કૅગ રિપૉર્ટમાં ખુલાસો: ગુજરાત સરકારે નાણાં ફાળવ્યાં, પરંતુ યોજનાઓ ઘડી જ નહીં

લોકહિતનાં કામો માટે ગુજરાત સરકાર દ્વારા કરાતી નાણાંની માગ અને તેની ફાળવણી તથા તેના વપરાશની રીત પર CAGએ સવાલ ઉઠાવ્યા છે.

પોતાના રિપોર્ટમાં CAG નોંધે છે કે સંબંધિત યોજનાઓ માટે સરકાર દ્વારા ફાળવણી અને પૂરક જોગવાઈઓ કરવામાં આવી હતી, પરંતુ અમુક કિસ્સામાં વિભાગો 50 ટકા કરતાં વધુ રકમનો વપરાશ કરી શક્યા ન હતા. જે રકમની બચત થઈ, તેને મૂડી યોજના માટે ફાળવી શકાઈ હોત.

મંગળવારે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે ગુજરાત સરકાર દ્વારા CAGના વર્ષ 2019-'20 રિપોર્ટને ટેબલ કરવામાં આવ્યો હતો. માત્ર બે દિવસનું જ સત્ર હોવાથી તેના પર વિસ્તૃત ચર્ચા થઈ શકી ન હતી.

કમ્પટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ, નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક)એ બંધારણીય પદ છે. જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા જેમાં સરકાર 51 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવતી હોય તેવા જાહેરસાહસના એકમોનું સહાયકો મારફત ઑડિટ કરે છે.

બંધારણીય જોગવાઈઓ મુજબ રાજ્યની આર્થિક સ્થિતિની સમીક્ષા કરતો અહેવાલ, રાજ્યપાલને સુપરત કરવાનો હોય છે, જેને વિધાનસભામાં ટેબલ કરવામાં આવે છે.

ગ્રાન્ટનો વપરાશ જ નહીં

CAG પોતાના રિપૉર્ટમાં (પૃષ્ઠ ક્રમાંક 122-123) નોંધે છે કે મોઢેરાના સૂર્યમંદિર તથા નગરની સૌરયોજના માટે રૂપિયા 12 કરોડ ત્રણ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આ જોગવાઈ કરવામાં આવી હતી.

ગુજરાત ઊર્જા નિગમ લિમિટેડ દ્વારા તેનો ઉપયોગ થઈ શક્યો ન હતો તથા જમીન સંપાદનનું કામ પણ પડતર હતું. આ યોજના માટે કેન્દ્ર સરકારની સહાય જાહેર થઈ હતી.

રહેણાક વિસ્તારોમાં કૅપ્ટિવ રૂફટૉપ કે ગ્રાઉન્ડ માઉન્ટેડ માટે રૂ. 10 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ તેની માર્ગદર્શિકાને અંતિમ રૂપ આપવાનું બાકી હતું તથા આ માટે જરૂરી વહીવટી ઠરાવ પણ કરવામાં આવ્યા ન હતા.

આ નાણાકીય વર્ષ દરમિયાન વીજળીથી ચાલતાં વાહનોને પ્રોત્સાહન આપવા માટે રૂ. પાંચ કરોડની અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી હતી, જોકે તે માટેની રાજ્યની નીતિને અંતિમ ઓપ જ નહોતો અપાયો.

50 ટકા કરતાં ઓછો વપરાશ

વર્ષ, 2019-20 દરમિયાન 192માંથી 175 અનુદાન/વિનિયોગ (મહેસૂલ બિન-મતપાત્ર તથા મૂડી બિન-મતપાત્ર)માં રૂ. 27 હજાર 459 કરોડની બચત થઈ હતી. જેમાંથી 46 જેટલાં અનુદાન/વિનિયોગમાં 50 ટકા કરતાં ઓછો વપરાશ થયો હતો.

કુલ 23 વિભાગમાંથી (કોઠા ક્રમાંક 3.7) કૃષિ મૂડી મતપાત્ર, નાણા વિભાગને લગતા ખર્ચ બાબતે ગત પાંચેય વર્ષ દરમિયાન, મત્સ્યોદ્યોગ મૂડી મતપાત્ર, શ્રમ અને રોજગાર મૂડી મતપાત્ર, આદિજાતિ વિસ્તાર પેટાયોજના મૂડી બિન-મતપાત્રમાં ચાર-ચાર વર્ષ દરમિયાન પાંચેક વિભાગમાં ત્રણ વર્ષ માટે પચાસ ટકા કરતાં ઓછી રકમ વપરાઈ હતી.

50 કરોડ કરતાં વધુ કામોમાં ભંડોળની પરત સોંપણીની બાબતમાં (કોઠા ક્રમાંક 3.8)માં કૅગે નોંધ્યું છે,

"44માંથી છ અનુદાનો/વિનિયોગો માટે કરવામાં આવેલી રૂ. પાંચ હજાર 423 કરોડની પૂરક જોગવાઈ બિનજરૂરી પુરવાર થઈ હતી, કારણ કે આ છ અનુદાનો/વિનિયોગોમાંથી રૂ. બે હજાર 417 કરોડની પરત સોંપણી કરવામાં આવી હતી."

"કેટલાક વિભાગો દ્વારા માગણી કરીને મેળવવામાં આવેલી અંદાજપત્રની જોગવાઈઓ ખરેખર જરૂરિયાત કરતાં ઘણી વધારે હતી અને તેના ઉપયોગમાં અસમર્થતાથી પ્રાથમિકતાવાળાં ક્ષેત્રો સંશોધનોની ફાળવણીથી વંચિત રહે છે. જાહેર નાણાં પર વિધાનસભાનાં બિન-અસરકારક નિયંત્રણ તરફ દોરી જાય છે."

19 અનુદાનોનાં 45 સબ-હેડમાં બચત માટે કોવિડ-19ના લૉકડાઉનને કારણભૂત ગણાવવામાં આવ્યું હતું. જોકે CAGને આ કારણ પ્રતીતિજનક નથી લાગ્યું અને રિપૉર્ટમાં અવલોક્યું છે કે લૉકડાઉન તા. 24મી માર્ચ મધ્યરાત્રિથી લાગુ થયું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પહેલી એપ્રિલથી 31 માર્ચનુ નાણાકીય વર્ષ ગણવામાં આવે છે અને માર્ચ મહિનાના છેલ્લા દિવસે તમામ નાણાકીય વ્યવહારોના આધારે ખાતાવહી તૈયાર કરવામાં આવ છે.

'બચત' એટલે અટકી પડેલાં કામો

કૅગે પોતાના રિપૉર્ટમાં (પેજ નંબર 115) નોંધ્યું છે કે માર્ગ અને મકાન વિભાગ તથા જળસંપત્તિ વિભાગની 123 અપૂર્ણ મૂડીયોજનાઓ માટે સાત હજાર 736 કરોડની જરૂર હતી. જેમાં તા. 31મી માર્ચ 2021 સુધીમાં રૂ. પાંચ હજાર 811 કરોડ જેટલો ઉત્તરોત્તર ખર્ચ થયો હતો.

આ યોજનાઓ નવેમ્બર-2015થી ઑક્ટોબર-2020ની વચ્ચે પૂર્ણ થવાનું લક્ષ્યાંક હતું. જો યોગ્ય આયોજન થયું હોત તો રૂ. ત્રણ હજાર 820 કરોડ જેટલું ભંડોળ શરૂઆતથી જ આ 123 યોજનાઓને ફાળવી શકાયું હોત.

કૅગ દ્વારા ખર્ચ નહીં કરી શકવાનાં કારણો અંગે અધિકારીઓ પાસેથી ગુજરાત અંદાજપત્ર નિયમાવલીના ફકરા 103 અનુસાર સંપૂર્ણ વિગતો અને કારણો સાથે વહીવટી વિભાગોને જાણ કરે તેવી ભલામણ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો