You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પગમાં 12 આંગળા ધરાવતાં સ્વપ્નાની સુવર્ણયાત્રા
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતની સ્વપ્ના બર્મને સુવર્ણચંદ્રક જીતીને એક નવો ઇતિહાસ રચ્યો છે.
એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં ભારતને પહેલીવાર સુવર્ણચંદ્રક મેળવ્યો છે, પરંતુ 21 વર્ષનાં સ્વપ્ના બર્મન માટે આ બધું આસાન ન હતું.
રિક્ષાચાલકની દીકરી સ્વપ્નાનાં પગમાં કુલ 12 આંગળા છે. તેમ છતાં એ ગોલ્ડ લાવવામાં સફળ રહ્યાં.
માણસના પગમાં છ આંગળા હોય તો સામાન્ય રીતે કોઈ મુશ્કેલી થતી નથી, પણ એક ખેલાડી માટે છ આંગળા સાથે દોડવાનું આસાન નથી હોતું.
સ્વપ્નાની સફર તો કંઈક વધારે જ મુશ્કેલીભરી હતી.
શું આ બીમારી છે?
છ આંગળા ધરાવતા લોકો વિશે ભારતમાં એક માન્યતા છે. એવા લોકોને ભાગ્યશાળી માનવામાં આવે છે.
સ્વપ્નાએ પણ જાણ્યે-અજાણ્યે આ માન્યતાને સાચી સાબિત કરી છે, પણ આ કોઈ બીમારી નથી.
શું તમે આ વાંચ્યું?
હાથ કે પગમાં વધારાની એક આંગળી હોય તેને વિજ્ઞાનની ભાષામાં પોલિડેક્ટિલી કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી જ પોલિડેક્ટિલી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, હાથ કે પગમાં છ આંગળા હોય તો દૈનિક કામોમાં ખાસ કોઈ ફરક પડતો નથી.
દિલ્હીના પ્રાઈમસ હોસ્પિટલમાં હાડકાંના ડૉક્ટર કૌશલ કુમારે કહ્યું હતું, "તેનું કારણ જિન મ્યુટેશન, મતલબ કે જન્મ વખતે કોઈ જિનની બનાવટમાં થયેલું પરિવર્તન હોય છે."
પોલિડેક્ટિલીના અનેક પ્રકાર
હાથ કે પગમાં માત્ર વધારાનાં સોફ્ટ ટિશ્યૂને કારણે પણ જન્મ સમયે પાંચને બદલે છ આંગળા જોવા મળી શકે છે.
ડૉ. કૌશલ કુમારે કહ્યું હતું, "આ પ્રકારના વધારાના ટિશ્યૂને જન્મ પછી દોરો બાંધીને હટાવી શકાય છે, પણ એ કામ ડૉક્ટરની દેખરેખમાં જ કરવું જોઈએ."
"દોરો વીંટીને સોફ્ટ ટિશ્યૂ હટાવવાનું સાંભળવામાં જેટલું આસાન લાગે છે તેટલું વાસ્તવમાં મુશ્કેલ હોય છે. એ કામ ડૉક્ટરોની દેખરેખમાં કરવામાં ન આવે તો પરિણામ વિપરીત આવી શકે છે."
પોલિડેક્ટિલીના બીજા પ્રકારમાં હાથ અને પગનાં પાંચ આંગળા સાથે હાડકાં વિનાનો માંસનો ટુકડો બહાર નીકળેલો હોય છે. તેનો આકાર કોઈ આંગળી જેવો જ હોય છે.
ડૉ. કૌશલ કુમારે કહ્યું હતું, "આવા કિસ્સામાં સર્જરી સિવાય બીજો કોઈ ઈલાજ હોતો નથી. સર્જરી વડે જ વધારાના આંગળાને અલગ કરી શકાય છે."
જોકે, સર્જરી ક્યારે કરવી અને ક્યારે નહીં તેનો નિર્ણય લેવાનું કામ સર્જન પર છોડી દેવું જોઈએ.
ઘણા કિસ્સામાં બાળપણમાં જ તે દૂર કરવાનું યોગ્ય હોય છે. ઘણા કિસ્સામાં ડૉક્ટર્સ બાળક મોટું થાય ત્યાં સુધી રાહ જોતા હોય છે.
આ પ્રકારની સર્જરી માટે સામાન્ય રીતે હાડકાંના ડૉક્ટર પાસે જ જવું પડે છે.
છ આંગળા સાથે સ્વપ્નાની સફર
સ્વપ્ના બર્મનનાં બન્ને પગમાં છ-છ આંગળા છે. તેમની પોલિડેક્ટિલી ત્રીજા પ્રકારની છે. તેમાં છઠ્ઠા આંગળામાં માંસ પણ છે અને હાડકું પણ. તેમણે હજુ સુધી તેને હટાવ્યું નથી.
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, પગમાં છ આંગળાઓ સાથે દોડવાનું મુશ્કેલ નથી, પણ એવા લોકો માટે અલગ પ્રકારનાં પગરખાંની જરૂર પડે છે.
અલગ પ્રકારનાં પગરખાં મેળવવા માટે સ્વપ્નાએ બહુ મહેનત કરવી પડી હતી.
સ્વપ્ના આર્થિક રીતે નબળા પરિવારની દીકરી છે. તેમના પિતા રિક્ષા ચલાવતા હતા, પણ 2013માં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારથી તેઓ પથારીવશ છે.
હાલ સ્વપ્નાનાં માતા ચાના બગીચામાં કામ કરે છે અને તેમની આવકમાંથી પરિવારનું ગુજરાન ચાલે છે.
સ્વપ્નાના પરિવારમાં માતા-પિતા ઉપરાંત મોટાભાઈ અસિત અને તેમનાં પત્ની છે, પણ તેમના ઘરમાં એટલા નાણાં નહોતાં કે સ્વપ્ના માટે અલગ પ્રકારનાં પગરખાંની વ્યવસ્થા કરી શકાય.
સ્વપ્નાનાં ભાભીએ બીબીસીને કહ્યું હતું, "સ્વપ્નાને દોડવામાં ક્યારેય કોઈ તકલીફ પડી નથી. અફસોસ તેમનાં પગરખાંનો જ હતો."
"પગરખાં ખરીદવા જઈએ ત્યારે તેમની સાઈઝના પગરખાં તેમના પગમાં ફીટ બેસતાં ન હતાં. લંબાઈમાં બરાબર થતાં પગરખાં પહેરીને દોડવામાં સ્વપ્નાને પંજો પહોળો હોવાને કારણે તકલીફ થતી હતી."
સમસ્યાનું નિરાકરણ
આ તકલીફનું નિરાકરણ કેવી રીતે કર્યું? આ સવાલના જવાબમાં સ્વપ્નાનાં ભાભીએ જણાવ્યું કે સંપૂર્ણપણે માપના હોય તેવાં પગરખાં મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેનિંગથી માંડીને ગેમ સુધી, ઘણી વાર માત્ર પગરખાંને કારણે સ્વપ્નાની પસંદગી થતી ન હતી. ઘણા ડૉક્ટરોની સલાહ લીધી, પણ પગરખાં માટે પૈસા ન હતા ત્યાં ઇલાજ માટેના પૈસા ક્યાંથી એકઠા કરવા?
જોકે, આજે સ્વપ્ના તેમનાં પગરખાં વિદેશથી ઓર્ડર આપીને મંગાવે છે.
નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. દીપકના જણાવ્યા મુજબ, પોલિડેક્ટિલી કોઈ વિકલાંગતા નથી. તેને લીધે બધાને મુશ્કેલી થાય એ જરૂરી નથી.
પોતાની 25 વર્ષની કારકિર્દીની વાત કરતા તેમણે જણાવ્યું કે પગમાં છ આંગળા ધરાવતા માત્ર બે ખેલાડીઓના સંપર્કમાં તેઓ આવ્યા હતા.
એ પૈકીના એક ખેલાડી ફૂટબોલર હતા. એ ખેલાડી તેમની પાસે છ આંગળા હોવાને કારણે નહીં, પણ ઘાયલ થવાને કારણે આવ્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, આગળથી પહોળા હોય તેવાં પગરખાં ઓર્ડર આપીને બનાવી શકાય છે.
હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા ઋત્વિક રોશનના એક હાથમાં બે અંગૂઠા છે અને ટૉક-શોનાં વિખ્યાત સંચાલિકા ઓપરા વિનફ્રેના પગમાં પણ 11 આંગળા હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો