જ્યારે સગીર વયની કુંવારી માતા પોતે જ ત્યજેલું બાળક શોધવા પોલીસ સ્ટેશન પહોંચી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ રેલવે પોલીસને 21 ઑગસ્ટે પાટણ મેમુ ટ્રેનમાંથી એક બિનવારસી બાળકી મળી. પોલીસ બાળકીનાં માતાપિતાને શોધી રહી હતી ત્યાં જ સગીર વયની એક છોકરી સંધ્યા બાળકીને શોધતી રડતી રડતી પોલીસ પાસે આવી.

પોલીસ જે બિનવારસી બાળકીનાં માતાપિતાને શોધી રહી હતી તે સગીર વયે કુંવારી માતા બનેલાં સંધ્યાની (નામ બદલેલ છે) જ દીકરી હતી.

બે દિવસ અગાઉ સંધ્યાએ તે બાળકીને પાટણ મેમુ ટ્રેનમાં સીટ નીચે તરછોડી દીધી હતી. તરછોડી દીધા પછી પણ દીકરી વિના ન રહેવાતાં આખરે બે દિવસે તેઓ પોલીસ પાસે પહોંચ્યાં.

શિશુને જંગલમાં કે અન્ય સ્થળે બિનવારસી તરછોડી દેવાની દેશમાં દર વર્ષે અનેક ઘટનાઓ બનતી હોય છે.

નેશનલ ક્રાઇમ રેકૉર્ડના આંકડાઓ મુજબ 2015માં દેશમાં 0થી 6 વર્ષના શિશુને બિનવારસી તરછોડી દેવાની 885 ઘટનાઓ બની હતી.

ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ એક મુજબ 2012માં ગુજરાતમાં શિશુઓને બિનવારસી તરછોડી દેવાની 79 ઘટનાઓ બની હતી. 2013માં આ આંકડો 113નો હતો.

અલબત્ત, શિશુને તરછોડી દીધા પછી કોઈ તેને શોધી આપવા પોલીસ પાસે આવે એવું સામાન્યપણે બનતું નથી.

નિવૃત્ત એસીપી એન. જી. પટેલે બીબીસીને કહ્યું કે મારી જિંદગીમાં મેં આવો કિસ્સો જોયો નથી. આવો પહેલો કિસ્સો હશે જ્યારે કોઈ છોકરી પોતે ત્યજી દીધેલું બાળક શોધવા પોલીસ પાસે આવી હશે.

આ કિસ્સામાં આ પોલીસે સગીર વયની કુંવારી માતા સંધ્યા અને દીકરીનું મિલન તો કરાવ્યું પણ કહાણી ફક્ત એટલી જ નથી.

ગરીબીના સંજોગોમાં કેન્સરપીડિત માતાની સેવામાં મદદ કરનાર સાથે પ્રેમ થવો, દગો થવો, લગ્ન વિના માતા બનવું અને ફરી પ્રેમ થવો જેવી અનેક બાબતો સંધ્યા પોલીસ પાસે પહોંચતાં સામે આવી.

કૅન્સરપીડિત માની સેવા કરવામાં રિક્ષાવાળા સાથે પ્રેમ

સાડા સત્તર વર્ષની નાનકડી ઉંમરે પ્રેમમાં દગો થવાથી કુંવારી માતા બનેલાં સંધ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં આપવીતી કહી.

પરિવારમાં સંધ્યા અને તેમનાં માતા બે લોકો જ હતાં. સંધ્યાનાં માતાને બે વર્ષ અગાઉ કૅન્સર થયું હતું અને પરિવાર ગરીબ હોવાથી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

માની સેવા કરવા માટે સંધ્યાએ ભણવાનું પડતું મૂક્યું અને નિયમિત ટિફિન લઈને હૉસ્પિટલ જવાનું શરૂ કર્યું.

નિયમિત સમયસર દવાખાને પહોંચવા માટે એક રિક્ષા બાંધી રાખી હતી.

એ રિક્ષાના માલિક પ્રવીણ પંચાલ નામની વ્યક્તિ હતી અને દરરોજ સતત આવનજાવનને લીધે બેઉ વચ્ચે પરિચય વધ્યો.

સંધ્યા કહે છે કે ''મારી માની કૅન્સરની સારવાર માટે જ્યારે હું દવાખાને જતી ત્યારે ખૂબ દુ:ખી હતી. મને રોજ રિક્ષામાં સિવિલ હૉસ્પિટલ મૂકવા-લેવા આવતા રિક્ષાચાલક પ્રવીણે મને મદદ કરી.''

''હું એને મારી બધી વાતો કહેવા લાગી. એણે રિક્ષાનું ભાડું લેવાનું બંધ કર્યું. એ મારી માની સારવાર માટે મદદ કરતો અને કહેતો પણ ખરો કે એ એની પત્નીથી દુ:ખી છે. મને પણ સહાનુભૂતિ જાગી અને અમે બેઉ ક્યારે પ્રેમમાં પડ્યાં એની ખબર પણ ન પડી.''

માનું અવસાન અનેપ્રવીણનો સાથ

આ દરમિયાન સંધ્યાના માએ જીવનલીલા સંકેલી લીધી અને સંધ્યા એકલાં પડ્યાં. બીજી તરફ પ્રવીણ પંચાલ જે પોતે પરિણીત હતા. તેમણે સંધ્યાને સહારો આપવાનું ચાલુ રાખ્યું.

સંધ્યા કહે છે કે ''હું એકલી હતી. પ્રવીણ પંચાલે મને અમદાવાદના રાણીપમાં ભાડે મકાન રાખી આપ્યું. હું સીવણ-ગૂંથણનું કામ કરતી અને પ્રવીણ રિક્ષા ચલાવતો.''

''અમે લગ્ન નહોતાં કર્યાં, પરંતુ અમે પતિપત્નીની જેમ રહેવાં લાગ્યાં. દોઢ વર્ષ ક્યાં પૂરું થઈ ગયું એની અમને ખબર ન પડી. હું પ્રવીણ સાથેના સંબંધોને કારણે ગર્ભવતી બની. શરૂઆતમાં મને ખબર ન પડી કે હું પ્રેગનન્ટ છું પણ તબિયત સારી ન રહેતા ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ખબર પડી કે મને ચાર મહિનાનો ગર્ભ હતો.''

''મેં પ્રવીણને વાત કરી તો એણે મને ગર્ભપાત કરાવવાનું કહ્યું, પણ લગ્ન કરવાની તૈયારી ન બતાવી''

સંધ્યાની ઉંમર નાની હતી એટલે કોઈ ડૉકટર એમનો ગર્ભપાત કરી આપવા રાજી નહોતા.

સંધ્યા કહે છે ''આમને આમ એક મહિનો નીકળી ગયો. ગર્ભવતી હોવા છતાં પ્રવીણ મારી સાથે શારીરિક સંબંધ રાખતો હતો. મેં લગ્નની વાત કરી તો એણે મને ઘરમાંથી કાઢી મૂકી.''

ફરી સિવિલ હૉસ્પિટલમાં મદદગાર મળ્યો

પ્રવીણ પંચાલે ઘરમાંથી કાઢી મૂકતા વગર લગ્ને સગર્ભા એવાં સંધ્યા નિરાધાર થઈ ગયાં. માતાનું અવસાન થઈ ગયું હતું.

ઘરમાં બીજું કોઈ હતું નહીં અને પ્રવીણ સાથેના સંબંધોને કારણે સગાંવહાલાંએ પણ સંબંધ કાપી નાખ્યો હતો.

આખરે જે સિવિલ હૉસ્પિટલમાં માતાની સારવાર માટે જતાં હતાં ત્યાં તેઓ પોતાની સારવાર માટે પહોંચ્યાં.

આકરી ગરમીમાં પૈસા વગર ભૂખ્યાં-તરસ્યાં સંધ્યા સિવિલની બહાર ચક્કર ખાઈને પડ્યાં.

સંધ્યા કહે છે, ''હું સિવિલની બહાર ચક્કર ખાઈને પડી ગઈ એ સમયે ગુણવંત મકવાણા નામના એક જુવાને મને મદદ કરી, ખાવાનું આપ્યું.''

''એ એના સગાની સારવાર માટે વીસનગર પાસેના ગામથી અમદાવાદ આવ્યો હતો અને એક રૂમ ભાડે રાખીને રહેતો હતો.''

''એણે મને આધાર આપ્યો, મારી આપવીતી સાંભળી એ મારી મદદ માટે તૈયાર થઈ ગયો. હૉસ્પિટલમાં મારા પતિના નામ તરીકે પ્રવીણ પંચાલ લખાવી મારી સારવારમાં એ મારા પતિની જેમ પડખે રહ્યો, જેથી મને સારવાર મળી. મહિના પૂરા થતાં મારી કૂખે દીકરી અવતારી. હવે મારી સમસ્યા વધી ગઈ હતી.''

ફરીથી પ્રેમમાં પણ લગ્ન આડે બાળકીનો સવાલ

પ્રસૂતિ અગાઉની સારવારમાં અને પ્રસૂતિમાં ગુણવંત મકવાણા સતત સંધ્યાની પડખે હતા અને તેઓ એકબીજાનાં પ્રેમમાં પડ્યાં.

સંધ્યા કહે છે ''લાંબો સમય અમે સાથે રહ્યાં અને મારી કપરી સ્થિતિમાં ગુણવંત મારી સાથે રહ્યો એટલે એ મને ગમવા લાગ્યો. ગુણવંત પણ મારા પ્રેમમાં પડ્યો. એ મારી દીકરી સહિત મારી સાથે લગ્ન કરવા તૈયાર હતો, પણ એનાં માતાપિતા લગ્ન પહેલાં બીજાના છોકરાની મા બનેલી છોકરી સાથે તેને પરણાવવા તૈયાર નહોતા.''

આ સ્થિતિમાં સંધ્યા અને ગુણવંત ઘર છોડીને ભાગી ગયાં. નાની દીકરીને લઈને આમતેમ ફરતાં રહ્યાં. પૈસા પણ ખલાસ થઈ ગયા હતા. આ સમયે એક દિવસ ગુણવંત મકવાણાના પિતાનો ફોન આવ્યો કે 'છોકરી એની દીકરીને છોડી દેવા તૈયાર હોય તો અમે લગ્ન કરાવીશું.'

સંધ્યા કહે છે કે ''અમે વિચારમાં પડી ગયાં. લગ્ન કરવાં હતા પણ અમારે દીકરીને ક્યાં મૂકવી?''

સિવિલ હૉસ્પિટલથી સંધ્યાનો સહારો બનનાર અને લગ્ન કરવા માગે છે તે ગુણવંત મકવાણાએ બીબીસીને કહ્યું કે ''મેં કહ્યું હતું કે દીકરીને ક્યાંય મૂકવી નથી. થોડા વખતમાં મારાં માબાપ માની જશે, પણ સંધ્યા માની નહીં અને સંધ્યાની જિદ સામે હું ઝૂકી ગયો.''

''છેવટે અમે નક્કી કર્યું કે ઓછી અવરજવર ધરાવતી પાટણ મેમુ ટ્રેનમાં બાળકીને છોડી દઈએ. અમે બાળકીને કપડું ઓઢાડી ટ્રેનમાં સીટ નીચે મૂકી દીધી. દીકરી મૂકી દીધાં પછી એ નહીં હોવાથી સંધ્યાનો જીવ માનતો નહોતો. દિવસરાત એ રડતી હતી. ''

''આખરે બે દિવસ પછી અમે ખુદ રેલવે પોલીસ પાસે ગયા અને અમારી દીકરી પાટણ મેમુ ટ્રેનમાં લાવારિસ મૂકી દીધી હોવાની કબૂલાત કરી એને શોધી આપવા વિનંતી કરી.''

શું કહે છે પોલીસ?

અમદાવાદ રેલવે પોલીસ ડીવાયએસપી જી. એસ. રાઓલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ''21 ઑગસ્ટને દિવસે સફાઈકર્મચારીને પાટણ મેમુ ટ્રેનમાંથી એક બાળકી બિનવારસી હાલતમાં મળી હતી.''

''અમે સીસીટીવી ફૂટેજને આધારે બાળકી તરછોડી જનારને શોધી રહ્યા હતા ત્યાં સંધ્યા અને ગુણવંત આવ્યાં. એ છોકરી પોતાની બાળકી માટે ચોધાર આંસુએ રડતી હતી. બેઉએ સંજોગવશાત્ બાળકી તરછોડી હોવાનું કબૂલ્યું.''

આપવીતી સાંભળી પોલીસે સંધ્યાનું એની બાળકી સાથે મિલન કરાવી આપ્યું છે. નાની ઉંમરમાં મદદને બહાને શોષણ કરનાર બાળકીના શારીરિક પિતા એવા રિક્ષાચાલક પ્રવીણ પંચાલ સામે પૉક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ પણ મેળવ્યા છે.

ડીવાયએસપી જી. એસ. રાઓલ કહે છે કે ''અમે ગુણવંતનાં માતાપિતાને પણ અહીં બોલાવ્યાં છે. બેઉને પ્રેમ છે તો બાળકી સાથે સંધ્યાનાં લગ્ન માટે સમજાવી રહ્યા છીએ. છોકરીની હાલત હાલ 'આસમાન સે ગિરે ખજૂર પે અટકે' જેવી છે. આ સ્થિતિમાં અમે સાઇકૉલૉજિસ્ટની મદદ પણ લઈ રહ્યા છીએ.''

''હાલ બેઉને પુખ્ત થવામાં 8 મહિના બાકી છે. આ દરમિયાન છોકરીને નારી સંરક્ષણગૃહમાં રાખીશું અને જો ગુણવંતનાં માતાપિતા માની જાય તો લગ્ન કરાવીશું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો