કાશ્મીર મુદ્દે ઇમરાન ખાને ભૂલો કરી : આસિફા ભુટ્ટો

    • લેેખક, હુદા ઇકરામ
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

પાકિસ્તાનનાં પૂર્વ વડાંપ્રધાન બેનઝીર અલી ભુટ્ટોનાં દીકરી આસિફા અલી ભુટ્ટોએ બીબીસી ઉર્દૂને કહ્યું કે કાશ્મીર મુદ્દે ઇમરાન ખાને ભૂલો કરી છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન ઇમરાન ખાનનું આ વિષયે સંસદમાં મોડેથી ભાષણ આપવું તેમની નિષ્ફળતા હતી.

તેમણે કહ્યું, "પાકિસ્તાનના વિદેશમંત્રીનું પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જવું અને કહેવું કે પાકિસ્તાને વિશ્વ સમુદાય પાસેથી વધારે આશા રાખવી જોઈએ નહીં, એ ઘણું હાસ્યાસ્પદ હતું."

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પોતાની ધરપકડ પહેલાં ઘણી વખત એવો ઇશારો કર્યો હતો કે જો તેમની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ની તમામ બાબતોની જવાબદારી પાર્ટી ચૅરમૅન બિલાવલની રહેશે.

તેમણે એવું પણ કહ્યું હતું કે જો બિલાવલ પણ કાયદાની પકડમાં આવી જશે તો રાજકીય બાબતો તેમની દીકરી આસિફા ભુટ્ટો ઝરદારી જોશે.

પોલિયોની નાબૂદી માટે કામ કરનારાં આસિફા ભુટ્ટો ઝરદારી અત્યાર સુધી એક સામાજિક કાર્યકર્તા તરીકે જોવા મળ્યાં છે. પરંતુ હવે તેમની જિંદગીમાં રાજકારણનો રંગ પણ જોવા મળે છે.

'કાશ્મીર મુદ્દે વિશ્વ સમુદાયે જે ભૂમિકા નિભાવવી જોઈએ તે નિભાવી નથી.'

બીબીસી સાથેની વાતચીતમાં આસિફા ભુટ્ટોએ કહ્યું કે કાશ્મીરના મુદ્દા પર વિશ્વ સમુદાયે જે ભૂમિકા અદા કરવાની જરૂર હતી, તે કરી નથી અને હાલ સુધી નિંદા પણ કરી નથી.

તેમણે ભારતીય સેના પર માનવઅધિકારોના હનનનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું, "હાલ જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓની ઇજ્જત સલામત નથી અને બાળકોની હત્યા કરવામાં આવી રહી છે."

"આંદોલનકારીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. જો કોઈ પાકિસ્તાનનો ઝંડો લહેરાવે છે તો તેમની પર ગોળીઓ ચલાવવી ભારતીય સૈન્ય પોતાનો હક સમજે છે, તે માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરે છે અને દુનિયા તેના પર શાંત છે."

તેમણે કહ્યું, "આ સમયે કાશ્મીરમાં જ્વલંત સ્થિતિ છે."

"હું એ વાત ફરીથી કહેવા માંગીશ જે મારા પિતાએ સંસદમાં કહી હતી કે જો આ બધું અમારી સરકારમાં થયું હોત તો તે પહેલી જ ફ્લાઇટમાં યુએઈ ગયા હોત, પછી ચીન, રશિયા અને પછી ઈરાનનો પ્રવાસ કરતા, મુસ્લિમ દેશોને એકઠા કરતા અને પોતાના સાથીઓને કહ્યું હોત કે તે અમારી સાથે ઊભા રહીને આ ફાસીવાદ અને માનવ સંકટની સામે અવાજ ઉઠાવે જે આ સમયે કાશ્મીરમાં થઈ રહ્યો છે."

તેમણે કહ્યું કે આ જોવા માટે તમારે માત્ર ગઢી ખુદાબખશ જવાની જરૂરિયાત છે કે મારા ઘરના કેટલા લોકોએ આ દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમારી પાસે માત્ર આ જ રસ્તો હતો કે કાંતો અમે ચૂપ રહીએ અથવા તો આગળ આવીને અવાજ ઉઠાવીએ.

તેમણે કહ્યું, "મારા નાનાએ લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવવાને મહત્ત્વ આપ્યું છે અને મારી માતાએ પણ આ જ રસ્તો અપનાવ્યો."

"મારો ભાઈ પણ મારા નાનાનું મિશન અને માતાના વિચારને લઈને ચાલી રહ્યો છે. બિલાવલ આખા પાકિસ્તાન માટે બોલે છે અને હું પણ તેમની સાથે મળીને જનતાનો અવાજ બનતી રહીશ."

વચનભંગનો આરોપ

આસિફા ભુટ્ટો આમ તો પોતાને રાજકારણના પાક્કા ખેલાડી માનતા નથી. પરંતુ તેમનું કહેવું છે કે હાલની સરકારનાં કાર્યોને સમજવા માટે કોઈને પણ રાજકારણની જાણકાર હોવાની જરૂરિયાત નથી, કારણ કે દેશની સ્થિતિ તેના હાલતને જાતે જ રજૂ કરે છે.

તેમણે કહ્યું, "ઇમરાન ખાનની સરકાર અને પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફની સરકારમાં ઘણી બધી સામ્યતાઓ છે."

"જેમકે તેમની એ જ કૅબિનેટ છે જે મુશર્રફની હતી. ઇમરાન ખાનની નિષ્ફળતાઓની યાદી તેમની સફળતાની યાદી કરતાં પણ લાંબી છે. અભિવ્યક્તિ પર પ્રતિબંધ, માનવ અધિકારોનું હનન, આ તમામ તેમની સરકારમાં થઈ રહ્યું છે."

"હાલની સરકારે દેશને આર્થિક રીતે અસ્થિર કર્યું છે."

પાકિસ્તાનની જનતાને કરેલા વાયદાઓનો ઉલ્લેખ કરતાં આસિફાએ કહ્યું, "ઇમરાન ખાને એક કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો."

"જ્યારે એક નોકરી પણ આપી શક્યા નથી. ખરેખર તેમણે દેશને આર્થિક રીતે અસ્થિર કર્યો છે. જે હજારો લોકોની નોકરીઓ ગુમાવવાનું કારણ બન્યો છે."

આસિફાનું કહેવું છે કે ઇમરાન ખાને પચાસ લાખ ઘર આપવાનો વાયદો કર્યો હતો જે હાલ સુધી પૂરો કરી શકાયો નથી.

વધુમાં કહ્યું, "ઇમરાન ખાને કહ્યું છે કે તે આત્મહત્યા કરી લેશે. પરંતુ બીજા દેશ પાસેથી મદદ નહીં માગે. જ્યારે આપણે જોયું કે તે તમામ દેશની સામે કટોરો લઈને ઊભા હતા."

બેનઝીર ભુટ્ટોની દીકરી સમજે છે કે એક સામાન્ય માણસ માટે પાકિસ્તાનમાં વીજળી, રોટલી, ગૅસ અહીં સુધી કે જીવન અને મરણ પણ મોંઘું થઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો