You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન સરકારે કાશ્મીરના તણાવ પર કઠુઆ રેપપીડિતાની તસવીર ટ્વીટ કરી
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
પાકિસ્તાન સરકારે કઠુઆ ગૅંગરેપ અને મર્ડરકેસનાં પીડિતાની તસવીરનો ઉપયોગ કરીને અપીલ કરી છે કે 'ભારત પ્રશાસિત કાશ્મીરમાં થઈ રહેલા નરસંહારને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય કંઈક પગલાં ભરે'.
લગભગ 19 મહિના જૂની આ તસવીર સાથે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણમંત્રાલયે પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું,
"આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારત પ્રશાસિત કાશ્મીરમાં કાશ્મીરીઓના નરસંહારને રોકવા માટે પગલાં ભરવાં જોઈએ, જેઓને પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે અને તેઓ ફાંસીવાદી ભારત સરકાર દ્વારા લગાવાયેલા અમાનવીય કર્ફ્યુને કારણે પોતાના ઘરમાં ફસાયેલા છે. #KashmirHour."
વડા પ્રધાન ઇમરાન ખાનની અપીલ પર ભારત પ્રશાસિત કાશ્મીરના લોકોની એકતા દર્શાવવા માટે પાકિસ્તાને શુક્રવારે (30 ઑગસ્ટ, 2019) બપોરે 12થી 12.30 વાગ્યા સુધી 'કાશ્મીર અવર' ઊજવ્યો હતો.
આની સાથે જોડતા પાકિસ્તાનના સૂચના અને પ્રસારણમંત્રાલયે બપોરે ત્રણ વાગ્યે કઠુઆ ગૅંગરેપનાં પીડિતાની આ તસવીર ટ્વીટ કરી, જેમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં ચાલી રહેલા વર્તમાન તણાવનો ઉલ્લેખ છે.
વર્તમાન તણાવ સાથે સંબંધ નહીં
રિવર્સ ઇમેજ સર્ચથી ખબર પડી કે કઠુઆ ગૅંગરેપનાં પીડિતાની આ તસવીર ફ્રેબુઆરીથી એપ્રિલ 2018ની વચ્ચે કેટલીય વેબસાઇટોએ ઉપયોગમાં લીધી હતી.
સાથે જ સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકોએ આ તસવીર પોસ્ટ કરી હતી.
યૂટ્યૂબ પર પણ પીડિતાનું નામ સર્ચ કરવાથી અમને તેમના મૃતદેહના ઘણા વીડિયો મળ્યા, જે એપ્રિલ 2018માં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી સ્પષ્ટ થાય છે કે આ તસવીર ભારત પ્રશાસિત કાશ્મીરના વર્તમાન તણાવની સ્થિતિ સાથે સંબંધિત નથી.
પરંતુ આ તસવીર કઠુઆ ગૅંગરેપ કેસનાં પીડિતાની જ છે. પીડિતાના વકીલ મુબીન ફારૂકી ખાન સાથે વાત કરીને અમે તેની પુષ્ટિ કરી છે.
કઠુઆ ગૅંગરેપ કેસ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં જાન્યુઆરી 2018માં બકરવાલ સમુદાયની આઠ વર્ષની માસૂમ બાળકી સાથે ગૅંગરેપ, ત્રાસ અને હત્યાના મામલે કોર્ટે જૂન 2019માં છ દોષીઓમાથી ત્રણને આજીવન કેદની સજા સંભળાવી હતી.
આ ગૅંગરેપ બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. પૂર્વ સરકારી અધિકારી સાંજી રામને આ મામલાના માસ્ટરમાઇન્ડ ગણવામાં આવતા હતા.
પઠાણકોટની ફાસ્ટટ્રૅક કોર્ટે સાંજી રામને પણ આજીવન કેદની સજા સંભળાવી હતી.
પુરાવાના અભાવે સાંજી રામના પુત્રને કોર્ટે છોડી મૂક્યા હતા. તેમજ બે પોલીસકર્મીઓને પણ પાંચ-પાંચ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.
સાંજી રામ સિવાય પરવેશ કુમાર, બે સ્પેશિયલ પોલીસ અધિકારી દીપક કુમાર અને સુરેન્દર વર્મા, હેડ કૉન્સ્ટેબલ તિલક રાજ અને સબ-ઇન્સ્પેક્ટર આનંદ દત્તાને આ મામલે દોષી ઠેરવ્યા હતા.
આ પોલીસકર્મીઓને પુરાવા નષ્ટ કરવાના આરોપમાં દોષી ઠેરવ્યા હતા.
પઠાણકોટની ફાસ્ટટ્રૅક કોર્ટના આ નિર્ણય બાદ પીડિતાનાં માતાએ મુખ્ય આરોપી સાંજી રામને ફાંસી આપવાની માગ કરી હતી.
નીચલી કોર્ટના આ નિર્ણય સામે જુલાઈ 2019માં કેટલાક આરોપીઓએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી છે, જેના પર 11 સપ્ટેમ્બર, 2019માં સુનાવણી થવાની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો