે કાશ્મીર ખીણના લોકો શું માને છે તેનો જવાબ ત્યાં હાલમાં પ્રતિબંધો અને બંધ જેવી સ્થિતિ છે તે હઠાવાશે પછી જ ખબર પડશે.

જોકે એક વાત એ પણ છે કે કાશ્મીર ખીણના લોકોમાં આ નિર્ણયની સામે રોષ છે. હિન્દુ અખબારની પત્રકાર નિરુપમા સુબ્રમણ્યમે પણ ખીણની મુલાકાત લીધા બાદ ટ્વીટર પર આવું જ લખ્યું છે.

તેમણે લખ્યું છે કે, "એ નવાઈની વાત લાગે છે કે કેટલાય લોકો માની રહ્યા છે કે ભારતની કાશ્મીર સમસ્યા પૂરી થઈ ગઈ છે. જમીન પરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ઉજવણીનો માહોલ ખતમ થશે તે પછી પડકારો સ્પષ્ટ થશે."

અમે 5 ઑગસ્ટથી 10 દિવસ સુધી કાશ્મીર ખીણમાં ફરીને રિપોર્ટિંગ કર્યું હતું. તે વખતે મોટા ભાગના લોકોએ કહ્યું કે એક વાર સ્થિતિ થાળે પડશે તે પછી અંદર ભભૂકતો લાવા ફાટશે.

જે લોકો ભારતનું સમર્થન કરે છે એમણે પણ આ પ્રકારનો અભિપ્રાય આપ્યો હતો.

આ કાશ્મીરીઓના જણાવ્યા અનુસાર ભારત સરકારે આવો નિર્ણય લેતા પહેલાં કાશ્મીરના લોકોને સાથે લેવા જોઈતા હતા.

પાકિસ્તાનમાં મોટો પડઘો

અલગતાવાદી લોકોએ અમને એવું કહ્યું કે કાશ્મીરની સમસ્યા ઉકેલાઈ નથી પરંતુ વધારે ગૂંચવાઈ છે. પોતાની લડાઈ આઝાદી માટેની છે એવું તેઓ જણાવે છે.

કાશ્મીરની સમસ્યા હંમેશ માટે ઉકેલી નાખી છે તેવા ભારત સરકારના દાવાથી તેમને કશો ફરક પડતો નથી.

બીજી બાજુ પાકિસ્તાનમાં આકરા પડઘાં પડ્યા છે. કેટલાકના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં અકળાવનારી પ્રતિક્રિયા આવી છે.

તેના કારણે કાશ્મીરની સમસ્યા ઉકેલાઈ ગઈ છે તેવું માની લેવામાં કેટલો સાર છે તે પણ એક સવાલ છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ શમશાદ અહમદે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે કાશ્મીરનો મુદ્દો હવે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય તખતા પર આવી ગયો છે.

તેઓ કહે છે, "ભારત ભલે પોતાને ફાવે તેવી વાત કરતું હોય, દુનિયા એ વાત સ્વીકારે છે કે આ મામલાનો ઉકેલ બંને દેશો વચ્ચે વાટાઘાટોથી થવો જોઈએ."

"શાંતિપૂર્ણ ઉકેલની વાત કરવામાં આવે છે તેનો અર્થ નથી કે ભારતની વાત માની લેવામાં આવે."

ઇમરાન ખાન શું કરશે?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના લોકોને ખાતરી આપી છે કે તેઓ દુનિયાભરમાં કાશ્મીરના દૂત બનીને જશે અને આખરી શ્વાસ સુધી લડત આપશે.

ભારતમાં સામાન્ય ધારણા એવી છે કે પાકિસ્તાન હવે કશું કરી શકે તેમ નથી, કેમ કે તેની પાસે કોઈ નક્કર વિકલ્પ નથી. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મળી રહ્યું નથી.

પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કહે છે કે તેમની સરકાર પાસે વિકલ્પ છે.

તેઓ કહે છે, "અમે પહેલેથી જ ઘણા વિકલ્પો વિચારી રાખ્યા છે. તેના પર આગળ વધીને કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારનું સન્માન કરીને સુરક્ષા સમિતિના પ્રસ્તાવો પર કામ થઈ શકે છે."

"ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આપેલા વચનોના પરિપ્રેક્ષ્યમાં ભારત સાથે વાતચીત કરીને નિર્ણય લઈ શકાય છે."

ઇમરાન ખાન કહે છે, "પરંતુ આવી વાતચીત ત્યારે જ ચાલુ થઈ શકે જ્યારે ભારત કાશ્મીર પરનો પોતાનો ગેરકાયદે કબજો છોડી દે. (કાશ્મીરમાં) કરફ્યૂ હઠાવે અને પોતાના સૈનિકોને બૅરેકમાં પાછા મોકલે."

પાકિસ્તાન સરકારે કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ઉઠાવ્યો હતો.

શમશાદ અહમદ કહે છે કે તેમની જાણકારી પ્રમાણે 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઇમરાન ખાન પોતાના ભાષણમાં કાશ્મીરના મુદ્દાને જોશપૂર્વક ઉઠાવશે.

અમેરિકા સહિત દુનિયાના મોટા ભાગના મોટો દેશો કહી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાને પરસ્પર વાટાઘાટો કરીને કાશ્મીરનો ઉકેલ લાવવો જોઈએ.

બ્રિટન કાશ્મીરની સ્થિતિ પર નજર રાખશે

બ્રિટને કલમ 370 હઠાવવા અને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાની બાબતે ખાસ કોઈ ચિંતા વ્યક્ત કરી નથી.

જોકે ભારપૂર્વક એવું કહ્યું છે કે કાશ્મીરમાં માનવઅધિકારોના ભંગના કોઈ પણ આક્ષેપની તપાસ 'તરત, વિગતવાર અને પારદર્શક રીતે' થવી જોઈએ.

વિદેશ પ્રધાન ડૉમિનિક રાવે બ્રિટનની સંસદમાં કહ્યું હતું કે તેમણે 7 ઑગસ્ટે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાતચીત કરીને કાશ્મીર અંગે પોતાની ચિંતાઓ પ્રગટ કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રિટન કાશ્મીરની સ્થિતિ પર નજર રાખશે.

આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો

આ સિવાય શ્રીલંકામાં યુનિસેફના સંમેલન વખતે પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી હતી.

ચીન, મલેશિયા અને તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે.

અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના પ્રમુખપદના દાવેદારોમાંથી એક બર્ની સેન્ડર્સે કાશ્મીર મામલે ચિંતા પ્રગટ કરી છે.

આ રીતે ભારતની ઇચ્છા ના હોવા છતાં કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે એક મુદ્દો બની રહ્યું હોય તેમ લાગે છે.

ભારતના દૃષ્ટિકોણથી જોઈએ તો પણ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ હજી આવ્યો નથી. કલમ 370ના હઠાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

અદાલતે સરકાર પાસેથી આ બાબતમાં માહિતી માગી છે. જોકે રાહુલ પંડિતાનું કહેવું છે કે સંસદના આ નિર્ણયને રદ કરવો હવે શક્ય નથી.

દેશના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે સરકારનો નિર્ણય કાનૂની રીતે પણ પાર ઊતરશે એવી તેમને ખાતરી છે.

બીજો પડકાર કાશ્મીર ખીણના લોકોનો વિશ્વાસ જીતવાનો છે, જે હાલના સમયમાં મુશ્કેલ લાગી રહ્યું છે.

આ બધા ઉપરાંત જે હાલ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર) છે તેનું શું એ સવાલ પણ હવે ચર્ચામાં આવે છે.

ભારતીય દૃષ્ટિકોણ પ્રમાણે તે પણ ભારતનો જ એક અભિન્ન હિસ્સો છે.

તેનો અર્થ એ થયો કે પાકિસ્તાનના કબજાના કાશ્મીરને પણ ભારતનો અતૂટ હિસ્સો બનાવી લેવામાં ના આવે ત્યાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાઇ ગયો છે તેવું કહી શકાશે નહિ.

જોકે રાહુલ પંડિતાનું માનવું છે કે હવે બંને દેશોએ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર છે.

એલઓસીને આંતરરાષ્ટ્રીય સરહદ માની લેવા માટે પોતે તૈયાર છે એમ પણ તેમનું કહેવું છે. મતલબ કે ભારતનું કાશ્મીર ભારત પાસે અને પાકિસ્તાન કબજાનું કાશ્મીર પાકિસ્તાન પાસે રહેશે.

અગાઉ પણ આવી દરખાસ્ત થઈ હતી, પણ બંને દેશોએ તેને નકારી કાઢી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ શમશાદ અહમદ ભારપૂર્વક કહે છે કે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ કરવા માટેનો એક જ રસ્તો છે કે બંને દેશો વાટાઘાટ કરે. વાટાઘાટ કરીને એવો નિર્ણય કરે જેમાં કાશ્મીરના લોકોની પણ મંજૂરી હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.