17 વર્ષની 'ગોલ્ડન ગર્લ' મનુ ભાકરની આ વાતો આપ જાણો છો?

કૉમનવેલ્થ ગેમ્સમાં રવિવારની સવાર ભારત માટે સુવર્ણમય રહી. શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો.

વળી હિના સિદ્ધુ સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યાં. ઉપરાંત મનુ ભાકરે કૉમનવેલ્થ ગેમ્સમાં નવો વિક્રમ સર્જ્યો છે.

તેમણે 240.9 પોઇન્ટ્સ સ્કોર કરીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઑસ્ટ્રેલિયાની ઇલેના ગાલિયાબોવિચે 214.9 પોઇન્ટ્સ સાથે કાંસ્ય પદક જીત્યો.

કોણ છે મનુ ભાકર?

મનુ ભાકર મરીન એન્જિનિયર રામ કિશન ભાકરના પુત્રી છે.

મનુએ કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મેડલ 10 મીટર એર પિસ્તોલ કૅટેગરીમાં જીત્યો હતો અને બીજો ગોલ્ડ મેડલ આ જ કૅટેગરીમાં મિક્સ ઇવેન્ટમાં જીત્યો હતો.

એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતનારા તેઓ સૌથી નાની વયના ખેલાડી બન્યા હતા

તેમના પિતાએ બીબીસીને આપેલા ઇન્ટર્વ્યૂમાં રામ કિશને કહ્યું હતું, "હું મરીન એન્જિનિયર છું પણ છેલ્લા કેટલાક સમયથી શિપ પર નથી ગયો."

પિતાએ નોકરી છોડી દીધી

રામ કિશને દીકરીની મહત્ત્વકાંક્ષાઓ માટે નોકરી પણ છોડી દીધી.

આ વાત અંગે તેમણે કહ્યું, "મનુએ અન્ય કેટલીક રમતોમાં હાથ અજમાવ્યા બાદ 2016માં શૂટિંગમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.

"સ્કૂલમાં જ્યારે તેણે નિશાન લગાવ્યું તો તે એટલું ચોક્કસ હતું કે તેના શિક્ષક જોઈએ દંગ રહી ગયા.

તમને આ પણ વાંચવું ગમશે

"ત્યાર પછી પ્રૅક્ટિસ બાદ વિવિધ સ્થળોએ યોજાતી ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો."

પણ સમસ્યા એ હતી કે મનુ લાઇસન્સ પિસ્તોલ સાથે જાહેર પરિવહનમાં પ્રવાસ નહોતા કરી શકતા.

વળી સગીર હોવાથી તે જાતે પણ વાહન ચલાવીને શૂટિંગની ઇવેન્ટમાં ભાગ લેવા નહોતા જઈ શકતા.

આથી રામ કિશન ભાકરે તેનો એક ઉકેલ શોધી નાખ્યો.

તેમણે દીકરીનાં સપનાં પૂરા કરવા માટે નોકરી છોડી દીધી. તેઓ છેલ્લા લગભગ બે વર્ષથી દીકરી સાથે દરેક શૂટિંગ ઇવેન્ટમાં સાથે સાથે જઈ રહ્યા છે.

રામ કિશન ભાકરે કહ્યું, "શૂટિંગ ઘણી મોંઘી ઇવેન્ટ છે. એક પિસ્તોલ બે લાખ રૂપિયાની આવે છે.

"અત્યાર સુધી મનુ માટે અમે આવી ત્રણ પિસ્તોલ ખરીદી છે. વર્ષે દસ લાખ રૂપિયા અમે મનુના સ્પોર્ટ્સ પાછળ ખર્ચીએ છીએ."

આર્થિક ભંડોળની વ્યવસ્થા

નોકરી નથી તેમ છતાં નાણાં ભંડોળ કઈ રીતે ઊભું કરે છે? આ અંગે તેઓ કહે છે,"ક્યારેક મિત્રો તરફથી, તો ક્યારેક સગાંસંબંધી તરફથી મળે છે."

શૂટિંગ સમયે ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે મનુ ધ્યાન પણ કરે છે.

મનુનો પરિવાર

મનુના માતા સુમેધા સ્કૂલમાં શિક્ષિકા છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની પણ ભૂમિકા છે.

મનુને એક મોટા ભાઈ છે અને તેઓ આઈઆઈટીની તૈયારી કરી રહ્યા છે. તેઓ હરિયાણાના જઝ્ઝર જિલ્લાના ગોરિયા ગામના રહેવાસી છે.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે જે પિસ્તોલથી મનુએ મેક્સિકો ખાતે ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા તેનું લાઇસન્સ લેવા માટે તેમણે અઢી મહિના સુધી રાહ જોવી પડી હતી.

વિદેશી પિસ્તોલ

સામાન્ય રીતે આ લાઇસન્સ ખેલાડીઓને એક જ સપ્તાહમાં મળી જતું હોય છે.

આ ઘટનાને યાદ કરતા રામ કિશન ભાકર કહે છે, "વર્ષ 2017માં મે મહિનામાં મેં વિદેશથી પિસ્તોલ મંગાવવા લાઇસન્સ માટે અરજી કરી હતી.

"પણ જઝ્ઝર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ અરજી રદ કરી દેવામાં આવી હતી.

"ત્યાર બાદ મામલો મીડિયામાં આવ્યો અને ખબર પડી કે લાઇસન્સ લેવાના કારણમાં 'આત્મરક્ષણ' લખવામાં આવ્યું હતું."

"બાદમાં જિલ્લા વહીવટીતંત્રે તરત જ તપાસ આરંભી અને પછી સાત જ દિવસમાં લાઇસન્સ ઇસ્યૂ કરી દેવામાં આવ્યું."

ડૉક્ટર બનવાનું સપનું

સ્પોર્ટ્સની સાથે સાથે તેઓ અભ્યાસમાં પણ એટલા જ તેજસ્વી છે. હાલ તેઓ જઝ્ઝરની યુનિવર્સલ સ્કૂલમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે.

તેમનું સપનું ડૉક્ટર બનવાનું છે પણ તેમને લાગે છે કે અભ્યાસ અને સ્પોર્ટ્સ બન્ને સાથે ન થઈ શકે.

જોકે, મનુના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એ માટે સ્કૂલ તરફથી મનુને ઘણી મદદ મળે છે.

'ઑલરાઉન્ડ'

મનુને સ્કૂલમાં તેમના સાથી ઑલ રાઉન્ડ કહીને બોલાવે છે. એવું એટલા માટે કેમકે તેમણે બૉક્સિંગ, ઍથ્લીટિક્સ, સ્કેટિંગ, જૂડો કરાટે તમામ ખેલમાં હાથ અજમાવ્યો છે.

આથી જ્યારે પહેલી વખત પિસ્તોલ ખરીદવાની તેમણે જીદ કરી ત્યારે તેમના પિતાએ સવાલ કર્યો હતો કે ઓછામાં ઓછા બે વર્ષ સુધી તો આ સ્પોર્ટ્સમાં રહેશે કે નહીં?

જોકે, એ સમયે મનુ તરફથી કોઈ વિશ્વાસ નહોતો આપવામાં આવ્યો તેમ છતાં પિતાએ પિસ્તોલ ખરીદી હતી.

આ પળોને યાદ કરતા રામ કિશન ભાવુક થઈને કહે છે, "આ વર્ષે 24મી એપ્રિલે મનુને શૂટિંગનાં પ્રૅક્ટિસના બે વર્ષ પૂરા થશે.

"એ પહેલા જ દીકરીએ એટલું બધી નામના મેળવી લીધી છે કે મને મારા સવાલનો જવાબ મળી ગયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો