ભારતનો ઇતિહાસ બદલી નાખશે 2600 વર્ષ જૂની આ શહેરી સભ્યતા?

    • લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
    • પદ, બીબીસી તમિલ

તામિલનાડુના મદુરૈ શહેર સામેના કીજહાદી (કીઝાડી) ગામમાં પુરાતત્ત્વ વિભાગની વિસ્તૃત શોધમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ ભારતનો સંગમકાળ હાલ સુધી જે સમય ગણાતો હતો એનાથી પણ 300 વર્ષ જૂનો હતો.

કીજહાદી મદુરૈથી દક્ષિણ પૂર્વમાં 13 કિલોમિટર દૂર આવેલું એક નાનું ગામ છે. આ ગામમાં જ્યાં ખોદકામ થઈ રહ્યું છે ત્યાંથી માત્ર બે કિલોમિટર દૂર વૈગઈ નદી વહે છે.

વર્ષ 2014માં ભારતીય પુરાતત્ત્વ વિભાગને અંદાજે બે હજાર વર્ષ પહેલાં અહીં માનવવસ્તી હોવાના અવશેષો મળ્યા હતા.

2017માં કીજહાદીમાં ખોદકામસ્થળેથી મળેલા ચારકોલ (લાકડાથી બનેલો કોલસો)ના કાર્બર ડેટિંગ ટેસ્ટથી એ વાતની પુષ્ટિ થઈ કે અહીં ઈ.સ. પૂર્વે 200 પહેલાં માનવવસ્તી હતી.

એ સમયે કીજહાદી ખોદકામસ્થળની રખેવાળી કરનારા સુપરવાઇઝર અમરનાથ રામાકૃષ્ણને કામકાજને આગળ ધપાવવા માટે આવેદન આપ્યું હતું, પરંતુ તેમની આસામ બદલી કરી દેવાઈ.

જોકે તેમ છતાં રાજ્ય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે અનુસંધાન કામને ચાલુ રાખવાનો નિર્ણય લીધો.

ગત ગુરુવારે રાજ્ય સરકારે 2018 અનુસંધાનના ચોથા તબક્કાના આધારે તૈયાર કરેલો રિપોર્ટ જાહેર કર્યો છે.

શું છે કીજહાદી શહેરી સભ્યતા?

ખોદકામ દરમિયાન મળેલી છ ચીજોને એક્સલરેટેડ માસ સ્પેક્ટ્રૉમેટ્રી ટેસ્ટ (કાર્બન-14 ડેટિંગની જાણકારી માટેની ખૂબ જ સંવેદનશીલ તપાસ, જેનાથી કાર્બનિક પદાર્થોના આયુષ્યની ખબર પડે છે) માટે મોકલવામાં આવી છે. આ ટેસ્ટથી ખબર પડે છે કે આ ચીજો ઈ.સ. પૂર્વે છથી લઈને ઈસ પૂર્વે ત્રણ અગાઉની છે.

આ અનુસંધાનમાં એ પણ ખબર પડી છે કે કીજહાદીમાં 353 સેન્ટિમિટરની ઊંડાઈ પર મળેલી ચીજો ઈસ પૂર્વે 580ની છે અને 200 સેન્ટિમિટરની ઊંડાઈ પર મળેલી ચીજ ઈ.સ. પૂર્વે 205ની છે.

ખોદકામની જગ્યાએ ઉપર અને નીચે બંને સ્તરે ચીજો મોજૂદ છે. આથી પુરાતત્ત્વ વિભાગ એ નિર્ણય પર પહોંચ્યો છે કે ખોદકામની જગ્યા ઈ.સ. પૂર્વે ત્રણ જૂની છે.

તામિલનાડુનો ઐતિહાસિક સમય ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી શરૂ થાય છે. અગાઉ એવું માનવામાં આવતું કે તામિલનાડુમાં એ સમયે ગંગા નદી ઘાટીની જેમ કોઈ શહેરી સભ્યતા મોજૂદ નહોતી.

પરંતુ કીજહાદીમાં મળેલા પુરાવા પ્રમાણે ગંગા નદી ઘાટી સભ્યતાના સમયે જ તામિલનાડુમાં બીજી શહેરી સભ્યતા શરૂ થઈ ગઈ હતી.

2600 વર્ષ અગાઉ ભણેલાગણેલા લોકો હતા

કોડમનલ અને અરાગનકુલમમાં મળેલી શિલાલેખોને આધારે શોધકર્તાઓ માને છે કે તમિલ બ્રાહ્મી લિપિ ઈ.સ. પૂર્વે ત્રીજી સદી જૂની છે, પરંતુ કીજહાદીમાં મળેલી ચીજોને આધારે હવે ખબર પડી છે કે આ લિપિ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી જૂની છે.

રાજ્યના પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ અનુસાર, "આ આધારથી સાબિત થાય છે કે કીજહાદીમાં 2600 વર્ષ અગાઉ રહેતા લોકો ભણેલાગણેલા હતા, તેઓ લખવા-વાંચવાનું જાણતા હતા."

શોધકર્તાઓને ખોદકામસ્થળેથી અંદાજે 70 હાડકાં મળ્યાં છે. જેમાંનાં 53 ટકા હાડકાં સાંઢ, ભેંસ, બકરી અને ગાય જેવાં પ્રાણીઓનાં છે.

તેનાથી એ પણ ખબર પડે છે કે સમુદાયે જીવનનો આધાર પણ વિકસિત કરી લીધો હતો.

તમિલ બ્રાહ્મી લિપિનો ઉપયોગ

આ ખોદકામમાં મળેલાં આવરણો અને કળાકૃતિઓમાં રેતદાની, લોખંડ, મેગ્નેશિયમ અને ઍલ્યુમિનિયમ પણ મળ્યું છે.

અત્યાર સુધી ભારતની સૌથી પ્રાચીન લિપિ સિંધુ ઘાટી સભ્યતામાં મળી હતી.

શોધકર્તાઓનું માનવું છે કે સંકેતચિહ્નોની આ વિધિને ભીંતચિત્ર વિધિ પણ કહેવાતી હતી, જે સિંધુ ઘાટીની સભ્યતા બાદ અને તમિલ બ્રાહ્મી લિપિ અગાઉ લુપ્ત થઈ ગઈ હતી.

સિંધુ સભ્યતાના શિલાલેખની જેમ આ ભીંતચિત્ર વિધિ હજુ સુધી નષ્ટ થઈ નથી. તે ભીંતચિત્ર અભિલેખ મહાપાષણકાલીન સભ્યતાથી લઈને કાંસ્યયુગીન સભ્યતા સુધી મળે છે.

તામિલનાડુનાં અન્ય ખોદકામકેન્દ્રો અદિચનલૂર, અરાગનકુલમ, કોડુમનલ અને અન્ય સ્થળોએ પણ આવાં ચિહ્નવાળાં માટલાં મળ્યાં છે.

આવા અવશેષો શ્રીલંકાના તિસામાહારામા, કાતારોદાઈ, માનદઈ અને રિદિયાગામામાં પણ મળ્યા છે.

કીજહાદીમાં ખોદકામ દરમિયાન 1,001 કળાકૃતિ જોવા મળી છે.

56 કળાકૃતિઓમાં તમિલ બ્રાહ્મી લિપિ અંકિત છે. તેમાં અદા અને અદાન જેવા કેટલાક શબ્દો પણ અંકિત છે.

સામાન્ય રીતે માટલાં ઘડતી વખતે જ ચિત્રકામ કે શિલાલેખનનું કામ કરાય છે, પરંતુ ખોદકામ દરમિયાન મળેલાં માટલાં પહેલાં સંપૂર્ણ રીતે તૈયાર કરાયેલાં છે, સૂકવેલાં છે, જ્યારે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય પછી તેના પર ચિત્રકામ કરાયેલું છે.

આનાથી લાગે કે માટલાં પર સંકેતલિપિ માટે એકથી વધુ લોકોએ કામ કર્યું હશે.

માટીનાં વાસણોનું ચલણ હતું

કીજહાદીમાં પુરાતત્ત્વવિદોને માટલાં જેવી કળાકૃતિઓના બે જથ્થા મળ્યા છે, જે ચાર મીટર ઊંચા છે.

રાજ્યના પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ અનુસાર આ દર્શાવે છે કે અહીં રહેતા સમુદાયમાં માટીનાં વાસણોનું ખૂબ ચલણ હશે.

આ લોકોને ખોદકામસ્થળેથી વણાટનાં સાધનો પણ મળ્યાં છે. પુરાતત્ત્વવિદોને મહિલાઓ પહેરે એવાં સાત પ્રકારનાં સોનાનાં ઘરેણાં મળ્યાં છે.

આ સિવાય ટેરોકોટાથી બનેલાં રમકડાંની ચાવીઓ પણ મળી છે.

એટલું જ નહીં કોરર્નેલિયમ અને અકોટથી બનેલા મણકાના અવશેષો પણ મળ્યા છે, જે સામાન્ય રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

સાથે જ શોધકર્તાઓને ટેરાકોટથી બનેલાં માણસની આકૃતિવાળાં 12 રમકડાં, પ્રાણીઓની આકૃતિવાળાં ત્રણ રમકડાં અને 650 રમકડાંની જાણકારી પણ મળી છે.

આ રમકડાં લાલ-ભૂરી માટીમાંથી બનેલાં છે, જેને બાદમાં પકાવીને યોગ્ય રૂપ આપવામાં આવ્યું છે.

જોકે, એ જમાનામાં પૂજાપાઠ થતા હશે કે કેમ એના કોઈ પુરાવા કે ચીજ મળી નથી.

કીજહાદીની વિશેષતા

કીજહાદીમાં પહેલી વાર ઈંટવાળી ઇમારતના પુરાવા મળ્યા છે.

તમિલ સંગમનો કાળ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી લઈને બીજી સદી સુધીનો માનવામાં આવે છે. પરંતુ હાલમાં મળેલી બ્રાહ્મી લિપિ પ્રમાણે માનવામાં આવે છે કે તમિળ સંગમનો કાળ ત્રીજી સદીથી વધુ જૂનો હતો.

સિંધુ ઘાટી સભ્યતાને પહેલી શહેરી સભ્યતા માનવામાં આવે છે. બાદમાં ગંગા નદી ઘાટી સભ્યતાને બીજી શહેરી સભ્યતા માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે એ સમયે કોઈ અન્ય શહેરી સભ્યતા નહોતી.

પરંતુ કીજહાદીમાં મળેલા પુરાવા દર્શાવે છે કે ગંગા ઘાટી સભ્યતાના સમયમાં જ કીજહાદીમાં શહેરી સભ્યતા મોજૂદ હતી.

એટલે હવે આપણે એવું કહી શકીએ કે ભારતમાં ગંગા નદી ઘાટી સભ્યતાના સમયમાં જ દક્ષિણમાં તમિલ સંગમ સભ્યતા મોજૂદ હતી.

આ વિસ્તારમાં મળેલી ઘણી કળાકૃતિઓથી એ જાણવા મળે છે કે તમિલ સંગમ સભ્યતાના લોકોનો વેપાર ઉત્તર ભારતના લોકો અને રોમનો સાથે હતો.

તામિલનાડુના પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના સચિવ ટી. ઉદયચંદ્રન જણાવે છે, "આગામી તબક્કાના ખોદકામમાં અમે લોકો કીજહાદીના આસપાસના વિસ્તાર કોથાદઈ, અગારામ અને માનાલૂરમાં સંશોધન કરીશું."

"અમે અદિચનલૂરમાં સંશોધન શરૂ કરી રહ્યા છીએ. અમે એ માનીને ચાલીએ છીએ કે કોંથાદઈમાં સૌથી પહેલાં મનુષ્યને દફનાવવાની પરંપરા રહી હશે."

"અમે કામરાજ યુનિવર્સિટી સિવાય ડીએનએ રિસર્ચ માટે હાર્વર્ડ મેડિકલ સ્કૂલ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો