You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંબલના 400 ડાકુઓને હથિયાર હેઠાં મુકાવનાર કોણ હતા?
- લેેખક, કુમાર પ્રશાંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સલેમ નાનજુંદૈયા સુબ્બારાવ અથવા સુબ્બારાવજી અથવા દેશભરના લોકો માટે એક ભાઈજી અથવા સિપાહી.
તેઓ હારેલી મનોસ્થિતિમાં, નિરાશ અને લાચાર મનથી નથી ગયા. પણ કામ કરતા કરતા, ગીત ગાતા ગાતા થાકીને અનંત વિશ્રામમાં લીન થયા.
આ એ સત્ય છે જેનો સામનો દરેકે કરવો જ પડે છે અને વ્યક્તિની વય જ્યારે 93 વર્ષની થઈ રહી હોય ત્યારે તો કોઈ પણ ક્ષણે આ સત્યનો સામનો થઈ શકે છે.
27 ઑક્ટોબર, 2021ની સવારે છ વાગ્યાનો સમય સુબ્બારાવ માટે આવી જ એક ક્ષણ પુરવાર થયો.
હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું. ગાંધીની કહાણીના એક વધુ લેખકે વિદાય લઈ લીધી.
સુબ્બારાવ આઝાદીના સિપાહી હતા પરંતુ તેઓ એવા સિપાહી નહોતા જેમની લડાઈ 15 ઑગસ્ટ 1947ના રોજ પૂરી થઈ ગઈ. તેમના માટે આઝાદીનો અર્થ સતત બદલાતો રહ્યો અને તેનું ફલક પણ વધતું જ ગયું.
ક્યારેક અંગ્રેજો સામે મુક્તિની લડાઈ લડી તો ક્યારેક અંગ્રેજી માનસિકતાની ગુલામીથી મુક્તિની લડાઈ લડી. પછી નવો માનવીય અને ન્યાયપૂર્ણ સમાજ બનાવવાની રચનાત્મક લડાઈ વિનોબા-જયપ્રકાશે છેડી તો તેમાં પણ સુબ્બારાવે ભાગ લીધો.
આ કહાણી 13 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી જ્યારે 1942માં ગાંધીજીએ અંગ્રેજી હુકૂમતને ‘ભારત છોડો’નો આદેશ આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈ ગુલામ દેશની આઝાદીની લડાઈના નાયક, ગુલામકર્તા દેશને આવો સખત આદેશ આપી શકે છે, એ વાતે ઘણાને હચમચાવી મૂક્યા અને ઘણાં તેમાં બધું જ ભૂલીને જોતરાઈ ગયા.
13 વર્ષની ઉમંરમાં સ્વતંત્રતાની લડાઈ
કર્ણાટકના બેંગલુરુની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા 13 વર્ષના સુબ્બારાવને બીજું કંઈ ન સમજાયું તો તેમણે પોતાની શાળા અને નગરની દીવાલો પર મોટા અક્ષરોમાં લખવાનું શરૂ કરી દીધું. ભારત છોડો. 13 વર્ષના સુબ્બારાવ જેલમાં પણ ગયા.
બાદમાં સરકારે ઉંમર જોઈને તેમને છોડી દીધા પરંતુ સુબ્બારાવે આ કામમાંથી મુક્તિ ન લીધી. એ સમયે સ્વતંત્રતા માટેની લડાઈનો એક જ અર્થ હતો – કૉંગ્રેસમાં સામેલ થવું. સુબ્બારાવ સાથે પણ આવું જ થયું.
કૉંગ્રેસથી તેઓ કૉંગ્રેસ સેવાદળમાં પહોંચ્યા અને ત્યારે સેવાદળના સંચાલક હાર્ડિકર સાહેબની આંખો તેમના પર ટકેલી હતી. હાર્ડિકર સાહેબે સુબ્બારાવને એક વર્ષ કૉંગ્રેસ સેવાદળને આપવા માટે મનાવી લીધા.
યુવકોમાં કામ કરવાનો મોટો ઉત્સાહ હતો. સુબ્બારાવ પાસે પોતાનાં હથિયારો હતાં અને એ હથિયાર હતાં ભજન અને ભક્તિ સંગીત.
તેઓ શાળાના સમયથી જ ભજન કરતા હતા. હવે સમાજમાં પરિવર્તન માટે ગાવા લાગ્યા. વળી અવાજ ઊઠ્યો તો યુવાઓમાં તેની પ્રતિધ્વનિ ઊઠી.
કર્ણાટકના સુબ્બારાવે બીજી વાત એ ઓળખી કે દેશના યુવાઓ સુધી પહોંચવું હોય તો દેશભરની ભાષાઓ જાણવી જરૂરી છે. જેમાં કૉંગ્રેસના સેવાદળનો સ્વાંગ ઉતરી ગયો અને સુબ્બારાવ ખાલિસ સર્વોદય કાર્યકર્તા બની ગયા. કોઈ ઓળખી જ ન શક્યા.
1969નું વર્ષ ગાંધી-શતાબ્દીનું વર્ષ હતું. સુબ્બારાવની કલ્પના હતી કે ગાંધી-વિચાર અને ગાંધીનો ઇતિહાસ દેશના ખૂણેખૂણે સુધી પહોંચાડવામાં આવે.
સવાલ એ હતો કે કઈ રીતે પહોંચાડવામાં આવે. અને સુબ્બારાવ પાસે જવાબ તૈયાર હતો. સરકાર નાની-મોટી બંને લાઇન પર બે રેલગાડીઓ આપણને આપે તો હું ગાંધી દર્શન ટ્રેનનું આયોજન કરી શકું છું.
આ એક અનોખી કલ્પના હતી. આખા વર્ષ દરમિયાન બે રેલગાડીઓ સુબ્બારાવના નિર્દેશને પગલે ભારતમાં ભ્રમણ કરતી રહી. યથાસંભવ નાના-નાના સ્ટેશનો પર તે પહોંચતી-રોકાતી અને સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ, નાગરિક, સ્ત્રી-પુરુષો આ ગાડીઓના ડબ્બામાં ફરીને ગાંધીને જોતા અને સમજતા રહેતા.
આ એક મહાઅભિયાન હતું. તેમાં એક બીજી વાત પણ થઈ. દેશભરના યુવાનો સાથે સીધો અને જીવંત સંપર્ક થયો. રચનાત્મક કાર્યકર્તા બનવાનું કઠિન સપનું ગાંધીજીનું હતું, સુબ્બારાવે રચનાત્મક માનસના યુવાઓને જોડવાનું કામ કર્યું.
ચંબલની કોતરોમાં ડાકુઓનો આતંક
સુબ્બારાવના મનમાં મધ્યપ્રદેશના ચંબલના વિસ્તારોમાં ફરીને યુવાઓની રચનાત્મક વૃત્તિને ઉભાર આપવાની એક બીજી પહેલ આકાર લેવા લાગી હતી અને તેમાં લાંબા સમયગાળાના મોટી સંખ્યાના શ્રમશિબિરોનો સિલસિલો શરૂ થયો.
સંખ્યાબંધ યુવાઓને સંયોજિત કરીને શિબિરોમાં લાવવા અને આશ્રમના ગીત ગાતા ખેતર-બાંધ-રસ્તાઓ-ઘરોને આઝાદ કરવા તથા ભાષાના દોરાથી યુવાનોની વિવિધતાને એકસૂત્રમાં બાંધવું તેમના જીવનનું મિશન બની ગયું.
ચંબલ ડાકુઓનો અડ્ડો માનવામાં આવતો. એક એકથી ચડિયાતી ડાકુ ગૅંગ ત્યાંથી લૂંટનું અભિયાન ચલાવતી હતી અને પછી આ કોતરોમાં આવીને રહેતી હતી. સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં અને મોટા પોલીસબેડાં છતાં કંઈ ખાસ સફળતા નહોતી મેળવી શકતી.
એ સમયે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ડાકુઓ અને પોલીસવ્યવસ્થા વચ્ચે તાલમેલ વિકસિત થઈ ચૂક્યો છે. તેનાથી એક એવો પરિણામવિહિન ખેલ શરૂ થઈ ગયો જેમાં બંનેને સારી કમાણી થવા લાગી અને સાધારણ લોકો પરેશાન થવા લાગ્યા.
એવા જ સમયમાં વિનોબા ભાવે પોતાની ભૂદાન યાત્રાના ક્રમમાં આ વિસ્તારમાં પહોંચ્યા અને ક્યાંકથી પરિવર્તનની કોઈ લહેર ઉઠી અને વિનોબા ભાવે સુધી પહોંચી.
ડાકુઓની એક ટોળકીએ સંત વિનોબા ભાવે સમક્ષ પોતાનાં હથિયાર રાખીને કહ્યું, “અમે અમારાં કરેલાં કામો બદલ પશ્ચાત્તાપ કરીએ છીએ અને તમે મદદ કરો તો અમે નાગરિક જીવનમાં પરત ફરવાની કોશિશ કરવા ઇચ્છીએ છીએ.”
ડાકુઓ દ્વારા આ એવું સમર્પણ હતું જેણે દેશ-દુનિયાના સમાજશાસ્ત્રીઓને આ સમસ્યાના સંદર્ભમાં કંઈક નવું જોવા-સમજવા પર મજબૂર કરી દીધા.
વિનોબા ભાવેએ રોપેલું આત્મગ્લાનિનો આ છોડ વિકસિત થઈને પહોંચ્યો જયપ્રકાશ નારાયણ પાસે અને પછી કંઈક એવું થયું કે ચાર ચારસોથી વધુ ડાકુઓએ જયપ્રકાશના ચરણોમાં પોતાની બંદૂક મૂકી, ડાકુનું જીવન છોડી દીધું. તેમાં એવા ડાકુઓ પણ સામેલ હતા જેના પર સરકારે લાખો રૂપિયાનાં ઇનામ રાખેલાં હતાં.
આ જાહેર આત્મ-સમર્પણથી અપરાધ-શાસ્ત્રમાં એક નવો અધ્યાય લખાયો. જયપ્રકાશે કહ્યું હતું, “આ ડાકુ નથી, આપણી અન્યાયપૂર્ણ સમાજવ્યવસ્થા સામે બળવો કરનારા, ભટકી ગયેલા લોકો છે. તેમને ડાકુ કહેવાથી કોઈ નવી શરૂઆત નહીં થાય પરંતુ તેમને જો તમે સ્વીકારશો તો તેઓ સામાન્ય જીવનના રસ્તે પાછા ફરીને નવી શરૂઆત કરી શકે છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો