You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્યન ખાન કેસમાં વળાંક, '18 કરોડમાં ડીલ થઈ' સાક્ષીનો દાવો - BBC TOP NEWS
મુંબઈના જે ક્રૂઝ ડ્રગ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ સામેલ છે, તેમાં નવો વળાંક આવ્યો છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે આ કેસમાં જેમને પંચ બનાવાયા હતા તે પ્રભાકરે એનસીબીના ઝોનલ પ્રમુખ સમીર વાનખેડે અને બીજા સાક્ષીઓ વિરુદ્ધ આરોપ લગાવ્યા છે.
આરોપ લગાવનાર પ્રભાકર પોતાને કે. પી. ગોસાવીના બૉડીગાર્ડ ગણાવે છે, ગોસાવી એ વ્યક્તિ છે જેમની આર્યન ખાન સાથેની તસવીર વાઇરલ થઈ હતી.
પ્રભાકરનો આરોપ છે કે તેમણે ગોસાવી અને સૅમને 25 કરોડ રૂપિયા અંગે વાતચીત સાંભળી હતી અને 18 કરોડ રૂપિયામાં ડીલ થઈ હતી.
એવો પણ આરોપ લગાવ્યો છે કે ગોસાવી અને સૅમે 18માંથી આઠ કરોડ રૂપિયા એનસીબી અધિકારી સમીર વાનખેડેને આપવાની વાત કરી હતી.
ગુજરાતની સરકારી શાળાઓમાં 14 હજાર શિક્ષકોની જગ્યા ખાલી?
એક તરફ જ્યાં મોટી સંખ્યામાં ટીચર્સ ઍપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) પાસ કરનાર ઉમેદવારો શિક્ષકની નોકરી મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ રાજ્યભરની સરકારી શાળાઓમાં ધોરણ 1થી 8ના શિક્ષકો માટે લગભગ 14 હજાર જગ્યાઓ ખાલી છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામના હરદેવભાઈ હિમજીભાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતીના અધિકારની અરજી પર રાજ્ય સરકારે આપેલા જવાબમાં આ ખુલાસો થયો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલમાં જણાવાયું છે કે RTI અરજીના સરકારી જવાબ પ્રમાણે 1થી 8 ધોરણમાં 3,324 જગ્યાઓ ગણિતના શિક્ષક માટે અને 3,087 જગ્યા સમાજવિદ્યાના શિક્ષકોની ખાલી છે. આ આંક ઑગસ્ટ 31 સુધીનો સુધીનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોરણ 1થી 5માં 5,687 જગ્યાઓ ખાલી છે અને ધોરણ 6થી 8માં 8,237 જગ્યાઓ ખાલી છે.
આ મામલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "50 હજાર જેટલાં યુવક-યુવતીઓએ TAT પાસ કરી છે અને ચાર વર્ષથી શિક્ષકની નોકરી મેળવવાની રાહ જોઈ રહ્યાં છે. જો શિક્ષકોની આટલી મોટી ઘટ હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે?"
કોરોનાના AY.4.2 મ્યુટન્ટની ભારતમાં પણ હાજરી
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે SARS-CoV-2માં જિનોમિક વેરિયૅશનનું નિરીક્ષણ કરતા INSACOG નેટવર્ક વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોના વાઇરસના એક નવા મ્યુટન્ટ AY.4.2ની ભારતમાં હાજરી નોંધાઈ છે. જોકે, એ 'ઓછી સંખ્યામાં નોંધાયેલી' હાજરી છે.
આ એ જ મ્યુટન્ટ છે, જેનાથી યુરોપમાં ગભરાટ ફેલાયો છે; કારણ કે તે સંભવતઃ ડેલ્ટાની સરખામણીમાં વધારે સંક્રામક છે.
AY.4.2ના લીધે ગત સપ્તાહમાં યુકે, રશિયા અને ઇઝરાયલમાં કોવિડ-19ના કેસમાં તીવ્ર વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સમજૂતીની અટકળો
અમેરિકાની ન્યૂઝ ચેનલ 'સીએનએન'ના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકા અફઘાનિસ્તાનમાં સૈન્ય અને ગુપ્તચર કામગીરી માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા માટે એક ઔપચારિક સમજૂતી કરવાનું છે.
શનિવારે આવેલા આ રિપોર્ટ મુજબ, પાકિસ્તાને કથિત રીતે તેના ઉગ્રવાદવિરોધી પ્રયાસો અને ભારત સાથેના સંબંધોમાં મદદ બદલ અમેરિકા સાથે એક સમજૂતીકરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી દર્શાવી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન કૉંગ્રેસને શનિવારે આ બાબતે માહિતી આપવામાં આવી છે.
જોકે, પાકિસ્તાનના વિદેશમંત્રાલયે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે આવી કોઈ પણ સમજૂતી થઈ હોવાનો ઇનકાર કર્યો છે.
વિદેશમંત્રાલયે કહ્યું કે બંને દેશો વચ્ચે આવી કોઈ સમજૂતી થઈ નથી. જોકે, પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ સામે લડવા માટે બંને દેશો વચ્ચે લાંબાગાળાનો સહયોગી બનેલો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો