You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંદ્રા અદાણી પૉર્ટ: ગુજરાતના અદાણી પૉર્ટ્સના નિયંત્રણ પર ઈરાન કેમ નારાજ થયું?
તા. 13મી ઑક્ટોબરના ડીઆરઆઈએ ગુજરાતના મુંદ્રા પૉર્ટ ખાતેથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતુ, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2.65 અબજ ડૉલર આંકવામાં આવી છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, તેને કંધારથી ઈરાનના બંદર અબ્બાસ પૉર્ટ ખાતેથી મુંદ્રા મોકલવામાં આવ્યું હતું. આ પૉર્ટના સંચાલનની જવાબદારી અદાણી પૉર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનની (APSEZ) છે.
અદાણી પૉર્ટ્સ ભારતનું સૌથી મોટું બંદર સંચાલક છે એટલે મુંદ્રા ખાતેથી મળેલા આટલા મોટા ડ્રગ્સના જથ્થાથી આશ્ચર્ય ફેલાયું હતું, આ મુદ્દે વિપક્ષ તથા અન્ય કેટલાક લોકોએ બંદરના સંચાલન ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
APSEZએ સોમવારે ટ્રૅડ ઍડ્વાઇઝરી બહાર પાડી હતી કે તા. 15મી નવેમ્બરથી ઈરાન, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનથી આવતા કાર્ગૉ કન્ટેઇનરની આયાત-નિકાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
ઈરાને આ નિર્ણયને બિન-વ્યવસાયિક તથા અસંતુલિત પગલું ઠેરવ્યું છે. સાથે જ આ મુદ્દે ભારતની તપાસનીશ એજન્સીઓ સાથે મળીને તપાસ ચાલી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
ઈરાન નારાજ
ઈરાનનું કહેવું છે કે પોલીસ તથા નાર્કોટિક ડ્રગ કંટ્રોલ ઑથૉરિટીઝ ઑફ ઇંડિયાની ઈરાન સાથે વાત થઈ છે. ત્યારે આ પ્રકારનું પગલું બિન-વ્યવસાયિક તથા અસંતુલિત છે.
નશાકારક પદાર્થોની ગેરકાયદેસર તસ્કરીને અટકાવવીએ બંને દેશો માટે સંયુક્ત પડકાર છે. સમગ્ર કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કન્ટેઇનરોમાં 'સેમિ-પ્રોસેસ્ડ્ પાઉડર સ્ટૉન્સ' હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપૉર્ટ મુજબ, અદાણી પૉર્ટ્સે ટ્રૅડ ઍડ્વાઇઝરીમાં લખ્યું છે કે 'આગામી નોટિસ સુધી અદાણી પૉર્ટ દ્વારા સંચાલિત તમામ ટર્મિનલ્સ પર આ નોટિસ લાગુ રહેશે, જેમાં થર્ડ-પાર્ટી ટર્મિનલ્સ પણ સામેલ છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનનું કહેવું છે, "અફઘાનિસ્તાનમાં નાર્કોટિક્સ પદાર્થોનું ઉત્પાદન અનેક દાયકાઓથી થઈ રહ્યું છે. જેની સંગઠિત તસ્કરી ઈરાન, આ વિસ્તાર તથા દુનિયાભરને માટે ચિંતાનો વિષય છે. આ વૈશ્વિક સમસ્યા સામે મળીને લડવું રહ્યું."
"અફઘાનિસ્તાનમાં હેરોઇનનું ઉત્પાદન તથા તેની તસ્કરી વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં વિદેશી શક્તિઓની હાજરી, અનેક સમૂહો વચ્ચે પરસ્પરના સંઘર્ષ તથા ભયાવહ ગરીબી મુખ્ય કારણ છે."
ઈરાનનું કહેવું છે કે "અફઘાનિસ્તાનમાંથી અમેરિકન તથા નાટો સુરક્ષાબળોના નિર્ગમન બાદ હેરોઈનની તસ્કરીમાં જંગી વધારો થયો છે. ઈરાનનું કહેવું છે કે આ સમસ્યાની અત્યારસુધી ઉપેક્ષા થતી રહી છે."
ઈરાનના નવી દિલ્હી ખાતેના રાજદૂતાલયે લખ્યું, "ઈરાન અગાઉથી જ એકતરફી વેપારી પ્રતિબંધો સામે ઝઝૂમી રહ્યું છે. વધુ એક વખત વેપાર અટકાવવો તથા માલસામાનની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવો એ બિન-વ્યવસાયિક તથા અસંતુલિત પગલું છે."
ભારત-ઈરાન સંબંધ
લાંબા સમય સુધી ઈરાન ભારતના ક્રૂડઑઇલ આપૂર્તિકર્તા રાષ્ટ્ર તરીકે ત્રીજાક્રમે રહ્યું છે.
જોકે અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતે ઈરાન પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું લગભગ બંધ જ કરી દીધું છે. ભારત દ્વારા ઈરાન પાસેથી પોતાના ચલણમાં ક્રૂડઑઇલની ખરીદી કરવામાં આવતી હતી, જેના કારણે દેશના વિદેશી મુદ્રાભંડાર ઉપર તેની અસર પડતી ન હતી.
ભારતની ઊર્જાજરૂરિયાત તથા વિશ્વમાં સૌથી વધુ શિયા મુસલમાનોનું ભારતમાં હોવું એ બંને દેશો વચ્ચે મૈત્રીના મુખ્ય બે આધાર છે. ઈરાનને લાગતું હતું કે ભારત તેના કરતાં ઇરાકની સદ્દામ હુસૈન સરકારની વધુ નજીક છે.
ગલ્ફ કૉઑપરેશન કાઉન્સિલ સાથે આર્થિક સંબંધ તથા ભારતીય શ્રમિકો ઉપરાંત મૅનેજમૅન્ટક્ષેત્રે ભારત તથા આરબ દેશોની વચ્ચે મજબૂત સંબંધ પ્રસ્થાપિત થયા છે.
ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ, ઈરાન-ઇરાક યુદ્ધ તથા અમેરિકા સાથે તણાવને કારણે ભારતની ઊર્જાજરૂરિયાતો મુજબ ઈરાન ક્યારેય ઉત્સાહજનક આપૂર્તિકર્તા નથી રહ્યું.
ઈરાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવવામાં ભારતે હંમેશા ખચકાટ અનુભવ્યો છે.
વર્ષ 1991માં શીતયુદ્ધના સમાપન પછી સોવિયેટ સંઘનું પતન થયું, ત્યારે દુનિયાની ભૂરાજકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધ વિકસ્યા, જેના કારણે ઈરાન સાથેના સંબંધ વિકસી ન શક્યા.
ઇરાક સાથેના યુદ્ધ બાદ ઈરાને પોતાનું ધ્યાન સેનાને મજબૂત કરવા ઉપર કેન્દ્રિત કર્યું હતું.
આ પછી ઈરાને પરમાણુ બૉમ્બના નિર્માણનું કામ શરૂ કરી દીધું હતું. અમેરિકા નથી ઇચ્છતું કે ઈરાન પાસે પરમાણુશક્તિ આવે તથા મધ્યપૂર્વીય દેશોમાં તેનું પ્રભુત્વ વધે.
અમેરિકા ઇચ્છે છે કે વિશ્વના અન્ય દેશો સાથે ઈરાનના સંબંધ સામાન્ય ન થાય.
ઈરાન તથા ઇઝરાયલ વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે. 1979માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પછી એ બંને દેશો વચ્ચે દુશ્મનાવટ વકરી છે. આટલા વર્ષો પછી પણ ઇઝરાયલ તથા ઈરાન વચ્ચેનું વેર ઘટ્યું નહીં, પરંતુ વધ્યું છે.
બીજી બાજુ ઇઝરાયલ તથા ભારતની વચ્ચે નિકટતા વધી છે. ભારત દ્વારા ઇઝરાયલ પાસેથી સશસ્ત્ર સરંજામ તથા ટેકનૉલૉજી ખરીદવામાં આવે છે.
વર્ષ 2016માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનની મુલાકાત લીધી હતી. ત્યારે તેને ચાબહાર પૉર્ટ સાથે સાંકળીને જોવામાં આવતી હતી.
ચીન તથા પાકિસ્તાનની વચ્ચે વધતી નિકટતાનો તોડ ભારતને ચાબહાર પૉર્ટમાં મળી શકે છે.
ઈરાનને ખટકો
ઇરાનનું કહેવું છે કે ભારત તેની સાથે જાહેર સંબંધ નથી રાખી રહ્યું, પરંતુ ખૂબ જ ચેતી-ચેતીને સંબંધ વધારે છે. નવેમ્બર-2019માં ઈરાનના તત્કાલીન વિદેશ મંત્રી જવાદ જરીફે કહ્યું હતું કે ભારતે તેની કરોડરજ્જૂને વધુ મજબૂત કરવી જોઈએ જેથી ઈરાન પરના પ્રતિબંધો મુદ્દે અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કરી શકે.
જરીફે ભારત તથા ઈરાન વચ્ચે પ્રવર્તમાન સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમનું કહેવું હતું કે અમેરિકાના પ્રતિબંધો પહેલાં એવી આશા હતી કે ભારત ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી કરતું સૌથી મોટું રાષ્ટ્ર બની જશે.
જરીફે કહ્યું હતું, "ઈરાન એ વાત સમજે છે કે ભારત અમારી ઉપર પ્રતિબંધ નથી ઇચ્છતું. પરંતુ તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નારાજ નથી કરવા માગતું. લોકો ઇચ્છે છે કંઇક બીજું અને કંઇક બીજું જ કરવું પડી રહ્યું છે."
"આ વૈશ્વિક વ્યૂહરચનામાં ભૂલ છે. અને દુનિયાભરના દેશો આ ભૂલ કરી રહ્યા છે."
"તમે જ્યાર સુધી ખોટી બાબતોનો સ્વીકાર કરશો, ત્યાર સુધી તેનો અંત નહીં આવે. તથા એ જ દિશામાં આગળ વધવા માટે મજબૂર થતા રહેશે."
"અગાઉ પણ અમેરિકાના દબાણ હેઠળ ભારત ઈરાન પાસેથી ક્રૂડઑઈલની ખરીદી નહોતું કરતું."
તેમણે ઉમેર્યું હતું, "ચાબહાર બંદર ભારત તથા ઈરાન માટે ખૂબ જ મહત્ત્તવપૂર્ણ છે. ચાબહારની અસર પ્રાદેશિકસ્થિરતા ઉપર પડશે. અફઘાનિસ્તાનમાં સ્થિરતા આવશે, મતલબ કે આતંકવાદ ઉપર ગાળિયો કસી શકાશે."
તેમણે કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોનું પરિણામ ઈરાનની આઠ કરોડની જનતા ભોગવી રહી છે. 1979માં ઇસ્લામિક ક્રાંતિ બાદ ઈરાન ઉપર વારંવાર અમેરિકાના પ્રતિબંધ લાગતા રહ્યા છે. એ ક્રાંતિ બાદ ઈરાનમાં પશ્ચિમસમર્થિત શાસક શાહ મોહમ્મદ રજા પહલવીના શાસનનું પતન થયું હતું.
ઉલ્લેખનીય છે કે જરીફે જ્યારે આ નિવેદન કર્યું, ત્યારે અફઘાનિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર હતી. ઑગસ્ટના મધ્યભાગથી અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોનો કબજો છે, જેને ભારતે માન્યતા નથી આપી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો