કૉમનવેલ્થ ડાયરી: જાણો કેવું છે ઓસ્ટ્રેલિયાનું કૉમનવેલ્થ ગેમ્સનું ખેલ ગાંવ

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા, ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા)થી

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 4થી એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે ઇતિહાસ સજાર્વાની રાહ જોવાઈ રહી છે.

દાયકાના સૌથી મોટા રમતોત્સવના આયોજન માટે મંચ તૈયાર થઈ ગયો છે.

ગોલ્ડ કોસ્ટ-2018 કૉમનવેલ્થ ગેમ્સમાં 71 કૉમન્થવેલ્થ દેશોના 6600થી પણ વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

ધ્રૂજતા ઘૂંટણ અને બંધ થઈ રહેલા કાન

ગોલ્ડ કોસ્ટ શહેરનું સૌથી મોટું આકર્ષણ 322 મીટર ઊંચી ઇમારત 'ક્યૂ 1 સ્કાય પોઇન્ટ' છે.

આ ઇમારત વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારતોમાં છઠ્ઠા ક્રમે છે.

પ્રવેશ સમયે સઘન તપાસ બાદ જ્યારે તમે તેની લિફ્ટમાં દાખલ થાવ છો, ત્યારે ઇમારતના 77મા માળે પહોંચવામાં પોણી મિનિટથી ઓછો સમય લાગે છે.

પરંતુ જ્યારે તમે ત્યાં પહોંચો એટલે તમારા કાન બંધ થઈ જાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે.

જોકે, ત્યાં જઈને જ્યારે નીચે જોઈએ તો આંખો આશ્ચર્યચકિત થઈ જાય છે.

અહીંથી તમે આખાય શહેરને 360 ડિગ્રીથી જૂઓ, તો તમે મંત્રમુગ્ધ થઈ જાવ છો.

એક તરફ પ્રશાંત મહાસાગરનું વાદળી પાણી અને બીજી તરફ ગોલ્ડ કોસ્ટની એક એકથી ચઢિયાતી ગગનચુંબી ઇમારતો છે.

આ નજારો ખૂબ જ અદભૂત હોય છે. જે તમને શું જોવું તે નક્કી કરવું મુશ્કેલ બનાવી દે છે.

સ્કાય પોઇન્ટ દુબઈની 'બુર્જ ખલીફા', અમેરિકાનું 'વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને મલેશિયાનું 'પેટ્રોનસ ટાવર' તથા અમેરિકાના 'એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ' બાદ વિશ્વની છઠ્ઠી સૌથી ઊંચી રહેણાક ઇમારત છે.

ઉપરથી તમે જ્યારે નીચે જુઓ છો, ત્યારે તમે કાચથી ઘેરાયેલા હોવા છતાં તમારા ઘૂંટણ ધ્રુજવા લાગે છે.

તમારા હાથ વારંવાર રેલિંગ પકડવાની કોશિશ કરે છે. અહીં ખાનપાનની પણ સારી વ્યવસ્થા છે.

ઇમારતનો 78મો માળ દર્શકો માટે ખોલવામાં નથી આવતો.

અહીં માત્ર ખાનગી પાર્ટી અને સમારોહ જ આયોજિત કરવામાં આવે છે.

1998માં આ ઇમારતનો પાયો નંખાયો હતો જેને સંપૂર્ણપણે બનતા સાત વર્ષનો સમય લાગ્યો અને 2005માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ ઇમારતના સિત્તોતેરમા માળની મુલાકાત લેવા માટે ટિકિટ લેવી પડે છે. તેની ટિકિટ 25 ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણમાં હાલના વિનિમય દરે 1200 રૂપિયા છે.

ભારતીય મુક્કાબાજોનો ડોપટેસ્ટ

બે દિવસ પહેલા ભારતીય અપાટર્મન્ટ પાસે કેટલીક સિરિન્જ મળી આવતા કેટલાક ભારતીય મુક્કાબાજોનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ભારતીય દળે આ બાબતને નકારી કાઢી છે કે આ સિરિન્જોનો સંબંધ ભારતીય દળ સાથે નથી.

પણ કૉમનવેલ્થ ફેડરેશનના પ્રમુખ ડેવિડ ગ્રેવનબર્ગ દ્વારા તપાસના આદેશ બાદ ચાર ભારતીય મુક્કાબાજોના પેશાબના નમૂના લેવાયા છે.

આ ચારેય વ્યક્તિ અપાર્ટમેન્ટ પાસે જ્યાંથી સિરિન્જો મળી આવી હતી તેની સૌથી નજીકમાં રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય મુક્કાબાજોના પણ પેશાબના નમૂના લેવામાં આવ્યા છે.

સિરિંજોની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ આવે તેવી સંભાવના છે.

પણ ભારતીય જૂથનું કહેવું છે કે આ એક રોજિંદી પ્રક્રિયા છે અને સિરિન્જો મળવાની ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી.

આ સમગ્ર પ્રકરણથી પરેશાન ભારતીય 'ચીફ-દ-મિશન' વિક્રમ સિસોદિયાએ ખેલ ગાંવમાં હાજર તમામ ખેલાડીઓની બેઠક બોલાવી છે.

તેમણે ખેલાડીઓને ચેતવણી આપી છે કે તેઓ એવું કોઈ પણ કામ ન કરે જેથી ભારતને નીચાજોણું થાય.

કેવું છે ગોલ્ડકોસ્ટનું ખેલ ગાંવ?

આ ગામ દિલ્હીના કૉમનવેલ્થ ખેલ ગાંવ જેટલું મોટું નથી. ખેલાડીઓ અને અઘિકારીઓ માટે એક, બે અને ત્રણ બેડરૂમના 1257 અપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે.

અહીં 6500થી વધુ લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગામ 29 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.

અહીં 24 કલાક કાર્યરત હૉસ્પિટલ. આધુનિક જીમખાના છે જ્યાં ઘણા ફિઝિયોથેરપિસ્ટ ખેલાડીઓને મદદ કરવા માટે ખડેપગે છે.

વળી વિશ્વભરમાંથી આવેલા ઍથ્લીટ માટે એક લાખ કૉન્ડમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એનો અર્થ કે પ્રતિ ખેલાડી સરેરાશ 16 કૉન્ડમ.

ખેલ ગાંવ પાસે એક 'હેર સલૂન' અને 'બ્યુટી પાર્લર' પણ બનાવવામાં આવ્યું છે.

જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ભારતની લાંબી કૂદની ઍથ્લીટ નૈના જેમ્સ ફેશિયલ કરાવી રહ્યાં હતાં.

20 હજાર ભોજન પીરસવાની વ્યવસ્થા

તેની પાસે જ એક જ્યૂસ-બાર છે. અહીં કેટલાક ભારતીય અને કેનેડિયન ઍથ્લીટ્સની ભીડ હતી.

ખેલાડીઓના ભોજન માટે એક મોટું ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યું છે. અહીં દરરોજ વીસ હજાર પ્લેટ ભોજન પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વના દરેક ખૂણાનું ભોજન અહીં ઉપલબ્ધ છે. શરૂઆતમાં ભારતના ભોજનની વ્યવસ્થા ન હતી.

પણ ભારતીય રમત દળે નારાજગી દર્શાવતા પછી ભારતીય ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.

ભારતીય દળને તેમનો રસોઇયો લાવવાની મંજૂરી નથી મળી.

સફાઈ કર્મચારીઓને દરરોજ 3400 તકિયા કવર અને ચાદર બદલવાની જવાબદારી સોંપવામાં આવી છે.

એવું અનુમાન છે કે આ રમતોત્સવથી ક્વિન્સલૅન્ડ અને ગોલ્ડ કોસ્ટની અર્થવ્યવસ્થાને અનુક્રમે 2 અરબ ડૉલર અને 1.70 અરબ ડૉલરનું રોકાણ મળ્યું છે.

અત્યારસુધી તેનાથી 16000 લોકોને રોજગારી મળી છે. રમતોસ્તવ પૂર્ણ થતાં આ ફ્લેટ લોકોને વેચી દેવામાં આવશે.

એવી પણ આશા છે કે કૉમનવેલ્થ ગેમ્સ દરમિયાન 3500 પત્રકાર રમતોત્સવ સંદર્ભે એક લાખથી વધુ આર્ટિકલ લખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો