Commonwealth Diary : ભારતીય હોકી ટીમ છેલ્લી સેકન્ડમાં કેમ ગોલ ખાઈ જાય છે?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, ઑસ્ટ્રેલિયાથી, બીબીસી ગુજરાતી માટે

ગોલ્ડ કોસ્ટ હોકી સેન્ટર ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ યોજાયો તો એવું લાગ્યું જ નહીં કે તે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. એવું લાગ્યું કે જલંધર કે દિલ્હીમાં જ મેચ રમાઈ રહી છે.

સ્ટેડિયમમાં માત્ર ભારતીય દર્શકો જ હતા. હિંદીમાં જ 'ચક દે ઇંડિયા' તથા 'જીતેગા ભઈ જીતેગા, ઇંડિયા જીતેગા' જેવા નારાઓથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના છેવાડાના વિસ્તારોમાંથી ભારતીયો આ મેચ જોવા પહોંચ્યા હતા. વિક્રમ ચઢ્ઢા નામના એક સજ્જન તો છેક તસ્માનિયાથી ખાસ આ મેચ જોવા માટે જ આવ્યા હતા.

કેટલાક પ્રેક્ષકો કડક સુરક્ષાની વચ્ચે પણ સ્ટેડિયમમાં ઢોલ લાવવામાં સફળ રહ્યા હતા. ભારતીય ખેલાડી 'ડી' તરફ આગળ વધે કે ઢોલ વાગવા લાગતા.

ગોલ્ડકોસ્ટમાં અનેક પાકિસ્તાની રહે છે, છતાંય સ્ટેડિયમમાં મને એક પણ પાકિસ્તાની ઝંડો નજરે પડ્યો ન હતો. સ્ટેડિયમની બહાર ટિકિટ ન મળવ થી હતાશ થયેલા અનેક ભારતીયો સાથે મુલાકાત થઈ.

'એક ટિકિટનો મેળ થઈ રહેશે' તેવી આશાએ તેઓ સ્ટેડિયમ સુધી પહોંચ્યા હતા.

પહેલા બે ક્વાર્ટરમાં ભારતે પાકિસ્તાન પર 2-0થી લીડ લઈ લીધી હતી. ત્યારે એવું લાગતું હતું કે ભારત આ મેચ ટેનિસ સ્કોરથી જીતશે.

પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને સુંદર પુનરાગમન કર્યું અને ભારતીય ખેલાડીઓ માત્ર લીડ જાળવી રાખવા માટે જ રમવા લાગ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાન એટલી હદે ભારે પડ્યું હતું કે ભારતીય ખેલાડીઓ માત્ર બે વખત જ પાકિસ્તાની 'ડી'ની અંદર સુધી પહોંચી શક્યા હતા.

એક રસપ્રદ વાત નજરે પડી હતી. મેચ દરમિયાન બંને દેશોના ખેલાડીઓ એકબીજા સાથે બૂમો પાડીને જ વાત કરતા હતા.

વિશેષ કરીને ભારતના ગોલકિપર શ્રીજેશ તો ગોલ પોસ્ટ પરથી જ બૂમો પાડીને સાથીઓને નિર્દેશ આપતા હતા.

મારી પાસે એએફપીના પત્રકાર સેલાઇન ટ્રમ્પે કહ્યું કે મેચના પરિણામ અંગે તો કોઈ શંકા નથી, પરંતુ એ જણાવો કે ભારતનો વિજય કેટલા ગોલથી થશે?

મેં કહ્યું કે 2-0 તો સેલાઇને કહ્યું 3-1. જોકે અમારા બંનેમાંથી કોઈ ખરું સાબિત ન થયું અને પાકિસ્તાને 2-2થી મેચ ડ્રો કરી લીધો.

છેલ્લી સેકન્ડમાં હૂટર વાગ્યું ત્યારે ભારતીય ટીમ 2-1થી આગળ હતી. પરંતુ પાકિસ્તાને 'રેફરલ' માંગ્યું. જેનો તેમને લાભ મળ્યો. પાકિસ્તાનના અલી મુબશ્શરે ગોલ ફટકાર્યો.

મેં ભારતીય ટીમના કેપ્ટનને પૂછ્યું કે ભારતીય ટીમ છેલ્લી સેકન્ડ્સમાં કેમ ગોલ ચૂકી જાય છે? એમણે કહ્યું કે ના એવી વાત નથી.

છેલ્લા છ મહિના દરમિયાન મેચની આખરી સેકન્ડ્સમાં અમે કોઈ ગોલ થવા દીધો હોય તેનું એક ઉદાહરણ તો દેખાડો.

સાથે જ કેપ્ટને ઉમેર્યું કે જો ગોલ થયા હશે તો અમે પણ મેચની છેલ્લી અમુક સેકન્ડ્સમં ગોલ કર્યા પણ છે.

0-2થી પાછળ રહેલી પાકિસ્તાની ટીમે જે રીતે જોરદાર પુનરાગમન કર્યું, તે જોતા મેચમાં નૈતિક વિજય પાકિસ્તાનનો જ થયો.

ભારતીય કોચ બન્યા પાકિસ્તાની હોકી કોચ

હું જ્યારે કરારા હોકી સેન્ટરમાં પ્રવેશ્યો તો જોયું કે એક જાણીતો ચહેરો પાકિસ્તાની હોકી ટીમને પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો.

મગજ પર થોડું જોર આપ્યું તો યાદ આવ્યું કે તે હોલૅન્ડના રૉઅલાન્ટ ઑલ્ટમાંસ હતા. થોડા મહિના અગાઉ સુધી તેઓ ભારતીય હોકી ટીમના કોચ હતા.

મેચ બાદ મેં તેમને પૂછ્યું, આપને ભારતીય ખેલાડીઓના પ્લસ તથા માઇનસ પૉઇન્ટ્સ અંગે પૂર્ણ જાણકારી હશે. એટલે જ પાકિસ્તાનની ટીમ હારેલો મેચ ડ્રો કરાવવામાં સફળ રહી?

ઑલ્ટમાંસે સ્મિત સાથે કહ્યું કે શક્ય છે, પરંતુ તેના કારણે મેચના પરિણામ પર કોઈ અસર નહીં પડી હોય કારણ કે, હું કઈ રીતે વિચારું છું તે ભારતીય ટીમ જાણે છે. એટલે તેમની પાસે મારા પ્લાનનો તોડ હશે.

એ વાત પણ રસપ્રદ છે કે ઑલ્ટમાંસ ભારતના કોચ બન્યા, તે પહેલા પાકિસ્તાનના કોચ હતા.

સ્પર્ધકોને 98 કિમી દૂર લઈ ગયો ડ્રાઇવર

આવા મોટા આયોજનો દરમિયાન ભારતમાં જ ભૂલ થાય એવું માનતા હો તો તમારી ભૂલ છે. ઑસ્ટ્રેલિયા જેવો વિકસિત દેશ પણ તેમાંથી અપવાદ નથી

ગ્રેનેડાની મહિલા બીચ વૉલીબૉલની ટક્કર કૂલંગાતા બીચ પર સ્કૉટલૅન્ડ સાથે થવાની હતી.

પરંતુ બસનો ડ્રાઇવર તેમને મેચના સ્થળથી 98 કિલોમીટર દૂર મિયર્સ વેલૉડ્રોમ લઈ ગયો.

ડ્રાઇવર દ્વારા 'સેટ નેવિગેશન ડિવાઇસ'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, કૉમનવેલ્થ રમતોત્સવના આયોજકોએ આ ડિવાઇસને મંજૂરી આપી ન હતી.

આ ચૂક અંગે જાણ થતા જ ગ્રેનેડાની ટીમને જેમતેમ કરીને પોલીસ બંદોબસ્ત હેઠળ મૂળ સ્થળે પહોંચી.

ગ્રેનેડાની ટીમ તેના નિર્ધારિત સમય કરતા મોડી પહોંચી. ગ્રેનેડાની ટીમ સીધા સેટમાં જ સ્કૉટલૅન્ડ સામે હારી ગઈ.

ગ્રેનેડાની ટીમનું કહેવું હતું કે 'વૉર્મ-અપ' માટે તેમને પૂરતો સમય મળ્યો ન હતો.

કૉમનવેલ્થ રમતોત્સવમાં પરિવહન સંબંધિત અનેક ફરિયાદો બહાર આવી રહી છે.

ઉદ્ધાટન સમારંભના દિવસે પણ અયોગ્ય બસ વ્યવસ્થાને કારણે હજારો લોકો રાત્રે બે વાગ્યા સુધી કરારા સ્ટેડિયમમાં અટવાઈ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો