ઉદ્ધવ ઠાકરે : દારૂથી લઈને ફોટોગ્રાફી સુધીની એ નવ વાતો જે તમે નહીં જાણતા હોવ

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા છે. ઠાકરે પરિવારમાંથી પહેલી વાર કોઈ મુખ્ય મંત્રી બન્યું છે.

ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડી (શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન)ના નેતાના રૂપમાં મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી બન્યા છે.

ઉદ્ધવ ઠાકરે 1990ના દાયકામાં રાજકારણમાં સક્રિય થયા હતા.

ઉદ્ધવ ઠાકરેની છબિ અન્ય નેતા કરતાં કઈ રીતે નોખી તરી આવે છે અને તેમની ખાસિયત શું છે.

1.દારૂનો સ્વાદ સહન નથી થતો

બહુ ઓછા લોકોને ખબર હશે કે ઉદ્ધવ ઠાકરેએ દારૂનો સ્વાદ સહન નથી થતો.

આ વિશે વાત કરતાં 'ધ કઝિન્સ ઠાકરે' પુસ્તકના લેખક ધવલ કુલકર્ણી કહે છે, "1990ના દસકની આ વાત છે. શિવસેનાના મુખપત્ર 'સામના'ની વર્ષગાંઠની એક પાર્ટી હતી."

"અનેક મહાનુભાવો એકઠા થયા હતા. ત્યારે લોકોના આગ્રહને વશ થઈને ઉદ્ધવ ઠાકરેએ શૅમ્પેઇનનો એક ઘૂંટ પીધો."

"ત્યાં ઉપસ્થિતિ લોકો કહેતા હતા કે તેમને અચાનક ઊલટી થઈ ગઈ. એટલે ત્યારથી કહેવાય છે કે તેમને દારૂનો સ્વાદ માફક નથી આવતો."

ઉદ્ધવ ઠાકરે આજે પણ નિર્વ્યસની છે.

2. નાનપણથી શાંત

ઉદ્ધવ ઠાકરે નાનપણથી બહુ જ શાંત છે. તેઓ જલદી ગુસ્સે થતા નથી. રાજ ઠાકરેનાં મોટા બહેન જયવંતી ઉદ્ધવ ઠાકરેને 'દાદુ' કહીને બોલવાતા હતા.

દાદુનો અર્થ મોટા ભાઈ થાય છે. એટલે પછી રાજ ઠાકરેએ પણ ઉદ્ધવ ઠાકરેને દાદુ કહીને બોલાવવાનું શરૂ કર્યું. ઘણા તેમને ડિંગુદાદા કહીને પણ બોલાવે છે.

3. રાજ ઠાકરેનાં બહેને ઉદ્ધવ ઠાકરેનાં લગ્ન કરાવ્યાં

ઉદ્ધવ ઠાકરેનાં લગ્ન રશ્મિ ઠાકરે (એ વખતના પાટકર) સાથે થયાં હતાં. અને આ લગ્ન રાજ ઠાકરેનાં બહેન જયવંતીએ કરાવ્યાં હતાં.

રશ્મિ પાટકર અને જયવંતી ઠાકરે બહેનપણી હતાં. જયવંતીએ સૂચન કર્યું હતું કે આ છોકરી સાથે દાદુને ફાવશે, એવું ધવલ કુલકર્ણી કહે છે.

4.બૅડમિન્ટન અને ક્રિકેટપ્રેમ

વર્ષ 1996-97ની આ વાત છે. રાજ ઠાકરેએ બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું. તેઓ બૅડમિન્ટન રમવા માટે દાદર જતા હતા.

તેમણે રમવા માટે દાદુ એટલે કે ઉદ્ધવ ઠાકરેને પણ બોલાવ્યા પણ એક દિવસ રમતી વખતે ઉદ્ધવ ઠાકરે પડી ગયા.

એ વખતે રાજ અને તેમના કેટલાક મિત્રોએ ઉદ્ધવ ઠાકરેની મજાક ઉડાવી. તે પછી ઉદ્ધવ ઠાકરેએ આવવાનું બંધ કર્યું.

બધાને એવું લાગ્યું કે તેમણે હવે રમવાનું છોડી દીધું, પરંતુ ઉદ્ધવ ઠાકરે રમવા માટે હવે બીજા કોર્ટમાં જતા હતા.

બૅડમિન્ટન શીખવા માટે રાજ ઠાકરે જે કોચ પાસે જતા હતા એ જ કોચ ઉદ્ધવને પણ શીખવાડતા હતા.

એક વખતે એ કોચે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હવે ઉત્તમ બૅડમિન્ટન રમતા થઈ ગયા છે. હવે તો તેઓ મને પણ ટફ ફાઇટ આપે છે.

5.ફોટોગ્રાફીની આવડત

ઉદ્ધવ ઠાકરેને ફોટોગ્રાફીનો શોખ છે અને એરિયલ ફોટોગ્રાફી એ તેમની ખાસિયત છે. 2010માં તેમના ફોટોગ્રાફ સાથેનું એક પુસ્તક 'મહારાષ્ટ્ર દેશા' નામથી પ્રકાશિત થયું હતું.

આ પુસ્તકમાં મહારાષ્ટ્રનાં વિવિધ સ્થળોની તસવીરો છે. 2011માં પણ પહાવા વિઠ્ઠલ (વિઠ્ઠલને જુઓ) નામથી પણ એક પુસ્તક પ્રકાશિત થયું હતું. અનેક વખત તેઓ મિલિંદ ગુણાજી સાથે ફોટોગ્રાફી કરવા જતા હતા.

6. સ્વાસ્થ્ય પરત્વે જાગૃત નેતા

ઉદ્ધવ ઠાકરે સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ સજાગ હોવાનું મનાય છે. તેઓ પ્રમાણસર ખાય છે અને ખૂબ વ્યાયામ કરે છે. તેમના ખાનપાનની અસર તેમના સ્વાસ્થ્ય પર દેખાઈ આવે છે અને તેમનો સ્વભાવ પણ ઘણો શાંત છે.

7. કાકા-ભત્રીજાનો પ્રેમ

જે રીતે રાજ ઠાકરે અને બાળ ઠાકરે વચ્ચે લગાવ હતો તે જ રીતે ઉદ્ધવ ઠાકરેને તેમના કાકા અને રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે સાથે પણ ખૂબ લગાવ હતો.

શ્રીકાંત ઠાકરેનો જીવ પણ ઉદ્ધવ ઠાકરેમાં જ હતો.

તેમના સંબંધ વિશે વાત કરતા ધવલ કુલકર્ણી કહે છે, "ઉદ્ધવ દોઢ વર્ષના હતા ત્યારે તેમની તબિયત ખરાબ થઈ ગઈ. એવું લાગતું હતું કે તેઓ બચી નહીં શકે."

"બાળ ઠાકરે પણ હતાશ થઈ ગયા હતા. એ વખતે શ્રીકાંત ઠાકરેએ એમની સારસંભાળ લીધી અને તેઓ ફરી સ્વસ્થ થઈ ગયા."

8. રાજકીય સફરનાં પ્રેરણા રશ્મિ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર પાછળ જો કોઈ પ્રેરણા હોય તો તે તેમનાં પત્ની રશ્મિ ઠાકરે છે.

ધવલ કુલકર્ણી કહે છે કે રશ્મિને પણ રાજકીય મહત્ત્વાકાંક્ષા હતી. ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં આવ્યા પછી રશ્મિ ઠાકરેએ કાયમ તેમને ટેકો આપ્યો છે.

"ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી તરીકે જોવા એ પણ તેમની ઇચ્છા હતી. રશ્મિ ઠાકરેએ ઘરની જવાબદારીઓ સાથે આદિત્ય અને તેજસનું શિસ્તબદ્ધ ઘડતર કર્યું છે."

9.પરિવારનો પ્રાણીપ્રેમ

ઉદ્ધવ ઠાકરે પરિવારને નજીકથી ઓળખનાર લોકો કહે છે કે તેમનો પરિવાર શાંત સ્વભાવ ધરાવે છે અને તેમના ઘરમાં એક સકારાત્મક વાતાવરણ જોવા મળે છે.

માતોશ્રીની બાજુમાં જ એક બાગ છે. જ્યાં વિવિધ પ્રજાતિનાં પ્રાણી-પંખીઓ અને વૃક્ષો છે. આખા પરિવારને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો