કૉમનવેલ્થ 2018 ભારતને મહિલા ટેબલ ટેનિસમાં ગોલ્ડ

કૉમનવેલ્થ રમતો 2018માં રવિવારનો દિવસ ભારત માટે સારો રહ્યો. ભારતને ટેબલ ટેનિસ, નિશાનેબાજી અને વેઇટલિફ્ટિંગની રમતોમાં મેડલ્સ મળ્યા. આ સાથે ભારતે આ રમતોમાં અત્યાર સુધી સાત ગોલ્ડમેડલ્સ જીતી લીધા છે.

મહિલા ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની મહિલા ટીમે ફાઇનલ મેચમાં સિંગાપોરની ટીમને 3-1થી હરાવી.

ભારત તરફથી મોનિકા બત્રાએ પ્રથમ મેચ જીતીને ટીમને આગળ વધારી. મધુરિકા પાટકર બીજી સિંગલ મેચમાં હારી ગયાં.

જોકે, મૌમા દાસ અને મધુરિકા પાટકરની જોડીએ ડબલ્સની મેચ જીતી લીધી. ત્યારબાદ રિવર્સ સિંગલમાં ફરી એક વખત મોનિકા બત્રાએ ભારતને વિજય અપાવ્યો.

રવિવારે ભારતને મળેલાં મેડલ્સ

  • ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ મહિલા ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં મળ્યો
  • મહિલા ટેબલ ટેનિસ રમતમાં ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો.
  • 94 કિલોગ્રામ પુરુષ વેઇટ લિફ્ટિંગમાં ભારતના વિકાસ ઠાકુરને કાંસ્ય ચંદ્રક મળ્યો
  • પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રવિ કુમારને કાંસ્ય ચંદ્રક મળ્યો
  • મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકરને ગોલ્ડ અને હિના સિદ્ધુને સિલ્વર મેડલ મળ્યાં
  • મહિલાઓની 69 કિલો વેઇટલિફ્ટિંગમાં પૂનમ યાદવને ગોલ્ડ મેડલ
  • ભારતીય બૉક્સર એમસી મૅરીકોમ મહિલાઓની 45-48 કિલો બૉક્સિંગ સ્પર્ધાની સેમી-ફાઇનલમાં

રવિવારે કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારત માટે શુકવંતી શરૂઆત થઈ હતી. વેઇટ લિફ્ટિંગમાં પૂનમ યાદવના ગોલ્ડ મેડલ બાદ મનુ ભાકરે પણ સુવર્ણપદક જીત્યો હતો.

મનુએ મહિલાઓની 10 મીટરની એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગેમ રેકોર્ડ સ્થાપીને સુવર્ણપદક મેળવ્યો હતો.

મનુ માત્ર 17 વર્ષના છે. ભારતના જ હિના સિદ્ધુએ રજતપદક મેળવ્યો હતો.

બાદરમાં પુરુષોમાં 10 મીટરની એર રાયફલ સ્પર્ધામાં ભારતના રવિ કુમારે બ્રૉન્ઝ મેડલ કાંસ્યપદક જીત્યો હતો.

વિકાસ ઠાકુરના મેડલ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 11 પર પહોંચી છે.

રમતોત્સવ દરમિયાન ભારતને વેઇટ લિફ્ટિંગમાં પાંચ સુવર્ણ, એક રજત તથા બે કાંસ્યપદક મળ્યા છે.

વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ

ભારતીય સમય પ્રમાણે, રવિવારે પૂનમ યાદવે વેઇટ લિફ્ટિંગની 69 કિલોગ્રામની શ્રેણીમાં સુવર્ણપદક હાંસલ કર્યો હતો.

યાદવે કુલ 222 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું.

શનિવારે રાહુલે અપાવ્યો હતો ગોલ્ડ

શનિવારે કૉમનવેલ્થ રમતોત્સવમાંથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા.

પુરુષોમાં 85 કિલોગ્રામની શ્રેણીમાં વેંકટ રાહુલ રાગાલાએ દેશને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો.

રાહુલે 'સ્નેચ'માં 151 કિલોગ્રામ તથા 'ક્લિન ઍન્ડ જર્ક'માં 187 કિલોગ્રામ સાથે કુલ 338 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું.

વેંકટ રાહુલ રાગાલાનો જન્મ 1997માં આંધ્ર પ્રદેશના સ્તુરતપુરમ ખાતે થયો હતો.

ભારતે ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતને અત્યારસુધી કુલ છ મેડલ મળ્યા છે.

જેમાં ચાર સુવર્ણપદક, એક રજતપદક તથા એક કાંસ્યપદકનો સમાવેશ થાય છે.

પાક. સામે હોકી મેચ ડ્રો

કોમનવેલ્થ ગેમ્સ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી હૉકી રમતની પુલ-બીની લીગ મેચ બે-બે ગોલથી ડ્રો રહી છે.

મેચની અંતિમ ક્ષણો સુધી ભારત 2-1થી આગળ હતું, પરંતુ છેલ્લી કેટલીક સેકન્ડોમાં મળેલા પેનલ્ટી કૉર્નરમાં પાકિસ્તાને ગોલ કરીને વિજયનો ઉત્સવ મનાવવાના ભારતીય હૉકી ટીમના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું.

ભારત માટે પ્રથમ ગોલ મેચની તેરમી મિનિટમાં દલપ્રિત સિંહે કર્યો. તેમણે એસવી સુનિલ પાસેથી મળેલાં સુંદર પાસને ગોલમાં પરિવર્તિત કર્યો.

પ્રથમ પંદર મિનિટમાં જ 1-0 ગોલથી આગળ થઈ જવાને કારણે ભારતે મેચના 15 મિનિટના બીજા ક્વાર્ટરમાં પણ પોતાની પકડ ઢીલી નહોતી પડવા દીધી.

ભારત માટે સતિશે જીત્યો ત્રીજો ગોલ્ડ

સતિશ કુમાર પુરુષોની 77 કિલો વેઇટ લિફ્ટિંગમાં કુલ 317 કિલોગ્રામ ઉપાડીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

આ ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે અને ભારતને કુલ પાંચ મેડલ મળ્યા છે. જે તમામ વેઇટ લિફ્ટિંગમાં મળ્યા છે.

આ ગોલ્ડ મેડલ જીતવા સાથે જ તેઓ ભારતના પ્રથમ પુરુષ વેઇટ લિફ્ટર બન્યા છે જેમણે બે અલગ-અલગ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હોય.

તમને આ વાંચવું પણ ગમશે:

પહેલા બે 'સ્નૅચ' પ્રયત્નમાં તેમણે સફળતાપૂર્વક 136 કિલો અને 140 કિલો વજન ઉંચક્યું હતું. ત્રીજા પ્રયત્નમાં 144 કિલો ઉપાડ્યું હતું.

જ્યારે કે 'ક્લિન અને જર્ક'માં તેમણે 169 કિલો અને 173 કિલો વજન ઉંચક્યું હતું.

કોણ છે સતિશ કુમાર?

સતિશ કુમાર તમિલનાડૂના વેલ્લૂરથી છે.

2014ની ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે 149 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સતિશ કુમારે બાર વર્ષની ઉંમરથી ટ્રેનિંગ શરૂ કરૂ હતી. એ સમયે તેમણે 15 કિલો વજન ઉંચક્યું હતું.

2006માં જ્યારે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં 50 કિલો વેઇટ લિફ્ટિંગમાં તેઓ પહેલા નંબરે આવ્યા એ તેમની પહેલી જીત હતી.

તેમણે 2010ની બલ્ગેરિયામાં યોજાયેલી એશિયન ગેમ્સ અને 2011માં સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.

તેઓ જ્યારે બી.એ.ના ત્રીજા વર્ષમાં હતા ત્યારે તેમને દક્ષિણ રેલ્વેમાં ક્લાર્કની નોકરી મળી હતી.

તેમના પિતા પણ નેશનલ લેવલના વેઇટ લિફ્ટર હતા.

રિયો ઑલિમ્પિક્સમાં તેઓ 11મા નંબરે આવ્યા હતા.

ટ્વિટર પર અભિનંદન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સતિશ કુમારને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે.

રાષ્ટ્રપતિએ લખ્યું છે, “ભારતીય વેઇટ લિફ્ટર્સે ત્રીજા દિવસે દેશને ગૌરવ અપાવી રહ્યાં છે. સતિષ કુમારને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.”

ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ સતિષ કુમારને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો