કચ્છનું એ રેડિયો સ્ટેશન જે માત્ર મહિલાઓ દ્વારા ચાલે છે

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, ભીમસર, કચ્છ

"હું પહેલાં કોઈની સામે કંઈ પણ બોલતી વખતે ઘણી શરમાઈ જતી હતી અને કોઈ પણ નવી વ્યક્તિ સામે બોલતાં અચકાતી પણ હતી." કચ્છનાં 25 વર્ષીય શાંતા પાયણે આ વાત કહી.

શાંતા કહે છે, "જ્યારથી હું 'સઈયરેં જો' રેડિયો સાથે જોડાઈ છું, ત્યારથી મને લાગે છે કે, મેં મારો પોતાનો અવાજ શોધી લીધો છે."

'સઈયરેં જો' રેડિયોમાં શાંતા એક સ્વંયસેવિકા તરીકે કામ કરે છે.

બીજી તરફ, તેઓ કડિયાકામ કરીને દરરોજનાં 200 રૂપિયા કમાય છે. તેમની જેમ અનેક મહિલાઓ કચ્છમાં પોતાનાં અંદરનો અવાજ આ રેડિયો મારફતે શોધી રહી છે.

'સઈયરેં જો' રેડિયો એક સામુદાયિક એટકે કે કૉમ્યુનિટી રેડિયો છે. રેડિયોને ગામડામાં રહેતી મહિલાઓ જ ચલાવે છે. આમાંથી કેટલીક મહિલાઓએ ક્યારેય શાળામાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી.

શાંતા પાયણ છેલ્લા કેટલાક મહિનાથી આ રેડિયોમાં સ્વયંસેવિકા તરીકે કામ કરી રહ્યાં છે.

કચ્છનાં લગભગ 26 ગામડાંમાં લોકો નિયમિત રીતે 'સઈયરેં જો' રેડિયો સાંભળે છે.

ભારત સરકારના ઇન્ફર્મૅશન અને બ્રૉડકાસ્ટિંગ વિભાગ મુજબ, 'સઈયરેં જો' ઉપરાંત જમ્મુ અને કાશ્મીરનો રેડિયો 'શારદા', ભારતના સરહદી વિસ્તારોમાં કાર્યરત માત્ર બે કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન છે.

જીવનને સ્પર્શી રહ્યો છે આ રેડિયો

2012માં શરૂ થયા બાદ 'સઈયરેં જો' રેડિયોના આશરે 6000 જેટલાં શ્રોતાઓ છે. 90.4 મેગાહર્ટ્ઝની ફ્રિક્વન્સી પર સાંભળવા મળતું આ રેડિયો કચ્છ જિલ્લામાં આવેલા નખત્રાણા તાલુકાના ભીમસર ગામથી ઑપરેટ કરે છે.

કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા રૂ. આઠ લાખ 50 હજારના ખર્ચે આ કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે.

'સઈયરેં જો' રેડિયો પર કચ્છની મહિલાઓને સમજાય તેવી રીતે તેમની કચ્છી ભાષામાં કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. આ રેડિયો પર ગામલોકોને મદદરૂપ થાય તેવા સ્વાસ્થ્યને લગતા તેમજ સરકારી યોજનાઓ અને પશુપાલન વિશેની માહિતી આપતા કાર્યક્રમ વધારે પ્રસારિત થાય છે.

રેડિયો સ્ટેશન શાંતા પાયણ જેવાં સ્વયંસેવિકાઓની મદદથી ચાલે છે. સઇરેં જો સંગઠનનાં સંયોજક ઇક્બાલ ઘાંચીના કહેવા પ્રમાણે, સ્ટેશનને ચલાવવા પાછળ માસિક રૂ. 15 થી 20 હજારનું ખર્ચ આવે છે.

આ સ્વયંસેવિકાઓ રિપોર્ટર તરીકે કામ કરી અલગ અલગ લોકોનાં ઇન્ટરવ્યૂ કરતાં હોય છે.

શરીફા છેડા 'સઈયરેં જો'નાં રેડિયો સ્ટેશન મૅનેજર છે. બીબીસી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, "અમારો રેડિયો કાર્યક્રમ એવી મહિલાઓ સુધી પહોંચે છે, જેઓ આજના સમય પ્રમાણે સ્માર્ટફોન કે પછી ટીવી પર પણ સમાચારો મેળવી શકતા નથી."

શરીફાનું માનવું છે કે, અહીં ઘરોમાં ટીવી નેટવર્ક છે, પણ તેમને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો ઉપલબ્ધ નથી.

તેઓ કહે છે કે, "રેડિયોના કેટલાક કાર્યક્રમો યુવાન મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અનેક વખત બન્યું છે કે, રેડિયોના કાર્યક્રમોથી કોઈ છોકરી કે મહિલાને ખૂબ ફાયદો થયો હોય."

એક ઉદાહરણ આપતા શરીફાએ કહ્યું, "એક વખત એક યુવાન છોકરીને પોતાના માસિક સ્રાવ દરમિયાન ઘણી તકલીફ હતી, પરંતુ તે કોઈને કહી શકતી નહોતી.

"પરંતુ અમારા રેડિયો પરના કાર્યક્રમ સાંભળી તેને પોતાની પરિસ્થિતિ વિશે માતા સાથે વાત કરવાની હિંમત મળી. છોકરીની માતાએ મારી સાથે આ વાત કરી હતી."

મહિલાઓ થઈ રહી છે જાગૃત

પોતાની વાત કરતા શરીફા છેડા કહે છે કે, 'સઈયરેં જો' રેડિયોમાં કામ કરતા પહેલાં તેમને કમ્પ્યૂટર જોયું પણ નહોતું, પરંતુ હવે તેઓ લોકોના ઇન્ટરવ્યૂ કરે છે, તેનું રેકર્ડિંગ કરે છે, સ્ક્રિપ્ટ લખે છે અને રેડિયો પર પોતાના કાર્યક્રમનું પ્રસારણ પણ કરે છે.

જ્યારે શરીફાને પૂછવામાં આવ્યું કે, શહેરમાં રહેતી કોઈ રેડિયો જોકી કરતાં તેમનું કામ કઈ રીતે જુદું છે?

તેના જવાબમાં શરીફાએ કહ્યું, "હું તેમના કામનો આદર કરું છું, પણ મારું કામ જુદું છે. અમે મહિલાઓ અને સમાજથી વિખૂટા પડી ગયેલા લોકોના મુદ્દાઓ પર વધુ ભાર મૂકીએ છીએ.

"ભલે તેઓ અમારો કાર્યક્રમ ન સાંભળતા હોય, તો પણ અમે તેમની વાતને પ્રાધાન્ય આપીએ છીએ."

શરીફા છેડા દરરોજ 'ખાસ્સો શાસન' નામનો કાર્યક્રમ પ્રસારિત કરે છે. તેમાં તેઓ સરકારી યોજનાનો લાભ કેવી રીતે લેવો તેની માહિતી કચ્છી ભાષામાં આપતાં હોય છે.

નંદુબા જાડેજા આ રેડિયો સ્ટેશનના લાઇસન્સ હોલ્ડર છે.

તેમણે કહ્યું, "રેડિયોના નવા કાર્યક્રમો વિશે વિચારતા અમે ધ્યાન રાખીએ છીએ કે, યુવા મહિલાઓ, શાળાએ જતી છોકરીઓ માટેના અલગ અલગ કાર્યક્રમો તૈયાર કરીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો