You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્યન ખાન-સમીર વાનખેડે કેસ : અત્યાર સુધી છુપાયેલા કિરણ ગોસાવીનો પ્રથમ ઇન્ટરવ્યૂ
આર્યન ખાન ડ્રગ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના સ્વતંત્ર સાક્ષી કિરણ ગોસાવી પર ધાકધમકીથી વસૂલાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં એક અન્ય સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સાઇલે કિરણ ગોસાવી પર 25 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ લગાવ્યો છે.
કિરણ ગોસાવી આર્યન ખાન ડ્રગ કેસ સામે આવ્યો ત્યારથી ગાયબ હતા. બીબીસીએ કિરણ ગોસાવી પાસેથી તેમનો પક્ષ જાણવા માટે સંપર્ક કર્યો.
બીબીસીએ આ બાબતે મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ વાત કરી. કિરણ ગોસાવીને હજુ સુધી પોલીસ કસ્ટડીમાં કેમ નથી લેવાયા એ પ્રશ્નના જવાબમાં પોલિસે કહ્યુ, ''કિરણ ગોસાવીએ હજુ સુધી આત્મસમર્પણ નથી કર્યું. અમે ઍલર્ટ પર છીએ. અમે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં પણ ઍલર્ટ પર છીએ. તેમણે કેટલાક મિડિયા સમુહોને ઇન્ટરવ્યૂ આપ્યો છે.''
પૂણેનાં નાયબ પોલીસ કમિશનર પ્રિયંકા નારનવરેએ કહ્યુ, ''અમે ગોસાવીને શોધી રહ્યાં છીએ. લુક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે.''
કિરણ ગોસાવીએ કૅમેરા સામે વાત કરવાની ના પાડી દીધી પરંતુ આર્યન ખાન ડ્રગ કેસ અને પોતાના પર લાગેલા આરોપોને લઈને બીબીસી સાથે સાથે ફોન પર વાત કરી છે.
બીજી તરફ, પ્રભાકર સાઈલના આરોપો સામે આવતાં એનસીબીએ સમીર વાનખેડે સામે તપાસ શરૂ કરી દીધી છે.
સવાલઃ શું પ્રભાકર સાઈલે તમારા ઉપર કોઈ આરોપો લગાવ્યા છે?
કિરણ ગોસાવીનો જવાબ : આ પ્રૉપેગૅન્ડા ઊભો કરવાની એક કોશિશ છે. મારી પાસે કેટલીક વિગતો છે. તમે મને આ સવાલ પૂછવાને બદલે એનસીબીને આ સવાલ પૂછો. તેમાં સંડોવાયેલા લોકોની કૉલડિટેલ કે સીડીઆરની તપાસ કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલ : તેમનો આરોપ છે કે તમે પૂજા દદલાણીને મળ્યા હતા?
જવાબઃ બે દિવસ પહેલાં મારી ભાવિ પત્નિ ઉપર પ્રભાકર સાઈલનો ફોન ગયો હતો. તે કહેતો હતો કે પૈસા આપવાના છે કે નહીં. જ્યારે હું આત્મસમર્પણ કરવા જઈ રહ્યો હતો ત્યારે તેણે કહ્યુ હતું કે મારી બહેન પોલીસઅધિકારી છે. હું બધુ સેટિંગ કરું છું. મેં કહ્યું કે મને એકધારા ધમકી ભર્યા ફોન આવે છે તેથી મહારાષ્ટ્રની બહાર છું. મેં કહ્યું કે વકીલ રોકી દો, હું આત્મસમર્પણ કરવા માંગું છું.
સવાલઃ શું તમે આત્મસમર્પણ કરવા માટે તૈયાર છો?
જવાબઃ હું આત્મસમર્પણ માટે તૈયાર છું. મારે છઠ્ઠી ઑક્ટોબરે સરેંડર કરવું હતું પરંતુ એ દિવસે મારી ઉપર ફોન આવ્યો કે સરેંડર પછી શું થશે એ અમે જોઈ લઈશું. પછી કોના ઉપર ભરોસો કરું?
સવાલઃ પ્રભાકર સાઈલનો આરોપ છે કે સમીર વાનખેડેને આઠ કરોડ રૂપિયા આપવાના હતા?
જવાબઃ સાવ ખોટું. આ વિષયમાં કોઈ સાક્ષી હોય તો તેને રજૂ કરે. હું ફાંસી ખાવા તૈયાર છું. પણ જો તેમની સામે પુરાવા હોય તો તેમને એ માટે તૈયાર રહેવું જોઈએ.
સવાલઃ તેમણે કહ્યું કે તમે ફોન પર વાત કરતા હતા, લૉઅર પરેલમાં મળ્યા હતા. આ ડીલ 25 કરોડ રૂપિયાની હતી.
જવાબઃ જો મેં કહ્યું હોત કે આ ડીલ 500 કરોડ રૂપિયાની હતી તો શું તમે માની લેત? તે આ કેસમાં પંચ છે કારણ કે તે મારી સાથે હતો. એટલે જ તો તેને સાક્ષીના રૂપે લેવામાં આવ્યો. ફોન પર મળી રહેલી ધમકીઓને કારણે હું મહારાષ્ટ્રની બહાર છું. અને આ કારણે જ વિપક્ષે આને મુદ્દો બનાવી દીધો છે. મને ખબર નથી કે પ્રભાકરને કઈ લાલચ આપવામાં આવી છે. 24 તારીખે આ વાત કેવી રીતે સામે આવી?
સવાલઃ તમારા ઉપર પહેલાં પણ આરોપો લાગ્યા છે તેમ છતાં તમે એનસીબીની કાર્યવાહીમાં સામેલ થયા. એટલે તમારા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.
જવાબઃ મારી સામેનો કેસ પૂરો થઈ ગયો છે. એ કેસ મારા કામ સાથે જોડાયેલો અને ટેકનિકલ હતો. એ કેસ પૂણે સાથે જોડાયેલો હતો. જેમાં એક વ્યક્તિને મેં મલેશિયા મોકલી હતી. એ કેટલાંક મેડિકલ કારણોને લઈને પરત આવી ગઈ હતી. તેણે મારી સામે તબીબી સમસ્યાવાળી વાત વાત છુપાવી હતી. એ કેસમાં મલેશિયામાં ખટલો ચાલવાનો હતો. મેં એને બચાવ્યો. હવે એ કેસને ફરીથી કેમ ખોલવામાં આવ્યો? 6 ઑક્ટોબર બાદ મારી સામે લુક આઉટ નોટિસ કેમ બહાર પાડવામાં આવી?
સવાલઃ તમે આત્મસમર્પણ કેમ ન કર્યું?
જવાબઃ હું સરેંડર કરવાનો હતો. એ માટે હું પૂણે ગયો હતો. એવામાં મારી ઉપર ફોન આવ્યો. 'અંદર જઈશ પછી અમે જોઈ લઈશું' એવી મને જોઈ લેવાની ધમકી આપવામાં આવી. બધી ધમકીઓ વૉટ્સઍપ કૉલ પર મળી હતી. મારી પાસે નંબર છે. હું બધા નંબર રજૂ કરીશ. હું ભૂગર્ભમાં ગયો એના 22 દિવસ થઈ ગયા છે.
સવાલઃ શું તમને પંચના રૂપમાં બોલાવવામાં આવ્યા હતા કે તમે ગયા હતા?
જવાબઃ અમે ત્યાં માહિતી આપવા ગયા હતા. પછી સાંજે અમને પંચ રૂપે બોલાવવામાં આવ્યા. ક્રૂઝ ટર્મિનસ પર કેટલાક કાગળો હતા. મેં તે વાંચ્યા હતા. તેમાં મુનમુન ધમીચા, આર્યન અને તેમના મિત્રો સિવાય અન્ય બે-ત્રણ નામ હતાં. તે એનસીબી ઓફિસ આવ્યા તો તેમાં 10 નામ હતાં. તેના ઉપર મારા હસ્તાક્ષર અને અંગૂઠાનાં નિશાન લેવામાં આવ્યાં હતાં.
સવાલઃ પ્રભાકર સાઈલનો આરોપ છે કે તમે તસવીરો મોકલી હતી?
જવાબઃ અમને ખબરી પાસેથી ટિપ મળી હતી. અલબત્ત પ્રભાકર ગેટ પર હતો, એટલે હું તેને તસવીરો મોકલી રહ્યો હતો. તેને કહેવામાં આવ્યુ હતું કે તેણે આ પૈકી કોઈને જોયા હોય તો કહે. આ સુરક્ષા એજન્સીઓનું કામ છે અમે તો માત્ર તપાસ કરતા હતા અને લોકોને શોધતા હતા.
સવાલઃ તમે આર્યન સાથે સૅલ્ફી લીધી. તેમનો હાથ પકડીને લઈ ગયા. તમને આ અધિકાર કોણે આપ્યો?
જવાબઃ આર્યનની સૅલ્ફી સાથે ધરપકડ નહોતી કરાઈ. સૅલ્ફી લીધી એ મારી ભૂલ હતી. હું એ બદલ માફી માગું છું. આર્યન મારી કારમાંથી બહાર નિકળ્યો. એ સમયે તેનો પગ લપસી ગયો હતો. તેણે મારો હાથ પકડીને ટેકો લીધો હતો. એ સમયે તેને કે મને ખબર નહોતી કે તેની સામે કોઈ આરોપ છે કે નહીં. એટલે તેના ચહેરાને મીડિયાથી બચાવવા માટે અમે તેનો હાથ પકડીને લઈ ગયા.
સવાલઃ તમે ફોન કરીને તેમની કોની સાથે વાત કરાવી?
જવાબઃ હકીકતે, વીડિયો ઉતારવાની મંજૂરી નહોતી. આર્યને મને એક નંબર આપીને કહ્યું કે મારી ઘરે વાત કરાવી દો. તેણે રડતારડતા મને વિનંતી કરી હતી. તેનું ભોજન આવી ગયુ હતું. રાતના ભોજન પહેલાં તેણે કહ્યુ કે એકવાર ફોન આપો. તેને તેમના ઘરવાળા કે કોઈ બીજા સાથે વાત કરવી હતી. એટલે મેં તેને ફોન આપી દીધો.
સવાલઃ પ્રભાકરનો આરોપ છે કે તેમને કોરા કાગળ પર હસ્તાક્ષર કરવા માટે મજબુર કરવામાં આવ્યો અને સમીર વાનખેડેએ તેમને આમ કરવા કહ્યુ હતું.
જવાબઃ એવી રીતે કોરા કાગળ પર કોઈ હસ્તાક્ષર કરતું નથી. મનીષ ભાનુશાળીએ અને મેં પંચનામું વાંચીને તેના પર સહી કરી હતી.
સવાલઃ શું તમને ટિપ મળી હતી કે તમે માહિતી શૅર કરી હતી?
જવાબઃ મને ભાનુશાળીએ કહ્યુ હતું. પછી અમે જઈને એનસીબીને જણાવ્યું. એનસીબી પાસે કેટલીક માહિતી હતી. આ કેસમાં જૂઠ હોવાના જે આરોપ છે, તે નિરાધાર છે.
સવાલઃ એનસીબીનું કહેવુ છે કે આર્યન પાસેથી ડ્રગ પકડાયુ નહોતું.
જવાબઃ કોર્ટમાં જે થયું તે વિષયમાં હું કંઈ ન કહી શકું.
સવાલઃ તમે પ્રભાકર સાઈલને ક્યારથી ઓળખો છો?
જવાબઃ હું પ્રભાકરને છેલ્લા ચાર મહિનાથી ઓળખું છું. તે મારી પાસે કામ માટે આવ્યો હતો. છેલ્લા 10-12 દિવસમાં મેં તેને પૈસા નહોતા આપ્યા. તેથી શક્ય છે કે તે આવો આરોપ લગાવી રહ્યો છે.
સવાલઃ તમે પોલીસકર્મી નથી તો તમારી કાર પર પોલીસનો સિમ્બૉલ ક્યાંથી આવ્યો?
જવાબઃ તે કાર મારી નથી. પોલીસ લખેલુ બોર્ડ પણ મારું નથી. એ સમયે ઘણી હલચલ હતી. મારી એક પિસ્તોલવાળી તસ્વીર વાયરલ થઈ છે, પરંતુ મારી પાસે કોઈ પિસ્તોલ નથી. તે એક લાઇટર છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો