પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ : બલદેવ સિંઘના નિવેદન પર પરિવારમાં નારાજગી

પાકિસ્તાનથી ભારત આવેલા ઇમરાન ખાનની પાર્ટી 'તહેરિક-એ-ઇન્સાફ'ના પૂર્વ ધારાસભ્ય બલદેવ સિંઘે પાકિસ્તાન સરકાર પર કેટલાક આરોપો મૂક્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં બલદેવ સિંઘે પોતાની વ્યથા જણાવી હતી અને હાલના સમયમાં પાકિસ્તાનની સ્થિતિ અંગે વાત કરી હતી.

તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ જ નહીં પણ મુસલમાનો પણ સલામત નથી. તેમણે ભારત સરકાર પાસે રાજકીય શરણ માગ્યું છે.

જોકે, બલદેવ સિંઘ જે આરોપ મૂકે છે તેનો તેમનાં પાકિસ્તાનમાં રહેતા પરિવારજનો અને ઇમરાન ખાનની પાર્ટી ઇન્કાર કરે છે.

ખૈબર પખ્તુનખ્વાહ વિધાનસભાના બારીકોટ (અનામત) સીટના પૂર્વ ધારાસભ્ય બલદેવ સિંઘે ભારત સરકાર પાસેથી પણ કેટલીક માગણી કરી છે.

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "જેવી રીતે મારા પર અત્યાચાર થયો છે એ રીતે અન્ય પર પણ અત્યાચાર થયા હશે. જોકે એ લોકો બોલી શકતા નથી. હું બોલું છું, હકીકત જણાવું છું."

તેમણે વધુમાં કહ્યું, ''ભારત સરકારે પાકિસ્તાનમાં રહેતા શીખો અને હિંદુ પરિવારો માટે પૅકેજ જાહેર કરવું જોઈએ. જેથી તેઓ પણ પાકિસ્તાનથી ભારત આવી શકે. હું ઇચ્છું કે મોદી સરકાર તેમના માટે કંઈક કરે. તેમને ત્યાં ત્રાસ આપવામાં આવે છે.''

''પાકિસ્તાનમાં મુસલમાનો સુરક્ષિત નથી તો મારા જેવા શીખ ક્યાંથી સુરક્ષિત હોય?''

તેમણે વર્તમાન પાકિસ્તાન સરકાર વિશે કહ્યું કે "જૂનું પાકિસ્તાન સારું હતું. આ નવું પાકિસ્તાન છે."

પાકિસ્તાન અને આતંકવાદ વિશે તેઓ બોલ્યા કે "પાકિસ્તાનમાં આતંકવાદને સપોર્ટ આપવામાં આવે છે. બધું જ આર્મી કરે છે. ઇમરાન ખાન પાસે કોઈ સત્તા નથી."

''હું પાકિસ્તાનમાં મારું બધું છોડીને આવ્યો છું, જેથી શીખો માટે કંઈક કરી શકું. હવે હું પાકિસ્તાન જવા માગતો નથી.''

પાકિસ્તાનના ગુરુદ્વારા અને શીખોની હાલત અંગે કહ્યું કે પાકિસ્તાનમાં ગુરુદ્વારાની હાલત બહુ ખરાબ છે. ગુરુદ્વારામાં લઘુમતીઓને કોઈ આદર આપવામાં આવતો નથી.

''એપ્રિલ મહિનામાં ભારતમાંથી વૈશાખી પર જે લોકો આવ્યા હતા તેમને ગુરુદ્વારામાં કોઈ આશરો આપવામાં આવ્યો નહોતો. તેઓને બહાર જ વરસાદમાં બેસી રહેવું પડ્યું હતું.''

બલદેવ સિંઘે મોદી સરકારની સરાહના કરતાં કહ્યું કે હું મોદી સરકારથી બહુ ખુશ છું. તેઓ સારું કામ કરી રહ્યા છે. પંજાબના મુખ્ય મંત્રી પણ સારું કામ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં કમલ 370નો મુદ્દો ખોટી રીતે ઉછાળવામાં આવ્યો નથી. અહીંનો માહોલ એટલો પણ ખરાબ નથી.

તેમણે મોદી સરકાર પાસે રાજકીય આશ્રય માગ્યો છે. બલદેવ સિંઘ છેલ્લા એક મહિનાથી તેમનાં પત્ની અને બે બાળકો સાથે પંજાબના ખન્ના શહેરમાં તેમના સાસરીમાં રહે છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનમાંથી ઘણા શીખ અને હિંદુ પરિવાર સ્થળાંતર કરીને ભારત આવવા માગે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બલદેલ સિંઘ પર 2016માં શીખ ધારાસભ્યની હત્યા કરવાનો આરોપ પણ લાગ્યો હતો.

શું કહેવું છે પરિવારજનોનું અને પાકિસ્તાનનું?

બલદેવ સિંઘ જે આરોપ મૂકે છે તેનો તેમનાં પાકિસ્તાનમાં રહેતા પરિવારજનો અને ઇમરાન ખાનની પાર્ટી ઇન્કાર કરે છે.

બલદેવ સિંઘના ભાઈ તિલક કુમારે બીબીસી ઉર્દૂના સંવાદદાતા શુમાઇલાને કહ્યું કે એમને બલદેવ સિંઘે ભારત પાસે રાજકીય શરણ માગ્યું એની મીડિયા દ્વારા ખબર પડી છે.

એમણે કહ્યું કે બલદેવ સિંઘની દીકરીને થેલેસેમિયા છે અને તેઓ દીકરી અને પત્ની સાથએ ઈદ પર સારવાર માટે ભારત ગયા હતા.

એમણે કહ્યું કે "બલદેવ સિંઘની આવી વાતોથી હું ખૂબ વ્યથિત છું. અમારો પરિવાર પાકિસ્તાની છે. આ જ અમારો દેશ છે. બલદેવ સિંધનો જન્મ પણ પાકિસ્તાનમાં જ થયો હતો અને તેમની આ હરકતથી મને પીડા થઈ છે. અમને અહીં કોઈ તકલીફ નથી."

આ બાબતે ઇમરાન ખાનની પાર્ટીએ પણ એમની સાથે છેડો ફાડી દીધો છે.

ખૈબર પખ્તુતનખ્વાના માહિતી મંત્રી અને પ્રાંત સરકરાના પ્રવક્તા શૌકત યુસુફઝાઈએ કહ્યું કે પીટીઆઈના લઘુમતી નેતા સોરન સિંઘની હત્યાના કેસને લીધે એમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

એ કેસમાં બે વર્ષ પછી એમને પુરાવાને અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.

પીટીઆઈની લઘુમતી નેતાની યાદીમાં સોરન સિંઘ પછી બલદેવ સિંઘનો ક્રમ હતો.

2016માં સોરન સિંઘની હત્યા થઈ પીટીઆઈએ એમને ટેકો નહોતો આપ્યો. મામલો અદાલતમાં ગયો હતો અને તેઓ ગૃહ ભંગ થાય તે અગાઉ માત્ર 24 કલાક માટે ધારાસભ્ય બન્યા હતા.

પીટીઆઈના ઉમર છીબાએ કહ્યું કે બલદેવ સિંઘ પર હજી ટ્રાયલ ચાલુ છે. મૃતક સોરન સિંઘના જમાઈ અજય સરણ સિંઘે પણ કહ્યું કે તેમની સામે કેસ ચાલુ છે.

પાકિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિ

એપ્રિલ મહિનામાં પાકિસ્તાન માનવાધિકાર પંચે તેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.

જેમાં હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓના બળબજરીપૂવર્કના ધર્મપરિવર્તનની ઘટનાઓ અને લગ્ન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ મુદ્દો ઉઠાવાયાના મહિના બાદ આ ઠરાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે ગયા વર્ષે માત્ર દક્ષિણ સિંધ પ્રાંતમાં જ આવા અંદાજે એક હજાર કેસ નોંધાયા હતા.

પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. એક અંદાજ પ્રમાણે પાકિસ્તાનમાં 75 લાખ હિંદુઓ વસે છે.

જોકે સમુદાયના કહેવા પ્રમાણે દેશમાંથી 90 લાખથી વધારે હિંદુઓ વસવાટ કરે છે.

હિંદુઓની મોટા ભાગની વસતિ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો