આર્યન ખાનના કથિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ભૂમિકા પર સવાલો કેમ?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી કેસમાં તપાસ દરમિયાન કોઈ અટકાયતમાં લેવામાં આવેલી વ્યક્તિ સાથે સેલ્ફી પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે એથવા કોઈ દરોડાની કાર્યવાહી પછી કોઈ રાજનૈતિક કાર્યકર્તા હાથ પકડીને સેલિબ્રિટી આરોપીને લાવતા નજરે પડે.

બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એક ક્રૂઝ પર કથિત રેવ પાર્ટીમાંથી પકડવામાં આવ્યા અને આ મામલામાં આવું જ થયું હતું, આને કારણે માદક પદાર્થોની તસ્કરી રોકવા માટે કામ કરતી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકનો આરોપ છે કે આર્યન ખાનની ધરપકડ પછી જે તસવીર વાઇરલ થઈ હતી તે કેપી ગોસાવી નામની વ્યક્તિએ લીધી હતી. નવાબ મલિકે કહ્યું કે ગોસાવી એક પ્રાઇવેટ ડિટેક્ટિવ છે અને તેમની વિરુદ્ધ દગાખોરીના કેસ દાખલ કરેલા છે.

આર્યન ખાનની અટકાયતમાં ગોસાવી સાથે લીધેલી તસવીર વાઇરલ થયા પછી એનસીબીએ પહેલાં કહ્યું કે તસવીરમાં દેખાતી વ્યક્તિ સાથે તેનો કોઈ સંબંધ નથી પરંતુ પછી તેમને એક સાક્ષી તરીકે જણાવાયા.

મલિકે એમ પણ કહ્યું કે મામલાથી જોડાયેલા એક વીડિયોમાં જે વ્યક્તિ આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે દેખાય છે તે ભાજપ કાર્યકર ભાનુશાળી છે જેમની ફેસબુક પ્રોફાઇલ પર તેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ ભાજપ નેતાઓ સાથેની તસવીરો જોઈ શકાય છે.

આ વીડિયોમાં ભાનુશાળી મર્ચન્ટનો હાથ પકડીને તેમને લાવતા દેખાય છે.

આ આરોપોને આધાર બનાવીને નવાબ મલિકે આર્યન ખાનની ધરપકડથી જોડાયેલા આખા મામલાને ઊભો કરેલો જણાવ્યો. મલિકે કહ્યું કે આ આખો મામલો મહારાષ્ટ્ર સરકાર અને બોલીવૂડને બદનામ કરવાનું ભાજપનું કાવતરું છે.

'કેટલાક લોકો સ્વતંત્ર સાક્ષી તરીકે જોડાયા'

એનસીબી નવાબ મલિકના આરોપને ફગાવી ચૂકી છે.

એનસીબીના ઉપમહાનિદેશક જ્ઞાનેન્દ્રસિંહે કહ્યું કે "મામલાથી જોડાયેલું પંચનામું કાયદાકીય જોગવાઈ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે અને આ કાર્યવાહી દરમિયાન કેટલીક વ્યક્તિઓ સ્વતંત્ર સાક્ષીના રૂપમાં જોડાયેલી હતી." કાયદામાં સ્વતંત્ર સાક્ષીને સામેલ કરવાની જોગવાઈ છે.

છ ઑક્ટોબરે મીડિયા સાથે વાત કરતા જ્ઞાનેન્દ્ર સિંહે 10 લોકોના નામ આપ્યા જેઓ કથિત રૂતે સ્વતંત્ર સાક્ષી હતા. આમાં કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાળીના નામ સામેલ હતા.

ગોસાવી અને ભાનુશાળીને લઈને જે આરોપ કરાયા છે તેના વિશે જ્ઞાનેન્દ્રસિંહે કહ્યું કે "એજન્સીની વિરુદ્ધ લાગવવામાં આવેલા કેટલાક આરોપ નિરાધાર છે. અને એવું લાગે છે કે આ આરોપ એનસીબીની ગત કાર્યવાહીઓને કારણે પૂર્વાગ્રહથી પ્રેરિત છે."

સાથે જ જ્ઞાનેન્દ્રસિંહે કહ્યું કે એનસીબીની કાર્યવાહી પ્રોફેશનલ અને કાયદાકીય રૂપથી પારદર્શી અને નિષ્પક્ષ રહી છે અને રહેશે.

જ્ઞાનેન્દ્રસિંહે કોઈ નામ તો ન લીધું પરંતુ જે ગત કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો તેને નવાબ મલિકના જમાઈ સમીર શબ્બીર ખાનની એક વર્ષ પહેલાં ડ્રગ્સના એક મામલામાં થયેલી ધરપકડ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

'સ્વતંત્ર લોકોને સાક્ષી બનાવવા જોઈતા હતા'

ઉત્તર પ્રદેશ પોલીસના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ કહે છે કે, કોઈ પણ તપાસમાં સત્યનિષ્ઠા અને વિશ્વસનીયતા હોવી જોઈતી હતી.

તેઓ કહે છે કે, "ખાનગી તપાસકર્તાઓ અને રાજનીતિક રૂપથી જોડાયેલા લોકોની હાજરીથી તપાસની ઇમાનદારી અને વિશ્વસનીયતા પર અસર પડી શકે છે.."

મનીષ ભાનુશાળીએ કહ્યું કે એક જવાબદાર નાગરિક હોવાને કારણે તેમણે આ મામલાની માહિતી એનસીબીને આપી હતી.

વિક્રમસિંહ કહે છે, "જો કોઈ ખાનગી તપાસકર્તા અથવા રાજનીતિક કાર્યકર તમને માહિતી આપે તેનું સ્વાગત કરવું જોઈએ, પરંતુ તમે જો હિતોના ટકરાવ અને અંગત સ્વાર્થવાળા લોકો સાથે જોડાયેલા છો તો એ વાતનો ભરોસો ન કરી શકાય કે તપાસ નિષ્પક્ષ અને કાયદાકીય રીતે થશે."

વિક્રમસિંહ કહે છે કે એનસીબીએ સુનિશ્ચિત કરવું જોઈતું હતું કે "આ તપાસમાં અંગત ધરાવનાર અને હિતોનો ટકરાવ થાય તેવા લોકો સામેલ ન હોય. સ્વતંત્ર લોકોને સાક્ષી તરીકે રાખવા જોઈતા હતા."

'સામાન્ય લોકો સાક્ષી બનવાનું ટાળતા હોય છે'

જ્યાં એક તરફ વિક્રમસિંહનું માનવું છે કે "ખાનગી તપાસકર્તા અથવા રાજનીતિક કાર્યકરોને આધિકારિક તપાસમાં સામેલ કરવાથી તે તપાસની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થઈ શકે છે. ત્યાં પૂર્વ આઈપીએસ અધિકારી વિભૂતિનારાયણ રાયે કહ્યું કે મોટાભાગે સામાન્ય લોકો પોલીસના સાક્ષી બનવાનું ટાળતા હોય છે કારણ કે કોઈ પણ અદાલતના ચક્કર લગાવવા નથી માગતું."

રાય અનુસાર એનસીબીનું કહેવું બરાબર છે કે આ લોકો તેમના ઇનફૉર્મર હતા.

તેઓ કહે છે કે "આ બરાબર છે કે એનસીબી આ લોકોને પોતાની સાથે લઈ ગઈ હશે કારણ કે કોઈ મોટી સેલેબ્રિટીની વિરુદ્ધ સાક્ષી બનવા માટે સહેલાઈથી કોઈ મળતું નથી. જે લોકો દેખાય છે તેઓ એ જ હશે જેમને આ બાબતોથી રોજીરોટી મળતી હોય છે."

ચર્ચામાં એનસીબી

છેલ્લા કેટલાક સમયથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઘણી ચર્ચામાં છે. ગત વર્ષે બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અમમૃત્યુ પછી એક કથિત ડ્રગ રૅકેટના પર્દાફાશની તપાસ એનસીબીએ કરી જેમાં કેટલાક બોલીવૂડ અભિનેતાઓ અને અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

કેટલાક દિવસો સુધી ચાલેલી આ પૂછપરછ પછી એનસીબીએ બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સાથે જોડાયેલા એક મામલામાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી. આ કથિત ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી.

ફિલ્મ અને ટીવી જગતના કેટલાંક મોટા નામોને એનસીબીએ તપાસ દરમિયાન હાજર થવા કહ્યું હતું.

અનેક દિવસો સુધી દરરોજ એનસીબી ઑફિરમાં સેલિબ્રિટીઝની પૂછપરછ ચાલી પછી મામલો ઠંડો પડી ગયો. ગત વર્ષે 28 દિવસ અટકાયતમાં રહ્યા બાદ રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

કૉંગ્રેસ આરોપ મૂક્યો કે એનસીબીનો ક્રૂઝ પર દરોડો ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સનો મોટો જથ્થો પકડવાના મામલા પરથી ધ્યાન હઠાવવાનો પ્રયત્ન હતો.

16 સપ્ટેમ્બરના રાજસ્વ ખૂફિયા નિદેશાલય (ડીઆરઆઈ)એ ગુજરાતના કચ્છ જિલ્લામાં અદાણી જૂથ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ પર બે કંટેઇનર્સમાંથી આશરે ત્રણ હજાર કિલો હેરોઇન જપ્ત કર્યું હતું જેની કિંમત વૈશ્વિક બજારમાં 21 હજાર કરોડ જેટલી આંકવામાં આવે છે.

વિપક્ષનો આરોપ છે કે એનસીબી ડ્રગ્સ કારોબારમાં લાગેલા મોટા સોદાગરોને છોડીને નાના-નાના કેસ પર ધ્યાન આપે છે.

ગૃહમંત્રાલયથી લીલી ઝંડી મળ્યા પછી છ ઑક્ટોબરના મુંદ્રા પોર્ટથી હેરોઇન જપ્ત કરવાના કેસની આગળની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો