એ ચીની સમ્રાટ જેના 121 મહિલાઓ સાથે હતા સંબંધ, 15 દિવસનું બનતું રોસ્ટર

    • લેેખક, મારકસ ડ્યૂ સોટૉય
    • પદ, ગણિતશાસ્ત્રી, બીબીસી "જીનિયસ ઑફ ધ અર્થ"

એક તરફ પશ્ચિમમાં જ્યારે પ્રાચીન સંસ્કૃતિનો અંત થઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ પૂર્વમાં ગણિત પોતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું હતું.

દરિયાઈ રસ્તાની શોધ કરવી હોય કે પછી દિવસનો સમય કાઢવો હોય, ગણિત આ બધી જ વસ્તુમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું અને એ જ કારણ છે કે પ્રાચીન સંસ્કૃતિ કેટલીક હદે તેના પર નિર્ભર હતી.

ગણિતની યાત્રા ઇજિપ્ત, મેસોપોટામિયા અને ગ્રીસથી શરુ થઈ પણ એ સંસ્કૃતિઓના પતન બાદ પશ્ચિમમાં તેની પ્રગતિ રોકાઈ ગઈ. જોકે, પૂર્વમાં તેની યાત્રા નવી ઊંચાઈ પર પહોંચી ગઈ હતી.

પ્રાચીન ચીનમાં, ગણિત ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય હતો. તેની મદદથી જ હજારો કિલોમીટર સુધી ફેલાયેલી 'ગ્રેટ વૉલ ઑફ ચાઇના' ઊભી થઈ.

આંકડાંઓ એટલા અગત્યના સાબિત થવા લાગ્યા હતા કે રાજદરબારના કામકાજમાં પણ તેની ભૂમિકા અગત્યની બનવા લાગી હતી.

ગણિતશાસ્ત્રીઓની પસંદ છે આયોજન

પંચાગ અને ગ્રહોની ચાલના આધારે જ ચીનના સમ્રાટ બધા મહત્ત્વના નિર્ણયો લેતા હતા.

સમ્રાટના રોજેરોજના જીવનનું, દિવસ અને રાતનું આયોજન પણ નક્ષત્રોની ગણતરીને આધારે થતું હતું.

સમ્રાટના સલાહકારોએ એવી પદ્ધતિ વિકસાવી આપી હતી કે સમ્રાટ પોતાના વિશાળ અંતઃપુરની તમામ નારીઓ સાથે વારાફરતી સહવાસ કરી શકે.

ભૌમિતિક શ્રેણી (સમગુણોત્તર) તરીકે ઓળખાતા ગણિતના આધારે તે અંગેનો નિર્ણય લેવાતો હતો.

એવી દંતકથા છે કે 15 રાત્રીના ગાળા સાથે સમ્રાટ 121 મહિલાઓ સાથે સહશયન કરી શકે તેવી રીતે આયોજન કરાતું હતું.

  • 1 મહારાણી
  • 3 વરિષ્ઠ જીવનસાથી
  • 9 પત્નીઓ
  • 27 ઉપપત્નીઓ
  • 81 દાસીઓ

આમાં દરેક શ્રેણીમાં મહિલાઓની સંખ્યા આગળની શ્રેણી કરતાં ત્રણ ગણી વધારે થાય છે.

આવી રીતે સમગુણોત્તર જૂથો બનાવીને ગણિતશાસ્ત્રીઓ એવી વ્યવસ્થા કરતા હતા કે સમ્રાટ 15 રાત્રિ દરમિયાન રાણીવાસની દરેક નારી સાથે સહશયન કરી શકે.

સમ્રાટની ક્ષમતા

પ્રથમ રાત્રિ મહારાણી માટે અનામત ગણાતી હતી. પછીની રાત્રિએ ત્રણ વરિષ્ઠ જીવનસંગીનીનો વારો.

તે પછી 9 પત્નીઓનો વારો અને ત્યારબાદ 27 ઉપપત્નીઓનો ક્રમ ગોઠવાતો હતો. 27ને ત્રણ ત્રણના જૂથમાં 9 રાત્રિ માટે પસંદ કરાતી હતી.

તે પછીની નવ રાત્રિઓ માટે નવ નવના જૂથમાં ગુલામડીઓનો વારો ગોઠવાતો હતો.

આ ક્રમમાં રાણીઓ અને મહારાણીની એવી રીતે પસંદગી કરાતી હતી કે સૌથી ઉચ્ચ દરજ્જો ધરાવતી રાણી પૂનમના દિવસે સમ્રાટ સાથે હોય.

પૂનમના દિવસે સ્ત્રી શક્તિ એટલે કે યીન સર્વોચ્ચ હોય, તેથી તે સમ્રાટની પુરુષ શક્તિ યેંગ સાથે સંમિશ્રિત થઈ શકે.

સમ્રાટ હોવાના કારણે સક્ષમ રહેવું જરૂરી હતું. સાથે એવો હેતુ પણ હતો કે સૌથી સારો વારસદાર જન્મે.

માત્ર સમ્રાટના દરબારમાં જ ગણિતનો આધાર લેવાતો હતો તેવું હોતું. સમગ્ર રાજ્યના વહીવટમાં ગણિત કેન્દ્રસ્થાને હતું.

નંબરોમાં છે રહસ્યમયી શક્તિઓ!

પ્રાચીન ચીન બહુ વિશાળ અને વિકસી રહેલું સામ્રાજ્ય હતું. સાથે જ કડક કાયદાઓ પણ હતા.

બહુવિધ વેરાઓ વસૂલાતા હતા અને વજન, માપન અને ચલણની સુનિશ્ચિત પદ્ધતિ અમલમાં હતી.

પશ્ચિમમાં વપરાતી થઈ તેના પહેલાંથી ચીનમાં દશાંશ પદ્ધતિ અમલમાં આવી ગઈ હતી.

ચીનમાં જે રીતે સમીકરણો માંડીને ગણતરી થતી હતી, તે પશ્ચિમમાં છેક 19મી સદીની શરૂઆતમાં પછી જ આવી હતી.

એવી પુરાણકથા પ્રચલિત છે કે ચીનના પ્રથમ સમ્રાટ 'યલ્લો સમ્રાટ'ના સમયમાં માનવામાં આવતું હતું કે આંકડાંનું કૉસ્મિક મૂલ્ય છે અને તેથી સમ્રાટે પોતાના એક દેવતાને કહીને ઇસૂ પૂર્વે 2800માં ગણિતનું સર્જન કરાવ્યું હતું.

આજે પણ ચીનના લોકો સંખ્યા અને આંકડાંમાં ચમત્કારિક શક્તિ હોવાનું માને છે.

એકી સંખ્યાને નર માનવામાં આવે છે, જ્યારે બેકી સંખ્યાને નારી. ચાર નંબરને કોઈ પણ સંજોગોમાં ટાળવામાં આવે છે, જ્યારે 8 નંબરને નસીબદાર માનવામાં આવે છે.

આંકડાંમાં સર્જાતી પેટર્નમાં પ્રાચીન સમયથી જ ચીનના લોકોને રસ પડ્યો હતો.

તેના કારણે ચીનમાં સુડોકૂનું એક સ્વરૂપ પ્રાચીન સમયથી જ પ્રચલિત બન્યું હતું.

ઇસવી સનની છઠ્ઠી સદી સુધીમાં ચીનમાં ભાગાકારની શેષ પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રહોની ચાલ માપવાનું શરૂ થઈ ગયું હતું. આજે પણ તે પદ્ધતિ વ્યવહારમાં ઉપયોગી થાય છે, જેમ કે ઇન્ટરનેટની ક્રિપ્ટોગ્રાફીમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો