You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
T20 World Cupનો પ્રથમ દિવસ બૉલરોના નામે, બૅટ્સમૅનોએ કેવી ભૂલો કરી?
ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ આમ જોવા જઈએ તો નિરાશાજનક રહ્યો કહેવાય. બેટિંગના ચાહકો માટે તો વધારે નિરાશાજનક કહેવાય.
કેમ કે ટી-20 ક્રિકેટ જ બેટિંગ પર રચાયેલી છે. અહીં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલે નહીં તો ટીમ ગમે તેટલો આસાન વિજય હાંસલ કરે પણ પ્રશંસકોને તો નિરાશા જ સાંપડવાની છે. બરાબર આમ જ બન્યું.
ટી-20 વર્લ્ડકપના ક્વૉલિફાઈંગ રાઉન્ડ બાદ રવિવારથી ટુર્નામેન્ટનો ખરો પ્રારંભ થયો અને પહેલા બે કલાકમાં તો સાઉથ આફ્રિકાનો ધબડકો થયો.
ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે મૅચ જીતી પણ 119 રનનો ટાર્ગેટ વટાવવા માટે તેને પણ 19.4 ઓવર રમવું પડ્યું તો બીજી મૅચમાં તો વેસ્ટ ઇન્ડિઝે તેની પાસેથી રખાતી અપેક્ષા મુજબ અનપેક્ષિત પ્રદર્શન કર્યું.
આ મૅચ શરૂ થઈ તે અગાઉ એમ કહેવાતું હતું કે ઇંગ્લૅન્ડ વિશે અટકળ થઈ શકે પણ કૅરેબિયન્સ વિશે નહીં. માત્ર 73 મિનિટમાં તો વેસ્ટ ઇન્ડિઝ આ વાત સાચી પણ પાડી દીધી.
રવિવારે સુપર-12 રાઉન્ડના પ્રથમ દિવસે બૉલરોનું વર્ચસ્વ રહ્યું તેમાં બેમત નથી પણ સાવ એવું પણ ન હતું તેવી દલીલ વેસ્ટ ઇન્ડિઝની મૅચ નિહાળ્યા બાદ જરૂર થાય.
ઇંગ્લૅન્ડના સુકાની ઑઇન મૉર્ગને ટોસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો તે તેમના બૉલર કરતાં કૅરેબિયન બૅટ્સમૅને યથાર્થ કરી દેખાડ્યો, કેમ કે 14.2 ઓવર અને 73 મિનિટ બાદ તેના તમામ બૅટ્સમૅન આઉટ થઈ ગયા હતા અને સ્કોર હતો માંડ 55 રન.
ઇંગ્લૅન્ડે આટલા રન કરવા માટે ચાર વિકેટ ગુમાવી તે ચોક્કસપણે કૅરેબિયન બૉલરોની કમાલ હતી પણ પરિણામ ઇંગ્લૅન્ડનો પાંચ વિકેટે વિજય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉલરોનો રહ્યો પ્રથમ દિવસ
આવી જ રીતે સાઉથ આફ્રિકન ટીમ માત્ર 118 રન કરી શકી, જેના માટે મિચેલ સ્ટાર્ક, ઍડમ ઝમ્પા અને હૅઝલવૂડને યશ આપવો પડે કેમ કે તેમણે ઉમદા બૉલિંગ કરી હતી. કદાચ એટલે જ પ્રથમ દિવસ બૉલરોનો રહ્યો હતો.
સામે પક્ષે સાઉથ આફ્રિકાના તબરેઝ શામ્સી, રબાડા, કેશવ મહારાજ અને નોર્તજેએ એવી જ લડત આપી અને ઑસ્ટ્રેલિયાને 119 રન કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો. માર્કસ સ્ટોઇનિસ અને મૅથ્યુ વેડે છેલ્લી ઘડીએ ધીરજથી બેટિંગ કરી અને ટીમને 19.4 ઓવરમાં ટાર્ગેટ વટાવવામાં મદદ કરી.
હકીકતમાં પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડે આસાનીથી મૅચ જીતીને બે-બે પૉઇન્ટ હાંસલ કર્યા પરંતુ આગળ તેમને અનુભૂતિ થશે કે તેમનો આ વિજય આથી પણ વધારે આસાન બનાવવાની જરૂર હતી.
56 રનનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડની ટીમ છ ઓવરમાં વટાવીને તેની નેટ રનરેટ વધારી શકે તેમ હતી તો ઑસ્ટ્રેલિયાએ આ માટે 20મી ઓવર સુધી પહોંચવાની જરૂર ન હતી કેમ કે આ બંને ટીમ એવા ગ્રૂપમાં છે, જેમને એક પણ આસાન હરીફ મળવાનો નથી. બાંગ્લાદેશ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા કે વેસ્ટ ઇન્ડિઝ દરેક મૅચમાં નિષ્ફળ જાય તેમ નહીં બને.
રવિવારે પ્રથમ મૅચ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ, જેમાં ઍડિયન મારક્રમે 40 રન ફટકારીને ટીમને 100 રનના આંકને પાર કરવામાં મદદ કરી હતી. જ્યારે રબાડાએ છેલ્લી ઓવરોમાં એક સિક્સર સાથે 19 રન ફટકારીને સ્કોર 118 સુધી પહોંચાડ્યો હતો.
ઇન્ડિઝના બૅટ્સમૅનોની ભૂલો અને વિકેટ
આ સ્કોર લડત આપવા માટે કમસે કમ ટી-20 મૅચનો સમય પૂરતો કહી શકાય અને સાઉથ આફ્રિકન ટીમે લડત આપી પણ ખરી કેમ કે ઍરોન ફિંચ ખાતું ખોલાવી શક્યા નહીં તો ડૅવિડ વૉર્નરનું નિષ્ફળ ફોર્મ જારી રહ્યું, મિચેલ માર્શ અને ગ્લૅન મૅક્સવેલ પણ સસ્તામાં આઉટ થઈ ગયા. સ્ટિવ સ્મિથે 35 રન ફટકાર્યા હતા.
બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅને સતત ભૂલો કર્યે રાખી. લગભગ તમામ બૅટ્સમૅન ભૂલ કરીને જ આઉટ થયા હતા.
આદિલ રાશીદે વેધક બૉલિંગ કરીને જે વિકેટો ખેરવી તે લાજવાબ હતી, પણ તે અગાઉ ઍવિન લૅવિસ, ક્રિસ ગેઇલ, હેતમાયર, ડ્વેઇન બ્રાવો કે નિકોલસ પૂરને તો તેમની વિકેટ ફેંકી દીધી હતી.
આમ વેસ્ટ ઇન્ડિઝ 14.2 ઓવરમાં 55 રનમાં ઑલઆઉટ થઈ ગયું. જવાબમાં ઇંગ્લૅન્ડે 56 રન કરવા માટે બિનજરૂરી ચાર વિકેટ ગુમાવી દીધી પરંતુ જૉઝ બટલર ટકી ગયા અને અણનમ 24 રન સાથે ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો